વાંચતી વખતે કેટલી લાઇટ ઇનફ કહેવાય?

07 January, 2022 06:45 PM IST  |  Mumbai | Sejal Patel

ઑસ્ટ્રેલિયન સર્વે કહે છે કે કોરોનાકાળમાં ટીનેજર્સમાં જેમ બ્લુ લાઇટ ફેંકતાં ડિવાઇસ વાપરવાનું પ્રમાણ વધ્યું છે એમ અંધારામાં પુસ્તકો વાંચવાનું પ્રમાણ પણ વધ્યું છે. આ બન્ને ચીજો વિઝન માટે હાનિકારક છે ત્યારે જાણીએ સાચી રીતે વાંચવાની રીત શું છે એ

વાંચતી વખતે કેટલી લાઇટ ઇનફ કહેવાય?

પુસ્તક વાંચતી વખતે રૂમમાં કેટલી લાઇટ હોવી જોઈએ? 
કોઈને આ સવાલ થોડો વિચિત્ર લાગી શકે. કેમ કે આજકાલ ટીનેજર્સ હવે પુસ્તકો જ ક્યાં વાંચે છે? ઈ-બુકને બદલે પુસ્તકો વાંચવાની આદત કેળવવી જોઈએ એ બાબતે દુનિયાભરમાં જાગૃતિ કાર્યક્રમો થાય છે અને એના અંતર્ગત ઑસ્ટ્રેલિયામાં એક સ્ટડી થયો, જેનું તારણ ચોંકાવનારું છે. જે કિશોરો પુસ્તકો વાંચે છે એ પણ બહુ ડિમ લાઇટમાં વાંચતા હોવાથી તેમની આંખને નુકસાન થઈ રહ્યું છે. પ્રાઇવસી જોઈતી હોવાથી ટીનેજર્સ રૂમના ખૂણામાં અથવા તો બેડ પર સાઇડ લૅમ્પ ચાલુ રાખીને સૂતાં-સૂતાં વાંચે છે. આ આદત પણ એટલી જ હાનિકારક છે જેટલું બ્લુ લાઇટનું એક્સપોઝર. 
શું નુકસાન થાય? | ડિમ લાઇટથી શું તકલીફ થાય? એ વિશે જાણીતા ઑપ્થેલ્મોલૉજિસ્ટ અને આઇ સર્જ્યન ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘જ્યારે પૂરતી લાઇટ ન હોય ત્યારે શબ્દો વાંચવામાં આંખ ખેંચાય છે અને જ્યારે બહુ જ બ્રાઇટ લાઇટ હોય છે ત્યારે આંખ અંજાઈ જાય છે. આ બન્ને સ્થિતિ આંખ માટે સારી નથી. એ આંખને થકવી નાખે છે. બ્રાઇટ લાઇટથી ડ્રાયનેસ વધે છે, રેટિના અને કૉર્નિયા ડૅમેજ થાય છે અને ડિમ લાઇટથી આંખના મસલ્સ થાકી જાય છે અને મસલ્સને લગતી સમસ્યાઓ પેદા થાય છે. ઇન ફૅક્ટ, લાઇટની સાથે બાળકોના પૉશ્ચરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ડિમ લાઇટ હોય ત્યારે બાળક પુસ્તકને બહુ નજીકથી વાંચતું હોય છે. પથારીમાં સૂતાં-સૂતાં કે ઊંધું પડીને વાંચે છે જે આંખની સાથે ઓવરઑલ હેલ્થ માટે પણ હાનિકારક છે. ’
કેટલી લાઇટ જોઈએ? | સામાન્ય રીતે રાતના સમયે વાંચવાનું હોય ત્યારે લોકો ટેબલ લૅમ્પ કે બેડરૂમના સાઇડ લૅમ્પમાં જ વાંચવાનું પ્ર‌િફર કરતા હોય છે. તો વાંચતી વખતે કેટલી લાઇટ હોય તો આંખને તકલીફ ન પડે? એ સવાલનો જવાબ આપતાં ડૉ. વૈશલ કેનિયા કહે છે, ‘લાઇટની બ્રાઇટનેસની ટેક્નિકાલિટીમાં ન જતાં કમ્ફર્ટને ધ્યાનમાં રાખવું. તમે પુસ્તકને આંખથી યોગ્ય અંતરે રાખો એ પછી પણ વાંચતી વખતે આંખો ઝીણી ન કરવી પડે એટલી લાઇટ હોવી જોઈએ. બીજું, લાઇટ તમારી આંખો પર નહીં, તમારે જે વાંચવાનું છે એની પર પડવી જોઈએ. અને ત્રીજું, લાઇટ એવી જગ્યાએ પણ ન હોવી જોઈએ કે જેથી તમે જે વાંચી રહ્યા છો એની પર તમારા જ માથા કે હાથનો શૅડો પડતો હોય. હાલમાં જે એલઈડી લાઇટ્સ આવી છે એ બેસ્ટ છે.’
૨૦-૨૦-૨૦ રૂલ | લાંબો સમય વાંચવાનું થાય ત્યારે આંખો વારંવાર થાકી જતી હોય છે, પણ આપણે વાંચવામાં મશગૂલ હોઈએ છીએ એટલે આંખોની થકાન, ડ્રાયનેસની એ વખતે ખબર નથી પડતી. એવા સમયે દર અડધો કલાકે બન્ને આંખોને ઢાંકીને દસ-વીસ સેકન્ડ માટે પામિંગ પણ કરી શકાય. તમે પુસ્તક વાંચતા હો કે સ્માર્ટફોન કે ગૅજેટ પર ભણતા હો, બન્ને વખતે આંખોને વચ્ચે હળવાશનો સમય આપવો જરૂરી છે એમ જણાવતાં ડૉ. વૈશલ કહે છે, ‘આંખોને રિલૅક્સ રાખવાનો ૨૦-૨૦-૨૦નો નિયમ છે. મતલબ કે દર વીસ મિનિટે તમારી આંખો સ્ક્રીન કે પુસ્તક પરથી હટાવીને ૨૦ ફુટ દૂરના ઑબ્જેક્ટને ૨૦ સેકન્ડ માટે જુઓ. એમ કરવાથી આંખોની થકાન ઘટશે. ધારો કે લાઇટને કારણે ડ્રાયનેસ આવતી હશે તો એમાં પણ ફરક પડશે. બાકી જો વધુ સમય વાંચવાનું હોય તો આઇ લુબ્રિકન્ટ ડ્રૉપ્સ પણ નાખી શકાય. ઓવર ધ કાઉન્ટર એ મેડિકલ સ્ટોરમાંથી મળે છે અને એનાથી કોઈ નુકસાન નથી થતું.’

 લાઇટ તમારી આંખો પર નહીં, તમારે જે વાંચવાનું છે એની પર પડવી જોઈએ. લાઇટ એવી જગ્યાએ પણ ન હોવી જોઈએ જેથી તમે જે વાંચી રહ્યા છો એની પર તમારા જ માથા કે હાથનો શૅડો પડતો હોય
ડૉ. વૈશલ કેનિયા, ઑપ્થેલ્મોલૉજિસ્ટ

columnists sejal patel