પુલાવમાં મીઠું વધુ પડી ગયું તો કુકરના ઢાંકણામાં સીટી નહોતી મૂકી

21 May, 2020 09:30 PM IST  |  Mumbai | Varsha Chitalia

પુલાવમાં મીઠું વધુ પડી ગયું તો કુકરના ઢાંકણામાં સીટી નહોતી મૂકી

મિશન કુકિંગ પર નીકળેલા જિગરભાઈ

જ્યારથી લૉકડાઉન આવ્યું છે બાળકો અને પુરુષોએ ટાઇમપાસ કરવા કિચનમાં હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. કેટલાક રસોઈ બનાવવામાં સફળ થયા છે તો અનેક પુરુષોને તેમની પત્ની દ્વારા કિચનમાંથી ભગાડી દેવામાં આવ્યા છે. કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા બિઝનેસમૅન જિગર રાજપૂતને પણ શરૂઆતમાં તેમની વાઇફે કિચનમાં કામ ન કરવાની સલાહ આપી હતી. તેમ છતાં તેમણે એક્સપરિમેન્ટ ચાલુ રાખ્યા અને હજી આ સિલસિલો ચાલે છે. ચાલો મળીએ મિશન કુકિંગ પર નીકળેલા જિગરભાઈને.

ઘરમાં આખો દિવસ ટાઇમપાસ થતો નહોતો તો થયું વાઇફને મદદ કરીએ. ફન ખાતર જ કિચનમાં પગ મૂક્યો હતો. પછી તો એવી મજા પડી ગઈ કે બહાર નીકળવાનું મન ન થાય. અતિ ઉત્સાહ સાથે તેઓ કહે છે, ‘પહેલાં ક્યારેય મેં કિચનમાં કામ કર્યું નહોતું તેથી રસોઈ બનાવતાં આવડી જશે એ બાબત મને પોતાને શંકા હતી. જો હોગા દેખા જાએગા વિચારીને ઝંપલાવી દીધું. જોકે પહેલી જ ડિશમાં ધબડકો થયો. પુલાવમાં મીઠું વધુ પડી ગયું. બીજા દિવસે યુટ્યુબ પર જોઈને આલૂ-અન્યન પરાઠાં બનાવવાનો સંકલ્પ કરી કિચનમાં ઘૂસી ગયો. મારી વાઇફ હેતલને કહી દીધું કે તું અંદર આવતી નહીં, હું મૅનેજ કરી લઈશ. કુકરમાં બટાટા બાફવા મૂક્યા. કેટલીય વાર સુધી સીટી વાગી નહીં એટલે હેતલ કિચનમાં દોડી. ઢાંકણામાં સીટી નહીં ને અંદર રિંગ પણ નહોતી મૂકી. આવા તો અઢળક પ્રયોગો કર્યા છે. ત્યારે સમજાઈ ગયું કે કિચનમાં કામ કરવું એ ખાવાના ખેલ નથી. આ કામ ગૃહિણી જ કરી શકે. જોકે બહુ મજા પડે છે.’
કઈ-કઈ ડિશ બનાવી ચૂક્યા છો એવા પ્રશ્નનો જવાબ આપતી વખતે તેઓ ખડખડાટ હસી પડે છે. જિગરભાઈ કહે છે, ‘શું નથી બનાવ્યું એ પૂછો. વડાપાંઉ, પાંઉભાજી, બિરયાની, પાણીપૂરી, સેવપુરી, ઇટાલિયન મૅગી, ચીઝ બૉલ્સ, કટલેટ્સ... લાંબું લિસ્ટ છે. હવે તો મારી વાઇફ અને દીકરીઓ પણ ઑર્ડર કરે છે કે આજે આ બનાવજો. સોશ્યલ મીડિયા પર ફોટોઝ શૅર કરવાના કારણે વાત મિત્રો સુધી પહોંચી ગઈ. બધાના ફોન આવવા લાગ્યા કે યાર શું વાત છે, અમને પણ ખવડાવ. હવે તો ત્રણ-ચાર ફૅમિલીને ધ્યાનમાં રાખી રસોઈ બનાવવાની હોય. જેમ મહિલાઓનો આડોશપાડોશમાં વાટકી વહેવાર ચાલે એમ મારો પ્લેટ વહેવાર ચાલે છે. નવી આઇટમ બને એટલે સોસાયટીમાં જ રહેતા મિત્રોના ઘરે પ્લેટ ભરીને પહોંચાડી દેવાની. એ લોકો પાછા સામે પ્લેટ ભરીને જુદી આઇટમ મોકલે. જલસો પડી ગયો છે.’
નવ અને પાંચ વર્ષની ઉંમરની બે દીકરીના પપ્પા જિગરભાઈનો પ્રિન્ટિંગનો બિઝનેસ છે. સામાન્ય દિવસોમાં તેઓ બહુ બિઝી રહેતા હોય છે, પરંતુ રસોઈમાં એટલો રસ પડ્યો છે કે લૉકડાઉન પતે પછી શનિ-રવિની રજામાં વાઇફને કિચનમાંથી છુટ્ટી આપવા માગે છે. પપ્પાના કુકિંગ મિશનમાં હવે બન્ને દીકરીઓ પણ
જોડાઈ છે.

મૅગી પકોડા
સામગ્રી
૧ પૅકેટ મૅગી, ૧ પૅકેટ મૅગી મસાલા, એક મોટી સાઇઝનો બારીક સમારેલો કાંદો, એક શિમલા મિર્ચ, અડધી ચમચી કૉર્નફ્લોર, અડધી ચમચી બેસન, બે ચમચી ચોખાનો લોટ, ૩-૪ કળી લસણની પેસ્ટ, વાટેલાં આદું-મરચાં, બારીક સમારેલી કોથમીર, તળવા માટે તેલ, મીઠું સ્વાદાનુસાર.
રીત
પૅનમાં એક કપ પાણી નાખી ગૅસ પર મૂકો. પાણી ઊકળે એટલે એમાં મૅગી મસાલા અને નૂડલ્સ નાખો. મૅગી બની જાય એટલે સાઇડ પર મૂકી દો. હવે એક બાઉલમાં બેસન, કૉર્નફ્લોર, ચોખાનો લોટ, કાંદા, આદું-મરચાં અને લસણની પેસ્ટ, શિમલા મિર્ચ, કોથમીર, મીઠું વગેરે નાખી સરખી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ બાદ મૅગી નાખો. જરૂર જણાય તો સહેજ પાણી ઉમેરો. કડાઈમાં તેલ ગરમ કરો. ચમચી વડે આ મિશ્રણને તેલમાં નાખી ભજિયાની જેમ ઉતારો. કરકરા બ્રાઉન થાય એટલે પ્લેટમાં કાઢી ગરમાગરમ પીરસો.

Varsha Chitaliya columnists