ભગવાનને યાદ - (લાઇફ કા ફન્ડા)

14 November, 2019 12:55 PM IST  |  Mumbai | Heta Bhushan

ભગવાનને યાદ - (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

દિવસની સાંજે બાગમાં રોજ ૬૫થી ૭૫ વર્ષના વડીલોનું ગ્રુપ ભેગું થતું. દાદા-દાદી, નાના-નાની ઉત્સાહ કેન્દ્ર એ ગ્રુપનું નામ હતું. બધાં સાથે મળી નાનાં-નાનાં સરસ કાર્યો કરતાં અને આનંદ મેળવતા. એક દિવસ તેમણે અચાનક નક્કી કર્યું કે આવતી કાલે સવારે લાફિંગ ક્લબના સેશન પછી બધાં પોતાના જીવનનો કોઈ એવો અનુભવ કહેશે જેમાંથી તેમને કંઈક શીખવા મળ્યું હોય.

બીજે દિવસે સવારે લાફિંગ ક્લબના સેશન પછી બધાંએ પોતાના જીવનનો અનુભવ કહેવાની શરૂઆત કરી. એક દાદા ઊભા થયા અને સ્ટેજ પર આવ્યા.

ખિસ્સામાંથી એક બહુ જૂનું પાકીટ કાઢ્યું અને એ બધાને બતાવતાં કહ્યું, ‘જુઓ, અત્યારે આ મારા પાકીટમાં જ્યાં ફોટો રાખવાની જગ્યા હોય ત્યાં ભગવાન શંકરનો ફોટો છે જે બતાવે છે કે મારો ભગવાન મારી સાથે છે. તમને બધાને થશે એમાં શું અલગ વાત. ઘણાના પાકીટમાં પોતે જેની ભક્તિ કરતા હોય તે ભગવાનનો ફોટો હોય જ છે, પણ મારે જે વાત કરવી છે એ આ પાકીટ અને આ ફોટો રાખવાની જગ્યા સાથે જોડાયેલી છે. આ મારું વર્ષો જૂનું પાકીટ મને મારી મોટી બહેને ગિફ્ટમાં આપ્યું હતું. પહેલાં હું આ ફોટો રાખી શકાય એ ખાનામાં મારો પોતાનો યુવાનીનો ફોટો રાખતો હતો અને એ ફોટો દિવસમાં જ્યારે પાકીટ ખોલું ત્યારે જોઈને ખુશ થતો કે હું કેટલો સરસ દેખાઉં છું.’

વાતને આગળ વધારતાં કહ્યું, ‘વખત જતાં મારાં લગ્ન થયાં. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો અને હવે પાકીટમાં મેં મારા ફોટાની જગ્યાએ મારી પત્નીનો ફોટો મૂક્યો હતો. જ્યારે પાકીટ ખોલતો ત્યારે તેનો ફોટો જોઈ મનમાં પોરસાતો કે મારી પત્ની કેટલી સુંદર છે અને જેટલી સુંદર છે એથી વધુ સાલસ અને સદ્ગુણી છે.

સમય વીત્યો, અમને બે બાળકો થયાં. હવે મેં મારા પર્સમાં અમારાં બાળકોનો ફોટો મૂક્યો અને રાજી થતો કે મારાં બાળકો કેટલાં પ્યારાં છે. સમય વીત્યો, બાળકો મોટાં થયાં; અમને છોડી વિદેશ ચાલ્યાં ગયાં. સમય વીત્યો અને અમે બન્ને એકબીજાના સહારે વૃદ્ધ થયા અને એક દિવસ મારી પત્ની ટૂંકી બીમારીમાં મારો હાથ છોડાવી ચાલી ગઈ. હું વૃદ્ધ એકલો થઈ ગયો ત્યારે મને ભગવાનની યાદ આવી અને મેં પર્સમાં ભગવાનનો ફોટો મૂક્યો. અત્યારે હું સાવ એકલો છું ત્યારે મારો ભગવાન જ મારી સાથે છે જેમને મેં જીવનભર ક્યારેય યાદ કર્યા ન હતા. આ મારી વાત કહી હું તમને સંદેશ આપવા માગું છું કે આપણે બધા એકલતામાં,
જીવનના અંત સમયે કે મુશ્કેલીમાં જ ભગવાનને યાદ કરીએ છીએ, પણ ભગવાન તો આપણને આજીવન સાથ આપે છે અને જીવનભર આપણી સાથે રહે છે.

આપણે જ તેને યાદ નથી કરતા અથવા તો તેને યાદ કરવાનું અને ભજવાનું આપણને બહુ મોડું યાદ આવે છે.’
દાદાએ બધાને એક સચોટ વાત સમજાવી.

columnists