તમે કેટલા માર્કે પાસ થયા છો, ૩૫ કે ૬૫?

03 December, 2022 09:26 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

આખા દેશમાં એકેય દિવસ ચૂંટણી વિનાનો ગયો હોય એવું બનતું નથી. ક્યાંક મ્યુનિસિપાલિટીની, ક્યાંક જિલ્લા પંચાયતની, ક્યાંક વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કે પેટાચૂંટણી સતત ચાલતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

માધ્યમિક શાળામાં વાર્ષિક કે અર્ધવાર્ષિક પરીક્ષા વખતે જે પ્રશ્નપત્રો આપવામાં આવતાં એ આજે અચાનક યાદ આવે છે. આ પ્રશ્નપત્રો સામાન્ય રીતે ૧૦૦ માર્ક્સનાં રહેતાં. પ્રશ્નપત્રના મથાળે જ એવું વાક્ય લખવામાં આવતું કે નીચેના છ પૈકી કોઈ પણ પાંચના જવાબ આપો. આમ જે ટોટલ પાઠ્યક્રમ આખું વરસ ભણાવવામાં આવતો એમાંથી ૧૭ ટકા જેટલો ભાગ પહેલેથી જ રદબાતલ કરી નાખવામાં આવતો. બાકી બચેલા ૮૨-૮૩ ટકા માર્કમાંથી જો તમે ૩૫ માર્ક મેળવી શકો તો ફુલ્લી પાસ ગણાતા. આ ઉપરાંત કેટલાક વિષયોનાં પ્રશ્નપત્રોમાં સ્વચ્છતાના અલાયદા પાંચ માર્ક્સ પણ રહેતા. આનો અર્થ એવો થયો કે જો તમે જવાબો લખીને ૩૦ માર્ક્સ મેળવો તો પણ સ્વચ્છતાના પેલા પાંચ અલાયદા માર્ક્સમાંથી બેચાર મેળવી લેવાનો અવકાશ ખરો.
૩૫-૪૫ કે ૬૦?
પ્રશ્નપત્રમાંથી તમને ૩૫ માર્ક્સનું આવડી ગયું એટલે તમે પાસ. જો તમે ૪૫ માર્ક્સ લઈ આવો તો તમે સેકન્ડ ક્લાસ એટલે કે હોશિયાર વિદ્યાર્થી ગણાઓ. જો તમને સાઠ માર્ક્સ મળે તો ફર્સ્ટ ક્લાસ એટલે કે ‘બ્રિલિયન્ટ સ્ટુડન્ટ’ તરીકે તમારો જયજયકાર થઈ જાય. 
 હવે આ ૩૫-૪૫ કે ૬૦ ટકા આવ્યા છે તો પેલા ૧૦૦ ટકામાંથી જ. આ ૧૦૦ના પાઠ્યક્રમમાંથી અમુક ટકા તો પહેલેથી જ પ્રશ્નપત્રોમાં નહીં આવે એમ માનીને જ ભણાવવામાં આવ્યું હોય છે. આ બે કે ત્રણ પાઠ પહેલેથી જ પડતા મૂકવામાં આવ્યા હોય છે. શેષ પ્રશ્નોમાંથી ૩૫ મેળવનારો રાજીનો રેડ થઈ જાય છે. જોરશોરથી છલાંગ મારીને બા બાપુજીને કહેવા પહોંચી જાય છે કે હું પાસ થઈ ગયો. આ રીતે ૩૫ મળવામાં જો એક બે માર્ક્સ ખૂટતા હોય તો ગ્રેસ નામની એક માયાવી સૃષ્ટિ પણ હાજરાહજૂર હોય છે. હવે સરવાળો માંડો જોઉં કે ૧૦૦માંથી કેટલા મળે તોય તમે પાસ ગણાવ?
પાસ થવાનું આ ધોરણ 
૩૫ ટકાએ પાસ થઈ જવાય અને ૬૦ ટકાએ તો બ્રિલિયન્ટ થઈ જવાય એવું આપણને છાતી ઠોકીને શીખવવામાં આવ્યું છે. આ વાત આપણે સાચી માની લીધી છે. આપણે પોતે યેન કેન 
પ્રકારેણ વહેવારમાં પાંત્રીસ લાવીએ તો આપણને પાસ માની લઈએ છીએ. એ વખતે આપણે યાદ પણ નથી કરતા કે આપણે પાંત્રીસ મેળવ્યા એનો અર્થ પેલા નહીં મળેલા પાંસઠ માર્ક્સ આપણે નાપાસ થયા છીએ એવું સૂચન કરે છે. સામાજિક સ્તરે આનું પરિણામ એક એવા ઘડતરમાં આવે છે કે સર્વત્ર આપણે આ પાંત્રીસનો જય-જયકાર સ્વીકારી લઈએ છીએ.
વહેવારમાં ડગલે ને પગલે આ પાંત્રીસ-પાંસઠનું ધોરણ સમજવા જેવું છે. પાંસઠ લાવનારો પણ પેલા પાંત્રીસને પહોંચી શક્યો નથી એ વાત આપણા સ્મરણમાં રહેતી નથી. પરિણામે સમાજ પાંત્રીસોથી ઊભરાય છે અને આપણે પોતાને ત્રીસ હોય તોય પાંત્રીસમાં ધક્કામુક્કી કરીએ છીએ.
પરીક્ષાના પ્રશ્નપત્રનું લોકશાહીકરણ 
આજકાલ લોકશાહી શબ્દ આપણને બહુ ગમે છે. આખા દેશમાં એકેય દિવસ ચૂંટણી વિનાનો ગયો હોય એવું બનતું નથી. ક્યાંક મ્યુનિસિપાલિટીની, ક્યાંક જિલ્લા પંચાયતની, ક્યાંક વિધાનસભા કે લોકસભાની ચૂંટણી કે પેટાચૂંટણી સતત ચાલતી હોય છે. જમણા હાથની તર્જની આંગળી ઉપર કાળું ટપકું મુકાવીને આપણે ખોંખરો ખાતા હોઈએ છીએ કે આપણે આપણો રાજા ચૂંટી કાઢ્યો છે. આ ખોંખારો ખાતી વખતે આપણને યાદ નથી આવતું કે આપણે જેને ચૂંટી કાઢ્યો છે તેને પૂરા પાંત્રીસ પણ નથી મળ્યા. ૧૦૦ નોંધાયેલા મતદારોમાંથી ૧૦-૨૦ ટકા કાં તો બોગસ મતદારો હોય છે અથવા લાપતા અથવા મરી ખૂટ્યા હોય છે. શેષ ૮૦-૯૦ મતદારોમાંથી અડધા એટલે કે ૪૦-૪૫ મતદારો પોતાનો મતાધિકાર ભોગવે છે. આ ૪૦-૪૫ મતદારો સામે ક્યાંક ત્રણ-ચાર તો ક્યાંક પાંચ દસ ઉમેદવારો મતભિક્ષા માગતા ઊભા હોય છે. પરિણામ એ આવે છે કે જેમને ૨૦ મત મળે છે એ ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થાય છે. એને ૧૦૦ મતદારોમાંથી ૮૦ મતદારોએ કાં તો સ્વીકાર્યો નથી અથવા નકાર્યો છે એવું અર્થઘટન સાવેસાવ ભુલાઈ જાય છે. આ અર્થઘટન સ્વાભાવિક પણ છે, કેમ કે પસંદગીનો બીજો કોઈ વધારે સારો ઉકેલ હજુ સુધી આપણને મળ્યો નથી. ટયુશન વિના પાસ થઈ શકાય તો સારી વાત છે, પણ ન જ થઈ શકાય તો નાપાસ થયેલાને પણ એના ઓછા માર્ક્સ સાથે આપણે ચલાવી લેવો પડશે. આનું કારણ આપણને નાનપણથી પાંત્રીસ ટકા માર્ક્સ સાથે પાસ થવાનું ધોરણ શીખવાડી દેવામાં આવ્યું છે.

columnists dinkar joshi