જો કોઈ ડ્રૉઇંગરૂમમાં ઊલટી કરે એ ન ચાલે તો TVનો એઠવાડ કેવી રીતે ચલાવવો?

10 February, 2021 10:47 AM IST  |  Mumbai | Manoj Joshi

જો કોઈ ડ્રૉઇંગરૂમમાં ઊલટી કરે એ ન ચાલે તો TVનો એઠવાડ કેવી રીતે ચલાવવો?

જો કોઈ ડ્રૉઇંગરૂમમાં ઊલટી કરે એ ન ચાલે તો TVનો એઠવાડ કેવી રીતે ચલાવવો?

ઍક્ટિંગ ફિલ્ડમાં હોવાને કારણે નૅચરલી મેં અનેક સ્ક્રિપ્ટ વાંચી છે અને એમાં સારામાં સારી સ્ક્રિપ્ટનો પણ સમાવેશ થાય છે. કેટલીક એવી સ્ક્રિપ્ટ પણ જોઈ છે જેની સાથે વ્યક્તિગત રીતે કંઈ લેવાદેવા ન હોય અને એ પછી પણ અભ્યાસાર્થે એ વાંચી હોય. ફાલતુ સ્ક્રિપ્ટ વાંચવાનું બન્યું છે અને સ્ક્રિપ્ટ ન કહેવાય, પણ કાગળ પર અક્ષરો છપાયા હોય એટલે જેને સ્ક્રિપ્ટમાં ગણવી પડે એવી સ્ક્રિપ્ટ પણ જોઈ છે, પણ બધા કરતાં પણ જો કોઈ ચડિયાતી સ્ક્રિપ્ટ હોય તો એ ન્યુઝ સ્ક્રિપ્ટ છે. અરે, ફિલ્મની સ્ક્રિપ્ટ તો છોડો, ડેઇલી શો અને રિયલિટી શોની સ્ક્રિપ્ટ કરતાં પણ વેંતઊંચા ગણવા પડે એવા ન્યુઝ-ચૅનલોના સ્ક્રિપ્ટ-રાઇટર છે. બધા નહીં તો મોટા ભાગના, એવું પણ કહેવું પડે. પોતાની રીતે અને પોતાની જાતે એમાં એવો મસાલો ભરી દે કે ન્યુઝની સેન્સેટિવિટી દસ ગણી વધી જાય. દેશની એક જાણીતી ન્યુઝ-ચૅનલના મૅનેજિંગ ડિરેક્ટર-કમ-એડિટર એવા એક મિત્રએ એક વાર કહ્યું હતું કે ન્યુઝ ચૅનલ બકાસુર છે. આવે એ બધા ન્યુઝ એ ખાઈ જાય અને બે કલાક પછી નવેસરથી ડિમાન્ડ ઊભી થાય.
સાવ સાચી વાત, પણ આ સાચી વાતનો અર્થ એવો નથી સરતો કે ન્યુઝને મારીમચડીને ઊભા કરવામાં આવે. એવો પણ અર્થ નથી નીકળતો કે હાથમાં આવેલા એક ન્યુઝથી બે કલાક ખેંચવા માટે એને કીડીમાંથી હિપોપૉટેમસ બનાવી દેવામાં આવે. વાત છે એ ન્યુઝની છે. ન્યુઝ એટલે કે સમાચાર, એટલે કે ખબર. આ શબ્દ બહુ ગંભીર શબ્દ છે. જરા વિચારો કે કોઈ તમને ન્યુઝ આપે કે જુહુ-તારા રોડ પર બૉમ્બ-બ્લાસ્ટ થયો છે કે પછી કોઈ એવું કહે છે કે ન્યુ લિન્ક રોડ પર એલપીજી લીકેજ થાય છે તો એની પ્રતિક્રિયા કેવી હોય! આકરી પ્રતિક્રિયા કોઈ વખત ઘાતક બની જતી હોય છે. છેલ્લા લાંબા સમયથી મોટા ભાગની ન્યુઝ-ચૅનલો આ વાત ભૂલી ગઈ છે અને એટલે જ એ ન્યુઝ પર એવી વિચિત્ર પ્રકારની રમતો રમે છે જે દેશ માટે, સમાજ માટે જોખમી પુરવાર થાય અને એ શક્યતા ભારોભાર છે.
જો ધ્યાનથી તમે જોશો તો તમને પણ સમજાશે કે ન્યુઝ જેવી બાબતોમાં કેવી પરિસ્થિતિ અને કેવા સંજોગો ઊભા થયા છે. ટીઆરપી-વૉર વિશે વાત કરવાની જરૂર નથી. બધા એના વિશે જાણે છે અને એટલે જ એના પર અત્યારે બૅન મૂકી દેવામાં આવ્યો છે. હરીફાઈને કારણે પત્રકારત્વને ડાઘ લાગ્યો એ સૌકોઈ જાણે છે, પણ જો હજી પણ સમજવામાં નહીં આવે તો એ ડાઘને કારણે ક્યારેય કોઈ પણ નંદવાઈ શકે એવી શક્યતા ઊભી થવા માંડી છે. આ શક્યતા વચ્ચે જો ક્યાંય પણ તમને એવું લાગતું હોય કે ન્યુઝ-ચૅનલ વાજબી રીતે વર્તી નથી રહી તો ખરેખર તમે જાગ્રત નાગરિક બનીને તમારી ફરજ નિભાવો અને ફરિયાદ કરો. આપણી મોટામાં મોટી ભૂલ જો કોઈ હોય તો એ જ કે આપણે ફરિયાદ નથી કરતા અને અપેક્ષા રાખીએ છીએ કે બધું યોગ્યતા મુજબ ચાલે. ના, એવું નહીં ચાલે અને એવું ચાલે પણ કઈ રીતે? મૌન હંમેશાં પરવાનગી તરીકે જ લેવામાં આવ્યું છે. જરા વિચારો કે તમારા ઘરના બેઠકખંડમાં કોઈ આવીને પોતાની ઊલટીઓ ભરેલી ડોલ મૂકી જાય તો તમે એ ચલાવો ખરા?
નહીંને?!
જો એ ન ચલાવતા હો તો પછી ટીવી પર, પછી એ ન્યુઝ-ચૅનલ હોય કે એન્ટરટેઇનમેન્ટ ચૅનલ, કોઈ પણ આવીને એઠવાડ ફેંકે તો એ કેવી રીતે ચલાવી લેવાય?

manoj joshi columnists