વિદેશયાત્રામાં વધી રહ્યાં છે વડીલોનાં વટ અને વર્ચસ્વ

27 October, 2024 12:50 PM IST  |  Mumbai | Ruchita Shah

ટ્રાવેલ કંપનીઓ દ્વારા લૉન્ચ થતાં ટૂર પૅકેજિસમાં ૯૦ ટકાથી વધુ ખરીદદારો છે ૬૫થી વધુ ઉંમરના વડીલો

કેતકી મહેતા દીકરી ઋજુતા સાથે.

જીવનના વાનપ્રસ્થાશ્રમના પડાવમાં ભગવાનનું નામ લેવાની સાથે પોતાનાં મનગમતાં આંતરરાષ્ટ્રીય સ્થળોએ ફરવા જવાનું ચલણ ગુજરાતી-કચ્છી-મારવાડી વડીલોમાં વધ્યું છે. આ જ કારણ છે કે કરોડોનું ટર્નઓવર ધરાવતી ટ્રાવેલ કંપનીઓના પ્રાઇમ કસ્ટમર એવા વડીલો માટે વિશેષ વ્યવસ્થા અને સુવિધા રાખવામાં આવે છે. ૮૦-૮૫ વર્ષની ઉ ંમરે દુનિયાને એક્સ્પ્લોર કરતા વડીલો અને તેમને ફેરવતા લોકોના અનુભવો જાણીને ચકિત થઈ જશો

૮૦ વર્ષનાં એક માજી યુરોપની ગ્રુપ-ટૂર પર નીકળ્યાં હતાં. ૧૦થી ૧૨ દિવસની એ ટૂરમાં બસના એક ડ્રાઇવર સાથે દરરોજ વાતો કરે. બન્નેને એકબીજાની વાતો સમજાય નહીં, પણ એક્સપ્રેશન પરથી આદાનપ્રદાન થાય. ડ્રાઇવરનું ઓરિજિનલ નામ અટપટું એટલે બાને બોલતાં ન ફાવે એથી તેમણે પોતાની સહૂલિયત માટે તેનું નામ જેઠાલાલ રાખી દીધું અને પેલાને એનાથી કોઈ પ્રૉબ્લેમ પણ નહોતો. દરરોજ સવારે ડ્રાઇવરને સાલમપાક અને સુખડી જેવી ભાતભાતની મીઠાઈઓ ખવડાવે. સહપ્રવાસીઓએ બાને સમજાવ્યાં પણ ખરાં કે તેની પાચનશક્તિ આપણા કરતાં જુદી હોય. દરરોજ તમે આ મીઠાઈ આપો છો એનાથી તે માંદો પડશે, પણ બા ટસનાં મસ ન થયાં અને ડ્રાઇવર પણ બાથી એવો જોડાઈ ગયો કે બા આપે એટલે ખાઈ લેવાનું. ટૂરમાં એકાદ વાર જેઠાલાલનું પેટ બગડ્યું ખરું, પરંતુ તેણે બાને ક્યારેય ના ન પાડી. હદ ત્યારે થઈ જ્યારે ટૂર પૂરી થઈ અને છૂટાં પડતી વખતે બા સામે ડ્રાઇવર હાથ જોડીને ઊભો રહ્યો અને બાને બાય-બાય કહેવાનો ટાઇમ હતો. બાના કહેવાથી બાને પગે લાગ્યો ત્યારે બાએ માથે હાથ મૂક્યો અને પછી વૈષ્ણવ ધર્મમાં માનતાં બાએ ડ્રાઇવર પાસે હવે પછી નૉન-વેજ નહીં ખાવાનું વચન માગ્યું અને ડ્રાઇવરે રાજીખુશી એ સ્વીકારી પણ લીધું.

ઘણા લોકોને હાથ પકડીને ચલાવ્યા છે તો ઘણી વાર ઊંચકીને દાદરા ચડાવ્યા છે. તમે માનશો, મેં મારી મમ્મીની સેવા નહીં કરી હોય એટલી સેવા ટૂર દરમ્યાન આ વડીલોની કરવાનો અવસર મને મળ્યો છે. એ ૨૦ દિવસ મારે તેમના શ્રવણ બનવાનું હોય છે અને વડીલોએ પણ ભરપૂર આશીર્વાદ વરસાવ્યા છે — નીરજ ઠક્કર, ટૂર-મૅનેજર, 

આપણા વડીલો જ્યારે વિદેશની ટૂર પર જાય ત્યારે આવા અનેક કિસ્સા બનતા હોય છે અને મજાની વાત એ છે કે વડીલોનું વિદેશ જવાનું હવે વધ્યું છે. ઇન ફૅક્ટ, ઇન્ડસ્ટ્રીના કેટલાક અગ્રણીઓ માને છે કે અત્યારે ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને ટકાવવાનું અને આગળ વધારવાનું કામ જો મોટા પાયે કોઈ કરી રહ્યું હોય તો એ આપણા વડીલો છે. ફક્ત એક જ અગ્રણી ટૂર-સંચાલકના લગભગ ૫૦થી ૬૦ કરોડના વાર્ષિક ટર્નઓવરમાં થતો ૯૦ ટકા બિઝનેસ ૬૦ વર્ષથી મોટી ઉંમરના વડીલોને આભારી છે. ટોચના માત્ર ૧૦
ટૂર-ઑપરેટરને પણ ગણીએ તો દર વર્ષે લગભગ ૫૦૦ કરોડની ટ્રાવેલ કંપનીઓને નભાવવાનું કામ હવે નિવૃત્ત વડીલોને આભારી છે. યુવા પેઢી ઘણા અંશે સેલ્ફ મેડ આઇટનરીના આધારે ટ્રાવેલ કરવાનું પ્રિફર કરતી હોય છે ત્યારે વડીલો માટે ગ્રુપ સાથે પૅકેજ્ડ ટૂર બધી રીતે અનુકૂળ પર્યાય હોય છે. ૧૦-૧૫ દિવસની સામાન્ય યુરોપ કે અમેરિકાની ટૂરનું પૅકેજ ૬થી લઈને ૧૫ લાખ રૂપિયા સુધીનું ખરીદવાની ક્ષમતા ધરાવતા આ વડીલોની ટૂરની ખાસિયતો શું છે? તેઓ કેવાં ડેસ્ટિનેશન પસંદ કરે છે? તેમને ઉંમરને કારણે વિદેશની ટૂરમાં વધુ પડતી ચાલવાની બાબત નબળી હેલ્થ કન્ડિશન વચ્ચે પ્રૉબ્લેમ નથી લાગતી? ૮૦થી વધુ વર્ષની ઉંમરના પોતાના પેરન્ટ્સને આ રીતે વર્લ્ડ ટૂર પર મોકલતાં પેરન્ટ્સનાં સંતાનોને ચિંતા નથી થતી જેવા ઘણા પ્રશ્નો અને વડીલોના રોચક કિસ્સા વિશે આજે ટ્રાવેલ મૅનેજર, ટ્રાવેલ કંપનીના માલિકો અને વડીલો સાથે વાત કરીએ...

બેશક તેમનું યોગદાન છે

ટ્રાવેલ-ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી વડીલોનો વધતો જતો દબદબો કોઈ ટ્રાવેલ-એજન્સીથી છૂપો નથી. ૩૦ વર્ષના અનુભવના આધારે અને હજી હમણાં જ ૧૦૦ ટકા ૬૫ પ્લસની ઉંમરના ૪૦ વડીલોના ગ્રુપની જ્યૉર્જિયા અને બાકુની ટૂર પરથી પાછા ફરેલા કમ્ફર્ટ વૉયેજિસના જતીન શાહ કહે છે, ‘એ વાત સાવ સાચી છે કે એપ્રિલથી જૂન સિવાયનાં ટ્રાવેલ પૅકેજિસમાં મોટા ભાગના વડીલો હોય છે. હવેના પેરન્ટ્સને ફરવાનો શોખ છે એવું નથી, પણ તેમનાં સંતાનો પોતાના પેરન્ટ્સ મજા કરે એવું ઇચ્છતા થયાં છે એટલે વડીલોને ફોર્સ કરીને ફરવા મોકલતાં હોય છે. ઘણા કેસમાં દુનિયાની અને પરિવારની કડવી વાસ્તવિકતાનો અનુભવ કરી ચૂકેલા વડીલો પોતે જ ‘બહુ કર્યું ફૅમિલી માટે, હવે આપણા પોતાના માટે જીવીએ’ એવું વિચારીને ફરવા નીકળી પડતા હોય છે. હું તમને કહું કે જ્યારે ફૅમિલી ગ્રુપ્સ વધારે હોય ત્યારે તેમની ડિમાન્ડ વધારે અને જુદી-જુદી દિશાની હોય. જેમ કે છોકરાઓને ઍડ્વેન્ચર ઍક્ટિવિટી કરવી હોય, છોકરીઓને શૉપિંગ ડેસ્ટિનેશન ગમે, હસબન્ડને નેચર જોઈએ તો વાઇફને કંઈક જુદું જ જોઈએ. પ્લસ ગૂગલ સર્ચ કરીને ટ્રાવેલ-પ્લાનમાં વધારાની વસ્તુ ઉમેરીને પ્લાનને ગૂંચવણભર્યો બનાવી દે. સામા પક્ષે વડીલોને કોઈ એક્સ્ટ્રા ડિમાન્ડ ન હોય. તેઓ સમયના પાક્કા હોય. નવ વાગ્યાનો ટાઇમ આપ્યો હોય તો પોણા નવે તૈયાર હોય. મને તો વડીલોની ટૂરમાં વધુ મજા આવતી હોય. તેમની મોજમાં નિર્દોષતા હોય છે. ૮૦ વર્ષે પણ થાકતા નથી અને બધું જ એક્સ્પ્લોર કરવાનો તેમનો ઉત્સાહ દંગ કરી દે છે. અરે એવા પણ કિસ્સા બને છે જેમાં પેરન્ટ્સનો બર્થ-ડે કે ઍનિવર્સરી હોય તો તેમનાં સંતાનો અમને ફોન કરીને કહે અને અેમને સરપ્રાઇઝ આપવા માટે કેક વગેરેની સગવડ કરે. ’

આ જ વાત સાથે શાહ ટૂર્સ ઍન્ડ ટ્રાવેલ્સના વિકી શાહ પણ સહમત થાય છે. તેઓ કહે છે, ‘છેલ્લાં થોડાં વર્ષોમાં લગભગ ૬૦ ટકા કરતાં વધુ ટ્રાવેલ-પૅકેજ વડીલો દ્વારા ખરીદાય છે. તેમના પરિવારજનોનો પોતાના પેરન્ટ્સને વિદેશ ટૂર પર મોકલવાનો ઉત્સાહ જબરો હોય છે. ઘણી વાર એ લોકો પોતે જ નવી-નવી જગ્યાનું લિસ્ટ લઈ આવે, ત્યાં થઈ રહેલી ઍક્ટિવિટીની વિગતો લઈ આવે અને અમારી સાથે શૅર કરે.’

કેવી જરૂર પડે?

લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર પર વડીલોનું ગ્રુપ ફરવા માટે ઊતર્યું. ત્યારે ૭૦ વર્ષના એક કાકા ત્યાં બેસેલા એક જર્મન કપલ સાથે બાખડી પડ્યા. મુદ્દો એ હતો કે આ ગોરાઓએ આપણા પર ૨૦૦ વર્ષ રાજ કર્યું. આપણા દેશનું સોનું લઈ ગયા, આપણો કોહિનૂર લઈ ગયા. પેલા કપલે કહ્યું પણ ખરું કે કાકા, અમે બ્રિટિશ નહીં, જર્મન છીએ પણ તેમની એકેય વાત કાને ધર્યા વિના પોતાના ભાંગીતૂટી અંગ્રેજીમાં કાકા પેલા કપલને ખિજાતા રહ્યા. એક પૉઇન્ટ એવો આવ્યો કે જર્મન કપલ એવું અકળાયું કે કાકાને ચૂપ કરવા માટે તેમને બોચીથી પકડી લીધા. વાત હાથાપાઈ સુધી પહોંચે એ પહેલાં કાકાના સહપ્રવાસીઓ તેમને ત્યાંથી પકડીને લઈ ગયા.        

આવા અઢળક કિસ્સાઓનો ખજાનો ૩૨ વર્ષથી ટૂર-મૅનેજર તરીકે સક્રિય નીરજ ઠક્કર પાસે છે. વડીલોની ટૂરમાં નિષ્ણાત બની ગયેલા નીરજભાઈએ સિંગાપોર, મલેશિયાથી લઈને અમેરિકા અને યુરોપની ગ્રુપ-ટૂર તો એટલીબધી વાર કરી છે કે હવે એની કોઈ ગણતરી પણ નથી રાખી. નીરજભાઈ કહે છે, ‘નોકરીના પહેલા દિવસથી આજ સુધી જેટલાં પણ ગ્રુપ મેં મૅનેજ કર્યાં છે એમાં ૮૦ ટકા સિનિયર સિટિઝન જ રહ્યા છે. એપ્રિલ-મે મહિનામાં થોડી યંગ ફૅમિલીઝ હોય બાળકો સાથેની, પણ એ પછી વડીલો જ મુખ્ય હોય. વડીલોની ટૂર હોય ત્યારે ટૂર-મૅનેજર તરીકે ખૂબ ધીરજ રાખવી પડે. તમે જે વાત સમજાવી દીધી હોય એ પણ વડીલો ફરી-ફરીને તમને પૂછી શકે અને ત્યારે તમે જો અકળાયા તો ખેલ ખતમ. ટૂર પર આવતા મોટા ભાગના વડીલો બાળક બની જાય છે એટલે તેમને ખૂબ જ પૅમ્પર કરીને તેમની આવશ્યકતાને પ્રાધાન્ય આપીને સાચવવા પડે. એક જ વાત ૧૦ વાર સમજાવવાની તૈયારી સાથે માથા પર બરફ રાખવો પડે. અનુભવે મને સમજાયું કે તેમને તમે ગમે એટલું ફૅન્સી ખાવાનું આપશો તો પણ તેમને સંતોષ તો ભાખરી-શાક કે ખીચડી-કઢીથી જ થશે એટલે ઇટાલિયન કે ચાઇનીઝ ફૂડનો દિવસ હોય તો પણ દેશી વસ્તુઓ તો રાખવી જ પડે. તેમને જમવાનું મોળું જોઈએ. તીખું ભોજન હોય તો તેમનો કકળાટ શરૂ થઈ જાય. અનુભવે સમજાયું કે તમે ગમે એટલી ઇન્સ્ટ્રક્શન આપી હશે તોય તેમની પાસે જરૂરી દવા ઘણી વાર નહીં હોય અને તમારે તેમની દવા શોધવા માટે ગોટે ચડી જવું પડે અને બને કે તેમનાં પ્રિસ્ક્રિપ્શન મુજબની દવા તમને વિદેશના મેડિકલ સ્ટોરમાં ન પણ મળે. એ પછી મેં લૂઝ મોશન, વૉમિટિંગ કે પેટમાં દુઃખવાની કે મોશન સીકનેસની જેવી ઘણી બધી જરૂરી દવાઓ મારા પોતાના જ ફર્સ્ટ એઇડ બૉક્સમાં રાખવાનું શરૂ કર્યું. દરેક ટ્રિપમાં દરેક વડીલને એક ડાયરી અને પેન હું મારા તરફથી આપું, મારો નંબર લખાવું, જગ્યાનાં નામ લખાવું, કમ્પલ્સરી એક-એક વડીલને બેથી ત્રણ કાર્ડ હોટેલનાં આપું જેથી તેઓ જુદા-જુદા પર્સમાં રાખી શકે.’

સાડી અને એસ્કેલેટરનો ડર

ઘણા વડીલો ફર્સ્ટ ટાઇમ ટ્રાવેલર હોય એવું જણાવતાં નીરજભાઈ કહે છે, ‘એવું પણ બને કે ઍરપોર્ટ પર ચેક-ઇન કે ઇમિગ્રેશન પ્રોસેસ સમજાવવી પડે. ઘણાને એસ્કેલેટરનો ડર લાગતો હોય. મને ખબર જ હોય કે આ ટૂરમાં ત્રણ આન્ટી એવાં હશે જેમને એસ્કેલેટરનો ડર લાગતો હશે, ત્રણ આન્ટી એવાં હશે જેઓ સાડી પહેરતાં હશે, પાંચ કપલ એવાં હશે જે ચૌદસ, આઠમની લીલોતરી નહીં ખાતાં હોય, ત્રણ કપલ એકાદશીનો ઉપવાસ કરતાં હશે. ઘણા એવા વડીલો હશે જેમને લાખ સમજાવ્યા પછી પણ તેઓ તમારી વાત નહીં માને અને તમારે તેમના દીકરા બનીને તેમને ખિજાવું પડે. જેમ કે યુરોપમાં લૅવિશ બ્રેકફાસ્ટ વખતે અનેક વાર ના પાડી હોવા છતાં નાસ્તો કર્યા પછી બે સફરજન કે ચાર કેળાં થેલીમાં સંતાડીને રૂમમાં લઈ જનારાં અંકલ-આન્ટી મળશે જ. જોકે પહેલેથી આ બધાની માનસિક તૈયારી સાથે જ હું આગળ વધતો હોઉં છું.’

થાકી જાય, પણ ઉત્સાહ અકબંધ

નીરજભાઈએ આજ સુધી ૯૨ વર્ષની ઉંમર સુધીના પ્રવાસીને પણ વિદેશની ટૂર કરાવી છે. હાથમાં લાકડી હોય છતાં વડીલોને ફરવું છે અને અમે તેમને ફેરવવા તત્પર છીએ એમ જણાવીને નીરજભાઈ કહે છે, ‘વિદેશમાં ટૂરિસ્ટ સ્પૉટ પર પહોંચવા માટે ચાલવાનું વધુ હોય અને દેખીતી રીતે ઘણા વડીલોની સ્પીડ ઓછી હોય છતાં અમે ટાઇમ-મૅનેજમેન્ટ એવી રીતે કરીએ કે તેઓ દરેક જગ્યાને પૂરતી માણી શકે અને એમાં ક્યાંય તેમની શારીરિક નબળાઈઓ આડી ન આવે. ઘણા લોકોને હાથ પકડીને ચલાવ્યા છે તો ઘણી વાર વડીલોને ઊંચકીને દાદરા ચડાવ્યા છે. મને યાદ છે કે બે વર્ષ પહેલાં ૯૦ વર્ષનાં એક આન્ટી અમારી સાથે અમેરિકાની ટૂરમાં જોડાયાં હતાં. હાથમાં લાકડી સાથે તેઓ ચાલતાં હતાં ત્યારે મેં બસમાં બીજા બધા વડીલોને કહી દીધેલું કે આપણા પરિવારમાં નવા મેમ્બર આજે જોડાઈ રહ્યાં છે અને તેઓ ચાલવામાં થોડાં ધીમાં છે તો આપણે બધાએ તેમને પૂરો સાથ-સહકાર આપવાનો છે અને બધાએ હોંશે-હોંશે એ વાતને વધાવી લીધી હતી. તમે માનશો, મેં મારી મમ્મીની સેવા નહીં કરી હોય એટલી સેવા ટૂર દરમ્યાન આ વડીલોની કરવાનો અવસર મને મળ્યો છે. એ ૨૦ દિવસ મારે તેમનો શ્રવણ બનવાનું હોય છે અને વડીલોએ પણ ભરપૂર આશીર્વાદ
વરસાવ્યા છે.’

અચાનક હેલ્થ પણ બગડે

પ્રવાસ દરમ્યાન ઘણી ઠંડી જગ્યાઓ હોય, ઊંચાઈ પર આવેલાં આ સ્થળોએ ઑક્સિજન-લેવલ ઓછું હોય. ઘણી વાર એમાં ઇમર્જન્સી સિચુએશન પણ નિર્માણ થાય. એક કિસ્સો વર્ણવતાં નીરજભાઈ કહે છે, ‘અમે સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૧,૩૩૦ ફીટ પર આવેલી યુંગફ્રો નામના ટૂરિસ્ટ-પ્લેસ પર જઈ રહ્યા હતા. અમે બેઝ પ્લેસ પર જ બધાને કહી દીધેલું કે જો હેલ્થ પરમિટ ન કરે તો જ ઉપર આવવું. યુવાનોને અને હેલ્ધી લોકોને પણ ઉપર શ્વાસની તકલીફ થઈ જાય છે એટલે સહેજ પણ રિસ્ક ન લેતા. એક અંકલ-આન્ટીએ નીચે જ રહેવાનું નક્કી કર્યું, પરંતુ બીજા સહપ્રવાસીઓએ તેમને ચાનક ચડાવી કે ચાલોને હવે. કંઈ નહીં થાય. અરે આવું બોલે લોકો. છેલ્લે એ અંકલ-આન્ટી તૈયાર થયાં. બે ટ્રેન ચેન્જ કરીને ઉપર પહોંચાતું હોય છે. અમે ઉપર પહોંચ્યાં અને એ અંકલને શ્વાસની તકલીફ શરૂ થઈ ગઈ. તેમને તાત્કાલિક ત્યાંની ઇમર્જન્સી રૂમમાં ઑક્સિજન સપોર્ટ આપીને ઇનિશ્યલ ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી પણ અંકલની હાલત વધુ ક્રિટિકલ થઈ રહી હતી એટલે અમને અંકલને નીચે લઈ જવાનું કહેવામાં આવ્યું. અમે નીચે જઈ જ રહ્યા હતા ત્યાં અડધે પહોંચ્યા અને કાકાનો જીવ જતો રહ્યો. જોકે જ્યાં સુધી હૉસ્પિટલ ડિક્લેર ન કરે ત્યાં સુધી કંઈ કહેવાય નહીં. ઇમર્જન્સીમાં અમે જ્યાં હતા ત્યાં એક ચૉપર બોલાવવામાં આવ્યું. સ્વિટ્ઝરલૅન્ડની રાજધાની બનની એક હૉસ્પિટલમાં અમે હેલિકૉપ્ટરમાં પહોંચ્યા. ત્યાં અંકલને ડેડ જાહેર કર્યા. તેમના દીકરાને તાબડતોબ એમ્બેસીના સપોર્ટથી સ્વિટ્ઝરલૅન્ડ બોલાવ્યો. ડેડ-બૉડી ઇન્ડિયા લઈ જવાની પ્રોસીજર વગેરે સમજાવીને ટૂર-મૅનેજર તરીકે મારે ગ્રુપ સાથે આગળ નીકળી જવું પડ્યું. અંકલની ડેડ-બૉડી હૉસ્પિટલમાં હતી અને આન્ટીને હું ત્યાંના એક લોકલ સરદારજી ફ્રેન્ડની ફૅમિલીને સોંપીને આગળ નીકળી ગયો. બહુ અઘરી ક્ષણ હોય, પણ ટૂર-મૅનેજર તરીકે મારા માટે ‘શો મસ્ટ ગો ઑન’ સ્વીકારીને આગળ નીકળવું પડે. આ જ કારણ છે કે દરેક લોકેશનમાં મેં કેટલાક લોકલ ફ્રેન્ડ્સ બનાવ્યા છે જે મારી ગેરહાજરી પછીયે આવી ઇમર્જન્સીમાં મારા વતી સમય સાચવી લે.’

આવો જ બીજો એક કિસ્સો યાદ કરતાં નીરજભાઈ કહે છે, ‘અમે સ્વિટ્ઝરલૅન્ડથી ઇટલી જઈ રહ્યા હતા. અમારી સાથે ભોગીભાઈ વોરા નામના ઘાટકોપરના એક ટૂરિસ્ટ હતા. તેમને અચાનક છાતીમાં દુખાવો ઊપડ્યો. અમે રોમની એક હૉસ્પિટલમાં તેમને ઍડ્મિટ તો કર્યા અને તેમની સારવાર શરૂ કરાવી દીધી, પણ ત્યાં રોકાવું મારા માટે શક્ય નહોતું, કારણ કે સાથે બીજા ૪૦ ટૂરિસ્ટ હતા જેમને ફેરવવાની ડ્યુટી મારી હતી. એટલે તાત્કાલિક ત્યાંના ગુજરાતી સમાજનો સંપર્ક કરીને તેમને પરિસ્થિતિ સમજાવી દીધી. તેમણે પોતાના એક વૉલન્ટિયરને હૉસ્પિટલ મોકલ્યો. અંકલ-આન્ટીના દીકરાને આ લોકોના નંબર અને બધી વિગતો શૅર કરીને હું આગળ નીકળ્યો. તેમને માઇનર હાર્ટ-અટૅક હતો, પણ તેઓ બચી ગયા. તેમનો દીકરો પણ તાત્કાલિક મેડિકલ ઇમર્જન્સીના આધારે વીઝા મેળવીને પહોંચી ગયો હતો.’

 જતીન શાહ, કમ્ફર્ટ વૉયેજિસના ફાઉન્ડર

બાળપણ યાદ આવી જાય

વડીલો ટૂરમાં બાળક બની જાય છે. નીરજભાઈ કહે છે, ‘ધિંગામસ્તી કરવી, નાની-નાની વાતમાં ખોટું લાગવું, બધી જ વાતમાં ઉત્સાહી થઈને વર્તવું જેવા અઢળક અનુભવો અમને થયા છે. બસમાં ડાન્સ કરે, ગીતો ગાય અને જીવનને સમગ્રતા સાથે જીવતા હોય. ક્યારેક ધર્મની વાતો થાય. તેમના અનુભવોની વાતો થાય. ટૂર-મૅનેજર તરીકે દરેક ટૂર મારા માટે જ્ઞાનની વૃદ્ધિ કરનારી, તેમના અનુભવોમાંથી શીખવાની ટૂર હોય છે. લૉન્ગ ડિસ્ટન્સ બસનું ટ્રાવેલ હોય ત્યારે હું બસમાં મૂવી નથી દેખાડતો. બસમાં આવેલા દરેક પૅસેન્જરને આગળ બોલાવું. તેમનો પરિચય આપે. તેમના જીવનની, પરિવારની વાતો કરે. ઘણી વાર માહોલ ઇમોશનલ બની જાય અને વડીલો રડી પડે. ઘણી વાર ખૂબ હસીએ પણ કોશિશ એ જ હોય કે તેઓ જ્યારે ઘરે પાછા જાય ત્યારે જીવનને માણવાનો સંતોષ લઈને જાય. ઇન ફૅક્ટ, તમને નવાઈ લાગશે, પણ હું મારી દરેક ટૂર પહેલાં સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા જાઉં છું અને બાપ્પાને એક જ પ્રાર્થના કરું છું કે ટૂરના દરેક વડીલ સ્વસ્થ રહે અને આખી ટ્રિપ વિઘ્ન વિનાની પાર પડે.’

કાકાને લાફો પડ્યો

એક અતરંગી કિસ્સો યાદ કરતાં નીરજભાઈ કહે છે, ‘હું બૅન્ગકૉકની ટૂર પર હતો. બૅન્ગકૉકમાં ઇન્દ્રા માર્કેટમાં લોકલ ફેરિયા હોય છે જ્યાં તમે બાર્ગેઇન કરી શકો. બન્યું એવું કે એક કપડાં વેચતા ફેરિયા પાસે એક અંકલ શૉપિંગ કરવા ઊભા રહ્યા. ૬૦૦ બાત (થાઇલૅન્ડની કરન્સી)ની વસ્તુ કાકાએ ૧૦૦ બાતમાં માગી એટલે પેલા ફેરિયાએ ના પાડી દીધી. એમ છતાં કાકાએ કલર કઢાવ્યા, ઘરે વિડિયો-કૉલ કરીને વસ્તુ દેખાડી અને પાછા ભાવ કરાવવા માંડ્યા, પણ આટલા ઓછા ભાવમાં પરવડે એમ નહોતું એટલે ફેરિયાએ ના પાડી દીધી. એમાં કાકા અકળાયા અને તેનું અપમાન કરી બેઠા અને ગુસ્સામાં ગેટ લોસ્ટ કહીને ચાલવા માંડ્યા. સ્વાભાવિક છે કે ફેરિયાને ગુસ્સો આવ્યો અને કાકાની પાછળ જઈને તેણે કાકાને લાફો ઝીંકી દીધો. હું ત્યાંથી થોડા અંતરે નારિયેળપાણી પીતો હતો. એક છોકરો મારી પાસે દોડતો આવ્યો અને કહેવા માંડ્યો કે કાકાને લાફો પડ્યો. હું દોડતો પહોંચ્યો એ જગ્યાએ. લોકલ ગાઇડની મદદથી આખી ઘટના સમજી લીધી. હવે કાકા તો બોલવાના મૂડમાં જ નહોતા. જેમતેમ કરીને મામલો પતાવીને બધા પાછા બસમાં બેઠા, પણ હા, આવા કિસ્સા પણ બને છે.’

૮૨ વર્ષે પોતાને ૨૮ વર્ષના માનતાં ઓલ્ડ યંગ લેડીના ટ્રાવેલિંગ પૅશનનો જવાબ નથી
‘હું ૮૨ વર્ષની નહીં, ૨૮ વર્ષની છું’ એવું કહેનારાં વિલે પાર્લે રહેતાં કેતકી મહેતાનું ટ્રાવેલિંગ માટેનું પૅશન જુઓ તો દંગ રહી જશો. ફરવા જાય ત્યારે સાડીથી લઈને સલવાર-કમીઝ, પૅન્ટ-કુર્તા એમ તમામ પ્રકારનું ડ્રેસિંગ જરૂરિયાત મુજબ કરતાં કેતકીબહેનને ક્યારેય ભાષાની મર્યાદા નડી નથી. અંગ્રેજી સારું બોલી શકતાં હોવા છતાં ક્યારેક યુરોપિયન કે એશિયન દેશમાં ત્યાંની લોકલ ભાષા ન આવડતી હોવા છતાં તેમણે પોતાનું કામ લોકો પાસે કરાવડાવ્યું છે. કેતકીબહેનનાં દીકરી ઋજુતા પિડિયાટ્રિક ઑર્થોપેડિક ડૉક્ટર છે અને ઘણી વાર દીકરી સાથે વિવિધ દેશોમાં કૉન્ફરન્સ માટે પણ વિવિધ દેશોમાં તેઓ ફરવા નીકળી પડે છે. અત્યાર સુધી રશિયા, ડેન્માર્ક, સ્વીડન, નૉર્વે, ઇટલી, ફ્રાન્સ, સ્વિટ્ઝરલૅન્ડ, ઑસ્ટ્રિયા, ઇઝરાયલ, ટર્કી, હૉન્ગકૉગ, ઇજિપ્ત, કૅનેડા, લંડન, બંગલાદેશ જેવા ૧૯ દેશોમાં ફરી ચૂકેલાં કેતકીબહેન ૨૦૨૫માં ઑસ્ટ્રેલિયા જવાનાં છે. તેઓ કહે છે, ‘હું યંગ જ છું અને એ જ રીતે ફરવા માગું છું. મને એકેય હેલ્થ ઇશ્યુ નથી. હા, ચાલવામાં થોડી સ્પીડ ઓછી હોય તો શું ફરક પડે. અમે નાયગરા ગયાં ત્યારે ખૂબ ચાલવાનું હતું, પણ ફરક નહોતો પડ્યો મને. ડાન્સિંગ મારી હૉબી છે. નાયગરા જઈ રહી હતી ત્યાં હરે રામ, હરે કૃષ્ણવાળા ડાન્સ કરી રહ્યા હતા અને તેમને જોઈને હું પણ તેમની સાથે નાચવા માંડી. બધા સાથે વાત કરવાનું ને તેમની સંસ્કૃતિને જાણવાનું આજે પણ મને ગમે છે. અમારી ટૂરમાં મારું નામ ‘મધર ઇન્ડિયા’ પાડેલું બધાએ. છૂટા પડતી વખતે ડ્રાઇવર મને પગે લાગ્યો હતો.’

હાથમાં લાકડી અને સાડી પહેરીને દુનિયા ભમવામાં મશગૂલ છીએ અમે

મનસુખલાલ અને કલ્પના દોશી.

બોરીવલી રહેતાં ૮૩ વર્ષનાં કલ્પના દોશી બે વર્ષ પહેલાં પોતાની વહુ મનીષા સાથે અમેરિકાની ટૂર પર ગયાં ત્યારે તેમના હાથમાં લાકડી હતી અને છતાં તેમણે એક પણ ટૂરિસ્ટ-ડેસ્ટિનેશન મિસ નથી કર્યાં. હસબન્ડ મનસુખલાલ સાથે યુરોપ, સિંગાપોર, મલેશિયા, બૅન્ગકૉક, દુબઈ જેવાં અનેક ડેસ્ટિનેશન કવર કરી ચૂકેલાં કલ્પનાબહેન ફરવાનાં ભારે શોખીન છે અને હવે તેમના પેરન્ટ્સનો ફરવાનો શોખ પૂરો થાય એ માટે તેમનાં સંતાનો પૂરતો પ્રયાસ કરી રહ્યાં છે. મનીષાબહેન કહે છે, ‘મમ્મી-પપ્પાએ અમારા માટે ખૂબ કર્યું છે અને હવે જ્યારે તેમના જીવનના સંઘર્ષો પૂરા થયા છે ત્યારે તેમને માટે અમે એટલું જ ઇચ્છીએ કે હવે કમસે કમ તેઓ જીવનને માણે. મમ્મી-પપ્પાની હેલ્થનું ધ્યાન રહે એ માટે અમે પ્રિફર કરીએ કે તેઓ કોઈ રિસ્પૉન્સિબલ ટૂર એજન્સી સાથે જ જાય. એમાં તેમનું ધ્યાન રહે, તેમનો ફરવાનો શોખ પૂરો થાય અને તેમની સુવિધા પણ જળવાય. બિઝનેસને કારણે બધા એકસાથે લાંબી રજા પર જઈ ન શકે અને ફૅમિલી ટ્રિપ લાંબા દિવસો માટે પૉસિબલ નથી થતી. બીજું, તેમને તેમની રીતે ફ્રીડમ મળે, મનગમતી રીતે હરીફરી શકે, ગમતાં કપડાં પહેરી શકે એટલે પણ તેઓ એકલાં જાય તો ગમે છે. જોકે હું અને મમ્મી અમેરિકા પહેલી વાર ગયાં હતાં. આમ તો બાવીસ દિવસની ટ્રિપ હતી, પણ શરૂઆતના દિવસો અમે મારા દીકરા સાથે રહ્યા અને ૯ દિવસ ટ્રાવેલ-કંપનીના ગ્રુપ સાથે ફર્યા અને ખૂબ મજા કરી.’

 

columnists travel travelogue travel news