એક ચપટી સૂંઠની કિંમત જાણો છો તમે?

15 May, 2020 04:08 PM IST  |  Mumbai | Ruchita Shah

એક ચપટી સૂંઠની કિંમત જાણો છો તમે?

સૂંઠનું પાણી ગરમ પડતું હોય તો સૂંઠ અને ધાણા નાખીને પાણી ઉકાળી દો તો પણ ચાલે. સૂંઠ વિશે તો કહીએ એટલું ઓછું છે.

સૂંઠના પ્રયોગથી કોરોના ઇન્ફેક્શન પ્રિવેન્ટ થયું હોવાનું આયુર્વેદના નિષ્ણાતો કહે છે. સાત દિવસ સુધી સવાર-સાંજ ચૂના વિનાની સૂંઠનો પાઉડર સૂંઘવાથી અને ચગળવાથી કોઈ પણ જાતનું વાઇરલ ઇન્ફેક્શન લાગતું નથી એ કેવી રીતે શક્ય છે? સૂંઠના પાઉડરના કયા ગુણો કોરોના જેવા વાઇરસને માત આપે છે? કોરોનાના કેર વચ્ચે અમૃતતુલ્ય બની રહેલી સૂંઠનો પ્રયોગ કોણે કરવો, કોણે ન કરવો, કેવી રીતે કરવો એ વિષય પર વિગતવાર જાણીએ
તાજેતરમાં કલ્યાણમાં ૧૫૦૦ પોલીસ કર્મચારીઓએ સૂંઠનો પ્રયોગ શરૂ કર્યો છે. આ પહેલાં લગભગ દોઢ લાખની વસ્તી ધરાવતા કચ્છના માધાપર ગામમાં ક્વૉરન્ટીઇન થયેલા ૧૫૦૦ લોકો પર સૂંઠનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમણે માત્ર એટલું જ કરવાનું હતું કે સવાર-સાંજ ચપટી સૂંઠ બન્ને નાસિકામાં છીંકણી સૂંઘીએ એમ સૂંઘવાની હતી અને પા ચમચી સૂંઠ મોંમાં થોડીક મિનિટ ચગળીને ગળવાની હતી. આજે એ વાતને લગભગ ૨૫ દિવસ થયા છે અને હજી સુધી ત્યાં એક પણ નવો કોરોનાનો પૉઝિટિવ કેસ નોંધાયો નથી. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એક્સ-પ્રિન્સિપાલ અને પંચકર્મ વિભાગના વડા ડૉ. હિતેશ જાનીએ લોકાયુર્વેદ નામના તેમના સ્વસ્થતા અભિયાન અંતર્ગત માધાપરમાં લોકો પાસે સૂંઠનો પ્રયોગ કરાવડાવ્યો. ડૉ. હિતેશ કહે છે, ‘રાજકોટમાં હોમ-ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકો પર પણ આ પ્રયોગ થયો હતો અને ૨૦ દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી. માધાપરમાં કોઈ નવો કેસ નથી એટલું જ નહીં, જેમના ઘરમાં ઑલરેડી પૉઝિટિવ પેશન્ટ હતા તેમના પરિવારમાં પણ સૂંઠના પ્રયોગ પછી કોરોનાનાં કોઈ લક્ષણો જોવા મળ્યાં નથી. એવી જ રીતે જામનગરમાં હોમ ક્વૉરન્ટીન કરેલા ૩૪ પરિવારોએ સૂંઠનો ઉપયોગ કર્યો હતો એમાંથી પણ ૨૩ દિવસ પછી કોઈ પૉઝિટિવ કેસ મળ્યો નથી.’
મુંબઈમાં એક કોરોના પૉઝિટિવ પેશન્ટના સતત છ રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સૂંઠ અને હળદરવાળા ગરમ પાણીનો પ્રયોગ શરૂ કર્યો એ પછી તેનામાં ઇમ્પ્રૂવમેન્ટ દેખાયું અને પછીના રિપાર્ટ નેગેટિવ આવ્યાનું એ કોરોના સર્વાઇવરે પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું. આ કેવી રીતે શક્ય છે? સૂંઠ કઈ રીતે મિરૅકલ સર્જે છે? સૂંઠને સૂંઘવાથી કે મોંમાં ચગળીને ગળવાથી શું કામ ફાયદો થાય છે એ વિશે થોડીક વાતો કરીએ.
શું કામ ઉપયોગી?
સૂંઠમાં ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ હોય છે એમ જણાવીને મુંબઈના આયુર્વેદાચાર્ય ડૉ. દેવચંદ ગાલા કહે છે, ‘વાઇરસ કફ વાટે લંગ્સમાં પહોંચે છે. કફ અને વાયુને કારણે એ મલ્ટિપ્લાય થાય છે. સૂંઠ એ કફ અને વાયુને તોડે છે. જેમ માસ્ક અને હૅન્ડ ગ્લવ્સ પહેરો એટલે બહારથી તમે વાઇરસને અટકાવી દો છો એ જ રીતે સૂંઠ તમને અંદરથી પ્રોટેક્ટ કરે છે.’
આ જ દિશામાં વધુ વાત કરતાં ડૉ. હિતેશ કહે છે, ‘સૂંઠનું આયુર્વેદ શાસ્ત્રોમાં વિશ્વ ભૈષજ તરીકે વર્ણન છે. એટલે કે દુનિયાનું ઔષધ. ખાણીપીણીમાં અને ઉકાળા રૂપે તો આપણે વર્ષોથી સૂંઠનો પ્રયોગ કરતા જ આવ્યા છીએ, પરંતુ જ્યારે આપણે એને સૂંઘીએ છીએ ત્યારે એ ઇન્હેલરનું કામ કરે છે. જેમ અસ્થમાના દરદીઓ નાક વાટે ઇન્હેલર લે છે અને તેમનો અસ્થમાનો અટૅક બેસી જાય છે કે હૃદયરોગમાં જીભ નીચે મૂકવાની ગોળીઓનો ઉપયોગ થાય છે. એ રીતે નાક અને મોં વાટે એમ બન્ને રીતે દવા લેવાથી ફાયદાઓ થાય છે. કોરોનાના એન્ટ્રી પૉઇન્ટ નાક અને મોં જ છે. જો તમે ત્યાં જ એવું વાતાવરણ ઊભું કરો કે વાઇરસને જીવવું અઘરું પડે તો દેખીતી રીતે એ તમારા પર અટૅક નહીં કરી શકે. મોટે ભાગે એક વાર કોરોના વાઇરસ આપણા મ્યુકસ મેમ્બ્રેન પર ચોંટી જાય. પછી એ આપણા ડીએનએ સુધી પહોંચીને આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જ ન્યુટ્રિશન મેળવે છે અને આપણા જ બળે એની વૃદ્ધિ થતી જાય છે. હવે જો આ જ એરિયામાંથી આપણે કફને કાઢી નાખીએ તો વાઇરસનું સર્વાઇવ થવું મુશ્કેલ છે. સૂંઠને નાક વાટે તેમ જ મોઢા વાટે લો તો પહેલાં તો તમારા મ્યુકસને કાઢી નાખશે, મોંમાં મૂકવાથી તમારી ઓરલ કૅવિટીમાં તીખાશ ઉત્પન્ન કરશે અને કોઈ પણ ફૉરેન પાર્ટિકલ માટે શરીરનો પ્રતિકાર પાવર

વધારશે. બીજું, જ્યારે તમે સૂંઠને નાક વાટે અંદર ખેંચો છો ત્યારે આંખ, કાન, નાક, ગળું, શ્વાસનળી, અન્નનળી અને મસ્તિષ્ક એમ સાત હિસ્સા સ્ટિમ્યુલેટ થાય છે. એ હિસ્સામાં લોહીનું સર્ક્યુલેશન વધે છે. આ સાત જગ્યાને એ ક્લીન કરી નાખે છે. ઈવન, તમારા સાયનસિસમાં કફ જમા થયેલો હોય તો એને એ ક્લીન કરી નાખે છે. જૂનામાં જૂનો માથાનો દુખાવો પણ આ એક પ્રયોગથી દૂર થયાના કિસ્સા અમારી પાસે છે.’
સૂંઠ સૂંઘવાના અને ચગળવાના અન્ય લાભોનું વર્ણન કરતાં ડૉ. દેવચંદ કહે છે, ‘આ તમારી નેઝલ કૅવિટી ક્લિયર કરશે. સાઇનસિસમાં ઘણો લાભ આપશે. માથાના દુખાવામાં ઘણી રાહત આપશે, ગળું ચોખ્ખું કરે, પાચનશક્તિ વધારે, કબજિયાતની સમસ્યામાં રાહત આપે, ગૅસ દૂર કરે, રોગપ્રતિકારક શક્તિ વધારે, સ્ફુર્તિ લાવે, ન્યુરોલૉજિકલ અને ઈએનટીને લગતી સમસ્યામાં એ ખૂબ સરસ પરિણામ આપે છે.’
ચૂના વિનાની સૂંઠ શા માટે?
મોટે ભાગે સૂંઠને લાંબી ટકાવવા માટે દુકાનદારો આદુંને ચૂનાના પાણીમાં સૂકવી દેતા હોય છે. ડૉ. હિતેશ કહે છે, ‘ચૂનો હોય તો નેઝલ કૅવિટીમાં વધારે બળતરા થાય છે. નાકમાં એ વધારે ઇરિટેશન કરી શકે છે એટલે અમે ચૂના વિનાની સૂંઠ પ્રિફર કરીએ છીએ. અત્યારે ગરમી છે એટલે તમે જાતે જ થોડું વધુ પ્રમાણમાં આદું લાવીને સૂકવીને પીસી નાખો તો સૂંઠ તૈયાર થઈ જશે. મોટે ભાગે આયુર્વેદિક દુકાનોમાં ચૂના વિનાની સૂંઠ મળી જશે.’

કેટલી, કેવી રીતે અને ક્યાં સુધી લેવી?
દિવસમાં એક અથવા બે વાર, સવારે અને રાતે સૂતા પહેલાં ચૂના વિનાની ચપટી સૂંઠ હાથમાં લઈને છીંકણી સૂંઘતા હો એમ સૂંઘવાની છે. બીજું, બપોરે અને સાંજે જમ્યા પછી પા ચમચી સૂંઠનો પાઉડર જીભ પર મૂકીને પાંચથી સાત મિનિટ મોંમાં રહેવા દેવાનો અને એ તમારી લાળ સાથે બરાબર ભળી જાય એટલે એને ગળી જવાનો. લગભગ સાત દિવસ સુધી આ પ્રયોગ કરવાનું ડૉ. હિતેશ જાની દ્વારા કહેવામાં આવે છે.

આવું થાય તો ડરતા નહીં
ડૉ. દેવચંદ ગાલા કહે છે, ‘સૂંઠ જ્યારે સૂંઘશો ત્યારે બની શકે કે તમારા નાકમાંથી, આંખમાંથી પાણી આવે, તમને છીંક આવે અથવા તમારા આંખ, કાન, નાક પાસે બળતરા થાય. આ તદ્દન સામાન્ય લક્ષણો છે. જોકે આ જ એની ઇફેક્ટ દેખાડે છે. જેમ-જેમ કરતા જશો અને અંદરનો કફ સાફ થતો જશે એમ-એમ આ લક્ષણો પણ ઓછાં થતાં જશે.’

કોણે આ ન કરવું?
બાર વર્ષથી નાનાં બાળકોએ, પ્રેગ્નન્ટ મહિલાઓએ સૂંઠ સૂંઘવાનો પ્રયોગ ન કરવો. એનું કારણ આપતાં ડૉ. હિતેશ કહે છે, ‘ઘણી વાર સૂંઠ સૂંઘવાથી છીંક આવી જાય એટલે પ્રેગ્નન્ટ મહિલાઓને ના કહેવામાં આવી છે. નાનાં બાળકો બરાબર ખેંચી ન શકે અથવા વધારે ખેંચાઈ જાય, કફ બહાર ન કાઢી શકે વગેરે કારણોને લીધે તેમની પાસે પણ આ પ્રયોગ ન કરાવવો. ત્રીજું, જેમનું બ્લડ-પ્રેશર અનકન્ટ્રોલ્ડ હોય તેમણે પણ કોઈ વૈદ્યની હાજરીમાં આ પ્રયોગ કરવો.’

ધારો કે આવું થાય તો?
જો સૂંઠ સૂંઘ્યા પછી બહુ જ બળતરા થતી હોય અથવા અન્ય કોઈ તકલીફ જણાય તો તમે ઇમર્જન્સીમાં તમે લોકા આયુર્વેદને ૯૩૧૮૪૪૦૨૨૧ નંબર પર સંપર્ક કરીને સલાહસૂચન લઈ શકો છો.

સૂંઠના અન્ય ઉપયોગ વિશે વૈદ્ય પ્રબોધ ગોસ્વામી પાસેથી જાણીએ
સૂંઠને દુનિયાની ઔષધીની ઉપમા અપાઈ છે એમ જણાવીને વૈદ્ય પ્રબોધ ગોસ્વામી કહે છે, ‘સૂંઠ અથવા લીલા સ્વરૂપે લઈએ તો આદું ઘણીબધી બીમારીઓમાં તત્કાલ પરિણામ આપનારી ઔષધી છે. ખાસ કરીને કફ અને વાયુના રોગોમાં એ ઘણું સારું કામ કરે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે, આહારને પચાવે, શરીરમાં રહેલા વિકૃત કફદોષ, આમદોષ, ચિકાશ, અપક્વ ખોરાકનું વ્યવસ્થિત પાચન કરે, શરીરને બળ આપે, શરીરને ઍક્ટિવ બનાવે, શરીરના દુખાવા બધા દૂર કરે. એમ એનો મલ્ટિપર્પઝ યુઝ છે. જ્યાં સુધી શરીરમાં કફદોષ હોય ત્યાં સુધી સૂંઠ ગરમ ન પડે. લેવાની સાચી રીત, વ્યક્તિની પ્રકૃતિ અને શરીરના દોષો પ્રમાણે લો તો એ ખૂબ લાભ કરે છે. જેમ કે ભૂખ ન લાગતી હોય તેમણે જમ્યા પહેલાં લેવી, પાચનમાં તકલીફ હોય, વાયુ-ગૅસ કરે તો જમ્યા પછી લો તો ફાયદો કરે, સવારે નરણા લો તો સંચિત દાષોને દૂર કરે, સૂંઠનો ઉકાળો એરંડિયું નાખીને પીઓ તો વાયુના રોગો દૂર કરે, વાનો રોગ દૂર કરે, શરીરના સોજા ઘટાડે. જૈનોનાં પારણાંમાં ઘી અને ગોળ સાથે સૂંઠની ગોળી ખાવામાં આવે છે એના પણ ઘણા લાભ છે. ઘી અને ગોળ બન્ને યોગવાહી છે. આ ત્રણેય સાથે લો તો શરીરનું પાચન સુધારે, શરીરમાં સાતેય ધાતુ વધે, શરીરનું ઓજ વધે, શરીરનું બળ જળવાઈ રહે. બહારથી આવનારા ઇન્ફેક્શનથી બચી શકીએ. જેમને તીવ્ર કફની અવસ્થા ન હોય તેમણે સૂંઠની જગ્યાએ આદું વાપરવાનું, આદું પાંચ ગ્રામ અને પાંચ ગ્રામ ગોળ બન્નેને કચરીને મિક્સ કરી એમાં ચાર-પાંચ ચમચી પાણી નાખી એને ગરમ કરવાનું. પછી એને ગાળીને બે-બે ટીપાં નાકમાં નાખવાનાં. આને નસ્યનો પ્રયોગ કહેવાય. આમ કરવાથી નાકની અશુદ્ધિ કે કફ દૂર થઈ જાય અને ગોળ સાથે ભળેલો હોવાથી એ બહુ બળતરા પણ ન કરે. ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર, કૅન્સર કે હાર્ટ-પેશન્ટ પણ આ પ્રયોગ કરી શકે છે. દૂધમાં નાખીને સૂંઠ લઈ શકો તો માઇલ્ડ થઈ જાય, સૂંઠનું પાણી ગરમ પડતું હોય તો સૂંઠ અને ધાણા નાખીને પાણી ઉકાળી દો તો પણ ચાલે. સૂંઠ વિશે તો કહીએ એટલું ઓછું છે.’

ruchita shah columnists health tips