નામ ગયાં, પણ રસ્તા રહ્યા એસ્પ્લેનેડ અને કોલાબા કોઝવે

13 February, 2021 05:49 PM IST  |  Mumbai | Deepak Mehta

નામ ગયાં, પણ રસ્તા રહ્યા એસ્પ્લેનેડ અને કોલાબા કોઝવે

સાવ અજાણી વાટે મારે આગળ જાવું છે,

પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે

મનસ્વી પ્રાંતિજવાળાનું આ ગાયન આજે કેમ યાદ આવી ગયું? કારણ કે આજે આપણે મુંબઈના અજાણ્યા રસ્તાઓ પર અહીં-તહીં, ઇકડે-તિકડે, ઇધર-ઉધર ફરવું છે. ના, આજના નહીં, સોએક વરસ પહેલાંના રસ્તાઓ પર. આપણી આ રખડપટ્ટીની શરૂઆત ક્યાંથી કરીશું? ચાલો, પહેલાં જઈએ એસ્પ્લેનેડ રોડ. એ જમાનામાં મુંબઈના ઘણા રસ્તાને કોઈ ને કોઈ બ્રિટિશ ગવર્નરનાં નામ અપાતાં અને એસ્પ્લેનેડ નામ પણ કોઈ ગવર્નરનું હોય એવું લાગે છે, નહીં? પણ મુંબઈના ગવર્નરોનાં નામની યાદી બે વાર ઊથલાવી જાઓ, આવા નામનો કોઈ ગવર્નર નહીં મળે. આવા નામનો બીજો કોઈ અંગ્રેજ અધિકારી પણ મુંબઈમાં ક્યારેય નહોતો. તો? દરિયો, નદી કે મોટા તળાવને કાંઠે બાંધેલા રસ્તાને અંગ્રેજીમાં એસ્પ્લેનેડ કહેવાય છે. એને માટેનો બીજો શબ્દ પ્રોમિનાડ. મૂળ તો કાંઠા પર લોકો ચાલી શકે એવી પગદંડી કે કાચા રસ્તા માટે આ નામ વપરાતું. પછી વાહનોનો વપરાશ વધ્યો તેમ એને માટે પાકા રસ્તા બંધાવા લાગ્યા. આવા રસ્તા પણ જો કિનારા પર હોય તો એ કહેવાય એસ્પ્લેનેડ. મુંબઈ ઉપરાંત આપણા દેશમાં કલકત્તા, મદ્રાસ, કોચી, પૉન્ડિચરી, ભુવનેશ્વર વગેરે શહેરોમાં પણ એસ્પ્લેનેડ છે. દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ છે. 

 મુંબઈનો એસ્પ્લેનેડ રોડ ધોબી તળાવની પાળ નજીકથી શરૂ થતો અને છેક કોલાબા કોઝવે સુધી લંબાતો. હા જી, આજનો માહાત્મા ગાંધી રોડ એ જ આ એસ્પ્લેનેડ રોડ. એક જમાનામાં આ રોડના ઘણા ભાગોની નજીક દરિયો હતો એટલે એ રોડ બન્યો એસ્પ્લેનેડ. ધોબી તળાવથી આગળ ચાલીએ તો સૌથી પહેલાં આવે બન્ને બાજુ બે મોટાં મેદાન. આજનું આઝાદ મેદાન અને ક્રૉસ મેદાન. આઝાદ મેદાન નામ તો ૧૯૪૭ પછી પડ્યું. પહેલાં એ કૅમ્પનું મેદાન તરીકે ઓળખાતું, કારણ કે એનો ઉપયોગ મોટે ભાગે નજીકના કૅમ્પમાંના સૈનિકો કવાયત માટે કરતા. ‘દેશી’ લોકો એને કાંપનું મેદાન કહેતા. એ જ રસ્તે આગળ જતાં બ્રિટનનાં મહારાણી ક્વીન વિક્ટોરિયાનું ખૂબ સુંદર આરસનું પૂતળું આવતું. વડોદરાના ગાયકવાડે ૧૮૭૨માં આ પૂતળું મુંબઈ શહેરને ભેટ આપ્યું હતું. એલ્ફિન્સ્ટન કૉલેજ અને મુંબઈ યુનિવર્સિટીનાં મકાન પણ આ જ રસ્તા પર આવેલાં છે. જ્યાં એસ્પ્લેનેડ રોડ પૂરો થતો અને કોલાબા કોઝવે શરૂ થતો એની પહેલાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સ ઑફ વેલ્સનું

પૂતળું મુકાયેલું. એના પરથી લોકો એ વિસ્તારને ‘કાલા ઘોડા’ તરીકે ઓળખતા, આજે પણ

ઓળખે છે. દર વર્ષે કાલા ઘોડા ફેસ્ટિવલ પણ એ જગ્યાએ યોજાય છે. એ પૂતળાની લગભગ સામે પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ. એસ્પ્લેનેડ રોડના નાકા પર રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સનું અર્ધગોળાકાર મકાન. એને ભોંયતળિયે સર કાવસજી જહાંગીર હૉલ.

 ૧૯૬૫ના ઑગસ્ટની ૧૦મી તારીખની વહેલી સવારે એક વૉચમૅન રોજની જેમ હૉર્નિમન સર્કલ પર ફરી રહ્યો હતો. અને તેણે શું જોયું? ત્યાં આવેલાં લૉર્ડ કૉર્નવોલિસ અને લૉર્ડ વેલેસ્લીનાં આરસનાં પૂતળાંનાં માથાંને તોડીને ધડથી જુદાં કરી નાખવામાં આવ્યાં હતાં! એ સમાચાર તેણે ઉપરી અધિકારીને પહોંચાડ્યા ત્યાં તો ઓવલ મેદાન પાસેથી ખબર મળ્યા કે લૉર્ડ સૅન્ડહર્સ્ટના પૂતળાનું નાક તોડી નાખ્યું છે અને એસ્પ્લેનેડ રોડ પરના રાણીના પૂતળાનો મુગટ તોડી નાખ્યો છે. અને મ્યુનિસિપાલિટી તરત સાબદી થઈ ગઈ. થોડા જ દિવસોમાં આઠ જેટલાં પૂતળાં જાહેર સ્થળેથી ખસેડીને મોકલી દીધાં જીજા માતા ઉદ્યાનમાં કે ભાઉ દાજી મ્યુઝિયમમાં. એમાંનાં બે એ રાણીનું પૂતળું અને પ્રિન્સ ઑફ વેલ્સનું પૂતળું. એ રસ્તા પર એસ્પ્લેનેડ સ્કૂલ, એસ્પ્લેનેડ કોર્ટ વગેરેની ઇમારતો આવેલી હતી. એક જમાનામાં મુંબઈની એકમાત્ર પ્રખ્યાત વૉટ્સન હોટેલ પણ આ જ રસ્તા પર આવી હતી. એ જે મકાનમાં હતી એનું નામ એસ્પ્લેનેડ મૅન્શન. આજે તો હવે એ મકાન સાવ બિસમાર હાલતમાં છે. એને તોડી પાડવું અને ત્યાં નવું મકાન બાંધવું કે જૂના હેરિટેજ મકાનને રિસ્ટોર કરવું એ વિશે બૉમ્બે હાઈ કોર્ટનો ફેંસલો આવવો હજી બાકી છે.

આપણે જાણીએ છીએ કે આજનું મુંબઈ મૂળ તો સાત ટાપુનો સમૂહ હતું. પછી ધીમે-ધીમે એ બધા ટાપુ એકબીજા સાથે જોડાતા ગયા. કોલાબાના ટાપુને મુંબઈના ટાપુ સાથે જોડવાની યોજના તો બની હતી છેક ૧૮૨૦માં. પણ સરકારી યોજનાઓ દાયકાઓ સુધી કાગળ પર જ રહે એવું આજે જ બને છે એમ નથી, અંગ્રેજ રાજમાં પણ એવું બનતું. એટલે આ બે ટાપુઓને જોડતો કોલાબા કોઝવે બાંધવાનું કામ શરૂ થયું ૧૮૩૫માં અને એ રસ્તો તૈયાર થયો છેક ૧૮૩૮માં. પણ કામ કાચું રહી ગયું હશે એટલે ૧૮૬૧થી ૧૮૬૩ દરમ્યાન આ રસ્તો ફરી બાંધવો પડ્યો. એ વખતે એને વધુ પહોળો પણ બનાવ્યો. ઘણાખરા માને છે કે મુંબઈના મૂળ વતનીઓ કોળીઓના નામ પરથી આ ટાપુનું અને તેથી આ રસ્તાનું નામ પડ્યું. જોકે એ વખતના પ્રસિદ્ધ વિદ્વાન સર જીવણજી જમશેદજી મોદીનું માનવું હતું કે ફારસીનો ‘આબ’ (પાણી) શબ્દ કોળી’ સાથે જોડાઈને બન્યો કોલાબ-કોલાબા. તો કેટલાક વળી કહે છે કે ફારસીના ‘કાલા’ અને ‘આબ’ શબ્દો જોડીને બન્યો છે કોલાબા. આ કોલાબા કોઝવે છેક કોલાબા રેલવે-સ્ટેશન સુધી જતો. આ રસ્તાનો મોટો ભાગ આજે શહીદ ભગત સિંહ રોડ તરીકે ઓળખાય છે. 

કોલાબા કોઝવે શરૂ થાય ત્યાં ૧૯૦૯માં એક ભવ્ય હોટેલ બંધાયેલી. વૉટ્સન હોટેલ અને તાજ મહાલ હોટેલ પછીની આ ત્રીજી લક્ઝરી હોટેલ, જે એક જમાનામાં ઘણી પ્રખ્યાત થયેલી. સર્વોત્તમથી ઓછું કશું ન ખપે એમ માનનારી એક ઇટાલિયન કંપનીએ એ બાંધેલી. અત્યંત ધનાઢ્ય લોકોને જ પોસાય એવી મસૂરીની સેવોય હોટેલ અને લખનઉની કાર્લટન હોટેલ પણ આ જ કંપનીની હતી. આજે પણ એ ઇમારત અડીખમ ઊભી છે, પણ ત્યાં હવે હોટેલ નથી. થોડો વખત વિધાનસભાના સભ્યોના રહેણાક માટે વપરાયેલી. એના ભોંયતળિયે આવેલો સહકારી ભંડાર શરૂ થયો ત્યારે મુંબઈમાં આ પ્રકારનો પહેલવહેલો સ્ટોર હતો.

બ્રિટિશ શાસકોએ ૧૭૪૩માં કોલાબાનો આખો ટાપુ વરસે ૨૦૦ રૂપિયાના ભાડાથી રિચર્ડ બ્રોટન નામના વેપારીને આપી દીધો હતો. ૧૭૯૬ સુધીમાં અહીં લશ્કરની ટુકડીઓ મોટે પાયે રહેવા લાગી હતી અને એટલે આ વિસ્તાર કૅન્ટોનમેન્ટ બની ગયો હતો. ૧૮૨૬માં કોલાબા ઑબ્ઝર્વેટરી શરૂ થઈ હતી જે આજે પણ કામ કરે છે. ૧૮૯૬માં પહેલવહેલી વાર એક ‘દેશી’ એના ડિરેક્ટર બન્યા હતા. તેમનું નામ નાનાભાઈ અરદેશર ફરામજી મૂસ. મુંબઈના ગરમી-ઠંડી-વરસાદના આંકડા આજે પણ રોજ આ વેધશાળા જાહેર કરે છે. મુંબઈની જૂનામાં જૂની હૉસ્પિટલ પણ કોલાબામાં આવેલી છે. અલબત્ત, એ આમ જનતા માટે નથી, ભારતીય નૌકાદળના સૈનિકો માટે છે. એનું આજનું નામ આઇએનએચએસ અશ્વિની. સૈનિકો માટેની બૅરેકમાં ૧૭૫૬માં એની શરૂઆત થઈ ત્યારે નામ હતું કિંગ્સ સીમેન હૉસ્પિટલ. એ પછી હવા મહાલ તરીકે ઓળખાતું આઠ ખૂણાવાળું મકાન બંધાયું. ૧૯૫૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે આ હૉસ્પિટલ ભારતીય નૌકા સૈન્યમાં જોડાઈ અને તેનું નામ રાખવામાં આવ્યું આઇએનએચએસ અશ્વિની. ૧૮૭૫માં કોલાબાની દીવાડાંડી બંધાઈ અને એ જ વરસે બંધાયો સાસૂન ડોક. ડેવિડ સાસૂન ઍન્ડ કંપની નામની વેપારી કંપનીએ એ બાંધેલો. મુંબઈની સૌથી મોટી માછલી બજાર અહીં આવેલી છે. ૧૮૭૦માં કાલા ઘોડા નજીક આ જ ડેવિડ સાસૂનના માનમાં ડેવિડ સાસૂન લાઇબ્રેરી સ્થપાઈ હતી. તો બીજી બાજુ મુંબઈનાં જૂનાં ચર્ચમાંનું એક અફઘાન ચર્ચ પણ કોલાબા વિસ્તારમાં આવેલું છે. ૧૮૩૯થી ૧૮૪૨ સુધી ચાલેલા અફઘાન યુદ્ધમાં મોટી સંખ્યામાં બ્રિટિશ સૈનિકો મરાયા હતા. તેમની યાદમાં આ ચર્ચ બંધાયું હતું. ૧૮૪૭માં એનો શિલાન્યાસ થયો હતો અને ૧૮૫૮માં એની વિધિવત્ શરૂઆત થઈ હતી. મકાન બંધાઈ રહેવા આવ્યું ત્યારે એને માટેના પૈસા ખૂટી ગયા ત્યારે સર કાવસજી જહાંગીરે સાડાસાત હજાર રૂપિયા આપ્યા હતા અને એમાંથી બાંધકામ પૂરું થયું હતું. બૉમ્બે સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટે દરિયો પૂરીને ૯૦ હજાર ચોરસ વાર જેટલી જમીન મેળવવાની યોજના કરી ત્યારે સર ફિરોઝશાહ મહેતા અને બીજા કેટલાક અગ્રણીઓએ આ યોજનાનો વિરોધ કર્યો હતો? કેમ? આજની જેમ પર્યાવરણ બચાવવા માટે નહીં. તેમની દલીલ હતી કે એકસાથે એટલીબધી જમીન મળે તો તેથી શહેરમાં જમીનના ભાવ ગગડી જશે! પણ કામ ચાલુ રહ્યું અને ૧૯૦૫માં પૂરું થયું. અને ત્યારે મુંબઈમાં જમીનના ભાવ સહેજ પણ ઘટ્યા નહોતા! ૧૯૦૬માં આ નવસાધ્ય જમીનને કિનારે રસ્તો બાંધવામાં આવ્યો, જેને નામ અપાયું કફ પરેડ. ટી. ડબ્લ્યુ કફ કિંગ કિંગ ઍન્ડ કંપની સાથે અને આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા. બૉમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્ટૅન્ડિંગ કમિટીના ૧૯૦૧-૧૯૦૨માં તેઓ ચૅરમૅન હતા.

મુંબઈના ઇતિહાસની જાણકારી માટે ૧૮૬૩માં પ્રગટ થયેલું ગો. ના. માડગાંવકરનું મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’ ખૂબ મહત્ત્વનું છે. આજ સુધીમાં એની છ આવૃત્તિ પ્રગટ થઈ છે. છેલ્લી આવૃત્તિ ૨૦૨૦માં છપાઈ છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયો છે. એનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ કોઈએ ઉપાડી લેવું જોઈએ. આ પુસ્તકમાં કોલાબા વિશેની કેટલીક રસપ્રદ વાતો વાંચવા મળે છે. લેખક કોલાબાને ત્રણ ભાગમાં વહેંચે છે: નાનું કોલાબા, વચલું કોલાબા અને મોટું કોલાબા. આર્થર બંદરથી ગન કૅરેજ ફૅક્ટરી સુધી નાનું કોલાબા. એ પછી અફઘાન ચર્ચ (જેને લેખક ‘કાબુલ ચર્ચ’ કહે છે) સુધી વચલું કોલાબા અને એ પછી મોટું કોલાબા. આર્થર બંદરના ધક્કા પર આવેલું હતું ગ્રાન્ટ બિલ્ડિંગ. એની પાછળ બે મોટી કાપડ મિલ. સર જમશેદજી જીજીભાઈ અને તેમના ભાગીદારોએ પોતાનો માલ ઉતારવા માટે દોઢ લાખ રૂપિયાને ખર્ચે આર્થર બંદરનો ધક્કો બંધાવ્યો હતો. અહીં જ તેમની એક મોટી કાપડ મિલ આવી હતી. એમાં વરાળથી ચાલતાં આઠ મશીન હતાં. તો ૧૮૨૩માં શરૂ થયેલ ગન કૅરેજ ફૅક્ટરીમાં તોપ, તોપના ગોળા અને બીજો સરંજામ બનાવવામાં આવતો હતો. આ લેખકના કહેવા પ્રમાણે એ વખતે કોલાબામાં ગાંડાઓ માટેની હૉસ્પિટલ પણ હતી અને અંગ્રેજો માટેનું કબ્રસ્તાન પણ હતું.   

એસ્પ્લેનેડ રોડ અને કોલાબા કોઝવે બન્ને મુંબઈના કોટ (ફોર્ટ)ની બહારના રસ્તા, બન્ને દરિયા પાસે બંધાયેલા. મુંબઈ શહેરના વિકાસમાં બન્ને રસ્તાઓનો મહત્ત્વનો ફાળો. આજે એનાં નામ બદલાઈ ગયાં છે. મહત્ત્વ ઓછું-વધતું થયું છે છતાં આ બન્ને રોડ પરની કેટલીક જૂની ઇમારતો અડીખમ ઊભી છે અને એ બન્ને રસ્તાના ભૂતકાળની કથા કહી રહી છે, પણ એ સાંભળવા માટેના કાન આપણી પાસે છે? ચાલી-ચાલીને થાકી ગયા, નહીં? આજે હવે વિરામ. આવતે અઠવાડિયે બીજા રસ્તાઓ પર ઘૂમવા નીકળશું, પેલી કાવ્યપંક્તિને યાદ કરીને : થંભો ના, હે ચરણ, ચલો.

columnists deepak mehta