તમે જે ખાઓ છો એ મલ્ટિગ્રેન છે એની ખબર કેમ પડે?

21 January, 2021 08:34 PM IST  |  Mumbai | Varsha Chitalia

તમે જે ખાઓ છો એ મલ્ટિગ્રેન છે એની ખબર કેમ પડે?

તમે જે ખાઓ છો એ મલ્ટિગ્રેન છે એની ખબર કેમ પડે?

આજકાલ ડાયટના નામે જેને જુઓ એ વિવિધ પ્રકારનાં અનાજને મિક્સ કરીને બનાવવામાં આવેલી ફૂડ-આઇટમ ખાવાનો આગ્રહ રાખે છે. મલ્ટિગ્રેન આટા, ખાખરા, બિસ્કિટ્સ, બ્રેડ જેવી અનેક આઇટમો બજારમાં ઠલવાઈ રહી છે અને ફટાફટ વેચાઈ જાય છે. તમને પણ મલ્ટિગ્રેનનો મોહ હોય તો એને ખાવાની સાચી રીત સમજી લો

આજકાલ ડાયટ કરવું એ ટ્રેન્ડ બની ગયો હોવાથી ઑર્ગેનિક તેમ જ મલ્ટિગ્રેન ફૂડ આઇટમની ખૂબ ડિમાન્ડ છે. બાજરી, જુવાર, ચોખા, નાચણી જેવાં જુદાં-જુદાં અનાજને દળીને તૈયાર કરેલા આટા, મલ્ટિગ્રેન રોસ્ટેડ સ્નૅક્સ અને બ્રેડ પ્રત્યે લોકોનો ઝુકાવ વધ્યો છે. અમે હેલ્થ-કૉન્શિયસ છીએ એવું બતાવવા માટે ઘણા ­લોકો મિક્સ લોટમાંથી બનાવેલી રોટલી જ ખાવાનું પ્રિફર કરે છે. સુપર માર્કેટમાં મલ્ટિગ્રેન બિસ્કિટ્સ સહિતની અનેક બેકરી-પ્રોડક્ટ્સ ચપોચપ ઊપડી જાય છે ત્યારે એને ખાવાની સાચી રીત વિશે વાત કરીએ...
મલ્ટિગ્રેન કેમ?
કોઈ પણ વાનગીની બનાવટમાં બે કરતાં વધુ પ્રકારનાં અનાજ ભેળવવામાં આવ્યાં હોય એને મલ્ટિગ્રેન ફૂડ આઇટમ કહેવાય. દરેક અનાજમાં તમામ વસ્તુ હોતી નથી. કોઈકમાં કાર્બ્સ વધુ હોય છે તો કોઈકમાં પ્રોટીન. સ્વસ્થ અને નીરોગી રહેવા માટે આપણા શરીરને સંતુલિત આહારની જરૂર છે એવી સમજણ વિકસતા મલ્ટિગ્રેન ફૂડ આઇટમ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. ન્યુટ્રિશનિસ્ટ વર્તિકા મહેતા કહે છે, ‘કમ્પ્લીટ મીલ એને કહેવાય જેમાંથી પર્યાપ્ત માત્રામાં ઍમિનો ઍસિડ એટલે કે પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય. ડૉક્ટર ઘણી વાર કહે છે કે ફર્સ્ટ ક્લાસ પ્રોટીન માટે દૂધ પીઓ. દૂધમાંથી પૂરતા પ્રમાણમાં ઍમિનો ઍસિડ મળી રહે છે એથી એને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં ઍમિનો ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે કઠોળ અને દાળમાં એની માત્રા વધુ હોય છે. જમવાની થાળીમાં આ બન્નેનું કૉમ્બિનેશન થાય ત્યારે ક્મ્પ્લીટ મીલ બને. મલ્ટિગ્રેનનો કન્સેપ્ટ છે તમારી ઍમિનો ઍસિડની પ્રોફાઇલ પૂરી થાય. અત્યારે આપણે જે કન્સેપ્ટ અપનાવી રહ્યા છીએ એ વાસ્તવમાં ભારતીય પરંપરાગત થાળીમાં પહેલેથી છે. મહારાષ્ટ્રમાં ખવાતી થાલીપીઠ અને પંજાબીઓની મીસી રોટીમાં ઘઉં, જુવાર, બાજરી, નાચણી, રાગી જેવાં અનાજ હોવાથી એને મલ્ટિગ્રેન વાનગી કહેવાય. દરેક રાજ્યમાં ત્યાંના કલ્ચર મુજબ મલ્ટિગ્રેન વાનગીઓ બનતી હોય છે, પરંતુ આપણે એનાથી વિમુખ થઈ નવા કલ્ચરમાં ઢળતા જઈએ છીએ.’
કંપનીઓનો દાવો
ગ્લોબલ કન્ઝ્‍યુમર સર્વેનો રિપોર્ટ કહે છે કે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા વધતાં વિશ્વના વિકસિત તેમ જ વિકાસશીલ દેશોના અંદાજે ૬૩ ટકા લોકો દિવસના એક મીલમાં મલ્ટિગ્રેન બનાવટની વાનગીઓ આરોગતા થયા છે. મોટી સંખ્યામાં કન્ઝ્‍યુમરને અટ્રૅક્ટ કરવા પૅકેજ્ડ સ્નૅક્સ બનાવતી બ્રૅન્ડેડ અને લોકલ કંપનીઓ દ્વારા માર્કેટમાં રોજ નવા મલ્ટિગ્રેન નાસ્તા ઠલવાઈ રહ્યા છે. શું આ નાસ્તાને હેલ્ધી ડાયટની કૅટેગરીમાં મૂકવા જોઈએ? વર્તિકા કહે છે, ‘ઘઉંમાં કાર્બ્સ વધુ હોય છે એથી એની સરખામણીએ મલ્ટિગ્રેન આટો ખાવામાં વાંધો નથી. એવી જ રીતે મેંદાની બનાવટના બેકરી-પ્રોડક્ટ્સની તુલનામાં મલ્ટિગ્રેન સ્નૅક્સ બેટર ઑપ્શન કહેવાય, પરંતુ એને હેલ્ધી ડાયટની કૅટેગરીમાં ન મૂકી શકાય.’
આગળ સમજાવતાં તેઓ કહે છે, ‘બજારમાં મલ્ટિગ્રેન ચકરી, વેફર્સ, ખાખરા સહિત સેંકડો આઇટમ મળે છે. મલ્ટિગ્રેન આટામાંથી બનાવેલાં બિસ્કિટ્સને ફાઇબરનો સારો સ્રોત બતાવી વેચવામાં આવે છે. ફાઇબર ત્યારે મળે જ્યારે એને ચાળ્યા વગર ખાવામાં આવે, જેને આપણે થૂલી કહીએ છીએ. હવે બિસ્કિટ્સમાં થૂલી ભેળવો તો કડક લાગે અને ખાતી વખતે મોઢામાં અટકે. આવાં બિસ્કિટ વેચાય નહીં એથી ફૅક્ટરીમાં મિક્સ આટાને ઝીણી ચાળણીથી ચાળી નાખવામાં આવે છે. લોટને ચાળવાથી જે ખરેખર મળવું જોઈએ એ નથી મળતું. બીજું એ કે કોઈ પણ બેકરી-પ્રોડક્ટ્સને સૉફ્ટ બનાવવા મેંદો તેમ જ ફુલાવવા બેકિંગ સોડા નાખવો પડે, એના વગર બને નહીં. આજકાલ તો ખારી પણ મલ્ટિગ્રેન મળે છે. હવે તમે જ વિચારો કે ખારી ફૂલીને સૉફ્ટ કઈ રીતે બની? આટાને પણ ચાળીને પૅકિંગ થાય છે. ચાળ્યા વગરના લોટની રોટલી ફૂલે નહીં. કોઈ પણ ફૂડ-આઇટમમાં પાંચ કરતાં વધુ ઇનગ્રેડિયન્ટ્સ હોય તો એને હેલ્ધી ન કહી શકાય. ઍડેડ શુગર તો લગભગ દરેક આઇટમમાં લખેલું હોય છે. લોકલ બેકરીની આઇટમમાં તો લેબલિંગ પણ નથી હોતું. આમ રેડી ટુ ઇટ મલ્ટિગ્રેન સ્નૅક્સ અથવા આટો ખાવાથી તમે માનો છો એવો ફાયદો થવાનો નથી.’
આ રીતે ફાયદો થાય
મલ્ટિગ્રેન રોટી ખાવાથી વજન ઝડપથી ઘટે છે એ વાતમાં કેટલી સચ્ચાઈ છે? વર્તિકા કહે છે, ‘મલ્ટિગ્રેનથી વજન ચોક્કસ ઘટે છે, પરંતુ આ પર્સનલાઇઝ્‍ડ ડાયટ છે. કયા અનાજની માત્રા કેટલી હોવી જોઈએ એ વ્યક્તિની પાચનશક્તિ, રોગ, સ્થળ, હવામાન અને શરીરની જરૂરિયાત પર આધાર રાખે છે. થોડા દિવસ પહેલાં રેડી મલ્ટિગ્રેન આટાના પૅકેટનું લેબલ વાંચીને મને નવાઈ લાગી હતી. એમાં ઇસબગુલ પણ ઉમેરવામાં આવ્યું હતું. ઇસબગુલ બેશક ફાઇબરનો સ્રોત છે, પણ બધા માટે એકસરખી માત્રા ન હોય. કબજિયાત અને ડાયાબિટીઝના દરદી માટે બેસ્ટ છે. એવી જ રીતે ઘણી કંપનીઓ અળસીને પીસીને નાખે છે. અળસીને શેકીને કે કાચી કઈ રીતે ભેળવવામાં આવી છે એની આપણને ખબર નથી. મલ્ટિગ્રેનમાં અનાજની સાથે સીડ્સ ઉમેરીને ગૃહિણીઓને અટ્રૅક્ટ કરવાનો કીમિયો પણ પૉપ્યુલર છે. બેકરી-પ્રોડક્ટ્સ પર સીડ્સ અને તલ ભભરાવેલાં જોઈને અટ્રૅક્ટ થવાની જરૂર નથી. દિવસમાં એક ચમચી કરતાં વધારે સીડ્સ ખાવાનો પણ કોઈ મતલબ નથી. સામાન્ય રીતે દરેક અનાજની માત્રા સરખી લેવામાં આવે છે, પરંતુ તમારા ઘરમાં વડીલોની હેલ્થ, બાળકોની સંખ્યા અને અન્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પર્સનલાઇઝ્‍ડ આટો વાપરવાથી વજન નિયંત્રણમાં રહે છે તેમ જ એના મૅક્સિમમ ફાયદા મળે છે.’

કમ્પ્લીટ મીલ એને કહેવાય જેમાંથી પર્યાપ્ત માત્રામાં ઍમિનો ઍસિડ એટલે કે પ્રોટીનની જરૂરિયાત પૂરી થાય. ઘઉં, ચોખા, બાજરી વગેરેમાં ઍમિનો ઍસિડનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે કઠોળ અને દાળમાં એની માત્રા વધુ હોય છે. જમવાની થાળીમાં આ બન્નેનું કૉમ્બિનેશન થાય ત્યારે એ ક્મ્પ્લીટ મીલ બને. બજારમાં મળતાં બિસ્કિટ્સ, ખાખરા, ચકરી જેવા રેડી ટુ ઇટ
મલ્ટિગ્રેન નાસ્તા ખાવાથી ફાયદો થતો નથી. આટાને પણ ચાળી નાખવામાં આવતાં જે ખરેખર સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે એ નથી મળતું. મલ્ટિગ્રેન લોટ વાપરવો હોય તો ઘરમાં દળી લેવો -વર્તિકા મહેતા, ન્યુટ્રિશનિસ્ટ

ટ્રાય ઇટ

આપણને બધાને વિવિધ પ્રકારના પકવાન ખાવા જોઈએ છે. રોજ-રોજ કંઈ તમે મલ્ટિગ્રેન આટાની રોટલી કે ખાખરા ન ખાઈ શકો. મલ્ટિગ્રેનમાંથી ઢોસા, ઇડલી, પૂડલા જેવી વાનગીઓ પણ બનાવી શકાય છે. ઢોસાને મલ્ટિગ્રેન બનાવવા ચોખા અને અડદની દાળ ઉપરાંત મગની, ચણાની કે તુવેરની દાળ પણ ઉમેરી શકાય. ઇડલીમાં પણ વિવિધ દાળ ટ્રાય કરો. ચણાના લોટના પૂડલા કરતાં મલ્ટિગ્રેન આટામાંથી બનાવેલા પૂડલા હેલ્ધી કહેવાય. દહીંવડા જેવી વાનગીમાં ત્રણ-ચાર પ્રકારની દાળ મિક્સ કરો. ફણગાવેલાં કઠોળમાં મિક્સ લોટ નાખીને સરસમજાના મૂઠિયાં બનાવી શકાય. બહારની મલ્ટિગ્રેઇ ડિશ કરતાં ગૃહિણીઓ પોતાના આઇડિયાથી જુદાં-જુદાં અનાજ મિક્સ કરીને ઘરમાં જ સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ બનાવી શકે છે. 

લોકલ ઇઝ બેસ્ટ

બજારમાં મળતા તૈયાર આટામાં જુદાં-જુદાં રાજ્યોમાં ઉગાડેલાં અનાજ મિક્સ કરવામાં આવે છે એથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઈએ એવો ફાયદો થતો નથી. કંપનીઓને મોટા પ્રમાણમાં અનાજનો જથ્થો જોઈએ એટલે તેઓ હોલસેલમાં ખરીદીને મૂકી દે છે અને એમાંથી પ્રોસેસ થઈને આપણા સુધી પહોંચે છે. પૅકેજ્ડ આટા કરતાં જાતે અનાજ લાવીને ઘરની ઘંટીમાં દળી લેવું. રહેવાસી સોસાયટીમાં ઘણી બહેનો ઘરની ઘંટીમાં લોટ દળી આપવાનું કામ કરે છે એનો લાભ લઈ શકાય. ઘરમાં મલ્ટિગ્રેઇ આટા દળાવતી વખતે સ્થાનિક ખેડૂતો પાસેથી અનાજ ખરીદવું. દરેક અનાજને ખાવાનો નિશ્ચિત સમય હોય છે. તમારા વિસ્તારમાં ઋતુ પ્રમાણે જે અનાજનું ઉત્પાદન વધુ થતું હોય એ શરીર માટે ઉત્તમ કહેવાય એથી એનો વપરાશ વધુ કરવાથી સહેલાઈથી પચી જાય છે. મલ્ટિગ્રેન આટાના કન્સેપ્ટ પાછળ દોડવું જ હોય તો થોડી મહેનત કરો અને આ બાબતે તમારાં સંતાનોને પણ જ્ઞાન આપો. જો તમે તૈયાર પૅકેટ પર નિર્ભર રહેશો તો નેક્સ્ટ જનરેશનને સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓની જાણકારી મળશે નહીં અને તેઓ ડાયટના નામે અજાણતાં ખોટો આહાર પેટમાં ઠાલવતા થઈ જશે. સરવાળે સ્થાનિક અનાજનું મહત્ત્વ ઘટતું જશે અને લાંબા ગાળે સ્વાસ્થ્ય પર એની વિપરીત અસર થશે.

columnists Varsha Chitaliya Gujarati food mumbai food