ડરને જીતો - (લાઇફ કા ફન્ડા)

23 January, 2020 03:44 PM IST  |  Mumbai | Heta Bhushan

ડરને જીતો - (લાઇફ કા ફન્ડા)

શાળામાં સૌથી ‘ઢ’ ગણાતો છોકરો - નામ વિરાજ, છેલ્લી બેન્ચ પર બેસે. મોટાભાગના પિરિયડમાં તે ક્લાસની બહાર જ ઊભો હોય, કારણ એક - તેનું ટીચર જે ભણાવતા હોય તેમાં ધ્યાન ન હોય અથવા બીજું તે જો કોઈ પ્રશ્ન પૂછે તો ટીચર કહે ‘તું ધ્યાન આપતો નથી અને પછી પ્રશ્નો પૂછી ક્લાસને ડિસ્ટર્બ કરે છે... જા બહાર જઈને ઊભો રહે.’ વિરાજ બહાર જતો રહે. આમ ને આમ ચાલતું રહ્યું અને વિરાજને ભણવા પ્રત્યે...શાળા પ્રત્યે...ટીચરો પ્રત્યે અણગમો થતો ગયો અને તેના માર્ક દિવસે-દિવસે વધુ ઓછા થતા ગયા. તે નાપાસ થવા લાગ્યો.

રિઝલ્ટ ખરાબ આવતાં શાળામાં ટીચરો ખીજાય, વિદ્યાર્થીઓ હાંસી ઉડાવે, ઘરે મમ્મી ખીજાય. બધાની વઢ સાંભળી સાંભળી વિરાજ ભણવાથી, પુસ્તકોથી, પરીક્ષાથી વધુ ને વધુ ડરવા લાગ્યો અને દૂર ભાગવા લાગ્યો. વિરાજના જીવનમાં એક જ વ્યક્તિ હતી જે તેને સમજતી હતી અને કોઈ પણ વાત ખીજાયા વિના સાંભળતી અને સમજાવતી હતી અને તે હતા તેના વહાલા પપ્પા.

એક દિવસ વિરાજ શાળામાંથી આવી યુનિફોર્મ બદલ્યા વિના સોફા પર અડધો કલાકથી સૂનમૂન બેઠો હતો. કંઈ બોલતો નહોતો. પપ્પા ધીમેથી તેની પાસે ગયા અને પૂછ્યું, ‘વિરાજ, શું થયું?’ વિરાજ પપ્પાને ભેટીને રડવા લાગ્યો અને રડતાં રડતાં બોલ્યો ‘આવતું વર્ષ દસમાનું વર્ષ છે એટલે વધુ ભણાવવા આ વર્ષની વાર્ષિક પરીક્ષા વહેલી લેવાના છે. આજે જ ટાઈમ-ટેબલ આપ્યું છે અને પરીક્ષા આડે માત્ર વીસ જ દિવસ છે.’

પપ્પાએ હિંમત આપતા કહ્યું ‘વાંધો નહીં દીકરા, વીસ દિવસ બાકી છે ને. આપણે વધુ મહેનત કરીશું.’

વિરાજ બોલ્યો, ‘પપ્પા, મને બહુ ડર લાગે છે, અને ખબર છે મને ગણિત અને વિજ્ઞાનમાં કંઈ જ નથી આવડતું, હું કેવી રીતે પાસ થઈશ...અને મને હું વાંચું કે દાખલા કરું કંઈ સમજાતું જ નથી, હું શું કરું? અને નાપાસ થઈશ એટલે બધા મારી હાંસી ઉડાવશે, ટીચરો-મમ્મી બધાં ખીજાશે એનો નાપાસ થવા કરતાં વધારે ડર લાગે છે.’

પપ્પાએ વહાલથી સમજાવતા કહ્યું ‘વિરાજ, મારી બે વાત સમજ - એક તને ખબર છે કે તને કંઈ નથી આવડતું તે સૌથી સારી વાત છે. અને તું ભણવાથી, પરીક્ષાથી, મમ્મી અને ટીચરોની વઢથી, વિદ્યાર્થીઓની મજાકથી ડરે છે તે સૌથી ખરાબ બાબત છે. દીકરા, જીવનમાં આગળ વધવું હશે તો જ્યાં છે ત્યાંથી એક ડગલું આગળ વધવાની હિંમત રાખવી પડશે. સૌથી પહેલાં તારે તારા ડરને જીતવો પડશે. ડર નહીં, પરિણામની ચિંતા કર્યા વગર આજથી જ બમણી મહેનત કરવાનું શરૂ કર. પ્રયત્ન કર - ચોક્કસ સારું પરિણામ મળશે.’ પપ્પાએ આપેલી સમજ બાદ વિરાજે પોતાના બધા ડર પર જીત મેળવવા મહેનત કરી ભણવાનું નક્કી કર્યું.    

columnists heta bhushan