કિસી કો પતા નહીં ચલેગા...

04 July, 2022 05:13 PM IST  |  Mumbai | Jigisha Jain

એકબીજાથી જે નારાજગી કે ગુસ્સો હોય એ જતાવવા માટે દરેક યુગલ જાહેરમાં પોતાની કેવી-કેવી ટ્રિ​ક્સ કે કોડ લૅન્ગ્વેજનો ઉપયોગ કરે છે એ જાણવું રસપ્રદ છે

પ્રતીકાત્મક તસવીર

ઝઘડવું એ દામ્પત્યસુખનો જ એક ભાગ છે, પરંતુ કોઈ પણ કપલ જાહેરમાં એટલે કે ઘરના કે બહારના કોઈ પણ સામે દલીલબાજીમાં ઊતરતું નથી.  એમ છતાં એકબીજાથી જે નારાજગી કે ગુસ્સો હોય એ જતાવવા માટે દરેક યુગલ જાહેરમાં પોતાની કેવી-કેવી ટ્રિ​ક્સ કે કોડ લૅન્ગ્વેજનો ઉપયોગ કરે છે એ જાણવું રસપ્રદ છે

અમેરિકાનાં ફર્સ્ટ લેડી એટલે કે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડનનાં પત્ની જિલ બાઇડને એક ઇન્ટરવ્યુમાં તેમની અંગત વાત કરતાં કહ્યું હતું કે અમારે (પતિ-પત્નીને) જો મતભેદો હોય કે અમારે આર્ગ્યુમેન્ટ્સ કરવી હોય તો અમે વર્બલી કરવાને બદલે ટેક્સ્ટિંગ પસંદ કરીએ છીએ, કેમ કે લગભગ હંમેશાં અમારી આસપાસ સિક્યૉરિટી કે અન્ય સ્ટાફ હાજર હોય જ છે એટલે જો અમે ફોન પર કે આમનેસામને દલીલો કરીએ તો પ્રાઇવસી જળવાતી નથી. આ રીતે લડવાને તેઓ ફાઇટ- ટેક્સ્ટિંગના નામે બોલાવે છે. આ વાતના સમર્થનમાં પ્રેસિડન્ટ જો બિડન પણ મજાકમાં કહે છે કે આ રીતે લડવાની સારી બાબત એ છે કે કોણે ક્યારે શું કહ્યું હતું એનો રેકૉર્ડ તમારી પાસે રહે છે, જેનો સીધો અર્થ એ થયો કે એને રેફરન્સ તરીકે વાપરી શકાય છે. કહી શકાય છે કે તેં આવી વાત કરેલી.’
જો અને જિલ તો એ કક્ષાની વ્યક્તિઓ છે કે એ ભાગ્યે જ એકલી પડતી હશે, પરંતુ સામાન્ય કપલ્સ સાથે પણ આવી તકલીફો તો થતી જ હોય છે. જ્યારે પાર્ટનર પર ગુસ્સો આવે ત્યારે બિલકુલ જરૂરી નથી કે એ બંને જણ એકલાં જ હોય. બાળકો, સાસુ-સસરા કે ફ્રેન્ડસ કે બીજું કોઈ પણ હોય તો મોટા ભાગે દરેક કપલ આર્ગ્યુમેન્ટ કરવાનું ટાળતાં જ હોય છે, પરંતુ કોઈ એવી રીતો તો હોય જ છે જેના દ્વારા બંને જણ એકબીજાને કમ્યુનિકેટ કરી દેતાં હોય છે કે મને ખરાબ લાગ્યું છે કે મને ગુસ્સો આવે છે કે સામેવાળી વ્યક્તિએ આવું ન હતું કરવાનું. મળીએ કેટલાંક કપલ્સને અને જાણીએ કે જ્યારે ગુસ્સો આવે ત્યારે એ લોકો કઈ રીતે પબ્લિકમાં પોતાના પાર્ટનર સાથે કમ્યુનિકેટ કરે છે. 
ટેક્સ્ટ મેસેજ છે બેસ્ટ 
કાંદિવલીમાં રહેતાં ૩૯ વર્ષનાં નેહા દોશી કહે છે, ‘મને તો જે સમયે ગુસ્સો આવે કે ચીડ ચડે કે ખરાબ લાગે તો એ જ સમયે વ્યક્ત કરવા જોઈએ. હું દબાવીને ન રાખી શકું, પણ એ પણ હકીકત છે કે જાહેરમાં એને લીધે ઊકળી થોડું પડાય છે? એટલે મારા માટે એક જ હથિયાર છે મોબાઇલ. હું સીધો એમને મેસેજ કરું. બધાની વચ્ચે મોઢા પર નારાજગી ન લાવીને પણ મેસેજ દ્વારા એ નારાજગી પહોંચી જાય છે. વળી, અમે બંનેના મેસેજ ટોન અલગ રાખ્યો છે. ઘણી વાર તો એ પર્સનલ ટોનથી સમજાઈ જાય કે એમનો જ મેસેજ છે અને હવે ૨૦ વર્ષના લગ્નજીવન પછી એ પણ ખબર જ હોય કે મેસેજમાં શું લખ્યું હશે, કારણ કે એકબીજા સાથે એટલો સમય પસાર કર્યો હોય તો એ પણ ખબર જ હોય ને કે પાર્ટનરને કઈ વાત પર અને કેવો ગુસ્સો આવ્યો હશે.’  
એકબીજાને સમજવાની વાત પર નેહાબહેનના પતિ ૪૫ વર્ષના કલ્પેશભાઈ દોશી કહે છે, ‘નેહા ખૂબ બોલકી છે. બધાની વચ્ચે એનું ચકર-પકર બોલવાનું ચાલુ જ હોય, પણ જ્યારે એને ખરાબ લાગે કે મૂડ સ્પોઇલ થયો હોય ત્યારે બીજું કંઈ જ નહીં બસ, એ ચુપ થઈ જાય. એ જેવી ચુપચાપ બેઠી હોય તો સમજી જવાનું કે આજે મામલો ગરમ છે. બધાને એ નૉર્મલ લાગે, પણ મને સમજાઈ જાય કે નેહા માટે ચુપ રહેવું એ નૉર્મલ નથી.’ 
જાહેરમાં નહીં, બંધ દરવાજે જ 
એક સમય હતો જ્યારે એકબીજા પર જાહેરમાં પણ ગુસ્સે થઈ જતાં, પણ હવે એવું રહ્યું નથી, એવી વાત કરતાં કાંદિવલીમાં રહેતાં ૪૩ વર્ષનાં મોનિકા દેસાઈ કહે છે, ‘એક સમય હતો જ્યારે દુનિયા સામે પણ હું મનમાં જે હોય એ એમને કહી દેતી. ગુસ્સે થઈ હોઉં તો પણ બોલતી, પરંતુ પછી અનુભવે મને સમજાયું કે આવું ન કરવું, કારણ કે આ રીતે લોકો પીઠ પાછળ તમારી મજાક બનાવતા હોય છે. તો બહારની દુનિયામાં તો એવું ન જ કરવું. ઘરે પણ અમે ઝઘડી શકીએ એમ નથી, કારણ કે મારે એક દીકરો છે, જે બારમા ધોરણમાં ભણે છે અને સાસુ-સસરા પણ છે, જેમની ઉંમર ૮૦થી પણ વધુ છે. ઘરમાં ક્યારેક ભૂલથી પણ મોટા અવાજે બોલાઈ જાય તો સાસુ-સસરા પણ ડિસ્ટર્બ થઈ જાય અને મારો દીકરો પણ. માટે જે પણ ચર્ચાઓ હોય એ બંધ રૂમમાં જ થાય. નાના-મોટા ઝઘડા જે ભાગ્યે જ થતા હોય, પણ એ પણ રૂમમાં જ. બહાર નહી.’
ઇશારોં-ઇશારોં મેં 
તો પછી જાહેરમાં અણગમો કઈ રીતે બતાવો છો? આ પ્રશ્નનો જવાબ આપતાં મોનિકાબહેનના પતિ ૪૭ વર્ષના પ્રકાશભાઈ દેસાઈ કહે છે, ‘લગ્નને જ્યારે ૧૮ વર્ષ જેવો સમય વીતી ગયો હોય ત્યારે કશું પણ વ્યક્ત કરવા માટે આંખનો એક ઇશારો પણ ઘણો થઈ રહે. આંખ આમથી તેમ ફરે એટલે સમજાઈ જાય કે કંઈ ગડબડ થઈ. આ આંખોનું કમ્યુનિકેશન એવું છે કે વર્ષો જતાં પતિ-પત્ની વચ્ચે આપોઆપ સધાઈ જાય છે અને એની ખૂબ મજા છે. મને બોલવાની ખૂબ આદત છે. ઘણી વખત કંઈનું કંઈ બોલાઈ જાય અને એ સમયે વાતોવાતોમાં એને જોવાનું પણ રહી જાય તો પાસે આવીને એ ચીમટી ભરી લે. એટલે આપણે સમજી જવાનું કે હવે બોલતાં બંધ થઈ જાવ. આમ, એ સમયે સચવાઈ જાય છે. પછી જે પણ લડાઈ હોય એ ઘરે રૂમમાં આવીને. આમ તો ઇશારાઓ એટલા અકસીર હોય છે કે ઘરે આવીને પણ કોઈ દલીલની જરૂર પડતી નથી. એટલામાં જ પતી જાય છે.’
નો આઇ-કૉન્ટૅક્ટ 
ભાયંદરમાં રહેતા ૪૮ વર્ષના ભાવિન પારેખ કહે છે, ‘મારી પત્ની અતિ સમજુ છે. એટલે ખાસ ઝઘડાઓનો કોઈ સ્કોપ નથી, પરંતુ ક્યારેક-ક્યારેક રિસાઈ જાય. અમારી કપડાંની દુકાન છે એ ક્યારેક મને હેલ્પ કરવા ત્યાં આવે તો ત્યાં સ્ટાફની સામે કશું બોલે નહીં, પરંતુ જે પણ વાત કરતાં હોઈએ એમાં મારી સાથે એ નજર ન મિલાવે. આંખોથી એ મને અવગણતી હોય તો સમજી જવાનું કે આજે એ રિસાઈ છે અને મનાવવાનો વારો છે. રિસામણાં શેને કારણે છે એ પણ ડિસ્કસ કરવા જેવું ખાસ હોતું નથી,કારણ કે એ તો મોટા ભાગે જાતે જ ખબર પડી જતી હોય છે.’ 
બૉડી-લૅન્ગ્વેજ 
ઘરમાં બે યુવાન બાળકો અને મારાં મમ્મીની સામે તો ઝઘડવાનો સવાલ જ ઊભો થતો નથી એમ જણાવતાં દીપા કહે છે, ‘અમારા સંબંધમાં એક નરમ હોય ત્યારે એક ગરમ એવો હિસાબકિતાબ જ કામ કરે છે. ધંધાના હિસાબે ક્યારેક એ ગુસ્સે હોય અને ઘરમાં આવે ત્યારે ખાલી મને નહીં, ઘરનાં બધાંને ખબર પડી જાય કે આજે સાહેબને વતાવા જેવા નથી. એમનો ચહેરો, વાત કરવાની ઢબ કે બૉડી લૅન્ગ્વેજ જ કહી દે કે આજે એ ગુસ્સામાં છે. એ સમયે હું કામ પૂરતી વાત કરીને એમને સમય આપું એટલે બધું થાળે પડી જાય.’

columnists Jigisha Jain