કોઈ આમને રોકો: અગાઉ થયેલાં કામોની દિશા કયાં કારણસર ચૅનલ ભૂલી ગઈ?

22 October, 2020 08:53 PM IST  |  Mumbai | Manoj Joshi

કોઈ આમને રોકો: અગાઉ થયેલાં કામોની દિશા કયાં કારણસર ચૅનલ ભૂલી ગઈ?

પ્રતીકાત્મક તસવીર

એક સમય હતો કે જ્યારે ન્યુઝ-ચૅનલોએ અદ્ભુત કામો કર્યાં હતાં. તમે જુઓ, યાદ કરો અને એવું લાગે તો પાછળ ફરીને જોઈ લો તમે. કૂવામાં પડી ગયેલા સિંહને કાઢવાનું કામ આ ન્યુઝ-ચૅનલો દ્વારા જ થયું હતું. પરોક્ષ રીતે પણ થયું હતું. તેમના દ્વારા અને બોરવેલમાં પડી ગયેલા બાળકને બહાર લાવવાનું પુણ્યનું કામ પણ આ જ ન્યુઝ-ચૅનલોએ અનેક વખત કર્યું છે. ન્યુઝ-ચૅનલ ક્યાંક અને ક્યાંક એમનું મિશન ભૂલીને એમના ટીઆરપીના કમિશનની રેસમાં ઉમેરાઈ ગઈ અને દિશાંતર થયું એવું કહેવામાં જરાપણ ખોટું નથી. ક્રાઇમના રવાડે ચડી ગયેલી ચૅનલનું ધ્યાન ધીમે-ધીમે સાવ જુદી જ દિશામાં ગયું. જો તમે ભૂતકાળને યાદ કરી શકતા હો તો તમને યાદ આવશે આરુષી મર્ડરકેસ, જે કેસને સૌથી મોટી હાઇપ પણ ન્યુઝ-ચૅનલે આપી હતી અને જે કેસમાં સૌથી વધારે વગોવણી પણ ન્યુઝ-ચૅનલની જ થઈ હતી. આજે પણ આરુષી મર્ડરકેસમાં આરુષીના પેરન્ટ્સ ન્યુઝ-ચૅનલને દોષી કહે છે. દોષી તરીકે જ્યારે તમારી ગણના થવા માંડે ત્યારે માનવું કે ખોટી દિશામાં પગલું મંડાઈ ગયું છે.
ક્રાઇમ જગતભરમાં સૌથી વધારે જોવાતું રહ્યું છે અને ક્રાઇમના વિષયમાં સૌથી વધારે રસ લેવામાં આવ્યો છે. આ સનાતન સત્ય છે અને આ સનાતન સત્ય સાથે જ વાસ્તવિકતા જોડાયેલી છે. વાસ્તવિકતા એ છે કે થ્રિલ મનોરંજનનું પહેલું માધ્યમ છે અને આ માધ્યમ મોટા ભાગે સફળ રહ્યું છે. ન્યુઝ-ચૅનલ એ રસ્તે ચાલવા માંડી એમાં થ્રિલની શોધ શરૂ થઈ અને થ્રિલની શોધ શરૂ થઈ એટલે હેતુ બદલાવાનો શરૂ થયો. બદલાયેલો હેતુ સમાજહિતનો કે પછી સમાજની ભલાઈનો નહોતો રહ્યો. એમાં સન્સેશનની ભાવના આવી ગઈ હતી. સન્સેશન ખરાબ છે એવું કહેવાનો કોઈ ભાવાર્થ નથી પણ હા, એવું કહેવાનો પણ ઇરાદો નથી કે સેન્સેશનને જીવાદોરી બનાવવી જોઈએ. ના, જરા પણ નહીં અને ક્યારેય નહીં.
સુશાંત સિંહ હત્યાકેસને હાઇપ મળવી જોઈએ, જરૂરી હોય એ સ્તર સુધી તમારે એક પ્રહરી તરીકે એને લઈ પણ જવો પડે, પણ પછી તમે પોતે જ જસ્ટિસ ચૌધરી બનીને એ ઘટનાના પોસ્ટમૉર્ટમ પર આવ-જાવ અને તમે પોતે જ આરોપીઓના જજમેન્ટ પણ આપવા માંડો તો એ ગેરવાજબી છે. સુશાંત સિંહ કેસ દ્વારા તમે બૉલીવુડને ડ્રગ્સમાંથી મુક્ત કરાવવાની ઝુંબેશ પણ શરૂ કરી દો તો તમારો આભારી સમગ્ર સમાજ રહે, પણ એવું કરવા જતાં જો તમે પાપારાઝી બનીને કોઈની પાછળ એ સ્તર પર પડી જવા માંડો કે સામેની વ્યક્તિને પોતે જ આરોપી લાગવા માંડે અને તે પોતે જ પોતાને નફરત કરતો થઈ જાય તો એ ગેરવાજબી છે. આ કામ તો દેશની અદાલત પણ નથી કરતી અને આ કામ તો કોઈને કરવાની સત્તા દેશની સરકાર પણ નથી આપી રહી, ત્યારે કેવી રીતે તમારાથી જસ્ટિસ ચૌધરી બની શકાય? ના, જરા પણ નહીં અને ક્યારેય પણ નહીં. ન્યુઝ-ચૅનલ એક જવાબદારી છે અને એ જવાબદારીને શ્રેષ્ઠતમ રીતે નીભાવવાની હોય છે.

manoj joshi columnists