યોગ-સંયોગ: કોરોનાની સામે ઝઝૂમવાનું છે ત્યારે યોગને કેવી રીતે તમે ભૂલી

04 June, 2020 08:20 PM IST  |  Mumbai | Manoj Joshi

યોગ-સંયોગ: કોરોનાની સામે ઝઝૂમવાનું છે ત્યારે યોગને કેવી રીતે તમે ભૂલી

પ્રતીકાત્મક તસવીર

આ સંયોગ માત્ર છે કે આજે વિશ્વભરને રાતે પાણીએ રોવડાવનારી મહામારી કોરોનામાં પણ યોગ લાભદાયી છે. આમાં ક્યાંય વગર કારણે ઊભું કરેલું યોગનું માર્કેટિંગ નથી અને ક્યાંય વિના કારણે યોગને પૉપ્યુલર કરવાની કોઈ રીત પણ નથી. યોગ છેલ્લાં પાંચ-સાત વર્ષમાં એ પ્રકારે આગળ વધ્યું છે જેની તમે કોઈએ કલ્પના પણ ન કરી હોય. ઇન્ટરનૅશનલ યોગ ડે પ્રસ્થાપિત થયા પછી યોગને કોઈની આવશ્યકતા રહી નથી પણ આજે, એ જ યોગ આપણી માટે અનિવાર્ય બની ગયો છે. હા, અનિવાર્ય.
યોગ થકી સ્વાસ્થ્ય જાળવવાનું કામ તો કરવાનું જ છે, કારણ કે એ એક જ રસ્તો એવો છે જે રસ્તેથી કોરોનાને હાંકી કાઢી શકાય છે. જિમ બંધ છે. વગર કારણે ઘરની બહાર નથી નીકળવાનું એ પણ નક્કી છે. આવા સમયે યોગ એક એવી થિયરી બનીને ઊભો રહેવાનો છે જે દુનિયા આખીનું ધ્યાન તમારા અને તમારા દેશ તરફ ખેંચી શકે છે. અગાઉ પણ યોગે અનેક દેશોનું ધ્યાન ભારતભૂમિ તરફ ખેંચ્યું હતું પણ આ વખતે, જ્યારે કોરોના મહામારી આખા જગતમાં લાગેલી લે ત્યારે યોગ દ્વારા સુદૃઢ બનાવવામાં આવેલું સ્વાસ્થ્ય ખરેખર ભારતને અનેક રીતે નવી શક્તિનું પ્રદાન કરશે. જો તમે સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ હો તો એક વખત જઈને યુટ્યુબ કે ફેસબુક કે પછી ઇન્સ્ટાગ્રામ પર જઈને જોઈ લેજો કે માત્ર દેશવાસીઓ જ નહીં, વિદેશીઓ પણ યોગ પર કેવા આફરીન છે. અમેરિકામાં અનેક યંગસ્ટર્સ એવા છે જે રીતસર પ્રોફેશનલી યોગ ક્લાસિસ ચલાવે છે. કૅનેડામાં પણ એવું જ છે અને ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડમાં પણ એ જ સિનારિયો છે. યોગની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈની આવશ્યકતા તમને રહેતી નથી અને શરીરને જ એક વિશેષ પ્રકારના અંગમરોડ સાથે તમે એની લચકતા ફરી પાછી લાવી શકો છો.
અનેક યંગસ્ટર્સ એવા છે જેમણે પોતાની કરીઅર આજે યોગ આધારિત કરી દીધી છે તો અનેક યંગસ્ટર્સ એવા છે જેમણે યોગ શીખવા માટે માત્ર વિડિયોનો સહારો લીધો છે અને એ પછી તેમણે યોગમાં પારંગત હાંસિલ કરી છે. યોગ આજે કોરોના સામે યોદ્ધા તરીકે ઊભું રહી ગયું છે.
શરીરની તમામ પ્રક્રિયાને નવી દિશા આપવાનું કામ કરતા યોગને જીવનનો એક ભાગ બનાવવાનું આવકાર્ય છે. ખાસ કરીને કોરોના જેવી મહામારી સમયે. કોરોનાના મોટા ભાગના પેશન્ટ્સને તમે પૂછશો તો તેના રુટિન શેડ્યુઅલમાં બે વાત ખાસ કહેવામાં આવી છે ધ્યાન અને યોગ. આ બન્નેની સકારાત્મક અસર કોરોનાની મહામારીમાં જોવા મળી છે તો દેશના વડા પ્રધાનની અતિ ઍક્ટિવ દિનચર્યામાં પણ યોગનો બહુ મહત્ત્વનો રોલ છે. સામાન્ય બીમારીને નિયમિત યોગ દ્વારા હટાવી શકાય છે તો સામાન્ય બીમારી ન આવે એના ઍડ્વાન્સ પ્લાનિંગ રૂપે પણ યોગને અપનાવી શકાય છે. કોરોનાની આ મહામારી સાથે જીવવાનું છે, વૅક્સિન ન મળે ત્યાં સુધી કોરોના સામે ઝઝૂમતા રહેવાનું છે એવા સમયે યોગને જીવનનો એક ભાગ બનાવીને તમે તમારા ભાથામાં એક નવું શસ્ત્ર અપનાવી શકો છો અને એ અપનાવવું જ રહ્યું. કઈ રીતે અને કોની પાસેથી શીખીને એ તમારે નક્કી કરવાનું છે. ધારો તો વિડિયો જોઈને જાતે જ કરો અને ધારો તો ઑનલાઇન ક્લાસિસમાં જૉઇન થઈને પણ યોગને જીવનનો ભાગ બનાવો. માત્ર તમારો પરિવાર જ નહીં, દેશ પણ તમારો આભારી રહેશે.
ખરેખર.

manoj joshi columnists coronavirus