આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ મતદાન માટે દેશની સરકારે બજેટ ફાળવવું પડે

12 February, 2021 10:39 AM IST  |  Mumbai | Manoj Joshi

આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ મતદાન માટે દેશની સરકારે બજેટ ફાળવવું પડે

આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ મતદાન માટે દેશની સરકારે બજેટ ફાળવવું પડે

જો સરકાર કે શાસક નબળો હોય કે પછી પોતાની વાતને બુલંદ રીતે સ્પષ્ટતા સાથે વ્યક્ત કરવાને અસમર્થ હોય તો એ સરકાર કે શાસકને સત્તાસ્થાને રહેવાનો કોઈ અધિકાર નથી.
ચાણક્ય નીતિસૂત્રમાં શાસકની બાબતમાં સ્પષ્ટતા કરતાં ચાણક્યએ આ વાત કહી છે. વાત એકદમ સાચી છે અને આ સાચી વાત થકી જ દેશનો, રાજ્યનો વિકાસ શક્ય બને છે. સરકાર દૃઢ હોવી જોઈએ, મક્કમ હોવી જોઈએ, મજબૂત હોવી જોઈએ. માયકાંગલી કે પછી કરોડરજ્જુ વિનાની સરકારનો મોટા ભાગનો સમય પોતાના બચાવમાં જ પસાર થતો હોય છે અને એ પોતાની સત્તા સાચવી રાખવા માટે જ હવાતિયાં મારતી હોય છે. પી. વી. નરસિંહ રાવની સરકારને પણ આ જ વાત લાગુ પડે અને મનમોહન સિંહના કાર્યકાળને પણ જો તમે ધ્યાનથી જુઓ તો આ જ વાત લાગુ પડે. રૂપિયો કન્વર્ટિબલ બન્યો એ વાત સમગ્ર કાર્યકાળની સિદ્ધિ ન ગણી શકાય. એ સમયે ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ આવ્યું અને લાખો કરોડ રૂપિયા દેશમાં ઠલવાયા એને પણ તમે સરકારી સિદ્ધિ ન કહી શકો. ટારઝન અને મોગલી જંગલમાં હતા અને જંગલમાં રહીને પણ તેઓ ભરપૂર શીખ્યા તો એનો જશ જંગલને નહીં, ટારઝન અને મોગલીને આપવો પડે. એવું જ રાષ્ટ્રવાદમાં પણ હોય છે. દેશને વિકાસ કરવો હોય ત્યારે તમે એને રોકી ન શકો. અડચણો વચ્ચે, તકલીફો અને પારાવાર મુશ્કેલી વચ્ચે પણ એ આગળ વધવાનું પોતાનું કામ કરી જ લે. નરસિંહ રાવ કે મનમોહન સિંહની સરકાર સમયે પણ એ જ બન્યું. દેશને આગળ વધવાના ઓરતા હતા, દેશ ભાગી રહ્યો હતો અને એને રોકવાનું કામ કોઈ કરી શકે એમ નહોતું એટલે સરકારની નબળાઈ પણ છતી રહી.
કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે કડક અને મજબૂત સરકાર અનિવાર્ય છે, પછી વાત રાજ્ય સરકારની હોય, શહેરની સત્તા સંભાળતા મ્યુનિસિપલ કૉર્પોરેશનની હોય કે પછી ગ્રામપંચાયતની હોય; પણ સરકાર મજબૂત અને દૃઢ હોવી જોઈએ. લોકશાહીમાં મક્કમ અને દૃઢ સરકાર ત્યારે જ મળે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે સરકારની રચના થાય અને સ્પષ્ટ બહુમતી એ જ સમયે મળી શકે જે સમયે દેશમાં પૂરતી માત્રામાં અને સોએ સો પ્રતિશત મતદાન થાય.
દેશ, રાજ્ય, શહેર કે ગામ પાસે શ્રેષ્ઠ સુવિધા માગવાનો હક તેને જ છે જે મતદાનને પોતાનો ધર્મ માને છે અને આ હકીકત પણ છે. લોકશાહીમાં મતદાન એ ધર્મથી ઓછું કંઈ નથી. જો તમે ઇચ્છતા હો કે તમારી લોકશાહી અકબંધ રહે તો તમારે મતદાન પ્રત્યેની નીરસતા ઘટાડવી પડશે. જરા વિચાર તો કરો, આપણી કેવી કમનસીબી છે કે આપણે આઝાદીના આટલા લાંબા સમયગાળાને પાર કર્યા પછી પણ કહેવું તો એ જ પડે છે કે પ્લીઝ, મતદાન કરો, મતદાન કરવા માટે બહાર નીકળો. મતદાન જ્યારે પણ નીરસ રહ્યું છે ત્યારે લોકશાહી વેન્ટિલેટર પર આવી છે. મતદાનની જાગૃતિ માટે દેશની સરકારે બજેટ ફાળવવું પડે અને એના થકી કૅમ્પેન કરવું પડે એ પણ શરમની વાત છે. ખાસ તો ત્યારે જ્યારે દેશનો સાક્ષર વર્ગ ઉપર આવી રહ્યો છે. ખાસ તો ત્યારે જ્યારે દેશનું મહત્ત્વનું કહેવાય એવું યુથ વધી રહ્યું છે. આવતાં બે વર્ષ બહુ મહત્ત્વનાં છે અને આવતાં બે વર્ષ દરમ્યાન મુંબઈથી લઈને મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકાર માટે ઇલેક્શન આવશે. તબક્કા જુદા-જુદા હશે, પણ એ આવશે એ નક્કી છે અને એને માટે જેકોઈ અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ અત્યારથી જ કરવાનો છે, કારણ કે તમારો વિકાસ તમારા મતદાનને આભારી છે. કારણ, તમારો વિકાસ તમારા મતને આધીન છે.

manoj joshi columnists