✕

પૃથ્વી અને જનેતા : બન્ને નમી અને ખમી એટલે જ જગતઆખાને ગમી

11 October, 2026 05:21 PM IST  |  Mumbai | Sairam Dave

ડૉક્ટર-એન્જિનિયર બનવા માટે ટ્રેઇનિંગ અને કોર્સ કરવાનાં, પણ માબાપ બનવા માટે ખાલી લગ્ન અને એ કરો એટલે જાણે પીળો પરવાનો મળી ગયો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ગિજુભાઈ બધેકાએ એમ કહ્યું કે ‘બાળક એ માનવજાત પર ઈશ્વરે લખેલો પ્રેમપત્ર છે.’ તો રતિલાલ બોરીસાગરે એમાં ઉમેર્યું કે ‘અમુક પત્રો ખોટા સરનામે પહોંચી ગયા છે.’

મારું સ્પષ્ટ માનવું છે કે આકસ્મિક મૃત્યુ કરતાં વધુ ખતરનાક ‘આકસ્મિક પેરન્ટ્સ’ છે. આપણા દેશમાં ડૉક્ટર-એન્જિનિયર થવા ચાર-પાંચ વર્ષનો ટ્રેઇનિંગ કોર્સ છે, પરંતુ માતા-પિતા બનવા માટે? શું લગ્ન એ બાળક માટેનો પીળો પરવાનો છે? શારીરિક સક્ષમતા સામે માનસિક સક્ષમતા ફરજિયાત ન હોવી જોઈએ? ‘ધરતી પર આવનારા સંતાન માટે આ યુગલ પર્ફેક્ટ છે’ આવી કોઈ મલ્ટિપલ-ચૉઇસ ક્વેશ્ચન (MCQ) ટેસ્ટ સરકાર દ્વારા કે સમાજ દ્વારા ન લેવાવી જોઈએ? (અને એનાં પેપર ફૂટવાં ન જોઈએ હોં!)

ગર્ભસંસ્કાર આપણા ૧૬ સંસ્કારોના શ્રીગણેશ છે. સૃષ્ટિના સર્જનહારે સર્જનની જવાબદારી બે જ વ્યક્તિને સોંપી છે : એક પૃથ્વીને અને બીજી જનેતાને. બન્ને આમ જુઓ તો નમી છે, ખમી છે એટલે જગતને ગમી છે. સ્ત્રીના હૈયામાં બે ઝરણાં સમાંતર રીતે વહેતાં હોય છે : એક પ્રેમનું અને બીજું વાત્સલ્યનું. પ્રેમનું ઝરણું પિતાને, ભાઈને, પ્રિયતમને કે મિત્રોને સ્પર્શે છે; પરંતુ વાત્સલ્યનું ઝરણું સુષુપ્ત હોય છે. સ્ત્રીને માતૃત્વ પ્રાપ્ત થાય છે ત્યારે જ એ ઝરણું તેના રોમરોમથી ખળખળ વહેવા લાગે છે.

તમે પણ તમારી આસપાસ કે પરિવારમાં એવી ઘણી સ્ત્રીઓ જોઈ હશે જે લગ્ન સુધી એકદમ અલ્લડ અને મસ્તીખોર હોય, પરંતુ જ્યારે તેની છાતીએ બાળક વળગે છે ત્યારે એક અનેરો સંતોષ અને ગાંભીર્ય સ્ત્રીના ચહેરા પર વર્તાય છે.

પ્રી-નેટલ લર્નિંગની આવશ્યકતા અને જરૂરિયાત આપણાં શાસ્ત્રોએ સરસ વાર્તાઓ દ્વારા સમજાવી છે. ઓધાન રહ્યા પછી માતાની જે પરિસ્થિતિ અને મનોસ્થિતિ હોય છે એ જ બાળકનું જીવન બને છે. પ્રેગ્નન્ટ વુમન માટે લોકશૈલીમાં શબ્દ છે, ‘બાઈ બે જીવ સોતી છે’. શિશુના જન્મ પહેલાંની સઘળી અવસ્થા આમ જુઓ તો માત્ર ઈશ્વરીય વ્યવસ્થા છે. એક મુઠ્ઠી જેવડું પિંડ જ્યારે એક માનવ બનવા તરફ વૃદ્ધિ પામે છે, તેનાં અંગ-આકાર વિકસે છે એ પણ એક ચમત્કાર છે. સાડાચારથી પાંચ મહિને તે શિશુના મન-મસ્તિષ્કનો વિકાસ થાય છે.

સાઇકોલૉજીનો એક સુંદર શબ્દ છે - ‘ઑટોસજેશન’. કોઈ પણ વ્યક્તિ ઑટોસજેશન દ્વારા પોતાની જાત સાથે સંવાદ સાધી શકે છે, પરંતુ દરેકને એ સંવાદની આવડત હોતી નથી. હવે ગર્ભાવસ્થા દરમ્યાન એક મા જ્યારે પોતાને ઑટોસજેશન આપે છે ત્યારે એ માત્ર જાત સાથેનો સંવાદ ન રહેતાં પોતાના બાળક સાથેની ફર્સ્ટ ચાઇલ્ડ-ટૉક થઈ જાય છે.

‘વિચાર એ અવ્યક્ત વાણી છે’ આવું કથન પ્રખ્યાત સાઇકોલૉજિસ્ટ જે. લી. વૉટસને કર્યું છે. આ ન્યાયે ૯ મહિના દરમ્યાન માતાના તમામ આવેગો-સંવેગો-લાગણીઓ-માનસિકતાનું સીધું આરોપણ શિશુમાં વિચારોથી થાય છે. બાળકની સમજ અને સંવેદના વિકસાવવા માટે પ્રી-નેટલ લર્નિંગને મહાન સાઇકોલૉજિસ્ટ એરિક્સન પણ ખૂબ પ્રાયોરિટી આપે છે તો હિલેરી ડફ કહે છે, ‘મારા શરીરે મને બેસ્ટ ગિફ્ટ આપી અને તે મારું બાળક હતું.’ જુડી ફોર્ડ કહે છે, ‘પ્રેગ્નન્સી એક એવી પ્રોસેસ છે જ્યારે તમને તમારી અંદર રહેલા છૂપા ફોર્સની સાચી ખબર પડે છે.’

લૉરા સ્ટોલ હાર્મ તો ત્યાં સુધી કહે છે કે ‘આપણે ત્યાં બાળકનો જન્મ પીડામાંથી થાય છે એ રહસ્ય નથી, પરંતુ સૃષ્ટિની સ્ત્રીઓ વધુ મજબૂત છે એ રહસ્ય છે.’ વિદેશીઓનાં આટલાં વિધાનોથી જો તમારું પેટ ભરાણું ન હોય તો હવે જરા દેશ તરફ નજર નાખીએ. કવિવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે કે ‘જ્યારે-જ્યારે આ ધરતી પર બાળક જન્મે છે ત્યારે મને એમ થાય છે કે હજી ઈશ્વરને માનવજાત પર ભરોસો છે.’ આજથી સાડાપાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે વિદેશીઓનો ‘પ્રી-નેટલ’ શબ્દ પણ અસ્તિત્વમાં નહોતો ત્યારે સુભદ્રાના ગર્ભમાં વીર બાળક અભિમન્યુ સ્વયં નારાયણ પાસે છ-છ કોઠાનું યુદ્ધજ્ઞાન મેળવે છે. આ કથા દ્વારા વેદવ્યાસજી શું સૂચવે છે? ગર્ભસંસ્કારની આવડી મોટી વાત વેદવ્યાસજી આપણને એક નાનકડી કથા દ્વારા શીખવી જાય છે. એમ છતાં આપણે વેદવ્યાસજીનું માનીએ એવા સરળ થોડા છીએ? આપણે તો આ વાત કોઈ વેટિકન સિટીમાંથી કરશે ત્યારે માનીશું, ખરુંને? અભિમન્યુ સાતમા કોઠામાં જ મરાયો, તાત્ત્વિક રીતે આ વાતને મૂલવું તો ‘જેની મા જ્ઞાનપ્રાપ્તિ’ વખતે સૂઈ જાય તેના સંતાને મરવું જ પડે! માની સજાગતાનું કેટલું મૂલ્ય છે? અથવા તત્ત્વદૃષ્ટિથી એમ પણ વિચારી શકાય કે જેની સાધના સૂઈ જાય તે સાધકે મરવું જ પડે, અર્થાત્ તેને મોક્ષ ન મળે.

હવે જરા ૧૦,૦૦૦ વર્ષ પાછળ નજર ફેરવો. ઉદ્દાલક ઋષિનો એક પ્રિય શિષ્ય હતો કહોડ. ઉદ્દાલક ઋષિએ પોતાની દીકરી સુજાતાનાં લગ્ન કહોડ સાથે કર્યાં હતાં.

થોડા સમય બાદ સુજાતા સગર્ભા બની. એક દિવસ પ્રાતઃકાળે ઋષિ કહોડ વેદપાઠ કરી રહ્યા હતા. એમાં એક દુર્ઘટના બની. ઋષિ કહોડથી વેદપાઠ દરમ્યાન સરતચૂકથી કોઈ એક ઋચામાં ભૂલ પડી. એવા ટાણે સુજાતાના ગર્ભમાંથી બાળકે અવાજ કર્યો કે પિતાશ્રી, તમે વેદપાઠમાં આ જગ્યાએ ભૂલ કરી છે.

પિતા ઋષિ કહોડ આ ટકોર જીરવી ન શક્યા. હજી તો પેટમાં છે ત્યાં તારા પિતાની ભૂલ કાઢે છે, જા તારાં આઠેય અંગ વાંકાં (વક્ર) થજો આવો શાપ દઈને પિતા તો ચાલ્યા ગયા. એ બાળક એટલે મહાન તત્ત્વવેતા અષ્ટાવક્ર જેમણે અષ્ટાવક્રગીતા આપીને વેદાંતનો સરળ સાર જગતને સમજાવ્યો. રાજા જનકના તે ગુરુ બન્યા અને આગળ જતાં સમગ્ર આર્યવ્રતના શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાની સાબિત થયા.

અભિમન્યુ અને અષ્ટાવક્રના બે કિસ્સા આજની માતાઓ માટે કાફી નથી? એમ તો શિવાજીના હાલરડામાં પણ પ્રી-નેટલ લર્નિંગના માહાત્મ્યની એક કડી આવે છે. બાકી આજની મમ્મીઓ છાશવારે કાગારોળ મચાવતી ફરે છે કે મારી બેબી કે બાબો મોબાઇલ મૂકતો જ નથી.

આઇ થિન્ક નાઓ ઇટ ઇઝ ક્લિયર?

શું હજી આપણે સૌ બાળકોનો જ વાંક કાઢીશું? કાશ સગર્ભાવસ્થા દરમ્યાન કોઈ મા સોશ્યલ મીડિયાનો ઉપહાસ કરી જુએ. પછી જો બાળક મોબાઇલનું ઍડિક્ટ થાય તો તમારું જોડું ને મારું માથું!

columnists gujarati mid day lifestyle news life and style exclusive