એ જરૂર આવશે

18 September, 2022 03:54 PM IST  |  Mumbai | Hiten Anandpara

કોઈના આવવાની આશ આપણને જિવાડે છે

પ્રતીકાત્મક તસવીર

નંદિતા ઠાકોરના એક ગીતનું મુખડું છે : ‘આવશે જરૂર કોઈ બળતે બપોર, એથી આંગણે મેં રોપ્યો ગુલમહોર...’ કોઈના આવવાની આશ આપણને જિવાડે છે. ગૌરાંગ ઠાકરના શેરથી મહેફિલનો આગાઝ કરીએ...
સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર
જો પ્રતીક્ષા બારણે ટોળે વળે
આવશે તું એમ આવી છે ખબર
બારણા પર ઊભી રહેતી નવોઢા આતુર નયને પતિની રાહ જોતી હોય છે. આ પ્રતીક્ષામાં સંસારની રમ્ય ઝંખના સમાયેલી છે. બાલ્કનીમાંથી નજરો પાથરતી મમ્મી સ્કૂલથી ઘરે આવતા બાળકની રાહ જોતી હોય છે. સ્કૂલ-બસને પાંચ મિનિટ પણ મોડું થાય તો જીવને ઉચાટ ઘેરી વળે. એમાં પણ નાની છોકરીઓ બાબતે સલામતીના અનેક પ્રશ્નો અને સંશયોને કારણે જીવ ફફડતો રહે. વિવિધ રાજ્યોમાં સગીર વયની બાળકી પર થતા અત્યાચાર અને હત્યાના કિસ્સાથી જીવ હેબતાઈ જાય. કૈલાસ પંડિત કશુંક ગુમાવ્યાની વેદના વ્યક્ત કરે છે...
કેડી હતી ત્યાં ઘાસ ને ઊગ્યાં છે ઝાંખરાં
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ
ભીનાશ કોરી ખૂંપશે પાનીમાં કો’ક દી
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ
કોરી ભીનાશને ઝેલવી સહેલી નથી. દુકાળ આક્રમક બને તો ખેતરમાં તિરાડ પડવાની શરૂઆત થાય. એક સમયે લીલોછમ પાક લહેરાતો હોય એવી ધરતીમાંથી પાણી ગાયબ થતાં એ અચાનક વૃદ્ધ લાગવા માંડે. એની કરચલીઓમાં અનેક સપનાં હોમાઈ જાય. ગ્લોબલ વૉર્મિંગને કારણે એક તરફ રણમાં વરસાદ પડે છે તો બીજી તરફ લીલાછમ ગણાતા વિસ્તારો પાણી માટે તરસે છે. અરુણ દેશાણી કુદરતના રહસ્યને શબ્દમાં પરોવે છે...
શું ખબર એ પંથ ક્યારે આવશે 
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે
જળ હશે, પથ્થર હશે, વાદળ હશે
હોવું પણ હોવાનું કેવળ છળ હશે
ઘણી વાર છતી આંખે છેતરાઈ જઈએ એવું બને. મુંબઈ સેન્ટ્રલ કે અમદાવાદ જેવા સ્ટેશને બહાર નીકળીએ અને કોઈ સરનામું પૂછે તો ચેતી જવું. તમારો મોબાઇલ ચોરાઈ જવાની પૂરી શક્યતા રહે છે. ટોળકીના સભ્યમાંથી એક જણ વાતમાં રોકી રાખે અને બીજો મોરલો કળા કરી જાય. અલ્પેશ પાગલની પંક્તિઓમાં અણસાર અને આશ્વાસન બન્ને મળે છે...
આ એક પળ બાકી હતી આવી ગઈ
શું શું ન જાણે આવશે આ પળ પછી
એક શક્યતામાંથી જ ઘટનાઓ બને
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી
ટીવી પર પારાવાર ઘટનાઓ જોઈએ ત્યારે એમ થાય કે આપણે તો શાંતિથી ડ્રૉઇંગરૂમમાં બેઠા છીએ, જ્યારે દુનિયામાં જબરી ઊથલપાથલ ચાલે છે. રશિયા-યુક્રેન વચ્ચેની ભરતી-ઓટની રમત હોય કે ચીન-તાઇવાન વચ્ચે ઝરતા તણખા હોય; હુમલા અને બચાવનો ખેલ ચાલ્યા કરે. શક્તિશાળી પુતિન સામે હજી યુક્રેન ટક્કર ઝીલી રહ્યું છે અને કેટલાક વિસ્તારો પર પાછો કબજો મેળવી રહ્યું છે. એક નાનકડો દેશ નાગરિકોની દેશદાઝ, સાથી-દેશોની મદદ અને સત્તાધીશની ખુમારીને કારણે દુનિયાભરમાં ગૌરવ પામ્યો છે. હેમેન શાહ ગૌરવને આલેખે છે...
કાનને એ આંખ આડા નહીં કરે
આવશે આંસુ, અખાડા નહીં કરે
આપશે સસ્તામાં એ બીજું ભલે
પણ ખુમારીમાં ઘટાડા નહીં કરે
વૈશ્વિક ઊથલપાથલને પચાવી ભારતે અર્થતંત્રની ગાડી સફરમાં ફરતી રાખી છે. પાકિસ્તાન ખલનાયકીને કારણે ખુમારી ને ખુદારી ગુમાવી ચૂક્યું છે. વ્યક્તિગત મંથનથી લઈ વૈશ્વિક મંથન સુધીનો વ્યાપ દેખાઈ રહ્યો છે. ઈ-કૉમર્સને કારણે ગામડાનો ઉત્પાદક વિદેશમાં માલ વેચી શકે છે. મોબાઇલની ટેક્નિકલ આભડછેટ લગભગ ઓગળી ગઈ છે. પાંચ રૂપિયાની કટિંગ ચાનું પેમેન્ટ પણ હવે યુપીઆઇથી થાય છે અને ૧૫ રૂપિયાનું વડાપાંઉ તમે પેટીએમ કરીને ખાઈ શકો છો. આધાર કાર્ડના ડેટાને કારણે વર્ષો પહેલાં ગુમાયેલાં બાળકોની ભાળ મળી હોય એવા કેસ નાગપુરમાં પોલીસ-ચોપડે નોંધાયા છે. કૌશલ્ય રાષ્ટ્રના ચણતરમાં પણ જરૂરી છે અને વ્યક્તિગત ઘડતરમાં પણ. પ્રમોદ અહીરે ગહનતાને તાગે છે... 
જાય છે રોજ્જે ઘણા સાગર સુધી
કેટલા કિન્તુ ગયા અંદર સુધી?
તું ફક્ત પથ્થરમાં જા અંદર સુધી
શિલ્પ જાતે આવશે બાહર સુધી

લાસ્ટ લાઇન
શું ખબર ક્યારે હજી ઘર આવશે?
આમ ક્યાં ઇચ્છા બધી બર આવશે?
આંગણે ભીનાશ એવી ઊગશે
બારણાની બા’ર ઉંબર આવશે
નામમાં મારા ન ઊંડા ઊતરો
હાથમાં અંધારના થર આવશે
દ્વાર ભીડેલાં હશે તો ખાલીપો
ભીંત તોડીનેય અંદર આવશે
ડૂબવા દો જાતને તળિયા લગી
તો જ ખપનું કંઈક ઉપર આવશે

ડૉ. વ્રજેશ મિસ્ત્રી 
કાવ્યસંગ્રહ : ઝવાની ભીંતો’

columnists hiten anandpara