સન્માન - (લાઇફ કા ફન્ડા)

01 February, 2019 11:38 AM IST  |  | હેતા ભૂષણ

સન્માન - (લાઇફ કા ફન્ડા)

લાઇફ કા ફન્ડા

આપણી પૌરાણિક પરંપરા છે કે મોટાઓનું સન્માન કરવું. આપણે એ વાર-તહેવારે કરીએ છીએ, પણ આ પરંપરાનું રોજ પાલન કરવું જરૂરી છે. મહાભારતની આ કથા આપણને રોજ મોટાઓનું સન્માન કરવાનું મહત્વ સમજાવે છે.

વાત એ સમયની છે જ્યારે મહાભારતનું યુદ્ધ એકદમ ચરમસીમા પર હતું. પિતામહ ભીષ્મ કૌરવ સેનાના સેનાપતિ હતા, પણ તેમના તીરનું નિશાન કોઈ પાંડવો તરફ હતું નહીં. તેઓ પોતાના પ્રિય પાંડવો સાથે યુદ્ધ કરવાનું ટાળતા હતા. આ વાતથી ગુસ્સે થઈને દુર્યોધને ભીષ્મ પિતામહને ટોણો મારતાં કહ્યું, ‘તમે હસ્તિનાપુરને વફાદાર નથી. તમે પાંડવો તરફ પક્ષપાતી છો. જો તેમની જોડે યુદ્ધ ન કરવું હોય તો સેનાપતિપદ અને હસ્તિનાપુરનો પક્ષ છોડી દો.’

પિતામહ ભીષ્મએ આવા અપમાનજનક શબ્દો સાંભળીને ગુસ્સામાં કહ્યું, ‘આવતી કાલે યુદ્ધમાં મારી સામે જે પાંડવ આવશે તે બધાનો હું વધ કરી દઈશ.’

આ વાત પાંડવ શિબિરમાં પહોંચી અને બધા ચિંતિત થઈ ઊઠuા. ભગવાન કૃષ્ણ પિતામહ ભીષ્મની વીરતા અને ક્ષમતા જાણતા હતા. તેઓ દ્રૌપદીને લઈને ભીષ્મ પિતામહની શિબિરમાં ગયા અને પોતે બહાર ઊભા રહ્યા અને દ્રૌપદીને કહ્યું, ‘જા, અંદર જઈ કંઈ બોલ્યા વિના પિતામહને પ્રણામ કર.’

પાંચાલીએ શ્રીકૃષ્ણએ કહ્યું એ પ્રમાણે કર્યું. જેવા દ્રૌપદીએ પ્રણામ કર્યા એટલે ભીષ્મ પિતામહે તરત જ આશિષ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવના આશિષ આપ્યા અને પછી તરત પૂછ્યું, ‘બેટા, તું આટલી રાત્રે અહીં કોની સાથે આવી છે? શું વાસુદેવ કૃષ્ણ તને અહીં લઈને આવ્યા છે?’

દ્રૌપદીએ હા પાડી. ભીષ્મ સમજી ગયા અને બહાર ગયા. બન્ને જણે એકમેકને પ્રણામ કર્યા અને ભીષ્મ બોલ્યા, ‘મારા એક વચનને મારા જ બીજા વચનથી કાપવાનું કાર્ય કેવળ દેવકીનંદન જ કરી શકે.’

શિબિરમાં પાછા આવીને કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, ‘તેં એક વાર જઈને પિતામહને પ્રણામ કર્યા અને તારા પતિઓને જીવનદાન મળી ગયું. જો તું રોજ ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, ધૃતરાષ્ટ્ર, ગાંધારી વગેરે વડીલોને પ્રણામ કરતી હોત અને દુર્યોધન, દુશાસન અને અન્ય કૌરવ પત્નીઓ પાંડવો અને માતા કુંતાને રોજ પ્રણામ કરતી હોત તો નિશ્ચિતરૂપે આજે કુરુક્ષેત્રમાં યુદ્ધ ન થતું હોત.’

દ્રૌપદી અને પાંડવો ભગવાન કૃષ્ણની વાત સમજી ગયાં.

આ પ્રસંગથી શીખ મળે છે કે મોટા વડીલોને સન્માન આપવાથી, તેમના આશિષથી સાચી સલાહ, જ્ઞાન અને અનુભવનો ખજાનો મળે છે જે જીવનને સુંદર બનાવે છે.

columnists