શું જાંબાઝ -પ્રામાણિક પોલીસ ઑફિસરો માત્ર ફિલ્મોમાં જ?

25 August, 2020 06:38 PM IST  |  Mumbai | Taru Kajaria

શું જાંબાઝ -પ્રામાણિક પોલીસ ઑફિસરો માત્ર ફિલ્મોમાં જ?

પ્રતીકાત્મક તસવીર

ગયું આખું અઠવાડિયું ખાસ્સું ઉત્તેજનાપૂર્ણ રહ્યું. તેજસ્વી યુવાન અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યપૂર્ણ મૃત્યુની તપાસ સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો. ભારતની ન્યાયવ્યવસ્થાની ભરોસાપાત્રતાની છડી પોકારનારી એ પળ પરમ સંતોષની હતી. અને આપણા જેવા આમ માનવી માટે એ વધુ મહત્ત્વની એટલે હતી કે એક યુવાનના અપમૃત્યુને આત્મહત્યામાં ખપાવી દેવાના પ્રયાસો તેના કહેવાતા નજીકના લોકો દ્વારા થયા હતા, એમાં સ્થાનિક તંત્રની તેમને મદદ મળી હતી અને એ લૉબીની મિલીભગતથી એ કોઈ પણ પ્રકારની તપાસ વિના સુશાંતના મૃત્યુને ‘ડિપ્રેશનમાં કરેલી આત્મહત્યા’ જાહેર કરી દેવાયું હતું.

પરંતુ આ વિવાદાસ્પદ મામલામાં મીડિયા ચૅનલોએ કરેલાં ઇન્વેસ્ટિગેશન્સથી ઘણી એવી વિગતો બહાર આવેલી જે એમ માનવા પ્રેરતી હતી કે સુશાંતનું મૃત્યુ આત્મહત્યાથી નહીં, હત્યાથી થયું હોઈ શકે. એ તથ્યોને આધારે મીડિયાએ સર્જેલા ઊહાપોહના પરિણામે એક અભૂતપૂર્વ જનજુવાળ સર્જાયો અને એ ચૅનલોએ ચલાવેલી તટસ્થ તપાસ (‘સીબીઆઇ ફૉર એસએસઆર’)ની માગમાં લાખો લોકોએ પોતાનો સાદ પુરાવ્યો. માત્ર ભારતમાંથી જ નહીં, દુનિયાભરમાંથી એ માગને ટેકો મળ્યો હતો. એ લાખો લોકો અઠવાડિયાથી ભારતની સર્વોચ્ચ અદાલતના નિર્ણયની કાગડોળે રાહ જોતા હતા. હું પણ તેમાંની એક  હતી. અને ૧૯ ઑગસ્ટે સુશાંતના મૃત્યુની તપાસ સીબીઆઇને સોંપવાનો સર્વોચ્ચ અદાલતનો આદેશ આવ્યો. એ પળ એ લાખો લોકો અને પત્રકારો માટે પ્રચંડ વિજયની પળ હતી. એ એક ઐતિહાસિક ક્ષણ પણ હતી, કેમ કે આ કિસ્સામાં ઊઠેલી ન્યાયની માગને પ્રવર્તમાન કાનૂની પ્રાવધાનોનું મર્યાદિત અર્થઘટન કરીને રુંધવાના પ્રયાસોનો સર્વોચ્ચ અદાલતે એક ઝાટકે છેદ ઉડાડી દીધો અને આ ભૂમિ પર ન્યાય મેળવવાનો દરેક્ને હક છે એની ફરી એક વાર પ્રતીતિ કરાવી. ગયા અઠવાડિયાથી સુશાંત મૃત્યુકેસમાં સીબીઆઇની તપાસ શરૂ થઈ ગઈ છે અને તપાસ કોને કહેવાય, એ કેવી હોય એનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. ઇન ફૅક્ટ, દુનિયામાં પોતાની કાબેલિયત માટે જાણીતી મુંબઈ પોલીસ પાસેથી ન્યુઝ ચૅનલો અને આપણા જેવા કરોડો દર્શકોએ આવી જ તપાસની અપેક્ષા રાખેલી. પરંતુ ૧૪ જૂને થયેલા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને સાઠ-પાંસઠ દિવસો વીતી ગયા છતાં એ દિશામાં શું થયું હતું એ સૌકોઈ જાણે છે! સાચું કહું, આ સંજોગોમાં મને ફિલ્મોમાં જોયેલા જાંબાઝ અને પ્રામાણિક પોલીસ-ઑફિસરો યાદ આવતા હતા. એવો કોઈ એકાદ વીરલો પણ ન નીકળ્યો!

એક તદ્દન સાધારણ માણસના મનમાં ઊઠે એવા સવાલો પોલીસતંત્રના અધિકારીઓને ન થાય? આત્મહત્યાના કિસ્સામાં દાખવાતી ચોંપ કે ચોકસાઈ પણ ન જળવાય? પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં મૃત્યુનો સમય ન નોંધાય? અને આ બધા જ સવાલો પત્રકારો દ્વારા કરાયા, એના જવાબો મેળવવા સુશાંતની સાથે રહેલી કે તેની પરિચિત વ્યક્તિઓની મુલાકાતો લેવાઈ, સુશાંતના મૃતદેહ પર જોવા મળેલી નિશાનીઓનું નિષ્ણાતો દ્વારા વિશ્લેષણ કરાવાયું. આવી અનેક ચીજો જેની તપાસ હકીકતમાં રાજ્યની પોલીસે કરવી જોઈતી હતી એ બધી ઉત્સાહી કે અતિઉત્સાહી પત્રકારોએ કરવા માંડી, જેના પરિણામે સુશાંતનું મૃત્યુ આત્મહત્યા નહીં પણ હત્યા હોવાની શક્યતાઓ વધુને વધુ દેખાવા માંડી. ત્યારે સ્વાભાવિક છે કે આ દેશના લાખો લોકોને આ ચળવળને ટેકો આપવાનું મન થયું અને તેઓ સુશાંત માટેની ન્યાયની માગનો હિસ્સો બની ગયા. આ બધાથી પેલી આત્મહત્યાની થિયરી વહેતી કરનારી ગૅન્ગ બઘવાઈ ગઈ. એના લાગતાવળગતાઓ આ લોકજુવાળથી ઓઝપાઈ ગયા એટલું જ નહીં, કેટલાક ખુરશીખોરો તો ધમકીની ભાષા વાપરવા લાગ્યા. સુશાંતના સ્વજનોને ચૂપ રહેવાની સલાહ આપવા માંડ્યા. ન્યુઝ ચૅનલો સમક્ષ બોલનારા અને બાતમી આપનારાઓને પણ બોલવા બદલ ધમકી મળવા લાગી. આ નાસીપાસ ગૅન્ગે એવી પાંગળી દલીલો કરવા માંડી કે ‘ન્યુઝ ચૅનલોએ પોતાનું કામ કરવું જોઈએ, તપાસ એજન્સીઓને એમનું કામ કરવા દેવું જોઈએ’. અલબત્ત, આ બધું તો જાણે સમજી શકાય, પરંતુ ફિલ્મ ફ્રૅટર્નિટીના મોટા ભાગના સભ્યો મૌનનો મુખવટો પહેરીને બેસી ગયા છે એ ખરેખર આઘાત લાગે એવી બાબત છે. તેમની બિરાદરીનો એક યંગ બ્રાઇટ કલાકાર આ રીતે ખલાસ થઈ ગયો છે અને તેની સાથે કશુંક અઘટિત થયું હોવાનાં આટલાં બધાં ઇંગિતો છે છતાં તેમની સહાનુભૂતિનો એક સૂર પણ બહાર નથી આવ્યો! નવાઈ લાગે છે.

આ સંદર્ભે આજે જ વાંચેલી જાણીતા લેખક-વિવેચક દીપક મહેતાની એક પોસ્ટ યાદ આવી ગઈ. એ પોસ્ટ મુંબઈમાં ઓગણીસમી સદીમાં થયેલા મહારાજ લાયબલ કેસ સંદર્ભે હતી. જાંબાઝ પત્રકાર કરસનદાસ મૂળજીએ પોતાના મૅગેઝિન ‘સત્યપ્રકાશ’માં એક ધર્મગુરુનાં કુકર્મોને ખુલ્લાં પાડ્યાં હતાં. એ વગદાર મહારાજ અને તેમના ચેલાઓએ તેમના પર અને એ લખાણ જેમના પ્રેસમાં છપાયું હતું એ નાનાભાઈ રુસ્તમજી રાણીના પર બદનામીનો કેસ કર્યો હતો. કેસ શરૂ થતાં પહેલાં મહારાજે નાનાભાઈને સંદેશો મોકલ્યો હતો કે અમારા હિન્દુઓના ઝઘડામાં તમે પારસી નાહકના શા માટે હેરાન થાઓ છો? એક વાર અમને મળીને મૌખિક માફી માગી લો તો અમે કેસમાંથી તમારું નામ કાઢી નાખીશું. ત્યારે એ પારસી સજ્જને આપેલો જવાબ આજે પણ સૌએ યાદ કરવા જેવો છે. તેમણે કહેલું : મહારાજને કહેજો કે તમારા હિન્દુ ધર્મની તો મને ખબર નથી, પણ મારો જરથુસ્ટ્રનો ધર્મ મને મિત્રદ્રોહ કરવાનું શીખવતો નથી. નાનાભાઈ છેલ્લે સુધી કરસનદાસ મૂળજીની સાથે રહેલા. કેસનો અડધોઅડધ ખર્ચ પણ તેમણે ભોગવેલો. જ્યારે ને ત્યારે કાર્યક્રમોમાં ‘હમારી બિરાદરી’ કે ‘અમારી ફ્રૅટર્નિટી’નાં બણગાં ફૂંકતા મહારથીઓ નજર સામે તરવરી રહ્યા છે આ વાંચતી વખતે!

કહેવાતો બૌદ્ધિક વર્ગ પણ સુશાંત કેસ સંદર્ભે જે કમેન્ટ કરી રહ્યો છે કે જે રીતે વર્તી રહ્યો છે એ પણ તેની સ્વાર્થી સંકુચિતતાની જ ચાડી ખાય છે. બાકી કંગના કે શેખર સુમન જેવા જે કલાકારો હિમ્મત બતાવી કલાકાર બિરાદરીની આબરૂ સાચવી રહ્યા છે તેમને સલામ. હવે આ મામલામાં સત્ય બહાર આવે અને ગુનેગારો તેમ જ તેમને છાવરનારા સૌકોઈને સજા થાય તો ન્યાયનો વિજય ગણાશે અને લાખો લોકોના હૃદયમાં દેશના ન્યાયતંત્ર પરની શ્રદ્ધા ટકી રહેશે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria bollywood sushant singh rajput mumbai police