હોમમેડ હૅપિનેસ

31 July, 2020 09:57 PM IST  |  Mumbai | Alpa Nirmal

હોમમેડ હૅપિનેસ

 તહેવારોના સેલિબ્રેશનમાં પણ આ વખતે બદલાવ આવવાનો છે.

કોરોના વાઈરસે દરેકેદરેક વ્યક્તિની જીવનશૈલીમાં ખાસ્સો ફેરફાર આણ્યો છે. પર્સનલ લેવલે ખાવા-પીવાની-સૂવા-ઊઠવાની સ્ટાઇલ તો બદલાઈ છે જ પણ સદીઓથી ચાલતી આવતી સામાજિક પરંપરાઓ, ઉજવણીમાં પણ ધરખમ ચેન્જ આવ્યો છે. તહેવારોના સેલિબ્રેશનમાં પણ આ વખતે બદલાવ આવવાનો છે. હવે એક જ શહેરમાં રહેતી બહેન ભાઈને ડિજિટલી રાખડી બાંધે ને પસલી રૂપે ભાઈ-બહેનના અકાઉન્ટમાં ડાયરેક્ટ પૈસા જમાવે એવું બને તોય નવાઈ નહીં. વેલ, એ તો જબ કી તબ દેખેંગે, પણ અત્યારે મળીએ એવાં ભાઈ-બહેનોને જેઓ આ વખતે રક્ષાબંધનમાં ભાઈને મોઢું મીઠું કરાવવા ફર્સ્ટ ટાઇમ પોતાના હાથે રસોડામાં કંઈક બનાવવાનાં છે.

માય બ્રધર હૅઝ સ્વીટ ટીથ: શિખા શાહ

દેશી મીઠાઈ, કેક, આઇસક્રીમ ડીઝર્ટ... બધી સ્વીટ ડિશ મારા ભાઈની વીકનેસ છે. જે ગળ્યું હોય એ તેને બધું જ ભાવે. ભાઈને ભાવતું હોય એટલે મારાં મમ્મી અવારનવાર કાંઈક ને કાંઈક મીઠાઈ બનાવતાં જ રહે. મમ્મી બહુ સરસ કુક છે. તેના હાથનું બનાવેલું બધું જ કેયૂરનું ફેવરિટ. પરંતુ ઓરિયો મિલ્કશેક તો મારા હાથનો જ ભાવે અને આ રક્ષાબંધન પર તેના માટે હું એ જ બનાવવાની છું.
ઍક્ચ્યુઅલી લૉકડાઉનમાં અમે ઘણું નવું-નવું બનાવ્યું, જાતજાતની ડિશ અને ડીઝર્ટ ખાધાં. એટલે બહુ રેગ્યુલર બનતી આ આઇટમ આ ચાર મહિનામાં નથી બની. થોડા દિવસ પહેલાં જ તે કહેતો હતો કે ઓરિયો મિલ્કશેક બનાવને. એટલે મેં નક્કી કર્યું કે રક્ષાબંધનના દિવસે હું તેને રાખડી બાંધી મિલ્કશેકથી જ મોઢું મીઠું કરાવીશ. 
આમ તો અમારો  કુકિંગનો બહુ વારો ન આવે, પરંતુ તેનાં લગ્ન પહેલાં મમ્મી જ્યારે બહારગામ જાય એટલે અમે કિચનમાં સાથે મળી એક્સપરિમેન્ટ કરીએ. અમે બધા પ્રયોગો સાથે કર્યા હોય, પરંતુ જો ગરબડ થાય તો એ  બધી મારા લીધે જ. અને પાછું એ બધું યાદ કરી-કરી મને ચીડવે. ‘હે ભગવાન આજે તો શિખાએ જમવાનું  બનાવ્યું છે, ચોક્કસ મારે દવા લેવી પડશે કે અડધો દિવસ ટૉઇલેટમાં જશે’ એવું જાતજાતનું બોલ્યે રાખે. હા, ઍપ્રિશિયેટ પણ કરે. મમ્મી પણ મસ્ત જમવાનું બનાવે છે. ભાભી પણ ટેસ્ટી બનાવે છે. પણ પર્ટિક્યુલર આ મિલ્કશેક તો મારા હાથનો જ સારો બને એવું કેયૂરનું કહેવું છે.
હમણાં માર્ચમાં જ મારા એન્ગેજમેન્ટ થયાં છે. આ રક્ષાબંધનમાં તો હું અહીં તેની સાથે જ છું, પણ નેક્સ્ટની મને ખબર નથી એ વિચારે અત્યારે હું બહુ ઇમોશનલ થઈ જાઉં છું. મેં રક્ષાબંધનમાં તેની માટે સરપ્રાઇઝ ગિફ્ટ પણ લીધી છે.  આઇ નો, હી વિલ લવ ઇટ.

૩૨ વર્ષમાં પહેલી વાર ભાઈ માટે રક્ષાબંધનમાં કેક બનાવીશ અને રાખડી પણ જાતે બનાવીશ -  ડિમ્પલ ગડા

અમારાં ચારે ભાઈ-બહેનોમાં હું સૌથી નાની. મારાથી મોટો ભાઈ અને તેનાથી મોટી બે બહેનો.  લગ્ન પહેલાં તો મેં તેના માટે ક્યારેય રક્ષાબંધનના દિવસે કંઈ બનાવ્યું નથી. પહેલાં મમ્મી બનાવતાં હતાં, પછી ભાભી કંઈક સ્વીટ બનાવે અને મોટી બે બહેનો પણ રાખડી બાંધવા આવે  ત્યારે  મીઠાઈ વગેરે લઈ આવે. એટલે મારો વારો ક્યારેય ન આવ્યો. મારાં લગ્ન થયા પછી હું  રક્ષાબંધનમાં તેના માટે રેડીમેડ મીઠાઈ કે ચૉકલેટ વગેરે લઈ જાઉં, પણ જાતે ક્યારેય નથી બનાવ્યું. આમેય તેને સ્વીટ્સ ઓછી ભાવે. આપણી ટ્રેડિશનલ મીઠાઈઓ ન ખાય કે ન ભાવે યુનિવર્સલી ફેવરિટ કાજુકતરી વગેરે. હા, ચૉકલેટ કેક તેને ભાવે, એ પણ ક્રીમ વગરની. અત્યાર સુધી મારી સિસ્ટર તેના માટે એ બનાવીને લઈ જાય. હું રેડીમેડ મીઠાઈ કે ચૉકલેટ લઈ જાઉં પણ આ વખતે મારે પ્રેગ્નન્સી છે એટલે મારે બહાર જવાનું નથી. વળી આ ટાઇમે બહારનું ન ખાઈએ એ જ સારું. એટલે મેં નક્કી કર્યું છે કે આ વખતે વિમલ મારા ભાઈને ભાવતી કેક હું બનાવીશ.  જોકે કુકિંગ ઇઝ નૉટ માય ફેવરિટ થિંગ. એમાંય સ્વીટ મેકિંગ બિગ ‘નો’. હા, મારા હાથની પંજાબી ડિશિસ બહુ ટેસ્ટી બને. વિમલને એ ભાવે પણ. જોકે લગ્ન પહેલાં તેને કંઈ ખાવું હોય ને હું કહું કે લાવ હું બનાવી આપું ત્યારે તે ના જ પાડે, કારણ કે તેને મારાં મમ્મીના હાથનું બનાવેલું વધુ ભાવે.
બેકિંગમાં પણ હું બહુ માસ્ટર નથી. લગ્ન પહેલાં મેં એક વખત બિસ્કિટ કેક બનાવી હતી. એવી જ કેક ૮-૯ વર્ષ પછી આ વખતે મે મહિનામાં મારી દીકરીના બર્થ-ડે પર બનાવી. એક તો કોરોના ટાઇમ, બીજું મારી પ્રેગ્નન્સી. એટલે અમે બહારથી કેક ન લાવ્યાં ને ઘરે બનાવી. રીસન્ટ્લી એની પ્રૅક્ટિસ થઈ એટલે નક્કી કર્યું કે રક્ષાબંધનમાં હું વિમલ માટે આ કેક બનાવીશ. આઇ હોપ એમાં કંઈ બ્લન્ડર ન થાય.
એ સાથે જ  ફર્સ્ટ ટાઇમ રાખડી પણ મેં જાતે બનાવી છે. અત્યાર સુધી હું ગોતી-ગોતીને તેના માટે ફૅન્સી રાખડીઓ લઈ આવતી હતી, પણ બહાર જવાનું નથી એટલે મેં મારી ડૉટરના ક્રાફટ મટીરિયલમાંથી રાખડી બનાવી છે. 

આ વખતે રિવર્સમાં ગાડી ચાલવાની છે, અમે બે ભાઈઓ જાતે સ્વીટ બનાવીને બહેનોનું મોં મીઠું કરાવીશું ઃ અપૂર્વ અને અનુજ ઠક્કર

ટ્રેડિશનલી બહેન રાખડી બાંધે અને પછી ભાઈને કંઈક સ્વીટ ખવડાવીને મોં મીઠું કરાવે. પછી સામે ભાઈ પણ એ જ મીઠાઈ બહેનના મોંમાં મૂકે, પણ આ વખતે અમે ડિફરન્ટ કરવાના છીએ. બહેન રાખડી તો બાંધશે, પણ પછી અમે અમારા હાથે બનાવેલી ચૉકલેટ ચીઝ કેક ખવડાવીશું.
અમે બે ભાઈઓ જ છીએ. અમારી રિયલ સિસ્ટર્સ નથી, પણ અમારી ફોઈની દીકરીઓ અમને રાખડી બાંધે છે. તે પણ બે બહેનો જ છે. નિધિ અને શ્રેયા કઝિન હોવા છતાં અમારું બૉન્ડિંગ અંબુજા સિમેન્ટ જેવું છે. હું (અપૂર્વ) મોટો છું એટલે થોડો પ્રોટેક્ટિવ છું, પણ અનુજ, નિધિ અને શ્રેયા સેમ સ્કૂલમાં. એટલે એકબીજાનાં બધાં જ સીક્રેટ્સ પણ ખબર હોય. મારાં મમ્મી તો બહુ સરસ બેકર પણ છે અને બાનો વારસો પપ્પાને આવ્યો હોય એમ પપ્પાને પણ કુકિંગ બહુ ગમે. લૉકડાઉનમાં અમને રોટલી શેકતાં અને રોજિંદાં શાક બનાવતાં આવડી ગયાં એટલે મમ્મીને કિચન ડ્યુટીમાંથી ફ્રી કરી દીધાં.
આ વખતે અમે નક્કી કર્યું છે અમે બહેનો માટે અમારા હાથે તેમને ભાવતી કેક બનાવીશું. મમ્મીને જોઈને બેકિંગ આવડી ગયું છે એટલે પૂરો કૉન્ફિડન્સ છે કે તેમને પણ ભાવશે જ. અમારા તેમ જ તેમના બિલ્ડિંગમાં આઉટસાઇડરને એન્ટ્રી નથી એટલે રક્ષાબંધનમાં રૂબરૂ મળાશે કે નહીં એ ખબર નથી, પણ અમે તેમની ફેવરિટ કેક તેમને પહોંચાડીશું. આ વખતે તેમને ડબલ ગિફ્ટ મળશે.

દાદી પાસે શીખીને ભાઈને ભાવતી ગોળ પાપડી બનાવીશ - વાણી સવાણી

આ વખતે  અમારું રક્ષાબંધન એકદમ યુનિક રહેવાનું છે, કારણ કે ફર્સ્ટ ટાઇમ હું મારા ભાઈ આકાશ માટે તેની બે ફેવરિટ ચીજ બનાવવાની છું. એક તો ગોળપાપડી અને બીજી ફ્રૂટ કેક. હું પ્રાર્થના કરું છું કે હે ભગવાન, એ સરસ બને અને આખો દિવસ મને ચીડવતા રહેતા આકાશની આકાશવાણી બંધ થાય. હું હજી બાવીસ વરસની છું. હમણાં જ મેં ફ્રેન્ચમાં માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું છે અને જૉબ પર લાગી છું. પહેલાં ભણવાનું અને પછી જૉબ, એમાં મને કિચન માટે ક્યારેય સ્કોપ નથી મળ્યો. પહેલાં દાદી અને મમ્મી અને હવે ભાભી પણ છે તો મને તો રસોડામાં એન્ટ્રી ક્યાંથી મળે? એટલે આકાશ મારી મસ્તી કર્યા રાખે કે સાસરે જઈને શું કરીશ, કાંઈક તો શીખી જા.
આકાશને મારાં દાદીના હાથે બનાવેલી ગોળપાપડી બહુ ભાવે છે  અને ફ્રૂટ કેક પણ બહુ ભાવે. મેં બે-ત્રણ વખત ચૉકલેટ કેક બનાવી છે, પણ ફ્રૂટ કેક ક્યારેય નથી બનાવી એટલે મેં નક્કી કર્યું છે કે અત્યારે વર્ક ફ્રૉમ હોમ છે તો હું યુટ્યુબ પરથી જોઈને ફ્રૂટ કેક ટ્રાય કરું અને આકાશને સરપ્રાઇઝ આપું. ગોળપાપડી માટે પણ હી હૅઝ સ્પેશ્યલ ફીલિંગ્સ. અમારા ઘરે એ બહુ રેગ્યુલર બને છે. છતાંય મને બિલકુલ આઇડિયા નથી કે એમાં શું કરવાનું. એટલે એ હું મારાં દાદી પાસે બરાબર રીતે શીખવાની છું. જોકે આ બધું હું તેનાથી છુપાવીને કરીશ. ઇન કેસ, એમાં કાંઈ ગરબડ થાય તો એ પૉઇન્ટ પર  તો તે મારી ટાંગ ખેંચે નહીં.
અત્યારે તો મારી રોટલી વણવાની  પ્રૅક્ટિસ ચાલુ છે. દરરોજ અલગ-અલગ આકાર બને છે બસ, ગોળાકાર નથી બનતો. આકાશ એમાં પણ મને ખીજવે, ઍટલસમાં જો તો, આ કયા દેશનો નકશો બનાવ્યો છે. હું પણ કહું, ગઈ કાલ કરતાં સારી જ બની છે, ચૂપચાપ ખાઈ લો.’
ઍક્ચ્યુઅલી તે મારા માટે બહુ કૅરિંગ છે. મને ઘણા વખતથી બ્રૅન્ડેડ વૉચ લેવી હતી જે તેણે મને ગયા વર્ષે રક્ષાબંધનમાં સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે આપી હતી.

columnists alpa nirmal festivals