આ હોળી-ધુળેટીમાં કરીએ ખાઈ-પીને જલસા

19 March, 2019 11:25 AM IST  |  | વર્ષા ચિતલિયા

આ હોળી-ધુળેટીમાં કરીએ ખાઈ-પીને જલસા

ઠંડાઈ

હોળી-ધુળેટીના પર્વનું નામ પડે એટલે ગુલાલ, પિચકારી અને બૉલીવુડ સૉન્ગની ધમાલ સાથે કૂલ કૂલ ઠંડાઈ યાદ આવે. ઠંડાઈનું નામ પડતાં જ પેટમાં ઠંડક થઈ હોય એવું લાગે છે ને? ચહેરા અને શરીર પર ગમે એટલો રંગ ચોપડ્યો હોય, પણ કાજુ-બદામ, એલચી, કેસર, ખસખસ, તેજ મસાલા અને ભાંગ ઘૂંટીને બનાવેલી પરંપરાગત ઠંડાઈનો નશો ન ભળે ત્યાં સુધી ધુળેટીની મસ્તી જામતી નથી. ઠંડાઈ વગર ધુળેટીની ઉજવણી બેરંગ અને ફિક્કી લાગે છે. આમ તો આપણે ત્યાં મહાશિવરાત્રિ અને ધુળેટી એમ બન્ને પર્વમાં ઠંડાઈ પીવાનો રિવાજ છે, પરંતુ ધુળેટીમાં એનું મહત્વ જરા વધી જતું હોય છે. આ દિવસે પેટભરીને ઠંડાઈ પીવાય છે અને બીજાને પીવડાવવામાં પણ આવે છે.

શીત ઋતુની વિદાય અને ગ્રીષ્મના આગમનની બરાબર વચ્ચે આવતા આ તહેવાર દરમ્યાન બહારનું હવામાન સૂકૂં હોય છે. આ ઋતુમાં શરીરમાં એક પ્રકારની સુસ્તી અનુભવાય છે. ઠંડાઈ તમારી આ સુસ્તીને સ્ફૂર્તિમાં ફેરવી નાખે છે. તેથી જ ધુળેટીમાં ઠંડાઈ પીવાનું અદકેરું મહત્વ છે. એમાં કઈ કઈ સામગ્રી પડે છે અને એની માત્રા કેટલી હોવી જોઈએ એની અધકચરી જાણકારી અથવા તો ઠંડાઈ બનાવવા માટે કરવી પડતી ખૂબ બધી લમણાઝીંકના કારણે હવે આપણે બજારમાં મળતાં પૅકેટ્સને દૂધમાં ભેળવી ઠંડાઈ બનાવી સંતોષ માની લઈએ છીએ, પરંતુ અસલી મજા તો ઘરમાં બનાવેલી ઠંડાઈમાં જ આવે. ચાલો ત્યારે રંગ અને મસ્તીના મૂડમાં ઓતપ્રોત થવાની સાથે વૈવિધ્યસભર અને સ્વાસ્થ્યવર્ધક આ ઠંડા પીણા વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ.

ઠંડાઈની રીત

ધુળેટીનો મૂડ છે એટલે સૌથી પહેલાં તો ઠંડાઈની રેસિપીને સમજી લો એમ જણાવતાં કુકિંગ એક્સપર્ટ કૃપા સંપટ કહે છે, ‘ઠંડાઈ બનાવવાની આમ તો એક જ રીત છે. એમાં વરિયાળી, એલચી, ખસખસ, મગજતરીનાં બિયાં, કેસર, બદામ, પિસ્તાં, કાજુ, રોઝ પેટલ્સ, મરી એમ બધું જ નાખવામાં આવે છે. લોકોની પસંદગી અને સ્વાદાનુસાર સામગ્રીની માત્રામાં થોડી વધ-ઘટ થાય. આ બધી જ વસ્તુને એકસાથે પલાળી બે-ત્રણ કલાક રાખી મૂકો. ત્યાર બાદ એમાં સાકર ઉમેરી ગ્રાઇન્ડ કરી લો. આ પેસ્ટને થોડા દિવસ ફ્રીઝરમાં પણ રાખી શકાય છે. જરૂર મુજબ ઠંડા દૂધમાં ભેળવી પીવું. ઘણી મહિલાઓ શું કરે છે, ગ્રાઇન્ડ કર્યા બાદ એને ગાળી લે છે. આ રીત ખોટી છે. આ બધાં ઇન્ગ્રીડિઅન્ટ્સ ન્યુટ્રિશન્સથી ભરપૂર છે. જો ગાળી નાખો તો પોષક તત્વો નષ્ટ થઈ જાય.’

ભાંગ કેટલી?

કૂલિંગ ફિલ આપતા આ પીણામાં ધુળેટીના દિવસે ભાંગ નાખવાનો રિવાજ છે. એ વિશે કૃપા કહે છે, ‘ભાંગ એ વનસ્પતિ છે અને એમાં નશો છે. ભાંગ ઉમેરવી જ હોય તો અડધા લિટર દૂધમાં બે રાઈના દાણા જેટલી ઉમેરવી. ભાંગની આટલી માત્રાથી નશો થતો નથી. ભાંગવાળી ઠંડાઈ પીવાથી ઊંઘ વધુ આવે છે, પણ કોઈ આડઅસર થતી નથી. એ જ રીતે ખસખસની માત્રા પણ ઓછી રાખવી. એનો સ્વાદ બધાને ભાવતો નથી. ઉપરાંત એનાથી પણ ઉંઘ આવે છે. ધુળેટીમાં ભાંગ વગરની ઠંડાઈના ત્રણ-ચાર ગ્લાસ ગટગટાવી જાઓ તો પણ વાંધો નથી. ઠંડાઈ સ્વાસ્થ્યવર્ધક પીણું છે. એને ધુળેટી પૂરતું મર્યાદિત ન રાખતાં આખા ઉનાળા દરમ્યાન પીવાનું રાખો. ઠંડાઈ તમારા બૉડીને હિટ સ્ટ્રૉકથી બચાવે છે તેમ જ ઍન્ટિઑક્સિડન્ટનું કામ કરે છે.’

વિવિધ બનાવટો

ઠંડાઈ માત્ર પીવાની વસ્તુ નથી રહી, હવે એને ખાઈ પણ શકાય છે એમ જણાવતાં કૃપા કહે છે, ‘આ વર્ષે ઠંડાઈ સ્વાદના વિવિધ પ્રકારના બેકરી સ્નેક્સ અને ડેઝર્ટ માર્કેટમાં આવી ગયા છે. આજે બધાને વેરિયેશન જોઈએ છે તેથી આ ઇન્ડસ્ટ્રી અપગ્રેડ થતી રહે છે. રૉયલ ઠંડાઈ નાનખટાઈ, ઠંડાઈ મુસ વિથ કાલા જાંબુ, ઠંડાઈ આઇસક્રીમ, ઠંડાઈ કેકની ખૂબ ડિમાન્ડ છે. ગ્રુપમાં અને સોસાયટીમાં ધુળેટીની ઉજવણી કરવાની હોય ત્યારે દરેક ઉંમરના લોકોની ચૉઇસ અને સ્વાદનું ધ્યાન રાખવું પડે. ઠંડાઈનો પરંપરાગત સ્વાદ જળવાઈ રહે અને નવું ખાવાનો આનંદ મળે એવા હેતુથી અમે આવી ડિશ ઇન્ટ્રોડ્યુસ કરી છે. એની અંદર પણ ઘણું વેરિયેશન ઍડ કરી શકાય. ઠંડાઈ કેકમાં રોઝ ફ્લેવર અથવા ગુલકંદ નાખી એને ટેસ્ટી બનાવી શકાય. કેસરનો સ્વાદ જોઈએ તો એની માત્રા વધુ નાખવાની અને ડિશને વધુ રિચ બનાવવી હોય તો ડ્રાયફ્રૂટ્સ વધારે ઍડ કરવાનાં. લોકોની પસંદગી પ્રમાણે સ્વાદમાં વૈવિધ્ય લાવી શકાય.’

ભારતીય તહેવારોમાં ધાર્મિક માન્યતાઓ જેટલું જ મહત્વ ફૂડનું છે. ધુળેટીમાં ઠંડાઈ ઉપરાંત બીજાં પણ કેટલાંક ખાસ વ્યંજનો છે, જેના વગર આ તહેવાર બેસ્વાદ લાગે છે. ઉત્તર પ્રદેશમાં હોળી એટલે વાનગીઓની ભરમાર. આ દિવસે ગુજિયા અને કચોરી બનાવવામાં આવે છે. ગુજિયા આપણી પરંપરાગત ગુજરાતી વાનગી ઘૂઘરા જેવા જ હોય છે. રવો, માવો, ડ્રાયફ્રૂટ્સ અને ખાંડ ભેળવી બનાવવામાં આવેલા ગુજિયાને ઘીમાં તળીને પીરસવામાં આવે છે. આ સ્વીટ ડિશ છે. એ જ રીતે મગની દાળને પાણીમાં પલાળી, વાટીને કચોરી બનાવવામાં આવે છે. તીખાશ માટે એમાં કાળાં મરી, તજ, ગરમ મસાલો અને ધાણા નાખવામાં આવે છે. ઉત્તર પ્રદેશની ધુળેટીમાં મીઠાઈ અને ફરસાણનું સુપર કૉમ્બિનેશન જોવા મળે છે. નૉર્થ ઇન્ડિયામાં મુગલાઈ સ્ટાઇલના માલપૂઆ પણ પૉપ્યુલર છે. કેટલીક જગ્યાએ ઘઉંનો લોટ, દૂધ, સાકર, માવો અને ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી બનાવેલા માલપૂઆ ખાવાનો રિવાજ છે. બિહાર અને ઝારખંડમાં પણ ધુળેટીના દિવસે ખાસ પ્રકારની વાનગી બને છે. ધુસ્કા તરીકે ઓળખાતી આ વાનગી ચોખાના લોટ અને ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. આલુ ટિક્કી જેવા દેખાતા સહેજ ગળ્યા અને વધુ ચટપટા ધુસ્કા સાથે લીલી ચટણી સર્વ કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ચણાની દાળમાંથી બનાવેલી પૂરણપોળી ધુળેટીમાં ફેમસ ડિશ છે તો અડદ અને મગની દાળને વાટીને બનાવવામાં આવેલાં દહીંવડાં લગભગ બધા જ પ્રાંતમાં ખવાય છે.

આ પણ વાંચો : હોળિકા પૂજનથી થશે શનિ દોષનું નિવારણ, પરિક્રમાની સંખ્યાથી થશે લાભ

ધાણી અને ખજૂરની વિશેષતા

થોડા દાયકા પહેલાં સુધી ગુજરાતમાં હોળીનો તહેવાર પોંગલ અને બૈસાખીની જેમ હાર્વેસ્ટ ફેસ્ટિવલ તરીકે જ ઊજવાતો હતો. ધીમે-ધીમે પરંપરાગત રીતે ઊજવાતી હોળી ભુલાતી ગઈ, પરંતુ ધાણી અને ખજૂરનું મહત્વ આજે પણ ઓછું થયું નથી. આજનું જનરેશન ધાણીને નાની સાઇઝના પૉપકૉર્ન કહે છે. વાસ્તવમાં પૉપકૉર્ન મકાઈમાંથી બને છે, જ્યારે ધાણી એટલે જુવાર. જુવાર ગુજરાતનું મુખ્ય ધાન્ય છે. એને તવા પર ફોડીને ખાવા જોઈએ. અગ્નિમાં શેકાઈ ગયેલા નાળિયેર સ્વાદમાં મીઠા લાગે છે. ઘણી મહિલાઓ આ દિવસે ઉપવાસ કરે છે. ઉપવાસના કારણે શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જાય છે. ખજૂર શુગરને રીસ્ટોર કરવાનું કામ કરે છે. સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક બન્ને કારણોસર હોલિકાદહન વખતે ધાણી, ખજૂર અને નાળિયેરનો પ્રસાદ ધરવામાં આવે છે.

Varsha Chitaliya columnists holi