કલ હાથ પકડના મેરા, જબ મૈં બૂઢા હો જાઉં...

26 November, 2020 04:45 PM IST  |  Mumbai | Jayesh Chitalia

કલ હાથ પકડના મેરા, જબ મૈં બૂઢા હો જાઉં...

પ્રતીકાત્મક તસવીર

વૃદ્ધાવસ્થાને તમે બારીકાઈથી જોઈ છે? એ બાળપણનું નવું સ્વરૂપ હોય છે. સાવ નાનાં બાળકો અને સાવ જ વૃદ્ધ થઈ ગયેલા વડીલો વચ્ચે ઘણું સામ્ય હોય છે, પરંતુ તેમની વચ્ચેની કડી સમાન બાળકોનાં મમ્મી-પપ્પા અને વૃદ્ધોનાં સંતાનો આ સંવેદનશીલ સત્ય અને તથ્ય ભૂલી જાય છે ત્યારે કરુણતા સર્જાય છે. આવી કરુણતા હવે વધવા માંડી છે ત્યારે આપણા ખુદના ફ્લૅશબૅકમાં જઈ આ વિષયમાં નવેસરથી વિચાર કરીએ...

જો તમે સંયુક્ત પરિવારમાં રહો છો અથવા રહ્યા છો તો તમારા પરિવારમાં નાનાં બાળકો હશે અને વૃદ્ધો પણ હશે. અર્થાત્ વયોવૃદ્ધ દાદા-દાદી અને બાળકસ્વરૂપે પૌત્ર-પૌત્રી પણ હશે. શું તમે ક્યારેય આ બેઉ પેઢીની તુલના કરી છે. તેમને અલગ નજરથી જોવાની કોશિશ કરી છે? ચાલો, આજે જરા આ બન્ને પેઢીને એક અલગ દૃષ્ટિએ
જોવાની-સમજવાની કોશિશ કરીએ. તમને નવાઈ લાગી શકે, પરંતુ આ બન્ને વચ્ચે ઘણી બાબત સમાન લાગશે. હા, બાબતનું સ્વરૂપ કે પ્રકાર થોડાં જુદાં હોઈ શકે, પરંતુ લક્ષણો લગભગ સમાન લાગશે.
બન્ને પેઢીની વચ્ચે રહીને દ્રષ્ટાભાવે જુઓ
આપણે સાવ નાનાં બાળકોની અને ઘરડાં દાદા-દાદી કે નાના-નાનીની વાત કરીએ છીએ. આપણને પોતાની જાતને બન્નેની વચ્ચે ગોઠવીને જોવું પડે. સાવ નાનાં બાળકોની બધી જ સાર-સંભાળ તેનાં મમ્મી-પપ્પાએ રાખવી પડે છે. તેમને સમયસર ખવડાવવું-પિવડાવવું, તેઓ રડે કે તરત દોડી જઈને તેમને શું સમસ્યા કે તકલીફ થાય છે એ જોવું–જાણવું અને એનો તરત ઉપાય કરવો. બાળકની તકલીફ ન સમજાય કે આપણાથી ન ઉકેલાય તો તરત ડૉક્ટરને જાણ કરવી. આવું જ અતિવૃદ્ધ થઈ ગયેલાં માતા-પિતા સાથે પણ બને છે. તેમને વધતી આયુ સાથે શરીરની વિવિધ તકલીફ થાય છે. તેમને સમયસર ભોજન જોઈતું હોય છે, તેમની ઉંમરને માફક આવે એવું ભોજન જોઈતું હોય છે, જેમ સાવ નાના બાળકને તમે પીત્ઝા કે બર્ગર ન ખવડાવી શકો એમ વૃદ્ધ માતા-પિતાને પણ એ ભોજન ન આપી શકાય. બન્ને સમાન અવસ્થામાં ગણાય. તેમની વચ્ચે જૂની-નવી પેઢીનો ફરક, ઉંમરનો ફરક, સમજણનો ફરક ભલે રહ્યો, પરંતુ સંવેદનાની બાબતમાં બન્ને સમાન ધારા પર જીવતાં હોય છે.
કુદરત આપેલું બધું પાછું લેતું જાય
બાળક બોલીને કહી શકતું નથી, જ્યારે વૃદ્ધ બોલીને કહી શકે છે. જોકે હવેની પેઢી પોતાનાં બાળકોને જરાસરખુંય કાંઈ થાય તો તનાવમાં આવી જાય છે, જ્યારે પોતાનાં વૃદ્ધ માતા-પિતાને તકલીફ થાય તો ઉંમર છે, હવે તો થાય એવું બધું માનીને તેમની ઉપેક્ષા કરતા રહે છે. ઘોડિયામાં બાળક રડે છે અને તેનાં મમ્મી-પપ્પા દોડે છે, જ્યારે તેમનાં જ માતા-પિતા બોલાવે છે તો હુંકારો પણ ઝટ મળતો નથી. તેમને તો ફરિયાદ કરવાની આદત પડી ગઈ છે એવા વાક્ય બોલીને તેમની સંવેદનાને વેદના બનાવી દેવાય છે. આ માતા-પિતા પણ રડતાં હોય છે, પરંતુ તેમના રડવાનો અવાજ સંભળાતો નથી, તેમનાં આંસુ દેખાતાં નથી. બાળકનો જન્મ થાય છે ત્યારે પ્રકૃતિ પણ તેને એક પછી એક જરૂરી સાધન ધીમે-ધીમે આપવા માંડે છે, જેમ કે બાળકને દાંત આવવા લાગે, બાળક પહેલાં કાલુઘેલુ, ન સમજાય એવું બોલવાનું શરૂ કરે, સાંભળીને સમજવાનું શરૂ કરે, બાખોડિયાં ભરતાં જઈ ચાલવાનું શરૂ કરે. આમ બાળકનાં દાંત, નાક, કાન, બોલી, માથાના વાળ વગેરે
ધીમે-ધીમે સક્રિય થાય છે અને વૃદ્ધાવસ્થા સાથે કુદરતી રીતે એક પછી એક સાધન પાછાં લેવાવાનું શરૂ થાય છે. દાંત, કાન (સાંભળવાનું), વાળ, આંખ (જોવાનું), પગ (ચાલવાનું) વગેરે ઓછું થવા માંડે છે. બાળક ઘોડિયામાં સૂતું રહે છે, વૃદ્ધ પોતાના ખાટલામાં પડ્યા રહે છે.
વૃદ્ધોની એકલતાની વેદના
વૃદ્ધ માતા-પિતા આપણા સમાજમાં હવે એકલાં પડતાં જાય છે. તેમનાં સંતાનોને પોતાનાં સંતાનોની ચિંતા વધતી જાય છે, પણ પોતે જેમના સંતાન છે એ માતા-પિતાની ચિંતા ઘટતી જાય છે. આપણા સમાજની આ કરુણ સ્થિતિ સતત વધી રહી છે અને સમાજ આ બાબતે અસંવેદનશીલ બનતો જાય છે. અલબત્ત, હજી ઘણા પરિવાર છે, જ્યાં વૃદ્ધ માતા-પિતાની કાળજી લેવાય છે, તેમની જતનપૂર્વક સેવા કરાય છે, પરંતુ આવા પરિવારોની સંખ્યા સતત ઘટતી રહી છે. વૃદ્ધાશ્રમ વધી રહ્યા છે, જેને આધુનિક નામ મળી રહ્યાં છે; ઓલ્ડ એજ હોમ, સિનિયર સિટિઝન્સ હોમ, સેકન્ડ ઇનિંગ હોમ વગેરે. શ્રીમંત સંતાનો માતા-પિતા માટે અત્યાધુનિક સુવિધા ધરાવતી વ્યવસ્થા કરે છે, જ્યારે મધ્યમ વર્ગ તેમની હેસિયત મુજબ. જોકે આ બન્ને વર્ગ એ ભૂલી જાય છે કે આ જ માતા-પિતાએ તેમને કેવા સંજોગોમાં પાળેલાં, મોટાં કરેલાં, ભણાવેલાં, પગભર બનાવેલાં. ઘણાં સંતાનો તો પોતે પરદેશ સ્થાયી થઈ જાય છે અને વૃદ્ધ માતા-પિતા પોતાની એકલતા સાથે કયા વરસે સંતાનો મળવા આવશે એની પ્રતીક્ષામાં જીવ્યા કરે છે.
તમારા નાનપણના પ્રસંગોને યાદ કરો
પોતે નાના બાળક હતા ત્યારે આ જ માતા-પિતાએ તેમની દરેક જીદ પૂરી કરી હતી. ટૂંકી આવકમાં પણ તેમણે ખુશી આપવાનો સતત પ્રયાસ કર્યો હતો. પોતે સહન કરીને પણ તેમને રાજી રાખતાં રહ્યાં હતાં. જો દરેક જણ મધ્ય ઉંમરે પહોંચેલા પોતાના બાળપણના પ્રસંગોને યાદ કરશે તો આ બધી જ વાતો યાદ આવશે, પણ જ્યારે આ જ બાબતે માતા-પિતાની જીદ, ઇચ્છા, મહેચ્છા વગેરે પૂરાં કરવાનાં આવે ત્યારે આ વર્ગ સાવ કઠોર બની જાય છે અથવા પ્રૅક્ટિકલ બની જાય છે. આ મધ્ય વયની અવસ્થામાં પહેાંચેલાં માતા-પિતાને પોતાનાં નાનાં સંતાનોની બોલી કાલીઘેલી લાગે છે, તેમની મસ્તી અને તેમની અક્કલ વિનાની વાતો પણ વહાલી લાગે છે, તો હવે વૃદ્ધ બનેલાં માતા-પિતાની વાતોમાં પણ આ જ બાબતે તેમનું લાગણીનું ઝરણું કેમ ફૂટતું નથી? અડધા યા પૂરા બહેરા બની ગયેલા, બોલવામાં લોચા મારતા, ચાલવામાં ટેકો માગતા, ખાવાની બાબતમાં, ટીવી જોવાની બાબતે, બહાર જવાના મામલે નાનીસરખી જીદ કરતા આ વૃદ્ધોને કેમ તેમનાં જ સંતાનો સમજી શકતાં નથી? શું તેઓ પોતે આ અવસ્થામાં ક્યારેય નહીં પહોંચે એવી તેમને ખાતરી કે વરદાન મળેલાં હોય છે?
તેમને તમારું ધ્યાન જોઈતું હોય છે
ખરેખર તો વૃદ્ધત્વ એ બાળપણનું નવું સ્વરૂપ હોય છે. વૃદ્ધોનું સાંભળવાનું બંધ થતું જાય છે, તેમને સંભળાતું નથી, પરિણામે તેમને બાળકની જેમ મોટેથી અથવા વારંવાર બૂમ પાડીને કહેવું પડે છે. જેમ નાનાં બાળકોને પોતાના પ્રત્યે સૌનું ધ્યાન જોઈતું હોય છે એમ વૃદ્ધોને પણ પોતાના પ્રત્યે પરિવારના સભ્યોનું ધ્યાન જોઈતું હોય છે. નાનાં બાળકોની જેમ વૃદ્ધો પણ સાવ નાની બાબતે રિસાઈ જાય છે અથવા જીદ કરે છે ત્યારે તેમને મનાવવાને બદલે આપણે તેમને કંઈ પણ સંભળાવી દેવાનું વલણ રાખીએ છે. અરે, આ વૃદ્ધો હવે બાળક બની ગયા છે એ કેમ કોઈને સમજાતું નથી, તેમનાં ખુદનાં જ સંતાનો આ સત્યને કેમ ઓળખી-સમજી શકતાં નથી? કેમ નાનાં બાળકોની જેમ તેમને સ્નેહ, હૂંફ, લાગણી આપી શકતા નથી? જે બધું તેમણે આ લોકો પાસેથી મેળવ્યું હોય છે એ કરજ કેમ ચૂકવતા નથી.
વિદાય બાદ થતાં કાર્ય, જીવતાં કેમ નહીં?
આ માતા-પિતા વિદાય લઈ લે એ પછી તેમને માટે હજારો રૂપિયા ખર્ચીને પ્રાર્થનાસભા યોજતાં, માતા-પિતાનાં ગુણગાન ગાતાં ભજનો ગવડાવતાં, તેમના આત્માની શાંતિ માટે દાન-પુણ્યનાં કાર્ય કરતાં, તેમના ફોટો સાથે અંજલિ, શ્રદ્ધાંજલિ કે પુણ્યતિથિ વિશેની જાહેરખબર આપતાં સંતાનો તેમનાં આ જ માતા-પિતા જીવતાં હોય છે ત્યારે કેમ તેમની નાની-નાની કાળજી રાખવાની પણ ચિંતા કરતાં નથી? તેમના દિલને ઠારે એવો, તેમના આત્માને પ્રસન્નતા મળે એવા ભાવ કેમ વ્યક્ત કરતાં નથી? ઉપરથી માત્ર તેમની ઉપેક્ષા કર્યા કરે છે. આ સંતાનોને પોતાનો અલગ પરિવાર બની ગયા બાદ પોતાનાં જ માતા-પિતા કેમ આઉટડેટેડ, અર્થહીન, માત્ર સમાજને બતાવવાના સામાન જેવાં લાગે છે?
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

jayesh chitalia columnists