કાં રડો, કાં લડો

24 August, 2022 12:01 PM IST  |  Mumbai | Hiten Anandpara

આજે સરેઆમ ફાફડા-જલેબી કે થેપલાં-છૂંદો ખાઈને થોડાક સંકલ્પ કરીએ. સવારે જેમ ઘરમાં દૂધ આવે એમ રોજ એક ગુજરાતી છાપું આવવું જ જોઈએ. દર મહિને-બે મહિને કમ સે કમ એક ગુજરાતી પુસ્તક આવવું જોઈએ

કાં રડો, કાં લડો

સમસ્યાઓ સામે બે રીતે પ્રતિકાર કરી શકાય. રડીને અથવા લડીને. રોદણાં રડનારને સમસ્યા વધારે ને વધારે દબડાવે અને સામે થનાર સામે કૂણી પડે. વાસ્તવિક જગતનું આ અવલોકન માતૃભાષાના સંદર્ભે લાગુ પાડી શકાય? આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ઊજવાઈ રહ્યો છે ત્યારે સિક્કાની બે બાજુ તપાસીએ. 

એક બાજુ કાળી પડી ગઈ છે અને એમાં કેટલાય ડાઘા નરી આંખે દેખાશે. ગુજરાતી માધ્યમની થોકબંધ શાળાઓ બંધ થઈ ગઈ છે. નવી પેઢી કક્કો જ નથી શીખી તો પછી વાંચવા-લખવાની વાત તો ક્યાંથી આવે? સાહિત્યના કોઈ કાર્યક્રમમાં યુવા પેઢીનો એકાદ પ્રતિનિધિ આવે તો સંશય થાય કે આ ભૂલો તો નથી પડી ગયોને! આ અને આવી અનેક બાબતોનો સ્વીકાર કરવો પડે. 
સિક્કાની બીજી બાજુ આપણી પરીક્ષા કરે છે. ઉમાશંકર જોશીએ એક કાવ્યમાં વેધક પ્રશ્ન પૂછેલોઃ દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? આ જ સવાલ સમય આપણને પૂછી રહ્યો છે. માતૃભાષા તો વારસામાં મળી પણ એના સંવર્ધન માટે તેં શું કર્યું? જવાબ આપનારા ઓછા છે, પણ આછા નથી. કેટલીયે સંસ્થાઓ આબાબતમાં કાર્યરત છે. અખબારો કોરોનાની કપરી કસોટી પછી પણ ટકી રહ્યાં છે. મુંબઈમાં વ્યાપ ઓછો જરૂર થયો, પણ ગુજરાતમાં ઘણાં પુસ્તકો હજીયે મોટા આંકડે વેચાય અને વંચાય છે.   

અમેરિકામાં હવેલીઓ, જૈન પાઠશાળાઓ, સ્વામિનારાયણ મંદિરો વગેરે સંસ્થાનોમાં ગુજરાતીના વર્ગો ચાલી રહ્યા છે. બ્રિટનમાં સેંકડો શાળાઓમાં શનિ-રવિ દરમિયાન ગુજરાતી શિખવાતું રહ્યું છે. આ તબક્કે સ્વ. પ્રો. જગદીશ દવેનું સહજ સ્મરણ થાય. જગદીશ દવેએ લગભગ બે હજાર જેટલા ગુજરાતી ભાષાશિક્ષકો તૈયાર કરેલા. તેમણે બ્રિટન, અમેરિકા, આફ્રિકા, પોર્ટુગલ, મલેશિયા, શારજહાં અને ઇટલી જઈ તાલીમ આપી હતી. કક્કો શીખવવાની નવી પદ્ધતિ શોધી મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. ભાષાશિક્ષણના ઉત્તમ કાર્ય માટે બ્રિટનની મહારાણીએ તેમને એમબીઈના ખિતાબથી નવાજ્યા હતા.   

વિશ્વભરમાં અંદાજે ૭૧૧૧ ભાષાઓ બોલાય છે. એમાં ગુજરાતીનું સ્થાન ૨૯મું છે. અમેરિકન સરકારના ૨૦૧૮ના સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે. તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર બનાવવાની માગણી કરવામાં આવી. દેશ-વિદેશમાં રમાતી નવરાત્રિને કારણે કોઈ ગોરિયા કે ગોરિયણને `ઈંધણાં વીણવા ગઈ’તી મોરી સૈયર’ ગીત ઉપર હિલોળતા જોઈને ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટનો જોડણીકોશ ગદગદ થઈ જાય તો નવાઈ નહીં.   

સિક્કાની પહેલી અને બીજી બાજુ વચ્ચેની દીવાલ ઉપર માબાપની જવાબદારી કોતરાયેલી છે. ભાષા ટકાવવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી તેને કક્કો આત્મસાત કરાવી દેવો. શાળા ન કરાવે એ માબાપે કરાવવો. માબાપ પાસે સમય ન હોય તો દાદા-દાદી, નાના-નાનીએ આ બીડું ઉપાડી લેવું પડે.

અનુસંધાન જાળવવા પુરુષાર્થ તો કરવો જ રહ્યો. પુરુષાર્થ વગર તો પાપડ પણ ન તૂટે. આ પાપડ પરથી યાદ આવ્યું કે પાપડ શબ્દનો સમાવેશ ઑક્સફર્ડ ડિક્શનરીમાં કરવામાં આવ્યો છે. એને એકલું ન લાગે એટલે કંપની આપવા ભેળપૂરી, ઘી, ચટણી, શરબત વગેરે શબ્દો પણ ગોઠવાઈ ગયા છે. જે શબ્દ વૈશ્વિક બને એને બધા સ્વીકારતા થઈ જાય. 

"વિશ્વમાં બોલાતી ૭૧૧૧ ભાષાઓમાં ગુજરાતીનું સ્થાન ૨૯મું છે.  ૨૦૧૮ના સર્વેક્ષણ પ્રમાણે અમેરિકામાં હિન્દી પછી સૌથી વધારે બોલાતી ભાષા ગુજરાતી છે."

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસે સરેઆમ ફાફડા-જલેબી કે થેપલાં-છૂંદો ખાઈને થોડાક સંકલ્પ કરીએ. સવારે જેમ ઘરમાં દૂધ આવે એમ રોજ એક  ગુજરાતી છાપું આવવું જ જોઈએ. દર મહિને-બે મહિને કમ સે કમ એક પુસ્તક આવવું જોઈએ. નાનાં બાળકો ટૉમ ઍન્ડ જેરી જુએ એની ના નથી પણ બકોર પટેલ, મિયાં ફૂસકીની વાર્તાઓથી તેમને વંચિત રાખીએ તો આપણી બેદરકારી લેખાય. આપણાં બાળગીતો કાને પડે તો બાળકના અર્ધજાગૃત મનમાં એની રવાની ઊતરતી જશે. આવા થોડાક ક્રૅશ કોર્સ આપણે કરાવવા જ પડશે. જો નહીં કરીએ તો ભાષા સાથેનું અનુસંધાન ક્રૅશ થતાં વાર નહીં લાગે અને છોગામાં મીઠી જબાનના ખલીલ ધનતેજવીની આ કડવી વાત સાંભળવી પડશે.  
જેને મારી વાત સમજાતી નથી
એ ગમે તે હોય, ગુજરાતી નથી

columnists hiten anandpara