લીલા-પીળા અવસર ફાટ્યા

26 February, 2023 03:12 PM IST  |  Mumbai | Hiten Anandpara

ઘણી વાર કાગળની જેમ સંબંધો પણ ફાટી જતા હોય છે. આ સંબંધ પ્રિયજન સાથેનો હોય, દોસ્ત સાથેનો હોય, પાર્ટનર સાથેનો હોય કે પછી કોઈ વિચારધારા સાથેનો હોય. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે પડેલી તિરાડ દિવસે-દિવસે વિસ્તરતી જાય છે.

પ્રતીકાત્મક તસવીર

ઘણી વાર કાગળની જેમ સંબંધો પણ ફાટી જતા હોય છે. આ સંબંધ પ્રિયજન સાથેનો હોય, દોસ્ત સાથેનો હોય, પાર્ટનર સાથેનો હોય કે પછી કોઈ વિચારધારા સાથેનો હોય. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ વચ્ચે પડેલી તિરાડ દિવસે-દિવસે વિસ્તરતી જાય છે. જોડાણ ફાટે એનો વાંધો નથી, પણ સંજય રાઉત જેવાઓની જબાન ફાટે ત્યારે વાહિયત બરાડાઓ આપણા કાને ઝીંકાય. સુધીર પટેલની પંક્તિઓ આવા નિવેદનપિપાસુઓના સંદર્ભે જોવા જેવી છે...
સૂરજ ધોળે દહાડે છતમાં છીંડું પાડે 
હમણાં હમણાં ફાટીને ગ્યો છે ધુમાડે 
લાગ પડે એ એવી ઝાલી લે છે બોચી
ત્યારે પડછાયો પણ કૈં આવે નહીં આડે 
ઘણા લોકોનો સ્વભાવ હોય છે કે જે સંસ્થામાં કામ કરે એનું જ બૂરું બોલે. આવા આક્રોશના મૂળમાં વાસ્તવિક કારણો હોઈ શકે, પણ કેટલાકને તો કોસવાની જ આદત પડી હોય. સારું હોય એનેય કોસે. જેને સફળતા મળી છે તેની ઈર્ષ્યા કર્યા કરે અને આભ ફાટ્યું હોય એવું જોણું ઊભું કરે. જયવદન વશી વેધક પ્રશ્ન પૂછે છે...
તું કહે તે માનવા તૈયાર છું
કંટકો પર ચાલવા તૈયાર છું
તૂટતા સંબંધ કોણે સાચવ્યા?
આભ ફાટ્યું સાંધવા તૈયાર છું
સંબંધના તૂટવા પાછળ અનેક કારણો હોઈ શકે. ક્યારેક સ્વભાવ ન મળે તો ક્યારેક આઇફલ ટાવર જેવડો ઈગો વચ્ચે હોય. ક્યારેક અપેક્ષા વધારે હોય તો ક્યારેક સમીક્ષા તીણી-તીણી બનતી જાય. કોઈ વ્યક્તિ પોતાનો વાંક સ્વીકારવા તૈયાર નથી હોતી. એક સમયે એવી સ્થિતિ આવી જાય કે હેમલ ગોહિલ મર્મર કહે છે એમ સમયનો પનો ટૂંકો પડે...
આંખમાં એ બાબતે ચર્ચા હતી 
કોણ જીવ્યું હોય છે કોના વતી 
વેળ થઈ પ્હો ફાટવાની તે છતાં 
વારતા મારી-તમારી ક્યાં પતી 
ખુલાસા ક્યારેક ખટરાગથી વધારે લંબાઈ જવાની કોશિશ કરતા હોય છે. સામેવાળાના ગળે ખુલાસાઓ ઉતારવાનું કામ પાણીમાં સાકર ઓગાળવા જેવું સહેલું નથી. અનેક કોઠામાંથી પસાર થવું પડે. પહેલાં તો અવિશ્વાસ કે શકની દીવાલને તોડવામાં જ ખાસ્સો સમય જાય. બે જણ મોહરાં ઓઢીને મળતા હોય ત્યારે સાચી વાત નીકળતાં વાર લાગે. ગુલામ અબ્બાસ નાશાદ મુખવટા વગરની વાત કરે છે...
ઘણાયે ચહેરા સજાવીને મોહરાંઓ ફરતા
આ મારી સામે જુઓ કોઈ એક નકાબ નથી
ખમીસ ફાટેલું ઓળખ બની ગઈ મારી
હવે ન પૂછો કે શાને અહીં ગુલાબ નથી
દરેક જણની એક ઓળખ હોય છે. કવિ મેઘબિંદુ મોટા ભાગે સફારીમાં જોવા મળતા. હરિભાઈ કોઠારીને શર્ટમાં તમે કલ્પી ન શકો અને એનાથી વિપરીત સફારીચાહક સુરેશ દલાલને તમે ઝભ્ભામાં કલ્પી ન શકો. ગમે એટલું સુંદર અને ટકાઉ વસ્ત્ર હોય એ વપરાશ પછી જીર્ણ તો થવાનું છે. દેહ અને વસ્ત્ર આ બંને આ બાબતમાં સરખાં છે. પારુલ ખખ્ખર જિંદગીના ચિંતનને સાંકળી લે છે... 
ફાટી ગયું છે વસ્ત્ર છતાં ત્યાગવું નથી
મેદાન છોડવું નથી ને ભાગવું નથી
તારા હજાર હાથ મુબારક હવે તને
માથું નમાવી આજ પછી માગવું નથી
કોઈની સામે હાથ લંબાવવાની લાચારી પીડાદાયક હોય છે. તમારી પાસે પૈસા હોય ત્યારે દરબાર ભરાતો હોય અને તમે ખિસ્સે ખાલી થઈ જાવ ત્યારે આસપાસ કોઈ ન હોય. મોટા હોદ્દા પરથી નિવૃત્ત થતા લોકો માટે વાસ્તવિકતાનો સ્વીકાર પીડાદાયક હોય. રતિલાલ સોલંકીમાં અસમાનતાની અરાજકતા જોઈ શકાશે...
મારે માથે નભ ફાટ્યું છે
એને માથે છત્તર-છત્તર
સુખમાં સાથે લાખો લોકો
દુઃખમાં કેવળ પંદર-સત્તર
કપરા સમયમાં જોઈએ તો અંગત પરિવાર જ કામ લાગે છે. લોહી પાણી કરતાં ઘટ્ટ હોય છે. એટલે જ આ અંગતને સાચવવું જોઈએ. વિદ્રોહની ભાવના સમય વીત્યે ટાઢી પડતી અનુભવાય છે. કોઈ વાતને એવડું મોટું સ્વરૂપ આપી દીધું હોય કે જાણે જીવન-મરણનો જંગ હોય. ત્રણ દાયકા પછી મહામૂલી લાગતી એ વાત સાવ મામૂલી છે એવું ફલિત થાય. સુથારની સોનેરી સલાહ અનિલ ચાવડા આપે છે...
હૃદયની આગ બાબત કોઈને તેથી નથી કહેતો
જગતનો કૈં ભરોસો નૈં જગત તો તાપવા માંડે
મને સુથારની આ વાત હાડોહાડ લાગી ગઈ
‘ન ઠોકો એમ ખીલી લાકડે કે ફાટવા માંડે!’

columnists hiten anandpara gujarati mid-day