વરસાદી સાંજ છે

24 July, 2022 07:44 PM IST  |  Mumbai | Hiten Anandpara

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં મન એટલું વરસ્યું કે જીવન ખોરંભે ચડી ગયું

પ્રતીકાત્મક તસવીર

મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. કેટલાંક રાજ્યોમાં મન એટલું વરસ્યું કે જીવન ખોરંભે ચડી ગયું. કૃપા અને કોપ બન્નેનો અર્થ ચપટીકમાં સમજાવી દેવાનું સામર્થ્ય મેઘરાજા પાસે છે. ખેર, આપણે હેતલ મોદી જોષીના મુક્તક સાથે કૃપાનું આચમન કરીએ...
નગારા સાથ ઘોડા પર ચડી અસવાર આ આવ્યો
સરર કરતો ધરા પર વીંઝણો આજે તો વીંઝાયો
ધરા પર ઊતર્યું છે આભ આ વીજળીને ચમકારે
ને સૂકી સાવ આ ધરતીને પટ આકંઠ ઝિલાયો
જૂનમાં શરૂ થતો વરસાદ ક્યારેય જુનવાણી નથી લાગતો. દરેક ચોમાસું નિત્યનૂતન જ લાગે. આભથી વરસતું જળ તળ સુધી પહોંચે ત્યારે પટથી પેટાળ સુધી પ્રેમ પથરાય. ખેતરમાં વાવણી આરંભાય, આંખમાં લીલાશ અંજાય, નદીઓમાં નવાં નીરની ટૅક્સ-ફ્રી આવક થાય, મુંબઈ જેવા શહેરમાં પીવાનું પાણી પૂરું પાડતાં જળાશયોનું હેત છલકાઈ ઊઠે ત્યારે કામકાજની કાખઘોડી હડસેલી ભીંજાવાનો મોહ થઈ આવે. બૉસનો ફોન આપણો મોહભંગ કરે એ પહેલાં વિપુલ વ્યાસ દર્શનનું ઇજન સ્વીકારી લઈએ...    
આવ દોસ્ત મળીએ વરસાદી સાંજ છે
પ્રેમમાં પલળીએ વરસાદી સાંજ છે
આ અનેરો અવસર દર્શનમાં ડૂબવા
પ્રકૃતિમાં ભળીએ વરસાદી સાંજ છે
વરસાદી સાંજ સાર્વજનિક સાહ્યબી છે. વરસાદ ટૉપ ટેનમાં આવતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીની ડિગ્રીનો મોહતાજ નથી, કારણ કે એ તો સમગ્ર સૃષ્ટિનો વહાલ-ચાન્સેલર છે. એ પ્રવેશ માટે ડોનેશન લેતો નથી ને ખાઈબદેલા સરકારી વિભાગોની જેમ અન્ડર ધ ટેબલ ડીલ કરતો નથી. પ્રવેશ મેળવવા માટે આપણે સજ્જતા કેળવવી પડે. કેતન ભટ્ટ યુનિવર્સિટીના કૅમ્પસમાંથી ડિવાઇન યુનિવર્સિટીના ગર્ભગૃહ તરફ આપણને પ્રયાણ કરાવે છે...
છે જામ્યો ખૂબ આ અંધકાર ને આકાશ ગાજે છે
મને તો ઈશ તણો વરસાદ પણ પરસાદ લાગે છે
ચૂવે છે મોભ ને દીવાલ સઘળી ચોતરફથી પણ
હવેલીમાં અમારી તો સદા કરતાલ વાગે છે
વરસાદનો રવ ધ્યાનથી સાંભળો તો એમ લાગે કોઈ વિશારદ સૂર છેડી રહ્યો છે. એમાં છુપાયેલી દિવ્યતા આપણે સમજી ન શકીએ, પણ માણી તો શકીએ જ. જેને માટે ધરતી આઠ મહિના રાહ જોતી હોય એને ઝીલવા આપણે આઠ મિનિટ પણ ન ફાળવી શકીએ તો આ જીવતર પસ્તી જેવું લાગે. આ આઠ મિનિટમાં જો પ્રિયજનની આઠ મિનિટ ભળે તો સોળ કળાએ ખીલતાં વાર ન લાગે. ડૉ. ભૂમા વશી દંતચિકિત્સા છોડીને વસંતચિકિત્સાને તલાશે છે...  
ભીની માટીની છે સોડમ, તું ક્યાં છે?
આંખોમાં શબનમ છે જાનમ, તું ક્યાં છે?
ફરફરતા ફોરાની વચ્ચે ચમકે વીજ
આગ વચાળે વ્યાકુળ છે મન, તું ક્યાં છે?
પ્રિયજને એ સમજી લેવું જોઈએ કે પ્રિયજન માત્ર ચા બનાવવા કે ભજિયાં બનાવવા માટે નથી. લગ્ન પહેલાં તે પણ એક છોકરી હતી. પોતાનું વાદળ છોડીને જે આવી હોય તેને પોતાને ગમતા સૂર છેડી શકે એવી મહેફિલ સજાવી આપવાની છે. તૃપ્તિ ભાટકર આપણી સમજણ તાજી કરે છે...   
મંદ ભીની મ્હેક માટીની બધે પ્રસરી ગઈ
વાદળી વર્ષાને ઝાલી છાંટણાં કરતી ગઈ
મન મૂકી વરસીને જો, કેવી ધરા મ્હોરી ઊઠે
જેમ કોઈ નવવધૂ શણગારથી સજતી ગઈ
ધરતીની કરચલીઓ દૂર થાય અને કૌતુક ઝળકતું થઈ જાય. વૃક્ષો વરસાદમાં ભીનાં થઈ સ્વિમિંગ-પૂલનો આનંદ માણે. પાંદડું ઝાકળ અને વરસાદી ટીપામાં શું ફરક છે એ જાણવા આઇઆઇટીના હોશિયાર વિદ્યાર્થીની જેમ જોતરાઈ જાય. ખાસ્સા સંશોધન પછી એને સત્ય લાધે કે ટીપું જામે કે ટીપું વરસે, આખરે તો ફળશ્રુતિ ભીનાશની છે. ડૉ. સેજલ દેસાઈ દક્ષિણ ગુજરાતની મહેર ફૉર્વર્ડ કરે છે...
વરસાદની ઝરમર, કરે છે તરબતર
ભીનો મધુર અવસર, કરે છે તરબતર
થઈ વાદળોનું વ્હાલ સૌને ભીંજવે
ફોરા થકી હરફર કરે છે તરબતર
ક્યા બાત હૈ
વ્હાલનો વરસી પડે વરસાદ, એવું થાય તો
વાદળાંઓ છેડે બંસીનાદ, એવું થાય તો
મોરલા ટહુકે એ રીતે, આપણાં ટહુકે બે મન
રંગ ઊઘડે સાત, વરસ્યા બાદ એવું થાય તો
ભૂમિ પંડ્યા શ્રી

મોજથી ભીંજાઉં છું સોગંધ એ વરસાદના
લાજથી શરમાઉં છું સોગંધ એ વરસાદના
થૈ ગઝલ રણકી રહો મારા અનાદિ ગીતમાં
શબ્દથી ફેલાઉં છું સોગંધ એ વરસાદના
મનોજકુમાર પંચાલ મન

રોજ ખેડે ખેતરો, એ યાતના છે કેટલી?
ને સહે છે તાપ તડકો, સાધના છે કેટલી? 
પાક સારો આવશે તો ગોળધાણા રાખશું
દીકરી પરણાવવાની કામના છે કેટલી 
કમલેશ શુક્લ

columnists hiten anandpara