બેસી રહો આ ઘાસ સામે

16 October, 2022 05:08 PM IST  |  Mumbai | Hiten Anandpara

કામે જતી વખતે નકારાત્મકતાનો નાયગરા ધરાવતી વ્યક્તિ સામે મળે તો કામ પાર પડે નહીં. હકારાત્મકતાની હાશ ધરાવતી વ્યક્તિ મળે તો પરચૂરણ કામમાં પણ બરકત દેખાય.

બેસી રહો આ ઘાસ સામે

અંગત મિત્રો આપણી સામે થઈ જાય તો આઘાત લાગે. પ્રેમનું કોઈ રંગીન પ્રકરણ વર્ષો પછી અચાનક સામસામે થઈ જાય તો હૃદય ધબકારા ચૂકી જાય. કામે જતી વખતે નકારાત્મકતાનો નાયગરા ધરાવતી વ્યક્તિ સામે મળે તો કામ પાર પડે નહીં. હકારાત્મકતાની હાશ ધરાવતી વ્યક્તિ મળે તો પરચૂરણ કામમાં પણ બરકત દેખાય. મરીઝ બજારની ભાષામાં વાત વહેતી કરે છે... 
એક વીતેલો પ્રસંગ પાછો ઊજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે
આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો
આમ જો પૂછો બહુ મોંઘા અમારા દામ છે
મફતની માનસિકતા વિશે વિસ્તારે લેખ લખ્યો છે છતાં એક મુદ્દો સ્પર્શવાનું મન થાય. ચૂંટણી પંચે વચનો પૂરાં કરવા પૈસા ક્યાંથી આવશે એના સોર્સની વિગતો પણ જાહેર કરવાનું રાજકીય પક્ષોને સૂચવ્યું છે. કોઈ રાજકીય પક્ષ પોતાના ખજાનામાંથી દમડીયે વાપરવાનો નથી. એક હાથ લે, બીજે હાથ દે. વસમી અપેક્ષામાં પ્રણય જામનગરીની કબૂલાત શાતા આપે એવી છે...
ટહુકારૂપે જ એની રજૂઆત થઈ શકે
વ્હેતી નદી વિષે બીજી શું વાત થઈ શકે!
એમાંય તારો સાથ જરૂરી બની રહે
સામે તું હોય - તો જ કબૂલાત થઈ શકે
અનેક પ્રસંગો એવા બને કે મહત્ત્વાકાંક્ષા સંતોષવા આપણે બીજાને હડદોલા કે પાટુ મારીને આગળ વધી જઈએ. ટૂંકા ગાળાના લાભ માટે એટલી તડજોડ કરીએ કે સંબંધો માત્ર કામના અને નામના જ રહી જાય. પ્રેમ અને ઉષ્મા એમાંથી ગાયબ થઈ જાય. અશરફ ડબાવાલા ચેતવે છે...
સંબંધ છે તો મળશું મળવાનું બાદ ના કર
નાહક પદાર્થમાંથી પરમાણુ બાદ ના કર
મનના દીવાની સામે બેસીને મગ્ન થા પણ
આખાય આ નગરનું અજવાળું બાદ ના કર
છેલ્લી પંક્તિ રશિયાના સર્વેસર્વા વ્લાદિમીર પુતિનને ચસોચસ લાગુ પડે છે. ક્રીમિયાના બ્રિજ પર થયેલા હુમલા પછી રશિયાએ શૅમ્પેનની જેમ મિસાઇલોની છોળો ઉડાડીને યુક્રેનને ફીણ-ફીણ કરી નાખ્યું. ધરાશાયી ઘરમાં ફસડાઈ પડેલા વયસ્ક નાગરિકોને જોઈને આંખ નમ થઈ જાય. યુક્રેને રશિયાની સામે થવું પડ્યું, જ્યારે રશિયા યુક્રેનની સામે પડ્યું છે. આ બંનેમાં ફેર છે. આગની ઝાળ હવે આખા વિશ્વને સ્પર્શી ચૂકી છે. અશોક જાની આનંદની પંક્તિમાં પ્રેમ અને પ્રહાર બંને વર્તાશે...
તમે પણ પ્રેમથી આવો અને દિલથી મળો કે હું
સહુને પ્રેમ કરવાનો ઇજારો લઈને આવ્યો છું
નર્યા અન્યાય સામે આંખ મીંચી રહી નથી શકતો
જગત સળગાવી દે એવો તિખારો લઈને આવ્યો છું
સાંપ્રત સમયમાં યુદ્ધના તિખારા ગ્લોબલ થઈ ગયા છે. રશિયાએ ચાંપેલી ચિનગારી માત્ર યુક્રેન માટે જ ખતરનાક નથી નીવડી, કેટલાય દેશોના અર્થતંત્ર પર અવળી અસર પડી છે. મોંઘવારી હવે સ્થાનિક પરિસ્થિતિ ઉપરાંત વૈશ્વિક પરિબળોને કારણે પણ અસર પામે છે. શરીરના સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરીએ એ જુદી વાત છે અને ગરીબાઈને કારણે ઉપવાસ કરવો પડે એ જુદી વાત છે. કપરા સમયમાં કોઈકનો ટેકો જોઈએ. આ ટેકો વ્યક્તિનો હોઈ શકે કે બળકટ વિચારનો હોઈ શકે. ગોપાલ શાસ્ત્રી એ માર્ગ દર્શાવે છે...
ધાર કે સામે છે કાળું રણ છતાં
જાત પર વિશ્વાસ ધર ને પાર કર
સિદ્ધિઓ સામે કદી આવી નથી
પ્હાડ, કોતર, ખીણ ને હદ પાર કર
તરસ સાચી હોય તો એ લક્ષ્ય સુધી પહોંચવાનું હથિયાર બની શકે. પરિણામ ટૂ મિનિટ મૅગીની જેમ નથી મળતું. આસ્થા અને આયોજન, પુરુષાર્થ અને પ્રતીક્ષા પોતાનો સમય માગે જ છે. રાજ લખતરવી ખભે હાથ દઈને ધાડશ બંધાવે છે...   
આંખ સામે ઊભો રહ્યો જઈને
આજ ખુદ લક્ષ્ય તીર પાસે છે
દૂર મંઝિલ ભલે ગમે ત્યાં હોય
રાહ તો રાહગીર પાસે છે

લાસ્ટ લાઇન
બે ઘડી બેસી રહો આ ઘાસ સામે
ને ધરાવો ભોગ લીલો શ્વાસ સામે

આમ તો વરસો વીત્યાં’તાં ભૂલવામાં
લ્યો અચાનક થઈ ગયા આવાસ સામે

રાત પહેલાં ખેડુએ પણ આંસુ પીને
આહ ભરતાં જોયું બસ આકાશ સામે

રણ મહીં એવી તરસ લઈને ગયા કે
ઝાંઝવાં પીગળી ગયાં એ પ્યાસ સામે

તીવ્ર હો લગની અસર દર્શન તણી તો
દિવ્યચક્ષુ ખુદ ધરે સુરદાસ સામે

ગુરુદત્ત ઠક્કર
ગઝલસંગ્રહઃ હૃદયની ક્ષિતિજ પર

columnists hiten anandpara