ગજાનનને કરું વંદન

28 August, 2022 02:36 PM IST  |  Mumbai | Hiten Anandpara

મોટાં મંડળોમાં તો ગણપતિબાપ્પા પધારી ચૂક્યા છે. ઘરોમાં સ્થાપનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે ભાવપૂર્વક બાપ્પાને શબ્દપુષ્પો ધરીએ. ઉત્સવનું મૂળ અંતે શું હોવું જોઈએ એ કમલેશ શુક્લ દર્શાવે છે...

ગજાનનને કરું વંદન

ગણપતિબાપ્પા મોરિયા. ગણેશોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. મોટાં મંડળોમાં તો ગણપતિબાપ્પા પધારી ચૂક્યા છે. ઘરોમાં સ્થાપનની આતુરતાથી રાહ જોવાઈ રહી છે ત્યારે ભાવપૂર્વક બાપ્પાને શબ્દપુષ્પો ધરીએ. ઉત્સવનું મૂળ અંતે શું હોવું જોઈએ એ કમલેશ શુક્લ દર્શાવે છે...
પ્રેમથી સંબંધ જ્યાં બંધાય છે
ત્યાં વિનાયકનું જ પૂજન થાય છે
આવતા અવસર ઘણો રૂડો ઘરે
એક ઉત્સવ આંગણે ઊજવાય છે
જેમને ત્યાં ગણપતિનું સ્થાપન થાય છે તેમને ખ્યાલ આવે કે એક નાની મૂર્તિના આવવાથી ઘર આખું ભરાઈ જાય. દીવાલો સાજ-શણગાર સજી લે. રોશની ઝબૂકવા માંડે. પૂજાની સામગ્રીની સાત્ત્વિકતા આપણા પૂર્વજો સુધી પહોંચી જાય. ભારતી ગડા લખે છે એવી પ્રાર્થના આપોઆપ જ થતી જાય...
નામ તારાં હજારો શ્રી ગણેશા
દેવ દુંદાળા, પધારો શ્રી ગણેશા
સૌપ્રથમ પુજાય, તું છે વિઘ્નહર્તા
વિપદા મારી નિવારો શ્રી ગણેશા
વિઘ્નહર્તા તરીકે ગણપતિનું પૂજન કરાય છે. કોઈ પણ કાર્ય શરૂ કરીએ ત્યારે અવરોધો આવવાની શક્યતા હોય જ છે. ઘણા મોટા-મોટા પ્રોજેક્ટ નાનાં-નાનાં વિઘ્નોને કારણે રખડી પડે છે. આ સમયે ટકવા માટે પુરુષાર્થ સાથે પ્રેરકબળ જોઈએ. પ્રતીક ડી. પટેલ સમર્પણની ભાવના વ્યક્ત કરે છે...
અંશ ભોલેનાથ તારો 
શક્તિનો સંચાર છે
હે! ગજાનન, વિઘ્નહર્તા 
ભક્તિનો આધાર છે
જે પળે ભાંગી ગયો
હકથી સમીપે આવ્યો છું
તારી છાયાની તળે 
આ ચાલતો સંસાર છે
ઈશ્વરનું નામ કોઈ પણ હોય એની કૃપા અવતરવી જોઈએ. મૂર્તિનું સ્થાપન એ માત્ર માન્યતાનું સ્થાપન નથી, આપણી શ્રદ્ધાનું સ્થાપન છે. ચર્મચક્ષુને દર્શનની અપાર લાલચ હોવી જોઈએ. પૃથા મહેતા સોની સ્થાપનાનું મહત્ત્વ આલેખે છે...
આત્મસંગીતે સકળ જીવન
બને ખુદ પ્રાર્થના
સાંભળે-ધીરજ ધરાવે
તે વિનાયક સ્થાપના
ગણેશજીના આગમન, સ્થાપન, વિસર્જન વખતે આપણે બોલીએ છીએ ‘ગણપતિબાપ્પા મોરિયા’. આની પાછળ રસપ્રદ કથા છે. ૧૪મી સદીમાં કર્ણાટકમાં મોરિયા નામના એક સંત થઈ ગયા. તેઓ ગણેશજીના પરમ ભક્ત હતા. ગણપતિએ મયૂરેશ્વરના સ્વરૂપમાં મોરિયાને સાક્ષાત દર્શન આપ્યાં હતાં. પ્રભુએ પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું તો સંતે ગણેશજી સાથે પોતાનું નામ જોડાય એવી ઇચ્છા વ્યક્ત કરી. ત્યાર પછી ‘ગણપતિબાપ્પા મોરિયા’નો શ્રદ્ધાસભર નારો પ્રારંભ પામ્યો એવી કથા છે. ફાલ્ગુની ભટ્ટ પૂજાનાં પુષ્પ ધરે છે...
વ્યાસના લહિયા બનીને જ્ઞાન શબ્દસ્થ કર્ય઼ું
હે ગજાનન, તવ કૃપાથી શાસ્ત્ર સંપાદિત થયું
રિદ્ધિ-સિદ્ધિ તારે આંગણ માતના આશિષ ઘણા
પૂજીએ પરથમ ગણાધિપ કાજ સૌ પૂરણ થયું
પ્રભુ પ્રત્યેનો સાચો સ્નેહ આજે કરોડો ભક્તના હૃદયમાં ધબકી રહ્યો છે. પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નોંધાયેલા દસ્તાવેજ પ્રમાણે સંત મોરિયાએ ૧૮૬ વર્ષની ઉંમરે સંજીવન સમાધિ લઈ દેહત્યાગ કર્યો હતો. મેધાવિની રાવલ ‘હેલી’ સમર્પણનો મહિમા વર્ણવે છે...
આયખું અજવાળવા ભીતર 
કર્યાં મેં પાંચ સ્થાપન
સૂર્ય, શ્રી, હરિ, હર અને 
અતિપ્રિય એવા આ ગજાનન
વિઘ્ન ચાહે કોઈપણ 
આવે ભલેને જિંદગીમાં
છમ્મલીલી થઈને દૂર્વા 
તવ ચરણમાં હું પ્રસન્ન
ગણપતિ એટલે પ્રસન્નતાનો પારાવાર. હૈયું પુલકિત થઈ જાય અને વાતાવરણ સુગંધિત થઈ જાય. એમના સ્વરૂપનું દર્શન પણ એક પાઠશાળા બની શકે એનો આછો ખ્યાલ તૃપ્તિ ભાટકરની પંક્તિથી આવશે...
હે ગણેશા, ભાલ મોટું, જ્ઞાનનો ભંડાર છો
પેટ દુંદાળું, સમાવો દોષ-ગુણનો ભાર છો
આંખ ઝીણી લક્ષ્ય સાધે કાન સઘળું સાંભળે
સર્વગુણ સંપન્ન બાપ્પા આપ તારણહાર છો
તારણહાર ગજાનનને જણાવવાનું કે વિશ્વ ભૂખમરો સૂચકાંક પ્રમાણે ૧૧૬ દેશમાં ભારત ૧૦૧ ક્રમાંકે છે જે કમ સે કમ પચાસ નીચે હોવો જોઈએ. આ કડવી વાસ્તવિકતા સામે દીપક ઝાલા ‘અદ્વૈત’ની મીઠી અરજ સૌએ કરવી રહી...
દુઃખડા સૌનાં સદાયે 
ટાળજો હે શ્રી ગણેશ
રિદ્ધિ સિદ્ધિ બેઉ સાથે 
આવજો હે શ્રી ગણેશ
આપજો ધન-ધાન્ય 
રાજા-રંક સરખા જોઈને
કોઈને ભૂખ્યા કદી ના 
રાખજો હે શ્રી ગણેશ

લાસ્ટ લાઇન
પ્રથમ પુજાય જગમાં જે ગજાનનને કરું વંદન
એ દુઃખભંજક, એ વિઘ્નોના 
વિનાશકને કરું વંદન
ઝીણી ઝીણી નજરથી પારખે 
ગુણ સર્વે ભક્તોના
ગુણાધિશાય, ગુણવર્ધક, 
ગુણાતીતને કરું વંદન
ગણેશ, સૂંઢાળા, એકદંતને, 
ધરું મોદક મધુર મીઠાં
કરું અર્ચન હું દૂર્વાથી, નિરાગસને કરું વંદન
કપાવી શિર જેણે માની આજ્ઞાનું કર્યું પાલન  
ભવાનીનંદ, ગૌરીસુત, ગજમુખને કરું વંદન
જગતના રંક, નિર્બળ, નાના સૌને એ સ્વીકારી લે
મુષિક વાહન, ગણોના દેવ, 
સુરવરને કરું વંદન

મીતા ગોર મેવાડા

columnists hiten anandpara