છે અરીસો એ તો સામો બોલશે

01 May, 2022 04:47 PM IST  |  Mumbai | Hiten Anandpara

જાહેરમાં કેટલાકને બોલવાની સમસ્યા હોય તો કેટલાકને બોલતા રોકવાની સમસ્યા હોય. વક્તા વધારે પડતું વદે તો પ્રેક્ષકોને ન સદે

છે અરીસો એ તો સામો બોલશે

જાહેરમાં કેટલાકને બોલવાની સમસ્યા હોય તો કેટલાકને બોલતા રોકવાની સમસ્યા હોય. વક્તા વધારે પડતું વદે તો પ્રેક્ષકોને ન સદે. વ્યક્તિને વ્યક્ત થવું હોય એટલે એ તો બોલશે. નાના બાળકને બોલતાં ન આવડતું હોય એટલે તે રડીને પણ પોતાની વાત પહોંચાડવાનો પ્રયત્ન કરે. સુધીર પટેલના શૅર સાથે વધુ બોલ-બોલ કર્યા વગર મહેફિલનો પ્રારંભ કરીએ...
જ્યાં જ્યાં તમે પગલાં કરો એ ભોમ બોલશે
તારા-ગગનની સાથ સૂરજ-સોમ બોલશે 
ચૂપકી તમે સાધી ભલે, પણ વાત નહીં બને
છે જેટલા તન પર બધા એ રોમ બોલશે 
શરીરને પણ એક વાચા હોય છે. આંગળીઓ ઇશારાથી ઘણું કહી શકે. સૅન્ડ-આર્ટિસ્ટ માત્ર આંગળીઓની કરામતથી વિવિધ પ્રકારની ડિઝાઇન સર્જતો હોય એ પ્રક્રિયા જોઈને તાજ્જુબ થઈ જવાય. આંખો તો આખું મેઘધનુષ રચી આપવા સક્ષમ હોય છે. રાજેશ વ્યાસ મિસ્કીન એની મહત્તા કરે છે...
સાંભળેલું, ક્યાંક વાંચેલું, સતત ના બોલ તું
આંખ મીંચીને કશું દેખાય તો સમજાવજે
ક્યાં લગી શબ્દો જ શબ્દો? આમ સમજાવ્યા કરીશ
આંખથી ક્યારેક જો બોલાય તો સમજાવજે
અભિવ્યક્તિની આઝાદી સંવિધાનનું એક મહત્ત્વનું પાસું રહ્યું છે. જોકે કેટલું બોલવું અને કેવું બોલવું એ પોતપોતાના વિવેક અને મંછા પર નિર્ભર રહેવાનું. રાજકારણીઓ જે રીતે શાબ્દિક કાદવ ઉછાળે છે એ જોઈને માત્ર ગાંધીજી જ નહીં, તેમનો સાર્થ જોડણીકોશ પણ લજવાતો હશે. હનુમાન ચાલીસા પ્રકરણે જે ગદાઉછાળ ચાલે છે એ નિમ્ન સ્તરનો પુરવાર થયો. જેમનાં કપડાં કાદવથી અને તિજોરી બ્લૅક મનીથી ખરડાયેલી છે એવા સત્તાધારીઓને સરેઆમ જોહુકમી કરતા જોઈ સૂનમૂન થઈ જવાય. સલીમ શેખ સાલસે સામાજિક સંદર્ભે કરેલું અવલોકન રાજકીય સ્તરે પણ લાગુ પડે છે...  
સત્યના મારા પ્રયોગ સાવ તો ખોટા નથી
વાત ખાલી એટલી કે તેમના ફોટો નથી
કો’ વધૂને બાળતા હાથો વિશે બોલ્યાં સતી
પાનબાઈ! તેમને માટે હજી પોટા નથી?
જેમણે પોટાના કાયદાનો અમલ કરવાનો હોય તેમના જ હાથ કાયદા તોડતા હોય તો પ્રજા જાય ક્યાં? સરકાર વચ્ચેની હુંસાતુંસીમાં આખરે તો પ્રજાએ સહન કરવાનું આવે છે. રમેશ પારેખની પીડા અંગતથી આગળ વધે છે...
શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?
લોહીમાં પણ એક-બે અંગત ખૂણાઓ છે રમેશ
એ ઊભા છે આપના સત્કારમાં, શું બોલીએ?
કેટલાંક દૃશ્યો જ એવાં હોય જેને જોઈ વાચા હરાઈ જાય. યુક્રેનમાં ચાલતા યુદ્ધે જે વિનાશક તાંડવ મચાવ્યો છે એ જોઈને કંઈ બોલવા જઈએ તો શબ્દોમાં તિરાડ પડે. એકવીસમી સદી ટેક્નૉલૉજીના ઉપકાર સાથે આવો હાડોહાડ ધિક્કાર શું કામ લાવી હશે એવો સવાલ થાય. માણસાઈ દોરડા પર અધ્ધર ચાલી રહી છે અને એનું સંતુલન સચવાતું નથી. હેમંત પુણેકર આમ આદમીની દ્વિધા વ્યક્ત કરે છે. 
દર્દ જીરવી ગયો, ગમ ખાઈ ગયો
એક પ્રસંગ એ રીતે સચવાઈ ગયો
સાચું બોલ્યો તો વગોવાઈ ગયો
જૂઠ કહેવા જતાં પકડાઈ ગયો
દર્દ જીરવવું સહેલું નથી હોતું. કેટલાંક દુઃખો એવાં આવી ચડે કે બખ્તર પહેરવાનો સમય પણ ન આપે. પૂર્વતૈયારી વગર જીવનસંગ્રામમાં ઝુકાવવું પડે. તીર કઈ દિશાથી આવશે એની ખબર ન હોય ત્યારે બચવું અઘરું બની જાય. સંજોગો તો જવા દો, માત્ર બે જણ વચ્ચેના સંબંધમાં ક્યારેક એવું વાતાવરણ સર્જાય જે વિવશ બનાવી દે. ભરત વિંઝુડા એવી કશમકશ વ્યક્ત કરે છે...
સાદ પાડી તને હું બોલાવું
એટલી ક્યાંથી દૂરતા લાવું?
એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ
માર્ગમાં એને કેમ અટકાવું?
આપણી જાતને રોકવી મુશ્કેલ હોય ત્યારે અન્યને રોકવાની વાત તો દૂર રહી. નીતિ-અનીતિ, છત-અછત, સચ-જૂઠના ઘર્ષણ વચ્ચે ડૉ. કેતન કારિયા એક પ્રતીતિકર નિદાન આપે છે...   
બને તો અકારણ દુઆ પણ ન માગો
મહેનત મુજબ જે મળે; એ ઘણું છે
ભલે જીભ બોલે નહીં સત્ય દોસ્તો
ફક્ત જૂઠ અટકે ગળે; એ ઘણું છે
ક્યા બાત હૈ
ક્યાં અહીં સૌની સલામ બોલશે?
જે કર્યાં છે એ જ કામ બોલશે

આપણું હોવું છુપાવો શી રીતે?
છે અરીસો એ તો સામો બોલશે

પોટલીમાં ફક્ત ઇચ્છા બાંધશે
ના કશુંયે પણ સુદામો બોલશે

કોઈ વર્ષોથી અહીં આવ્યું નથી
લ્યો, કયા મોઢે વિસામો બોલશે!

તું સમય બાબત કવિને પૂછ મા
એ ક્ષણેક્ષણનાંય નામો બોલશે

હરદ્વાર ગોસ્વામી
ગઝલસંગ્રહ : ‘લખચોરાશી લાગણી’

columnists hiten anandpara