વિશ્વ જોશે ઉડ્ડયન મારું

31 March, 2019 01:25 PM IST  |  | હિતેન આનંદપરા

વિશ્વ જોશે ઉડ્ડયન મારું

અર્ઝ કિયા હૈ

૨૭ માર્ચનો વિશ્વ રંગભૂમિ દિવસ ખરેખર દેશ માટે રોમાંચક બની રહ્યો. નાટકમાં વાર્તાનો પ્રારંભ થાય એમ વડા પ્રધાને કશીક અગત્યની જાહેરાત કરવાની છે એવું ટ્વિટ કરીને કથાબીજ વાવ્યું. નિયત સમયે જાહેરાત ન થઈ એમાં અટકળોની આરાધના ચારે તરફ થવા લાગી. હવે શું થશે - હવે શું થશેનો રોમાંચ વ્યાપી રહ્યો. પરદો ઊંચકાયો અને વડા પ્રધાને અંતરીક્ષમાં ભારતે પ્રાપ્ત કરેલી સફળતાની જાહેરાત કરી ત્યારે દેશવાસીઓએ તાળીઓથી આ એન્ટ્રીને વધાવી લીધી. પૃથ્વીની સૌથી નજીકની ભ્રમણકક્ષામાં પ્રવૃત્ત સૅટેલાઇટને તોડી પાડતી આ સિદ્ધિને સુનીલ શાહની પંક્તિઓ સાથે સલામ કરીએ.

પગલું મૂક્યું છે તો રસ્તો થઈ જશે
માપવાનો ખુદને, મોકો થઈ જશે
એક બારી હું ઉઘાડું, એક તું
સામસામે રાહ ખુલ્લો થઈ જશે

આપણા વૈજ્ઞાનિકો તકલીફો વેઠીને પણ તકને તારણમાં ફેરવવા તૈયાર છે. અમેરિકા, રશિયા, ચીન સાથે એક ભાણે બેસી શકાય એવી આ ઉપલબ્ધિ છે. આ એક જ પરીક્ષણથી દુનિયાના દેશોની ભારત તરફ જોવાની દૃષ્ટિમાં ફેરફાર આવશે. મંગળયાન પછી ગગનયાનની તૈયારીઓ ચાલી રહી છે. એની વચ્ચે આ પરીક્ષણે દેશવાસીઓ માટે ટહુકો અને દુશ્મનો માટે તણખો તરતો મૂક્યો છે. અમૃત ઘાયલના શેર સાથે આ મિશન પાર પાડવામાં જોડાયેલી સમગ્ર ટીમને ધન્યવાદ...

મહત્તા છે જીવનને સંકટોથી પાર કરવામાં
ભલે તોફાન બાકી છે, ભલે મઝધાર બાકી છે
મને જો કળ વળી તો વિશ્વ જોશે ઉડ્ડયન મારું
ફફડતી પાંખમાં મુજ શક્તિનો ભંડાર બાકી છે

મિશન શક્તિને ઓપ આપનાર સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ)ની સ્થાપના ૧૯૫૮માં થઈ હતી. આજે એમાં અંદાજે પાંચ હજાર વૈજ્ઞાનિક અને પચીસ હજાર અન્ય સ્ટાફ કાર્યરત છે. સંરક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રકારનાં શસ્ત્રો, ઉપકરણ, યુદ્ધવાહન, યુદ્ધવિમાન, સેન્સર, રડાર, મિસાઇલ વગેરે વિકસિત કરવાનું કામ આ સરકારી સંસ્થા કરે છે. પૃથ્વી, અગ્નિ, આકાશ અને નાગ મિસાઇલનાં સફળ પરીક્ષણો પછી આપણું વાયુદળ સક્ષમ બન્યું છે. મુકુલ ચોકસી કહે છે એમ અનેક અવરોધો અને કપટ વચ્ચે અસીમને તાગવાનું કામ કરવાનું છે...

આ અંતરીક્ષ જેવું બીજું છળ કશું નથી
ઉન્માદ! એકમેકથી આગળ કશું નથી
દીવાલ સોંસરા જો પ્રવેશી શકાય તો
દ્વારો કશું નથી અને સાંકળ કશું નથી

એક મિશન પાછળ વરસોની સાધના હોય છે. પરિકલ્પનાથી લઈને પરિણામ સુધીની સફર ખાસ્સી જહેમત માગી લે. કેટલીક જગ્યાએ એકડો ઘૂંટાયેલો ન હોય ત્યારે શૂન્યમાંથી સર્જનની પ્રક્રિયા શરૂ કરવી પડે. ટ્રાયલ ઍન્ડ એરરની પ્રક્રિયા પછી એક માળખું તૈયાર થાય. એને કસોટીએ ચડાવવામાં આવે ત્યારે ખબર પડે કે બીજમાંથી વૃક્ષ બન્યું છે કે નહીં. ચિન્મય શાસ્ત્રી વિપ્લવ એની પાછળનો તર્ક સમજાવે છે...

ઘણા સફળ પ્રયોગ થાય છે મિલનની ચાહમાં
બધાં જ તારણોમાં આગવું ગણિત હોય છે

વડા પ્રધાને મિશન શક્તિની જાહેરાત કરી પછી રૂટીન પ્રમાણે વિરોધ પક્ષે તેમના ઉપર માછલાં ધોયાં કે આમાં મોદીએ શું કર્યું? ને વળી ચૂંટણી નજીક છે ત્યારે આ બધા ઉધામા શું કામ? મહાગઠબંધનના નેતાઓ દ્વારા ઉગ્ર આક્ષેપોની આતશબાજી વચ્ચે નરેન્દ્ર મોદી શું વિચારતા હશે એનો અણસાર ગુલામ અબ્બાસ નાશાદ પાસેથી મળે છે...

આંખોમાં સૌની ખટકું છું, ના ગમતું સત્ય છે
બાકી ગણતરી તો હતી દિલમાં વસી જઈશ
તૂફાન આપે છે ઝઝૂમવાની મને શક્તિ
દરિયો હશે જો શાંત તો નક્કી ડુબી જઈશ

જેણે કામ કરવું છે તેણે વિરોધીઓનો સ્વીકાર રાખવો જોઈએ, પણ દરકાર રાખવાની જરૂર નથી. સંસ્થાના પૂર્વ મુખ્ય અધિકારી વી. કે. સારસ્વતે જણાવ્યું કે આ મિશનની રૂપરેખા ૨૦૧૨માં તૈયાર હતી, પણ તે વખતની સરકારે મંજૂરી આપી નહીં. સંકલ્પશક્તિનો અભાવ કૉન્ગ્રેસના શાસનકાળમાં દેશને પારાવાર નુકસાન કરી ચૂક્યો છે. જિગર જોશી પ્રેમનો શેર આ માનસિકતાને ચપોચપ બેસે છે...

અંધ આંખો, પાંગળું મન ને લથડતાં હો કદમ
તો સફળતાને ભલા કઈ રીતથી આંબી શકો

દેશને ટૂંકી દૃષ્ટિ ધરાવતો સંકોચાયેલો શાસક નહીં, દીર્ઘ દૃષ્ટિ ધરાવતો સાહસિક શાસક જોઈએ. અનિર્ણાયકતાથી પ્રશ્નોનો ઉકેલ આવતો નથી, એ વિલંબિત થાય છે. દેશના સંરક્ષણ માટે જરૂરી આવા અનેક મિશન સાકાર થાય એ જરૂરી છે. પહેલાં કાંદા-બટેટાના ભાવ કાબૂમાં રાખો, આ મિસાઇલ-બિસાઇલની આપણને જરૂર નથી એવી બાળમંદિર કક્ષાની ટિપ્પણી કરનારાઓ પ્રત્યે પારાવાર દયા ઊપજે છે. આકાશમાં ધુમાડો કર્યો એના બદલે આટલા પૈસા ગરીબો માટે વાપર્યા હોત તો સારું થાત - આવું વિચારનારે પોતાની સલાહો સવારની ચામાં ઓગાળી પોતે જ પી જવી જોઈએ. કેટલાંક કાર્યો સજ્જનોનાં સરનામાં ગોતતાં હોય છે અને કેટલાંક કાર્યો વિઝનરીનાં. મિશન શક્તિમાં જે સૅટેલાઇટે શહાદત વહોરી, એને લલિત રાણા આતશનો શેર સેલ્યુટ સાથે અર્પણ.

જિંદગીનો અંત આતશ ભવ્ય હો
દુશ્મનો પણ મોતની ઈર્ષ્યા કરે!

આ પણ વાંચો : નાટક સતત ભજવાય ભીતરે

ક્યા બાત હૈ

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી
તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી
ના, ના, દવા પહેલાં દુવાઓ માગ મા
પહેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી
આ એક પળ બાકી હતી આવી ગઈ
શું શું ન જાણે આવશે આ પળ પછી
જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી
એક શક્યતામાંથી જ ઘટનાઓ બને
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી
આ જિંદગીની રેસમાં આવ્યો છે તો
પાગલ ન રેવું પાલવે પાછળ પછી - અલ્પેશ પાગલ

columnists weekend guide