ચોટ ગોઝારી કરી લીધી

03 March, 2019 12:18 PM IST  |  | હિતેન આનંદપરા

ચોટ ગોઝારી કરી લીધી

અર્ઝ કિયા હૈ

પુલવામામાં ગુમાવેલા શહીદોનું બારમું આપણી સેનાએ લાડુ ખાઈને નહીં, આતંકવાદીઓની લાશ ઢાળીને કર્યું. પાકિસ્તાનના બાલાકોટમાં આતંકી છાવણી નેસ્તનાબૂદ કરવામાં આવી. વડા પ્રધાનની સીધી દેખરેખમાં વાયુસેનાએ આ ઑપરેશન પાર પાડ્યું. સુધીર પટેલનો શેર આ કાર્યમાં ભાગ લેનારી સમગ્ર ટીમ અને વિશેષ તો પ્લાનને અંજામ આપનાર તમામ પાઇલટ્સને અર્પણ.

ક્યાંય જોટો નહીં જડે એનો
કામ એવું કમાલ પણ કરશે!

૨૬ ફેબ્રુઆરીની સવારે આંખો ચોળીને ઊભા થયા ત્યાં તો સુરજેવાલાઓ, મનીષ તિવારીઓ, મમતા બૅનરજીઓ, અરવિંદ કેજરીવાલો, ચંદ્રબાબુઓ, ચિદમ્બરમો, રાહુલ ગાંધીઓ અને કેટલાંક વિષેલાં અખબારોના તંત્રીઓની આખી જમાત શૂન્યમનસ્ક થઈ જાય ને દેશવાસીઓની છાતી ફાટ-ફાટ થાય એવા સમાચાર આવ્યા. ૩૦૦થી વધુ આતંકવાદીઓનો સફાયો. એ સવારે અમૃત ઘાયલનો શેર પાકિસ્તાનના આકાઓના કાનમાં ગૂંજતો રહ્યો હશે...

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી

આ અજાણી આંખડી એટલે બહુ જાણીતાં વિમાન મિરાજ-૨૦૦૦. કારગિલ યુદ્ધમાં પણ આ વિમાને મોકાનાં નિશાનો પાર પાડ્યાં હતાં. રાહુલ ગાંધી ઍન્ડ કંપનીને જ્ઞાત હશે જ કે રાફેલ બનાવતી કંપની દસૉં જ આ મિરાજ વિમાન બનાવે છે. યોદ્ધો રણમેદાનમાં ઊતરે ત્યારે તેનાં હથિયારો પણ હોંશીલાં અને જોશીલાં જોઈએ. પાકિસ્તાન ખરા અર્થમાં ઊંઘતું ઝડપાયું. જીન્સમાં ઇન-બિલ્ટ જૂઠાણાંઓ હોવાને કારણે પાકિસ્તાન ક્યારેય ગુનાની અથવા તો હાનિની કબૂલાત કરતું નથી. રતિલાલ મકવાણા કહે છે એમ આપણે જૂઠાણાંની નીચે છુપાયેલું સત્ય સમજી લેવાનું રહ્યું...

કેમ આટલો બધો તનાવ સવાર-સવારમાં
હોય જો જવાબ તો બતાવ સવાર-સવારમાં
તારી વાતને તટસ્થ કારણસહ સમજાવ તું
ના ઊઠાં સહેજ પણ ભણાવ સવાર-સવારમાં

કાળમુખા થઈને ઊભેલા અઝહર મસૂદે આપેલા અનેક ઉઝરડાઓનો પ્રારંભિક જવાબ અપાયો છે. તુરાબ હમદમની પંક્તિઓ છે...

કોક દિ બોલે ચડીને છાપરે
ભેદ ક્યાં કોઈ છુપાતો હોય છે
કોઈ જડબાતોડ આપે છે જવાબ
પ્રશ્ન ક્યારેક જોખમાતો હોય છે

પાકિસ્તાનના કોઈ પણ વડા પ્રધાનની હાલત નહોર અને દાંત કાઢેલા વાઘ જેવી છે. લશ્કર અને ISI તેમના ગળે પટ્ટો બાંધીને ફેરવે. ઇચ્છે એમ નચાવે અને મોઢામાં શબ્દો ઠાંસીને ઓકાવે. પાકિસ્તાનનો વડા પ્રધાન એવો કૅપ્ટન છે જેની ડ્યુટી બારમા ખેલાડી જેવી છે. મૅચમાં હોય છતાં પૅવિલિયનમાં બેઠાં-બેઠાં પેપ્સી પીધા સિવાય બીજું કંઈ કરવાનું ન હોય. હેબતાઈ ગયેલા શાસકોનાં મોઢાં જોઈને પારુલ ખખ્ખરનો આ શેર વિશેષ સમજી શકાશે...

આ વાત પર મિજાજ ગુમાવી રહ્યા છે એ
આખર અમે જનાબથી આગળ વધી ગયા

પાકિસ્તાન હંમેશાં એવું જ વિચારતું આવ્યું છે કે ભારત કરી-કરીને બિચારું કરે શું? સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બુમરાણ મચાવે, વિશ્વના દેશોમાં પાકિસ્તાનની બદબોઈ કરે, આકરાં વેણ ઉચ્ચારે, મુંહતોડ જવાબની ધમકી આપે. આવાં વૈવિધ્યસભર રુસણાં લે, પણ ઍક્શન ન લે. આવી છાપ સર્જિકલ સ્ટ્રાઇક અને બાલાકોટ પરના હવાઈ હુમલાને કારણે તૂટી છે. અશોક જાની આનંદની પંક્તિઓ પ્રમાણે પ્રજાનો પડઘો મોદી સરકારના નિર્ણયમાં સંભળાયો...

હજુ પણ હાંફવાનું, થાકવાનું ને વળી
દિશાઓ લક્ષ્યની ટાળ્યા કરીશું ક્યાં સુધી?
બધા રસ્તાઓ આખર જાય છે બસ ત્યાં જ, ને
એ મંજિલની દિશા ભાળ્યા કરીશું ક્યાં સુધી?

છોકરો પસંદ કરવામાં છોકરી નખરાં કર્યા જ કરે અને સારામાં સારી તક હાથમાંથી સરી જાય એવું અગાઉના સમયમાં થઈ ચૂક્યું છે. ૨૬/૧૧ના હુમલા પછી વાયુસેનાએ પાકિસ્તાન પર હુમલો કરવા ઍક્શન-પ્લાન રજૂ કર્યો. ઍર ચીફ માર્શલ કાગડોળે વડા પ્રધાન મનમોહન સિંહની મંજૂરી ઝંખતા રહ્યા. એક મહિનો વીતી ગયો છતાં સરકારે કોઈ નિર્ણય ન લેતાં ઍર-સ્ટ્રાઇકના પ્લાનનું પડીકું વાળવું પડ્યું. થોડાંક આક્રમક બયાનો અને થોડાક આક્રોશને બરકરાર રાખીને આપણે જૈસે થેની સ્થિતિમાં આવી ગયા. આક્રોશનું રૂપાંતર આક્રમણમાં ન થયું, આંસુમાં જરૂર થયું. ઍર માર્શલની લાચારી પ્રવીણ શાહના શેરમાં વર્તી શકાશે...

રાખીએ જો જવાબની આશા
એક સામો સવાલ આવે છે

અનિર્ણાયકતા એ ભારતનો શાસકીય રોગ રહ્યો છે. નેતાઓ પોતાની જાતને નિષ્ણાતોની ઉપર માને એ દેશ માટે નુકસાનકારક છે. ન્યુ ઇન્ડિયા ધીરે-ધીરે આ બંધિયાર માનસિકતામાંથી છૂટવા મથી રહ્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં હુમલો થયો એના બીજા જ દિવસે ઍર ચીફ માર્શલ બિરેન્દ્રસિંહ ધનોઆએ હવાઈ હુમલા માટેનો પ્રસ્તાવ મૂક્યો જેને સરકારે સત્વર મંજૂરી પણ આપી. પ્રસ્તાવનું પડીકું ન થયું એટલે પરિણામ આપણને ૨૬ ફેબ્રુઆરીએ દેખાયું. જિજ્ઞા ત્રિવેદી કહે છે એવી બ્લન્ટનેસ હાલની કેન્દ્ર સરકારના મિજાજમાં જણાય છે...

કંટકોને રોકડું પરખાવવામાં
ફૂલ થઈ જાશે હવે હાજરજવાબી!

આપણે પારકા કંટકો ઉપરાંત પોતીકા કંટકો સાથે પણ બાથ ભીડવાની છે. ટીવી પરની ડિબેટમાં કૉન્ગ્રેસના ચરણ સિંહ સપરાએ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે સરકાર પગલાં લઈને પછી વિરોધ પક્ષને માત્ર ઇન્ફોર્મ કરે છે, ખરેખર સરકારે પહેલાં તમામ વિપક્ષો પાસેથી સલાહ લેવી જોઈએ. એનો જવાબ આપતાં સેનાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારીએ ચટ્ટચોખ્ખું પરખાવી દીધું કે તમારી આ સલાહ પાકિસ્તાનને જઈને આપો. છાતીમાં દેશદાઝનો દાવાનળ ભભૂકતો હોય એવા સુરક્ષાકર્મીના જઝ્બાને જોઈએ તો લાગે કે માટીપગા રાજકારણીઓ તેમનાં જૂતાં થવાને પણ લાયક નથી.

ઘા કરવા માટે ઘા સહન કરવાની તૈયારી રાખવી પડે. સાપને મારવા ડંખ ઝેલવાની સાહસિકતા દાખવવી પડે. વેદના વગર તો બાળકેય નથી જન્મતું. આતંકીઓ વિશે કોઈ શુભકામના સ્વપ્નમાં પણ ન કરી શકાય. છતાં રાકેશ રાઠોડ મિત્ર કહે છે એવી કોઈ સજા દાનવોના દિલમાં દૈવી તત્વ પ્રગટાવે એવી આશા રાખીએ.

જેહાદ નામે શું કર્યું જે જાણતા નથી
બીજા જનમમાં એને ફરિશ્તા બનાવજો

આ પણ વાંચો : અમે હાલ્યા અનંતની સવારીએ

ક્યા બાત હૈ

સાહેબે સાફ કરી નાખ્યા
જૂમલા ને જૂઠ અને જપ્પીના
સાહેબે પળમાં હિસાબ કરી નાખ્યા
સાહેબે સાફ કરી નાખ્યા
ચાવાળા પામ્યા છે સહુકોઈની ચાહ
એની પાછળ છે માની આશિષ
રખવાળા જેને છે ભારત માતાના
એને પાડવાની કરતા કોશિશ
સાચું છે કોણ અને ખોટું છે કોણ
દૂર સહુના નકાબ કરી નાખ્યા
સાહેબે સાફ કરી નાખ્યા
છપ્પનની છાતીનું કાઢવાને માપ
લઈ નીકળ્યાતા પોતાનો ગજ
બકરાંનાં બેં બેંની સામે ન જુએ એમ
સાવજ છે એ તો સાવજ
મોઢામાં આંગળાંઓ નાખી બોલાવ્યા તો
ખાનાખરાબ કરી નાખ્યા
સાહેબે સાફ કરી નાખ્યા

- તુષાર શુક્લ

columnists