દ્વાર હવે બંધ ના કરો

17 February, 2019 12:29 PM IST  |  | હિતેન આનંદપરા

દ્વાર હવે બંધ ના કરો

અર્ઝ કિયા હૈ

જન્મ અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ છે. મુંબઈના શાયર, સંગીત સમીક્ષક, સંચાલક લલિત વર્માનું નિધન થયું. અંત:કરણપૂર્વક શ્રદ્ધાસુમન પાઠવી તેમના શેરથી મહેફિલનો પ્રારંભ કરીએ.

મુસાફર માનવી આવે જગતની ધર્મશાળામાં
વિસામો છે ક્ષણિક કાયમ ઉતારા થઈ નથી શકતા

જે ઊઘડે છે એ બંધ થાય છે. ગની દહીંવાળાએ લખેલું : કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાયે અગન સુધી. પ્રત્યેક આરંભને એક અંત હોવાનો. ખુદ ઈશ્વર પણ અવતાર લે તો તેણે પણ વિદાય તો થવું જ પડે. એકવીસમી સદીની વાત કરીએ તો તબીબી વિજ્ઞાનના સામર્થ્યને કારણે શ્વાસના અંતને લંબાવી શકાય, ટાળી ન શકાય. જ્યારે મૃત્યુ સમય કરતાં વહેલું આવે ત્યારે ચિનુ મોદી કહે છે એવી તક ઈશ્વર બધાને આપે...

હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી
આ ફરી પાછો ફર્યો હુંકાર લે

જેઓ મોતના મુખમાંથી પાછા આવે તેમની જિંદગી પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય. જે નાની- નાની વાતોમાં રાઈનો પહાડ કરતા હોઈએ એ ક્ષુલ્લક લાગવા માંડે. કેટલીક વાર અનુભવ કે આઘાત સમજણને કિનારે લઈ આવવામાં સહાયભૂત થાય છે.

જે વાહિયાત વાતોને બિલોરી કાચથી આપણે એન્લાર્જ કરતા હોઈએ એ હવે નરી આંખે પણ જોવાનું મન ન થાય. બારી પાસે ચાનો કપ લઈ આકાશને જોવાનો ખરો અર્થ ત્યારે ઊભરી આવે. ઊડતા પંખીને જોઈને થાય કે અંતે તો ટહુકાનો ધર્મ જ સાચો છે. આપણા તરફથી વિશ્વમાં નાનોસરખો પણ ઉમેરો થવો જોઈએ તો શ્વાસોની સફર લેખે લાગે. બહારના દરવાજા બંધ કર્યા પછી અંતરની આંખ ખૂલે તો ફિલિપ ક્લાર્ક કહે છે એવું તારણ હાથ લાગે...

બંધ બારી બારણે બેઠા હતા
કે અનોખા તારણે બેઠા હતા
ના કદી જેનું નિવારણ થૈ શક્યું
એક એવા કારણે બેઠા હતા

બેસવાનું હોય કે ચાલવાનું, એક ગતિ તો એમાં હોય જ છે. પગ વાળીને બેઠા હોઈએ છતાં મન માઇલોના માઇલો દૂર લટાર મારી આવે. સ્થિર થવાની ઘટના આપણને સમૃદ્ધ કરે છે, સ્થગિત થવાથી બંધિયાર થઈ જવાય. વ્હીલચૅર પર હોવા છતાં વૈજ્ઞાનિક સ્ટીફન હૉકિંગ્સે સતત પોતાની થિયરીઓ રચી. તેઓ વ્હીલચૅરના બંધિયારપણાને અતિક્રમીને બ્રહ્માંડ સુધી વિસ્તરતા રહ્યા. શારીરિક લાચારી હોવા છતાં તેમનો માનસિક પ્રવાસ ક્યારેય અટક્યો નહીં. તેમના જીવનને જોતાં સુધીર દત્તાની પંક્તિઓ બરાબર બંધબેસતી લાગે...

ખાલીપાથી ખખડેલો છું
હું બંધ મકાનનો ડેલો છું
સાવ અનોખી વાત લઈને
હુંય લાઇનમાં ઊભેલો છું

અહીં દરેક જણ કોઈક ને કોઈક લાઇનમાં ઊભું છે. રૅશનની લાઇન તો હજી પણ ગરીબ પરિવારની ઓળખ સમાન લાગે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લાખો લોકો માટે પ્રાત:ક્રિયા માટેની લાઇન જોઈ-જોઈને ઊગતો સૂરજ પણ બેચેની અનુભવે. નોટબંધી વખતે બૅન્કમાં લાગેલી લાઇનને લઈને વિરોધ પક્ષોને પોતાની લાઇન મોટી કરવાની તક મળી ગયેલી. ઑનલાઇન બુકિંગની વ્યવસ્થા થવાથી રેલવેના કાઉન્ટર પર હવે ટિકિટ-બુકિંગની લાઇન ઓછી થઈ રહી છે. લોકસભાની ચૂંટણી દ્વાર પર દસ્તક દઈ રહી છે. મતદાતાઓની લાંબેલાંબી લાઇન લાગે અને વિચારવંત મત પડે એવી સ્થિતિ દેશના ભવિષ્ય માટે ઉપકારક છે. એમાં કંટાળો કરીશું તો કાંટાળા અનુભવની તૈયારી રાખવી પડશે. આખા દેશના ખેડૂતોની લોન માફ કરવા ઉપરાંત લઘુતમ આવક બાંહેધરીની શેખી મારનાર રાહુલ ગાંધીને દક્ષેશ કૉન્ટ્રૅક્ટર ‘ચાતક’ની વાસ્તવિકતા મુબારક...

ભૂલી જઈશ, આપતાં આપી દીધું વચન
મારાથી એ પળાય, હવે શક્યતા નથી
તું આંખ બંધ રાખવા કોશિશ કરી શકે
સપનું થઈ છળાય, હવે શક્યતા નથી

રાફેલના મામલામાં સુપ્રીમ કોર્ટ અને કૅગના અહેવાલ પછી પણ રાહુલ ગાંધી જૂઠાણાંની ઝોળી તજવા તૈયાર નથી. નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ક્ષમતા લઈને તેમને દેશનું નવનિર્માણ કરવું છે. વેતા વિનાના નેતાઓને જો આપણે ચૂંટીશું તો ખત્તા ખાવાનો જ વારો આવશે. ચોક્કસ જગ્યાએ લાત મારીને દેશનિકાલ કરવા જોઈએ એવા ઘણા નેતાઓ આપણા માથે પડ્યા છે એની પારાવાર પીડા છે. દેશપ્રેમની જગ્યા લેવા જ્યારે દંભ અને સ્વાર્થ પડાપડી કરતાં હોય ત્યારે ચેતી જવું સારું. ‘જટિલ’ કહે છે એવી તટસ્થતા કેળવવી રહી...

આ કોઈ બીડે આંખડી, કો દ્વાર બંધ કરી રહ્યા
શું આટલો છું તેજ કે જીરવી શકાતો હું નથી
ઇન્સાનિયતના રંગ પર સંમુગ્ધ થઈ બેઠો ‘જટિલ’
કે કોઈ દંભી રંગમાં રંગાઈ જાતો હું નથી

આ પણ વાંચો : એક સસલીએ પાડી કાં ચીસ?

ક્યા બાત હૈ

ઊઘડી ગયેલાં દ્વાર હવે બંધ ના કરો
ખુલ્લો છે આવકાર હવે બંધ ના કરો

એ અસ્ખલિત છોને વહે હાસ્યના રૂપે
આ અશ્રુનો પ્રકાર હવે બંધ ના કરો

તાજી નવી હવાને જરા આવકાર દો
આવે છે જો વિચાર, હવે બંધ ના કરો

નખલી નહીં જણાય છતાં તાર રણઝણે
બાજે અજબ સિતાર, હવે બંધ ના કરો

આકાર આપોઆપ ભૂંસાતા જશે પછી
સાકાર, નિરાકાર, હવે બંધ ના કરો

નફરત નિવારવાનો ફક્ત એક છે ઉપાય
ઉમડે છે ખૂબ પ્યાર, હવે બંધ ના કરો

વિણ જાપ જાપ જપતું રહે છે મન આ રાત દિન
અકસીર સારવાર હવે બંધ ના કરો

અસ્તિત્વ તાર તાર થતું જાય છે લલિત
બજતો છો એકતાર, હવે બંધ ના કરો - લલિત વર્મા (કાવ્યસંગ્રહ : ષડજ)

weekend guide columnists