Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એક સસલીએ પાડી કાં ચીસ?

એક સસલીએ પાડી કાં ચીસ?

10 February, 2019 03:04 PM IST |
હિતેન આનંદપરા

એક સસલીએ પાડી કાં ચીસ?

એક સસલીએ પાડી કાં ચીસ?


અર્ઝ કિયા હૈ

પીંખાવું, ચૂંથાવું, હેબતાવું, કંતાવું, વઢાવું - આ શબ્દો શબ્દકોશના અતિશય ઘાતક શબ્દો છે. એમાં વિષ ત્યારે ઉમેરાય જ્યારે શિકાર કોઈ કુમળી કળી બને. બળાત્કારના કિસ્સાઓ બેલગામ વધી રહ્યા છે. વસ્તીની સાથે વાત્સલ્ય વધવાને બદલે વાસના વધતી જાય છે. કુદરતે સંસારચક્ર ચલાવવા માટે જે તત્વ મૂક્યું છે એ શેતાન બનીને ફેણ ઉપાડી રહ્યું છે. રીનલ પટેલ કહે છે એ તથ્ય સમાજનું વરવું સત્ય બની ચૂક્યું છે...



થઈ નશામાં ચૂર બદલાયો અને


માનવી પણ ક્યાં રહ્યો છે માનવી

આગ બુઝાવવા માટે હવે તો અવસ્થા પણ નથી જોવાતી. કુમળી વયની બાળકીને પીંખતા નરાધમોને બૉબિટવાળી કરવી પડે એ દિવસો આવી ગયા છે. ચટ મંગની, પટ બ્યાહની જેમ ચટ અપરાધ, પટ સજા ફરમાવવામાં આવે એવી ન્યાયપ્રણાલીની તાતી જરૂર છે. કાયદાનો ડર જ્યાં સુધી વાસ્તવિકતામાં અનુભવાય નહીં ત્યાં સુધી એ કાગળના સિંહથી વિશેષ કંઈ નથી. અત્યાચારની એ ક્ષણોમાં નર્કની યાતના અનુભવાતી હશે. પરશુરામ ચૌહાણ કડવી ક્ષણોની લાચારી નિરૂપે છે...


પૂછો નહીં મને શું કયામતમાં થાય છે?

લેવા ગયો જો શ્વાસ હવા પણ મળી નહીં

કરતો રહ્યો હું કેવી વિનંતી લળી લળી

નાખી ન ચીસ ત્યાં લગી તે પણ સુણી નહીં

કેટલીક ચીસ ક્યાંય સંભળાતી નથી ને ક્યાંય છપાતી નથી. ચાર દીવાલોમાં ડૂસકાં બનીને રહી જાય. અત્યાચાર જ્યારે સ્વજનો-મિત્રો દ્વારા જ થતો હોય ત્યારે સંબંધનું રૂપાંતર સણકામાં થઈ જાય. ચૉકલેટની લાલચ આપીને થતાં દુષ્કૃત્યો ભોળપણનો ગેરલાભ ઉઠાવે છે. મિલિંદ ગઢવી છાનાછપના થતા ગુનાઓ પ્રત્યે સંકેત કરે છે...

ચાંદની ચીસો નીચે દાબી દઈ

રાતને સંદિગ્ધ નોંધાવી તમે

છાની રાખી, હાથ ઝાલી ને પછી

રાતને ઘરમાંય બોલાવી તમે

ધાકધમકી આપીને વારંવાર ગુનો આચરવાનું સૌભાગ્ય ભોગવતા ગુનેગારો પીડિતાને દુર્ભાગ્યની ભેટ આપે છે. ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ યઝદી પુરુષોને મારી નાખ્યા અને યઝદી સ્ત્રીઓને સેક્સ-સ્લેવ બનાવી દીધી. નાદિયા મુરાદ ઇસ્લામિક સ્ટેટના સકંજામાં ફસાઈ અને તેના ઉપર જે અત્યાચારો થયા એની આપવીતી આલેખતું પુસ્તક ‘ધ લાસ્ટ ગર્લ’ ઇન્સાનિયત પરની આપણી શ્રદ્ધા હચમચાવી નાખે છે. વસ્તુની જેમ વાપરવાની વૃત્તિ ખોફનાક છે. ગની દહીંવાળા જે તરસનો નિર્દેશ કરે છે એ વકરીને વિષમયી થઈ ગઈ છે...

ખીલ્યું હો બારમાસી અજંપાનું ફૂલ જ્યાં

ત્યાં મૂંઝવણની વેલ તો વાવ્યા વિનાય થાય

પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ

મડદાં તરસના જીવ લઈ દોડતાંય થાય

તનની તાલાવેલી શમાવી જીવ લઈ લેતાં પણ અપરાધીઓ અચકાતા નથી. નિર્ભયાનાં નામ બદલાતાં જાય છે, નિર્ભયાનું ભાગ્ય બદલાતું નથી.

કઠુઆમાં જેને બેરહેમથી પીંખી રહેંસી નાખવામાં આવી તે બાળકીની ઉંમર માત્ર ૮ વર્ષ હતી. સુરતમાં ૧૧ વર્ષની બાળકી સાથે વરવું કૃત્ય થયું. મણિપુરના કેસમાં ૧૧ વર્ષની બાળકીને દુષ્કૃત્ય કર્યા પછી સળગાવી દેવામાં આવી. ઇન્દોરમાં માત્ર ૪ મહિનાની બેબી સાથે... લખતાં પણ આંગળીમાં ધ્રુજારી વ્યાપી જાય છે.

રાક્ષસોનાં વર્ણન આપણે રામાયણ-મહાભારતમાં વાંચ્યાં છે, પણ આજકાલના રાક્ષસોને શિંગડાં નથી હોતાં. એક તરફ સતત તરક્કી કરી રહેલો દેશ બીજી તરફ ખાઈમાં ઊતરી રહ્યો હોય એવી પીડા આ કિસ્સાઓથી થાય. પારુલ ખખ્ખરની પંક્તિમાં પડઘાતી વેદના તો જેના પર વીતી હોય એ જ સમજી શકે...

બધી અકબંધ પીડાઓ કરે ચિત્કાર વરસોથી

ત્વચાની છેક અંદર દૂઝતા સૌ ઘાવ બાકી છે

સમય નામનો મલમ પ્રત્યેક ઘા પર અસરકારક નથી થતો. ચામડી પર જખમ થયો હોય તો દેખાય, જે તિરાડ ભીતરમાં પડી હોય એને સાંધવી સહેલી નથી. દુર્ઘટના પછીનાં વરસોમાં એક નૂકીલી સોય સતત ભોંકાતી જ રહે. ની-રિપ્લેસમેન્ટની જેમ હેબતાયેલી પીડાને રિપ્લેસ કરી શકાતી નથી. પુરુરાજ જોષી લખે છે...

પારધીના એક શરથી થઈ ગયું ઘાયલ વિહગ

ચીસથી જોકે યુગો લગ, આભ આખું થરથર્યું

બાળકના અધિકાર માટે કાર્યરત સંસ્થા ક્રાયના અહેવાલ પ્રમાણે દર ૧૫ મિનિટે ભારતમાં ચાઇલ્ડ અબ્યુઝના કિસ્સાઓ બને છે. છેલ્લાં દસ વર્ષમાં એમાં ૫૦૦ ટકાનો વધારો થયો છે. આ વધારો ખતરનાક છે. રાકેશ હાંસલિયાની વાત વેદના સાથે ગળે ઉતારવી પડે...

ચીસ સાંભળતા નથી એવું નથી

પણ હવે લોકો જ ખળભળતા નથી

સર્કિટ-બ્રેકર

એક સસલી

એક સસલીએ પાડી કાં ચીસ?
એને સમજાતું કે અમથું આ અંકલજી
આપે છે કૅડબરી-કિસ
એને તો સપનાંમાં આવે પતંગિયાં
ને ચૉકલેટી વૃક્ષોનાં ગાડાં
ગુડિયાની કુંવારી આંખો મૂંઝાતી
જ્યાં માણસને જોયા ઉઘાડા
પીળી ને પચરક પીડાએ જ્યાં ઓળંગ્યું
આભ, ચડ્યા ડૂસકે સીમાડા
મંદિરના, મસ્જિદના, દેવળના, દેરાંના
સળગ્યાં ના એકે રૂંવાડાં?
ભાઈ જે પહેરે છે એવા ખમીસમાં
સંતાયો હોય છે ખવીસ!

આ પણ વાંચો : આપવાની વાત છે

રંગોની ઓળખ તો કીકીમાં કાચી
ત્યાં લાલઘૂમ પથરાયો પાકો
ડોરેમોન, નોબિતા થથરીને કહેતા :
આ પરીઓને પાલવથી ઢાંકો
દુષ્કર્મ વાંચીને ફાટી ગ્યા દરિયા
એ જળમાં લ્યો કઈ પાથી ટાંકો
પાળિયા બતાવીને મૂછોને વળ દેતા
ઈશ્વરનો ઊતરી ગ્યો ફાંકો
કાન, હવે ધારો અવતાર, અહીં રોજ
જુઓ પાંચાલી પૂરી પચીસ - રક્ષા શુક્લ (કાવ્યસંગ્રહ : આલ્લે લે...!)

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2019 03:04 PM IST | | હિતેન આનંદપરા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK