નાટક સતત ભજવાય ભીતરે

24 March, 2019 01:46 PM IST  |  | હિતેન આનંદપરા

નાટક સતત ભજવાય ભીતરે

અર્ઝ કિયા હૈ

વિશ્વ રંગભૂમિ દિવસ દ્વાર પર દસ્તક દઈ રહ્યો છે. ૨૭ માર્ચે વિશ્વભરમાં ઊજવાતા આ દિવસની શરૂઆત ૧૯૬૧માં થઈ હતી. શાસ્ત્રીય રીતે નાટક કાવ્યનું જ એક સ્વરૂપ ગણાય, પણ એ કવિતા કરતાં હજારગણું વ્યાપક પુરવાર થયું છે.

એક કવિસંમેલન કરીએ તો સો-દોઢસો પ્રેક્ષકો મેળવવા પણ પારાવાર પુરુષાર્થ કરવો પડે, એ પણ નિ:શુલ્ક પ્રવેશ સાથે. બીજી તરફ વ્યાવસાયિક નાટકના પચાસથી લઈને બસ્સો શો સહેજે થાય છે. સાહિત્યના દરેક ફૉર્મેટની પોતાની શક્તિ છે. નાટક એક એવી બળૂકી કળા છે જે લોકો સુધી પહોંચવામાં પાવરધી છે. સંજુ વાળાના શેરથી મહેફિલનું આંગિકમ કરીએ...

અંધાર ને અજવાસની વચ્ચે ઊભા છીએ
હળવી રીતે હળવાશની વચ્ચે ઊભા છીએ
છે રંગમંચ સાંપડ્યો શ્રદ્ધાના વેશનો
અડવા પગે અવકાશની વચ્ચે ઊભા છીએ

શાસ્ત્રમાં કાવ્યના બે પ્રકાર ગણાવાયા છે: શ્રાવ્ય અને દૃશ્ય. એમાં દૃશ્ય કાવ્યને નાટક મનાયું છે. અãગ્નપુરાણમાં દૃશ્ય કાવ્યના ૨૭ ભેદ દર્શાવવામાં આવ્યા છે. નાટક, પ્રકરણ, પ્રહસન, વ્યાયોગ, અંક, નાટિકા, શિલ્પક, વિલાસિકા, પ્રસ્થાન, ગોષ્ઠી, પ્રેક્ષણ વગેરે. રામાયણ, મહાભારત, હરિવંશ વગેરે ગ્રંથોમાં નટ અને નાટકનો ઉલ્લેખ છે. હરિવંશમાં નોંધ છે કે પ્રદ્યુમ્ન, સાંબ અને અન્ય યાદવ રાજકુમારોએ રામજન્મ અને રંભાભિસાર નાટકનો ખેલ કર્યો હતો. એમાં શૂર નામનો યાદવ રાવણ બન્યો હતો અને મનોવતી રંભા બની હતી. પૌરાણિક હોય કે આધુનિક, એક શાશ્વત વાત મહેશ દાવડકરના શેરમાં વાંચવા મળે છે...

ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે
નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે
જિવાઈ રહ્યું છે ને એ જોવાઈ રહ્યું છે
અસ્તિત્વ ત્યાં બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે

પ્રાચીન સમયમાં હિંદુ રાજાઓ રંગશાળા નિર્માણ કરતા. આધુનિક સમયમાં નાટ્યપ્રવૃત્તિ સૌપ્રથમ બંગાળમાં વિકસી. ૧૮૩૫ના અરસામાં ત્યાં અવેતન રંગશાળાઓનું નિર્માણ થયું. હિંદીમાં ઇંદર સભા નાટયકૃતિ લખનઉમાં નવાબ વાજિદ અલી શાહના દરબારમાં ભજવાઈ હતી. પ્રાપ્ત નોંધ પ્રમાણે ૧૮૨૦ના અરસામાં ગુજરાતીમાં પહેલું નાટક લખાયું હતું. ૧૯૫૧ પછી ભજવણીનો દોર શરૂ થયો. રંગભૂમિના વિકાસમાં પારસીઓનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે. ડૉ. કિશોર મોદી પ્રત્યેક માણસની અંદર જીવતા નટ કે નટીની વાત છેડે છે...

પળપળ મુખેટો બદલી લવલવવાની ટેવ છે
કે સ્ટેજ છે, માણસ છું નાટકવાની ટેવ છે

નાટકોમાં એક ફાંટો લોકનાટકનો છે. આ પ્રકાર ઉત્તર ભારતમાં રામલીલા, બંગાળમાં જાત્રા, મહારાષ્ટ્રમાં તમાશા, ઉત્તર પ્રદેશમાં નૌટંકી, ગુજરાતમાં ભવાઈ, કર્ણાટકમાં યક્ષગાન, તામિલનાડુમાં થેરુબુટ્ટê અને છત્તીસગઢમાં નાચા તરીકે ઓળખાય છે.

રંગમંચની પોતાની આભા અને ગરિમા છે. પૃથ્વી થિયેટર જેવાં અનેક રંગમંદિર પૃથ્વીને જીવવા જેવી બનાવે છે. ગમે એટલો પ્રતિષ્ઠિત કલાકાર હોય, રંગદેવતાને નમન કર્યા વગર તે રંગમંચ પર પ્રવેશ કરતો નથી. કળાકારે ગ્રીન રૂમમાં પોતાના નામની ગડી વાળી તખ્તા ઉપર તો પાત્ર તરીકે જ એન્ટ્રી લેવાની હોય. માત્ર પહેરવેશ જ બદલવાનો નથી હોતો, માનસ પણ બદલવાનું હોય. બેજાન બહાદરપુરી રંગમંચને જગમંચ તરીકે જુએ છે...

મળે જે પાત્ર જગના મંચ પર દિલથી ભજવવાનું!
થયો જ્યાં ખેલ પૂરો કે તરત મહોરું ફગવવાનું!

પાત્ર ભલે નાનું હોય, પણ નિષ્ઠા નાની ન હોવી જોઈએ. આજે જેના નામના સિક્કા પડે છે એવા સ્ટાર આમિર ખાને નાટકમાં બૅક સ્ટેજ કર્યું છે. ગુજરાતીપણાને મનોરંજનના માધ્યમથી વૈãશ્વક બનાવનાર દિલીપ જોશી અને આસિત મોદીએ પણ બૅક સ્ટેજથી સફર આદરી આજે કારકર્દિીને લોકપ્રિય મુકામ સુધી પહોંચાડી છે. હિંદી ફિલ્મજગતમાં આગવી ઓળખ બનાવનાર અમરીશ પુરી, પરેશ રાવલ, ટીકુ તલસાણિયા જેવા અનેક સક્ષમ અભિનેતાઓ રંગભૂમિની દેન છે. રંગભૂમિ પર પોતાનો સિક્કો જમાવનાર એક પાત્ર તમને યાદ છે? સુરેશ પરમાર સૂરનો શેર એને ગરિમા સાથે નિરૂપે છે...

મંચ પર રંગલાએ પુકારી છડી
મૃત કિરદારમાં જીવ આવી ગયો

કળાકારે પોતાના ભાગે આવેલા પાત્રને જીવંત કરવાનું હોય. એનું ખોળિયું પાત્રથી અલગ ન હોવું જોઈએ. એટલું એકાકાર થઈ જાય કે પ્રેક્ષકોને કોઈ ભેદ ન વર્તાય. જયંતી પટેલ રંગલો આપણી રંગભૂમિનું એક ઝળહળતું નામ છે. આજે ૯૫ વર્ષની વયે તેમનો શ્વાસ ધબકે છે એનો આનંદ છે. વરસો પહેલાં તેમણે લખેલું એક નાટક ‘મારા અસત્યના પ્રયોગો’ આજે પ્રાયોગિક ધોરણે ભજવાઈ રહ્યું છે. બ્રિજેશ પંચાલ મધુરની પંક્તિ કળાકારની લાગણી બયાં કરે છે...

રોજ દિગ્દર્શક કને અભિનય શીખી લીધા પછી
હું કરું નક્કી શું મારે ખોલવું; તખતા ઉપર!
બ્લૅક આઉટ જેને જોયું કહે છે એ અઘરું હશે
ઘોર અંધારાંમાં સીધું દોડવું; તખતા ઉપર!

નાટકનો અંક જાણે જીવનનો અંક હોય એવું જ લાગે. તેના દૃશ્યો એટલે જીવનમાં આવતા વિવિધ સંજોગો. પરિવાર અને મિત્રો એટલે આપણા સાથી કળાકારો. વિરોધીઓ, દુશ્મનો કે વિલન જેવી પરિસ્થિતિ સંઘર્ષ સર્જવાનું કામ કરે.

જિંદગીની વાર્તાના ટ્વિસ્ટ અને ટર્ન ક્યારેક નાટક કરતાં પણ વધારે ધારદાર હોય. એની સ્ક્રિપ્ટ નિયતિ લખે છે અને દિગ્દર્શન કોઈ અજાણ્યું અસ્તિત્વ કરતું હોય. વિરામનો નહીં, પણ વેદનાનો બ્લૅક આઉટ ક્યારેક એટલો લંબાઈ જાય કે જિંદગી નેક્સ્ટ સીન ભજવતાં પહેલાં જ હાંફી ગઈ હોય. પ્રયોગ પત્યા પછી પડદો પડે છતાં નાટકના આગામી પ્રયોગોમાં આ પડદો ખૂલતો હોય છે. જિંદગીમાં એવું થતું હશે? કેટલીક વાર લાગે કે પ્રત્યેક જિંદગી એક પ્રયોગ છે અને એમાં લખચોર્યાસી પાત્રો દરેકે ભજવવાનાં છે. મોહસીન મીર સ્પર્શના શેરથી આજની કટારને વિરામ આપીએ.

અંત છે, મુકામ છે, પ્રારબ્ધ કે પરિણામ છે
મોત બીજું કૈં નહિ નાટક ઉપર પડદો થયો

આ પણ વાંચો : આંગણે આવીને ચકલી ગાય છે

ક્યા બાત હૈ

કર પ્રથમ ચારે તરફ અંધાર પ્રેક્ષાગારમાં
પાત્ર સાથે જોડ તારો તાર પ્રેક્ષાગારમાં

બેઠકોની જેમ તું નિર્લેપ રહી શકશે નહીં
માર સિસોટી ને કર ચિત્કાર પ્રેક્ષાગારમાં

જે નથી તે છે અને જે હોય હોવાનું નથી
ખૂલશે છાના બધા આગાર પ્રેક્ષાગારમાં

કાલ જે રાજા બન્યો તે આજ ચોકીદાર છે!
તું ઉતારી નાખ તારો ભાર પ્રેક્ષાગારમાં

રણ નથી, મેદાન છે ના, યુદ્ધ તોયે થાય છે!
રથ અને હાથી અને તોખાર પ્રેક્ષાગારમાં

પાત્ર સાથે તું તને જોડી શકે તો જો મજા
તું તને ભાળીશ તારી બ્હાર પ્રેક્ષાગારમાં

રોલ ભજવાયા પછી વાઘા તજી દેવા પડે
જિંદગીનો આવશે અણસાર પ્રેક્ષાગારમાં - વિજય રાજ્યગુરુ (કાવ્યસંગ્રહ: દુર્ગ ઊભો છે હજી)

columnists weekend guide