કૉલમ : ઈવીએમની ઇટ્ટાકિટ્ટા

26 May, 2019 01:00 PM IST  |  | અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કૉલમ : ઈવીએમની ઇટ્ટાકિટ્ટા

અર્ઝ કિયા હૈ

દોષનો ટોપલો નાખવા માટે દરેકને કોઈ ને કોઈ તો જોઈએ. કોઈ વાર એ અન્ય વ્યક્તિ હોય તો કોઈ વાર સંજોગો હોય, કોઈ વાર નિયતિ હોય તો કોઈ વાર ઈશ્વર પણ હોય. ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે ત્યારે હારનાર રાજકારણીઓ માટે શતપ્રતિશત એ ઈવીએમ જ હશે. ઈવીએમ બિચારું બાપડું કામઢી વહુની જેમ પોતાનું કામ ચૂપચાપ કર્યા કરે તોય એની કદર થતી નથી. એને જરૂર અફસોસ થતો હશે કે સાદા ટીવીમાંથી એલસીડી ટીવી થયા, ફોનના કાળા ડબલામાંથી સ્લીક સ્માર્ટફોન થયા, ટ્રેનના ખખડધજ ડબ્બામાંથી હમસફર કે તેજસ ટ્રેન સુધીની કાયાપલટ થઈ, ઍમ્બેસેડરમાંથી આજે મર્સિડીઝમાં દેશ મહાલતો થઈ ગયો તો બેલેટ પેપરમાંથી ઈવીએમ સુધી પહોંચવામાં ગુનો શું થઈ થયો? નીરવ વ્યાસના શેર સાથે આજની મહેફિલ ઈવીએમ મશીનને પૂરા માનાર્થે અર્પણ કરીએ.

હુંય તહોમતની વાટ જોઉં છું
થઈ રહી છે તપાસ, અરસાથી

એકાદ વરસ પહેલાં જ ચૂંટણીપંચે ઈવીએમ હેક કરી બતાવવાનો ખુલ્લો પડકાર રાજકીય પક્ષોને ફેંક્યો. હવામાં ગોળીબાર કરતા રાજકીય પક્ષોમાંથી કોઈએ આ ચૅલેન્જ સ્વીકારી નહીં. કારણ? કારણ એમને ખબર હતી કે તેઓ પોતાના આક્ષેપો પુરવાર નહીં કરી શકે. આત્મવિશ્વાસ ઓછો અને આક્રોશ વધારે હોય એવું સહેજે જણાઈ આવ્યું. લક્ષ્મી ડોબરિયા બે ટકાના રાજકારણીઓની ત્રણ ટકાની ઓકાત ચાર પંક્તિમાં સુપેરે આવરી લે છે...

આ દાખલા, દલીલ કશા કામનાં નથી
વધવાના મોહમાં તમે ઓછા થતા રહ્યા
અંતર જરૂરી હોય છે-ના ગીત ગાઈને
સૌ જાત એકમેકથી સંતાડતા રહ્યા

હારનાં મુખ્ય કારણો છતાં ન થાય એ માટે ઈવીએમને દોષી બનાવાય છે. ઈવીએમની આંતરિક રચના તો કોઈ કુશળ એન્જિનિયર સમજી શકે, પણ એક દેશવાસી તરીકે આ યંત્રણાની કેટલીક હકીકત પ્રત્યે આપણને આદર જરૂર થાય.

ચૂંટણીના પહેલા તબક્કાથી મતગણતરી સુધી ઈવીએમ મશીન સ્ટ્રૉન્ગ રૂમમાં રાખવામાં આવે છે. તેની આવનજાવનની પ્રત્યેક પ્રક્રિયામાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓને ડાબલા ચડાવીને નજર રાખવાની છૂટ હોય છે. ઈવીએમ લાવવા-લઈ જવા માટે કન્ટેનર ટ્રક અથવા બધી બાજુથી બંધ હોય એવાં વાહનોનો જ ઉપયોગ થાય છે. આ વાહનો ઉપર તાળું લગાવવામાં આવે અને પેપર સીલ પણ મુકાય. ઈવીએમની આવનજાવનની વિડિયોગ્રાફી થાય અને વાહનનું લોકેશન જીપીએસ દ્વારા ચેક કરવામાં આવે. બાળકની આસપાસ મા ઊભી હોય એમ ઈવીએમ મશીન પાસે સુરક્ષા કર્મીઓ તૈનાત રહે. છતાં રમેશ પારેખ કહે છે એવી પરોક્ષ પ્રશંસા તો ઈવીએમના નસીબમાં ક્યાંય દેખાતી નથી.

સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જા‍ઈ ગઈ
તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું
તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું

ભલભલા રાજકારણીઓનું ભાવિ આ મશીનમાં કેદ થતું હોય છે. એટલે એની પૂરતી દરકાર લેવી જ પડે. મશીન જે વેરહાઉસમાં રખાય છે તેને ઉઘાડવા-બંધ કરવા વિશેની માહિતી રાજકીય પક્ષોને આપવામાં આવે છે, જેથી તેઓ પ્રત્યક્ષ હાજર રહી નિગરાણી રાખી શકે. જે સ્ટ્રૉન્ગ રૂમમાં ઈવીએમ રખાય છે ત્યાં પણ પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહીને બધું સમુંસૂતરું છે કે નહીં તે ચકાસી શકે. એટલું જ નહીં, પોતાનું સીલ પણ લગાવી શકે. ઈવીએમ મશીન એમની હાજરીમાં ખોલાય છે. મતગણતરી અને વીવીપેટ સ્લિપની સરખામણીની પ્રક્રિયા વિવિધ પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંપન્ન થાય છે. હવે આટલું ઉઘાડું તો કોણ થાય? પરશુરામ ચૌહાણ તકેદારીના તાણાવાણા ઉકેલે છે...

નજીવી વાતમાં નાહક હું અફવામાં રહ્યો
જરા બે-ચાર દી અમથો હું પડદામાં રહ્યો
રહસ્યો તો રહ્યાં અકબંધ સરવાળે બધાં
જીવનભર હું કદી શ્રદ્ધા, તો શંકામાં રહ્યો

મજાની વાત એ છે કે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ ને રાજસ્થાનની વિધાનસભામાં જીત મેળવનાર કૉંગ્રેસને એ વખતે ઈવીએમમાં કોઈ દોષ દેખાયો નહીં. બીજી તરફ એક્ઝિટ પોલમાં હારના ભણકારા વાગતાં જ મશીન ઉપર આગોતરા આક્ષેપો શરૂ થઈ ગયા. વઢકણી સાસુને વઢવા માટે વહુ તો જોઈએ ને. જો ગૂગલ ટૉકની કોઈ જાદુગરી મારફતે ઈવીએમના આત્માનો અવાજ સાંભળવામાં આવે તો નિ:સંકોચ તે પોતાની અવહેલના બદલ સુપ્રીમ કોર્ટમાં કેસ કરી દે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના માધ્યમથી જો મશીનમાં સ્વમાન ઇન્સર્ટ કરવામાં આવે તો એ બીજી જ ક્ષણે એ આપઘાત કરી લે. પોતાના ઉપર થયેલી શંકાઓ સાંભળી ભીતરના તાર તોડીતોડીને વિછિન્ન થઈ જાય. હેમાંગ જોશીના શેર દ્વારા હારેલા નેતાઓને એક વાત સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરીએ...

પ્રશ્ન અંતરનો નથી બસ યોગ્ય સાધન જોઈએ
મોરનાં પીછાં વડે ગોકુળિયે પહોંચાય છે

વિચાર કરો, બેલેટ પેપરનો જમાનો હોત તો શું થાત? આખાં ને આખાં બૂથ કૅપ્ચ્યોર થઈ ગયાં હોત ને બેલેટ પેપર ઉપર જાતે જ સિક્કા મારી વિવિધ પક્ષોનાં ગુંડાતત્વોએ ઉત્પાત મચાવ્યો હોત. આ દૃશ્યો કંઈ દૂરનાં નથી. હજી દાયકા પહેલાં આ બધું ખુલ્લેઆમ ચાલતું જ હતું. ઈવીએમના જમાનામાં આવી દાદાગીરી ઓછી થઈ છે. આ વખતે પિમ બંગાળ સિવાય ચૂંટણી સહજ રીતે સંપન્ન થઈ. વારિજ લુહાર તપાસના અંતે પ્રાપ્ત થતું તારણ આપે છે...

કૈં ન ખોયું એટલે તપાસ આદરી
સ્હેજ અઘરી ખોજ છે વિશેષ કૈં નથી

માની લઈએ કે ઘણી જગ્યાએ મશીનો ખોટકાયાં ને તેને કારણે લોકોએ હાલાકી ભોગવવી પડી. આવડી તોતિંગ ચૂંટણી પાર પાડવાની હોય ત્યારે ભૂલો થવાની સંભાવના રહે જ છે. સવાલ કરવટ બદલી રહેલા દેશની નિષ્ઠાનો છે. આપણી આઇટી યંત્રણા છેલ્લાં વરસોમાં બળકટ બની છે. જેમ ઇસરો અન્ય દેશોના ઉપગ્રહો પણ આકાશમાં તરતા મૂકવા સક્ષમ બન્યું છે તેમ આપણે ભવિષ્યમાં અન્ય દેશોમાં ઈવીએમ મશીનની નિકાસ કરતાં થઈ જઈએ તો નવાઈ નહીં. અશોક જાની આનંદના શેર સાથે પુરુષાર્થની ભાવના અને વિકાસની સંભાવાનાને વધાવીએ.

સૌની માફક મેં હંમેશાં કેટલી મહેનત કરી
રાહ આવ્યાં વિઘ્ન વિશે તું મને ના પૂછ કંઈ

ઘણું બધું ન પૂછવાનું પૂછી જ નાખીએ એવું મન કોઈ-કોઈ વાર થઈ આવે. સત્તાને આગળ રાખતા અને સત્યને પાછળ રાખતા નેતાઓની આ દેશને જરૂર છે ખરી? સત્તા માટે સાઠગાંઠ સાધવા નિમ્નસ્તર કક્ષા સુધી નીચે ઊતરી જતા નેતાઓ આખરે તો દેશ માટે કરન્ટ લાયેબિલિટી જ છે. જેમની વિચારણાનો કોઈ તંત ન મળતો હોય એવા પક્ષો એક ટેબલ પર ચા પીવા જરૂર બેસે, પણ અઠવાડિયું સંપીને રહેવાનું કહેવામાં આવે તો ભારે પડી જાય. મહાગઠબંધનના એક-એક ચહેરાને યાદ કરો અને જાતુષ જોશીનો આ શેર બોલો તો ચપોચપ બેસી જશે...

જે હતા તે ફક્ત પરપોટા હતા
ટૂંકમાં, આંસુ બધાં ખોટાં હતાં
માપવા બેઠો અને માપી લીધા
જે બધાનાં નામ મસમોટાં હતાં

જનતાએ પોતાનો ચુકાદો આપી દીધો છે. હવે પાંચ વર્ષ આદુ ખાઈને ખોરંભે ચઢેલાં કાર્યોને પૂરાં કરવાનો અને નવા પ્રોજેક્ટની માંડણી કરવાનો સમય છે. આપણે તો પરિણામોમાંથી સાર તારવી લેવાનો છે. ડો. મહેશ રાવલનો વિચાર રોશની પૂરી પાડે છે...

જે હતી, છે એ જ આખી વાત કેવળ
પાત્રવરણીમાં જ ગોટાળા થયા છે!
કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળાં થયાં છે?

આ પણ વાંચો : ચાલવાનું ફાવશે?

ક્યા બાત હૈ

વિફળતાનું કારણ ફરીથી ચકાસો
હશે ક્યાંક ખામી ભરેલા પ્રયાસો
નથી વાંચવાનો સમય કોઈ પાસે
અને મોતને આંખ સામે જ જાસો
કરે ના કદી આયનો વાત ખોટી
બને તો સ્વયંને ફરીથી તપાસો
લગાતાર યત્નો થકી ઊઘડ્યાં છે
ફરી હાથ દૈને ન એ દ્વાર વાસો
ચમનમાં ફૂલો એમ નાહક ખીલે ના
અહીં કોઈ રોપી ગયું છે નિસાસો
દિશા ધૂંધળી ને ચરણ થાકવામાં
થશે સૌમ્ય આજે અહીં રાતવાસો
ગણપત પટેલ ‘સૌમ્ય’

columnists weekend guide