ઇતિહાસ ગવાહ હૈ કિ જબ ભી નયા સાલ આયા હૈ, સાલભર સે જ્યાદા નહીં ટિક પાયા હૈ!

05 January, 2022 12:03 PM IST  |  Mumbai | Pravin Solanki

અલાહાબાદ-પ્રયાગથી લગભગ ૪૦-૪૫ કિલોમીટર દૂર આવેલા સિંગારપુર રાજ્યના  રાજા હિરણ્યધનુનો તે પુત્ર હતો. માતાનું નામ સુલેખા હતું. ગંગા નદીને કિનારે વસેલું  સિંગારપુર મહાભારતના સમયમાં એક સમૃદ્ધ રાજ્ય ગણાતું.

ઇતિહાસ ગવાહ હૈ કિ જબ ભી નયા સાલ આયા હૈ, સાલભર સે જ્યાદા નહીં ટિક પાયા હૈ!

૨૦૨૧નું વર્ષ આવ્યું અને ગયું. એ જ રીતે ૨૦૨૨નું વર્ષ આવ્યું અને જશે. સમય એનું કામ નિયમિત રીતે કર્યે જાય છે અને કરતો જ રહેશે. આપણે આટલી શિસ્તબદ્ધતા પાળી શકીએ છીએ? ૨૦૨૨ના વર્ષને આપણે થોડા ધડકતા, ફફડતા મને વધાવ્યું, એ આશામાં કે નવા વર્ષમાં  કંઈક નવલું થાય, અશુભ દૂર થાય, અંધારાં ટળે, અજવાળાં પથરાય. આ બધી શુભેચ્છાઓ ફળે એવી આકાંક્ષા સાથે આપ સર્વેને ૨૦૨૨ મુબારક. 
એક સંતને કોઈકે પૂછ્યું કે નવા વર્ષે સંકલ્પ લેવો હોય તો કયો લેવો? સંતે જરાય વિચાર કર્યા વિના જવાબ આપ્યો, ‘એકલવ્ય બનવાનો. જેકંઈ બનવું છે, શીખવું છે, પામવું છે, ગુમાવવું છે, ગુમાવ્યા પછી ગુમાનભેર જીવવું છે તો એકલવ્ય બનો.’ 
કૃષ્ણ પછી મને મહાભારતમાં સૌથી વધારે પાત્ર ગમ્યું હોય તો એ છે એકલવ્યનું. એકલવ્યના પાત્રનો મહાભારતમાં ઝાઝો વિસ્તાર નથી થયો. સામાન્યજનને એકલવ્ય વિશે એટલી જ ખબર છે કે ગુરુ દ્રોણાચાર્યને ગુરુદક્ષિણામાં તેણે પોતાના જમણા હાથનો અંગૂઠો કાપીને આપી દીધો.  અન્ય શાસ્ત્રોમાંથી આપણને એકલવ્યના જીવનનો પૂર્ણ વૃત્તાંત મળી રહે છે. તે ક્યાંનો હતો, તેનાં મા-બાપ કોણ હતાં, ગુરુદક્ષિણામાં અંગૂઠો આપી દીધા પછી તેનું શું થયું? એ કઈ રીતે જીવ્યો, કઈ રીતે મર્યો? 
મોટા ભાગના લોકો એમ જ માને છે કે એકલવ્ય ગરીબ ભીલ હતો. ના, એકલવ્ય રાજકુમાર  હતો. અલાહાબાદ-પ્રયાગથી લગભગ ૪૦-૪૫ કિલોમીટર દૂર આવેલા સિંગારપુર રાજ્યના  રાજા હિરણ્યધનુનો તે પુત્ર હતો. માતાનું નામ સુલેખા હતું. ગંગા નદીને કિનારે વસેલું  સિંગારપુર મહાભારતના સમયમાં એક સમૃદ્ધ રાજ્ય ગણાતું. હજારો વર્ષ અહીં ભીલો અને નિષાદ રાજાઓએ રાજ કર્યું હતું. રામાયણકાળમાં પણ આનો ઉલ્લેખ છે. 
એકલવ્યનું મૂળ નામ અતિદુયમન હતું. એકનો એક રાજકુમાર હતો. ધારેલું કામ પાર પાડવા  માટે જિદ્દી અને જક્કી હોવાથી તેનું નામ એકલવ્ય પડ્યું. દુનિયાઆખી જીતવાના તેને કોડ હતા  અને એ કોડ પૂરા કરવા માટે ધનુર્વિદ્યાનું સંપૂર્ણ જ્ઞાન જરૂરી હતું. 
ધનુર્વિદ્યા એટલે આપણે તીર મારવાની-તાકવાની કળા એટલું જ સમજીએ છીએ કાં સરસંધાન પાર પડે યા ન પડે બસ એટલું જ! લાગ્યું તો તીર નહીં તો થોથું, પરંતુ એ જમાનામાં ધનુર્વિદ્યા એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શસ્ત્રવિદ્યા ગણાતી. એમાં વિજ્ઞાન હતું, અણુવિદ્યા હતી, મંત્ર-તંત્રથી યુદ્ધમાં તમામ શસ્ત્રોનો ઉપયોગ આ એક જ વિદ્યામાંથી સંભવ થતો હતો. આ વિદ્યાથી આગ પ્રગટાવી શકાતી, તોફાન લાવી શકાતું, મિસાઇલની જેમ ઉપયોગ થઈ શકતો, અણુશસ્ત્રોની ગરજ સારી શકતી. 
એ જમાનામાં આ વિદ્યામાં પારંગત બે જ વીરલા હતા, એક ભગવાન પરશુરામ અને બીજા દ્રોણાચાર્ય. વિશ્વસમ્રાટ બનવા માટે આ વિદ્યામાં પારંગત બનવું જરૂરી હતું અને એ માટે પરશુરામ પાસે અપેક્ષા રાખી જ ન શકાય એ વાત એકલવ્ય જાણતો હતો. પરશુરામ ક્ષત્રિયોના  કટ્ટર દુશ્મન હતા. તેઓ ફક્ત બ્રાહ્મણોને જ વિદ્યા આપતા. એટલે એકલવ્યએ દ્રોણાચાર્ય પાસે જવાનું વિચાર્યું. 
સિંગારપુર છોડીને એકલવ્ય દ્રોણાચાર્યને મળવા હરિયાણા આવ્યો. દ્રોણાચાર્યએ એકલવ્યને  ધનુર્વિદ્યા શીખવવાની ચોખ્ખી ના પાડી દીધી. તેમણે કહ્યું, ‘હું કુરુવંશના રાજકુમારોને વિદ્યા શીખવવા બંધાયેલો છું. બીજા કોઈને શીખવી ન શકું.’ કેટલીક કથામાં એવું પણ કહેવાયું છે કે  એકલવ્ય ભીલ જાતિનો હતો એટલે ના પાડી. ખેર, દ્રોણાચાર્યએ ના પાડતાં એકલવ્ય નિરાશ થયો નહીં કે તેની દ્રઢતા ડગી નહીં. ધાર્યું ધરાર કરવું એ તેનો સ્વભાવ હતો. 
તે પોતાના રાજ્ય સિંગારપુરમાં પાછો ન ગયો. દ્રોણાચાર્ય જ્યાં પાંડવ-કૌરવ રાજકુમારોને  શીખવતા હતા એની આસપાસના જંગલમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગ્યો. દ્રોણાચાર્ય જે કુરુકુળના રાજકુમારોને શીખવતા હતા એ ચોરીછૂપીથી જોતાં-જોતાં વિદ્યા આત્મસાત્ કરવા લાગ્યો. વળી દ્રોણાચાર્યનાં પગલાં જ્યાં-જ્યાં પડતાં ત્યાં-ત્યાંથી માટી ભેગી કરીને તેણે પોતાની ઝૂંપડીની બહાર દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી. એ પ્રતિમા સામે પોતે આત્મસાત્ કરેલા જ્ઞાનની કસોટી કરવામાં રત રહેતો. 
એક વખત દ્રોણાચાર્ય પાળેલા કૂતરા અને રાજકુમારો સાથે જંગલમાંથી પસાર થતા હતા. ત્યાં  તેઓ કૂતરાને વિચિત્ર હાલતમાં જોઈને દંગ રહી ગયા. કૂતરાનું મોઢું બાણથી જાણે કોઈકે સીવી દીધું હતું, પણ કૂતરાને કોઈ ઈજા કે ઘા થયેલો ન દેખાયો. આ અદ્ભુત કળા જોઈને બધા રાજકુમારો પણ વિસ્મય પામ્યા, અર્જુનના તો હોંશ ઊડી ગયા. 
કૂતરાની ગંધશક્તિના સહારે બધા એકલવ્યની ઝૂંપડી પાસે આવી પહોંચ્યા. એકલવ્ય મૂર્તિ સામે ધ્યાન ધરીને મંત્રો ભણવામાં મશગૂલ હતો. ક્ષણભર પછી તેનું ધ્યાન તૂટ્યું અને દ્રોણાચાર્યને  જોઈને તે આભો બની ગયો. ભાવ અને ભક્તિપૂર્વક દ્રોણાચાર્યના પગમાં પડી ગયો. દ્રોણાચાર્યે  પ્રેમપૂર્વક ઊભો કરતાં પૂછ્યું, ‘આ કૂતરાનું મોઢું તેં બંધ કર્યું છે?’ 
‘ક્ષમા કરજો, પણ એના ભસવાથી મારી એકાગ્રતા તૂટતી હતી એટલે આવું કરવું પડ્યું.’
‘તારા ગુરુ કોણ છે?’
 ‘આપ જ પ્રભુ!’ પછી એકલવ્યએ માંડીને બધી વાત કરી. દ્રોણાચાર્યના ચહેરા પર ખુશી હતી  પણ મનમાં ઘમસાણ યુદ્ધ ચાલતું હતું. તેઓ સ્વસ્થ થયા. મુખ પર બનાવટી સ્મિત ફેલાવીને બોલ્યા, ‘મને ગુરુ માને છે તો મારી ગુરુદક્ષિણા ક્યાં? એકલવ્યએ જરાય ખચકાટ વિના કહ્યું, ‘આજ્ઞા કરો, માગો તો માથું વાઢી આપું.’ 
‘માથું નહીં, મને ફક્ત તારા જમણા હાથનો અંગૂઠો આપ.’ 
 આવી વિચિત્ર માગણી શું કામ કરી એ જરા પણ વિચાર્યા વગર એકલવ્યએ અંગૂઠો કાપીને દ્રોણાચાર્યના હાથમાં ધરી દીધો. 
 કહેવાય છે કે દ્રોણાચાર્યએ અર્જુનને સર્વશ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાનું વચન આપ્યું હતું એટલે એકલવ્યનો અંગૂઠો માગ્યો હતો જેથી એકલવ્ય સારી રીતે સરસંધાન કરી ન શકે, પણ શું આ એક જ કારણ હતું? અંગૂઠા વગર બાણ ન ચલાવી શકાય? અંગૂઠો આપ્યા પછી એકલવ્યએ શું કર્યું? બધું આવતા સપ્તાહે. 
સમાપન 
વાણી ને વીણાને બનાવો બાણ નહીં,
બાણને રામબાણ બનાવો ચૂકે નિશાન નહીં. 

મોટા ભાગના લોકો એમ જ માને છે કે એકલવ્ય ગરીબ ભીલ હતો. ના, એકલવ્ય રાજકુમાર  હતો. અલાહાબાદ-પ્રયાગથી લગભગ ૪૦-૪૫ કિલોમીટર દૂર આવેલા સિંગારપુર રાજ્યના  રાજા હિરણ્યધનુનો તે પુત્ર હતો. માતાનું નામ સુલેખા હતું. ગંગા નદીને કિનારે વસેલું  સિંગારપુર મહાભારતના સમયમાં એક સમૃદ્ધ રાજ્ય ગણાતું.

columnists Pravin Solanki