તું મારો જ છે - (લાઇફ કા ફન્ડા)

07 May, 2020 09:39 PM IST  |  Mumbai | Heta Bhushan

તું મારો જ છે - (લાઇફ કા ફન્ડા)

એક ગોપાલ કૃષ્ણનો પરમ સેવક નામ ગોપાલ; ગરમીના દિવસોમાં ભગવાનની પૂજા કરતો હતો. ભગવાનને ગરમીમાં રાહત મળે એ માટે ચંદનસેવા માટે તે ખૂબ જ ભાવથી ચંદન ઘસી રહ્યો હતો અને પ્રેમથી ભગવાન સાથે વાતો કરી રહ્યો હતો કે ‘પ્રભુ, આજે ગરમીમાં તમને રાહત મળશે. હમણાં ચંદન ઘસી તમને લેપ કરી આપું છું.’

ગોપાલથી ચંદન ઘસતાં-ઘસતાં ભૂલથી ચંદનનું એક ટીપું ભગવાનને ધરાવવા માટે તૈયાર કરેલ દૂધની વાટકીમાં પડી ગયું.
ગોપાલે આ જોયું, પણ તેના પગમાં બહુ જ દુખાવો હતો એટલે તેણે ભગવાનને કહ્યું, ‘પ્રભુ, મારા પગ બહુ દુખે છે એટલે ઊભો થઈને ફરી તમારા માટે નવું દૂધ નહીં બનાવું તો ચાલશે? આજે આ જ દૂધ સ્વીકારી લોને.’ અને આટલી વિનંતી કરી તે ફરી ચંદનસેવામાં લાગી ગયો.
ચમત્કાર થયો અને પ્રભુ પ્રગટ થયા. ભક્ત ગોપાલની આંખોમાં આંસુ આવી ગયાં. તે પ્રભુનાં ચરણોમાં ઝૂકી પડ્યો. ભગવાને તેને હસીને કહ્યું, ‘મારા ભક્ત, જ્યારે મેં તને સ્વીકાર્યો છે તો પછી તું જે આપે, જેવું આપે એ બધું જ મને સ્વીકાર્ય છે, કારણ કે તું મારો છે અને તું તારી પાસે જે છે એ મને આપી રહ્યો છે.’
ભગવાનની વાત સાંભળી ગોપાલની આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યાં. તેણે પ્રભુનાં ચરણોમાં ઝૂકી માફી માગી. વળી પ્રભુએ તેને કહ્યું, ‘મારા ભક્ત, મને ગમ્યું કે તે જે તકલીફ હતી તે મને જ કહી અને મને જ ચલાવી લેવા માટે વિનંતી કરી. તું મને આવી વિનંતી કરી શકે એટલે તું મને કેટલો પોતાનો માને છે એ સાબિત થાય છે અને તારી આ દંભ વિનાની, દેખાડા વિનાની ભક્તિ જ તું મને કેટલો પ્રેમ કરે છે એ સાબિત કરે છે. તને ખબર છે કે ભગવાન મારો પોતાનો છે એટલે મારી તકલીફ તે સમજી જ જશે અને જેટલો તું મને તારો સમજે છે એટલો જ હું તને મારો સમજુ છું અને મારા પ્રત્યેનો તારો પ્રેમ જીવંત રાખવા તું જે આપીશ એ સ્વીકારવા, ચલાવી લેવા હું તૈયાર છું.’
ગોપાલ પ્રભુના સ્મિતભર્યા ચહેરા અને આંખોને જોઈ રહ્યો.
આ વાત એક પરમ ભક્ત અને ભગવાન વચ્ચેના અનન્ય પ્રેમની, પણ એનો સંદેશ દરેક જણ માટે દરેક સંબંધ માટે છે. સંબંધ કોઈ પણ હોય - પ્રેમનો, પતિ-પત્નીનો, પરિવારનો કે મિત્રનો - આપણે બધા દરેક સંબંધમાં સામેવાળો આપણને ગમતું કરે તો જ ખુશ રહીએ છીએ અને ઇચ્છીએ છીએ કે તે આપણને ગમતું અને ફાવતું જ કરે; આપણને જ મહત્ત્વ આપે. સંબંધોમાં સ્વાર્થ અને ફાયદો ન હોય તો આપણને તે નિભાવવામાં બહુ રસ રહેતો નથી, પણ આ રીત સાચી નથી. જ્યાં સાચો પ્રેમ અને સાચો સંબંધ હોય ત્યાં સ્વાર્થ, ફરિયાદ કે રીસ નથી હોતી; માત્ર અને માત્ર જે મળે એનો સ્વીકાર હોય છે.

columnists heta bhushan