લાઇફ કા ફન્ડા - સાંભળો દિલની વાત

08 April, 2019 10:55 AM IST  |  | હેતા ભૂષણ

લાઇફ કા ફન્ડા - સાંભળો દિલની વાત

એક નાનકડો છોકરો. સ્કૂલમાં ટીચરે તેને એક પ્રોજેક્ટ આપ્યો કે પોતે મોટો થઈને શું કરવા માગે છે તે એકદમ વિચારીને વિગતવાર લખીને પ્રોજેક્ટ તૈયાર કરવો. છોકરા પાસે ત્રણ દિવસનો સમય હતો. તેણે વિગતવાર પ્રોજેક્ટ તૈયાર કર્યો. કિશોર એક ઘોડાના રખેવાળનો દીકરો હતો અને તેણે ઘણા ઘોડા અને તબેલાઓ જોયા હતા. તેણે પ્રોજેક્ટમાં લખ્યું કે તે એક ઘોડાના મોટા ફાર્મનો માલિક બનવા માગે છે, અને માત્ર ખાલી લખવા ખાતર નહીં. તે છોકરાએ તે કઈ રીતે ફાર્મ બનાવશે, કઈ જગ્યાએ, ક્યાં, કેટલું મોટું હશે અને ફાર્મમાં તબેલો ક્યાં હશે, મોટા ફાર્મમાં ઘર કઈ તરફ હશે બધું જ એકદમ બારીકાઈથી સમજાવી લખી અને દોરીને પણ પ્લાન તૈયાર કરી, પ્રોજેક્ટ ટીચરને આપ્યો. છોકરાએ પ્રોજેક્ટ તૈયાર કરવામાં બહુ મહેનત કરી હતી. તેને મનમાં એમ હતું ટીચર ચોક્કસ સારા માર્ક આપશે, અને પછી જ તે પ્રોજેક્ટ માતા-પિતાને બતાવશે.

ટીચરે પ્રોજેક્ટ વાંચ્યો અને તેને ડી ગ્રેડ આપ્યો. ટીચરના મતે આ પ્રોજેક્ટ અવાસ્તવિક હતો. છોકરો ટીચર પાસે ગયો અને પૂછ્યું, મારા પ્રોજેક્ટમાં ભૂલ શું છે, મને શું કામ ડી ગ્રેડ મNdયો? ટીચરે કહ્યું, તારો પ્રોજેક્ટ અશક્ય છે. તારા જેવો એક ઘોડાના રખેવાળનો છોકરો, જેની પાસે પૈસા નથી, ગરીબ છે તે કઈ રીતે ઘોડાના ફાર્મનો માલિક બની શકે?.. જો તને સારા ગ્રેડ જોઈતા હોય તો તને હજી બે દિવસનો સમય આપું છું. તું કંઈક શક્ય હોય તેવો પ્રોજેક્ટ બનાવીને લઈ આવ.

છોકરો ગયો. ભવિષ્યમાં શું બનવું છે એના પર ફરી ફરી વિચાર કરવા લાગ્યો, પણ તેના મનમાં ફરી ફરીને આ એક જ વિચાર... આ એક જ સપનું આવતું. તે તેના પિતા પાસે ગયો. બધી વાત કરી પૂછ્યું, હવે શું કરુંં? પિતાએ માત્ર એટલું જ કહ્યું, તારા મનની વાત સાંભળ. છોકરો બીજે દિવસે સ્કૂલમાં ગયો અને પોતાના પ્રોજેક્ટમાં ફેરફાર કર્યા વિના ટીચરને આપતાં બોલ્યો, ટીચર, ભલે તમે કોઈ પણ ગ્રેડ આપો, પણ મારે મોટા થઈ ઘોડાના ફાર્મના માલિક જ બનવું છે. ગ્રેડ વધારવા હું સપનું નહિ બદલી શકું, અને તે પ્રોજેક્ટ લઈને જતો રહ્યો.

આ પણ વાંચોઃ હાર ન માનો (લાઇફ કા ફન્ડા)

વર્ષો બાદ ૨૦૦ એકર મોટા ઘોડાના ફાર્મની વચ્ચે ૪૦૦૦ સ્ક્વેર ફૂટના ઘરના હૉલમાં ફાયર પ્લેસની ઉપર ફ્રેમ થઈને આ પ્રોજેક્ટ દીવાલની શોભા વધારતો હતો. ફાર્મના માલિકનું આ સપનું હતું. જેણે દિલની વાત સાંભળી અને સપનું સાકાર કર્યું... તે છોકરાનું નામ મોન્ટી રોબર્ટ્સ. હંમેશાં દિલની વાત સાંભળો.

columnists