આ એક વત્તા એક બરાબર બે નથી!

14 June, 2020 10:37 PM IST  |  Mumbai | Dr Dinkar Joshi

આ એક વત્તા એક બરાબર બે નથી!

પ્રતીકાત્મક તસવીર

દુનિયામાં લાખો અને કરોડો ચીજવસ્તુઓ રહેલી છે. આમાંની કેટલીય આપણને કામની અથવા ઉપયોગી લાગે છે. બીજી એવી કેટલીય છે જે આપણને બિનુપયોગી અથવા નકામી લાગે છે. એવું બને છે. કઈ વસ્તુ કોને કેટલી કામની છે અથવા કઈ વસ્તુ કોને કેટલી બિનુપયોગી છે એ વિશે પ્રત્યેક વ્યક્તિએ જુદો-જુદો મત હોઈ શકે. આવું કેમ છે એનું ચોક્કસ કારણ જાણવા માટે હજાર પ્રયત્ન કરીએ તો પણ તાર્કિક રીતે ચોક્કસ જાણી શકાતું નથી. મને જે ગમે છે અથવા મને જે ઉપયોગી છે એમ મને લાગે છે એ એટલા જ પ્રમાણમાં તમને ન પણ લાગતું હોય. આમ હોવાને કારણે એ ચીજવસ્તુ નકામી છે એવું જો તમે કહો તો એ સાચું કહેવાય?

દુનિયામાં કઈ વસ્તુ આપણને કેમ ગમે છે અથવા કેમ નથી ગમતી એનું કોઈ ચોક્કસ તર્કબદ્ધ કારણ જાણી શકાતું નથી. દા.ત. મને તીખોતમતમતો સ્વાદ ભાવે છે. પરમાત્માએ માણસને માટે મુખ્યત્વે છ પ્રકારના સ્વાદ બનાવ્યા છે, તીખો, તૂરો, ખાટો, ગળ્યો, કડવો અને ખારો. એવું બને કે મને જે સ્વાદ ભાવે છે એ તમને મુદ્દલ ભાવતો ન હોય. એનો અર્થ એવો તો નથી થતો કે એ સ્વાદ પરમાત્માએ નાહક બનાવ્યો છે. પ્રશ્ન માત્ર એટલો જ થાય છે કે એ સ્વાદ તમને ભાવ્યો અને મને કેમ ન ભાવ્યો? દુનિયામાં પાર વગરની એવી સમસ્યાઓ છે કે જેને માટે આપણે ચોક્કસ કારણ જાણી શકતા નથી. જે છે એ છે અને એ એવું કેમ છે અથવા એ એવું કેમ નથી એની ચોકસાઈ ડગલે ને પગલે કરવા બેસીએ તો એનો જવાબ જડતો નથી.

જેવું માણસનું વલણ ચીજવસ્તુઓ માટે છે એવું જ તેનું વલણ વ્યાવહારિક વાતો માટે પણ છે. પોતાના રોજિંદા કામમાં ક્યાંક ઉપયોગી થાય અથવા તો કામકાજના કોઈક તબક્કે આગળ જતાં માણસને ખપમાં આવે એવી વાત જાણવા અને સમજવા પ્રયત્ન કરે તો એમાં કશું ખોટું નથી. ખરેખર તો જે પોતાને હાલ તરત ઉપયોગી નથી અથવા જેમાં પોતાને રસ નથી એવી કોઈ વાતથી તે અલિપ્ત રહે એમાં જ તેના ચિત્તને હળવાશ મળે છે. પણ હંમેશાં આમ થઈ શકતું નથી. કશોક કોઈક શબ્દ કાને પડે જેમાં આગળપાછળની કોઈક વાતનો સંદર્ભ હોય કે તરત જ માણસ ‘હેં શું?’ કરીને કાન સરવા કરી નાખે છે. તાત્પૂરતી વાત બીજે ચાલતી હોય, પણ કાન પેલી ‘હેં શું?’ વાળી વાતમાં જ મંડાયા હોય. વાતમાં તેના પોતાના માટે હિંગનો પણ ભલે સ્વાદ ન હોય પણ ‘તમારી પેલી ખાનગી વાત હું જાણી ગયો છું’ એ વાતનો એક અદ્ભુત ફાંકો તેના ચિત્તમાં ઊભરાઈ જાય છે.

કોઈ વાર કોઈ માણસ જીવતી જાગતી વંશાવળી જેવા હોય છે. જો તમે તીર્થસ્થાને ગયા હો તો તમને યાદ હશે કે આવા સ્થળે ચોક્કસ બારોટ, પંડા અથવા વહીવંચા અને ગોર મહારાજ તમારી સેવામાં હાજર થઈ જશે. તમે બિલકુલ નહીં જાણતા હો પણ તમારું નામ પૂછીને તે પોતાના ચોપડામાંથી તમારા પિતા, પિતામહ, પ્રપિતામહ, માતામહી આ બધાનાં નામ તેમની સહીઓ અથવા અંગૂઠાના નિશાન સાથે કાઢી બતાવશે. દેખીતી રીતે જ પિતા કે માતા હયાત ન હોય તો પણ તેમના હસ્તાક્ષરો તો તમે જાણતા જ હો છો. પરિણામે આ અક્ષરો જોતાંવેંત તમે વરસો પુરાણી લાગણીમાં ભીંજાઈ જાઓ છો. એમાંય જો પિતામહ કે માતામહના અક્ષરથી પણ તમે પરિચિત હો અને આ અક્ષરો પેલા ગોરમહારાજ તમને દેખાડે એટલે તરત જ તમે ગોરમહારાજ તમારા પૂર્વજોને મોક્ષ અપાવી દેવા જે કંઈ રકમ માગે એ માટે તમે માનસિક રીતે તૈયાર થઈ જશો.

આનું કારણ છે. તમે પિતા, માતા, માતામહ, માતામહી, કાકા, દાદા, મામા આ બધા પૂર્વજોથી ખાસ્સા દૂર પડી ગયા હો છો. આ બધા સાથે તમને મીઠાં સંસ્મરણો હોય છે. આ બધાં સંસ્મરણો પેલા ગોરના ચોપડામાંથી ઊછળીને બહાર આવે છે અને તમારા ગળે વળગે છે. આ ગોર વધારે પૈસા માગી રહ્યો છે એવા ખ્યાલથી તમે અજાણ નથી હોતા, પણ તેની સાથે તમારા પૂર્વજોના પરિવારને પણ પ્રત્યક્ષ સંબંધ હતો આ વાતથી જ તમે તેની સાથે જોડાઈ જાઓ છો.

વંશાવળી જેમને કંઠસ્થ છે એવા બીજા પ્રકારના સજ્જનો (અને મોટા ભાગે સન્નારીઓ)નો એક વર્ગ છે. તમારી દીકરીની સગાઈ ભાવનગરવાળા કપોળ જ્ઞાતિના જિતુભાઈ પારેખના વચલા દીકરા વેરે કરવા માગો છો આટલી માહિતી તમે તેમને આપો કે તરત જ એ સજ્જન કે સન્નારી તમને પ્રશ્ન પૂછશે, ‘જિતુભાઈ? ભાવનગરવાળા? લોખંડ બજારમાં છે એ કે પછી દાણાબજારવાળા?’ હવે ભાવનગરમાં કપોળ જ્ઞાતિના બે જિતુભાઈ છે એની તો તમને ખબર જ નહોતી. તમે સાથે રહેલી પત્નીને કે બીજા કોઈને પૂછપરછ કરીને તાળો મેળવી આપો છો એટલે વાત આગળ વધે છે, ‘લોખંડ બજારવાળા એ જિતુભાઈના ઘરમાં બીજી વારનાં પત્ની છે. પહેલી વારનાં પત્નીએ કોઈક કારણસર આપઘાત કર્યો હતો. પૈસેટકે બહુ સુખી છે. પહેલા ઘરનાં બે સંતાન છે. બન્ને પરણેલાં છે. આ બીજી વારની પત્નીનો દીકરો છે. અગાઉ એક વાર તેની વાતચીત દુબઈમાં ચાલી હતી. નવીનું પિયર કલકત્તામાં છે. એ બહુ મોટા સરકારી ઑફિસર છે’ આટલું કહેતાવેંત જ જિતુભાઈ દાણાવાળાની વાત પણ વિગતવાર કહેશે. જિતુભાઈ દાણાવાળા કેટલા સજ્જન છે, બજારમાં પ્રતિષ્ઠિત છે, એકનો એક દીકરો છે વગેરે વાત પણ તેમણે કરી. આટલી વાત સાંભળતાવેંત તમે છલોછલ થઈ જશો. માહિતી સાવ સાચી હશે, પણ તમને તરત જ આ જિતુભાઈના નામ વિના કશુંય યાદ નહીંય રહે પણ તમારે એ યાદ રાખવું જ પડશે; કારણ કે તમારે દીકરી પરણાવવી છે.

હવે જો જિતુભાઈ લોખંડ બજારવાળાને બદલે જિતુભાઈ દાણાબજારવાળા ભારે સજ્જન અને પ્રતિષ્ઠિત છે એવું તમને લાગશે તો તરત જ તમને આ લોખંડવાળાને બદલે દાણાવાળા ગમવા માંડશે. લોખંડવાળામાં બીજા હજાર ગુણ છે પણ તમારા મનમાં દાણાવાળાનો સીધોસાદો પ્રતિષ્ઠિત અને સુખી પરિવાર બેસી જશે. ઘડીવાર પહેલાં જ્યાં લોખંડવાળા હતા ત્યાં હવે દાણાવાળા પલાંઠી વાળીને બેસી જશે. આવું કેમ બન્યું એવું જો કોઈ પૂછશે તો તરત જ જવાબ મળશે, ‘દીકરી પરણાવવી છે ભાઈ, આ કંઈ વાતો નથી.’

કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે પરમાત્માએ આ પૃથ્વી ઉપર જે કંઈ સજીવ અથવા નિર્જીવ પદાર્થો બનાવ્યા છે એ બધા જ ક્યાંકને ક્યાંક, ક્યારેકને ક્યારેક, કોઈકને ને કોઈકને ગમતા હોય છે, ઉપયોગી હોય છે. આથી ઊલટું ક્યારેક એ પદાર્થો એ જ માણસોને અણગમતા થઈ જાય છે. આવું કેમ બને છે એનો સમજ વગરનો ટૂંકો ખુલાસો વ્યક્તિનો તાત્પૂરતો સ્વાર્થ ગણાય છે. આ સ્વાર્થ શું છે એ સહેલાઈથી સમજી શકાતું નથી. આજે જેને આપણે સ્વાર્થ કહીએ છીએ એ જ ઘટનાને થોડા ગાળા પછી આપણે ક્યાંય દૂર હડસેલી દઈશું. કોઈ વસ્તુ કોઈને કેમ ગમે છે અથવા કેમ નથી ગમતી એ તાત્પૂરતો નિરીક્ષણ કરવા જેવો વિષય છે. આ વિષય એક વત્તા એક બરાબર બે એમ ગાણિતિક ચોકસાઈથી સમજી શકાતો નથી.

columnists dinkar joshi