અહીં પુરુષો સાડી, ચણિયાચોળી કે માથે ચૂંદડી ઓઢીને માતાજીના ગરબા લે છે

22 October, 2020 09:02 PM IST  |  Mumbai | Shailesh Nayak

અહીં પુરુષો સાડી, ચણિયાચોળી કે માથે ચૂંદડી ઓઢીને માતાજીના ગરબા લે છે

સાડી અને ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતા પુરુષો.

અમદાવાદમાં આવેલી સદુમાતાની પોળમાં બારોટ સમાજ દ્વારા લગભગ બસો વર્ષથી આ પ્રથાને અનુસરી રહ્યો છે. જોકે હવે અન્ય સમાજના પુરુષો પણ આઠમના દિવસે માતાજીના ગરબે ઘૂમી માનતા અને બાધા પૂરી કરે છે

નવરાત્રિમાં અવનવી ચણિયાચોળી પહેરીને કે પછી સાદી સાડી કે ડિઝાઇનર સાડી પહેરીને મહિલાઓ–યુવતીઓ માતાજીના ગરબે ઘૂમે છે. પણ શું તમે માનશો કે અમદાવાદ જેવા શહેરમાં નવરાત્રિમાં પુરુષો સ્ત્રી વેશ ધારણ કરીને જાહેરમાં ગરબે ઘૂમતા હોય?
હા, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં નવરાત્રિની આઠમની રાત્રે માત્ર પુરુષો સ્ત્રીવેશ ધારણ કરી સદુમાતાજીના ગરબે ઘૂમે છે. આ પોળમાં વર્ષોથી બારોટ સમાજમાં આ પ્રથા ચાલી આવે છે. જોકે હવે માતાજીની કૃપાથી માનતા પૂરી થતા અન્ય સમાજના પુરુષો પણ આઠમના દિવસે માતાજીના ગરબે ઘૂમી બાધા પૂરી કરે છે. આઠમના આ ગરબામાં માત્ર પુરુષો જ જોડાય છે. બાધા–માનતા પૂરી કરવા ભાઈઓ કોઈ પણ જાતની શરમ દિવસ ગરબા રમે છે.
‘સવંત ૧૮૭૨ના ભાદરવા વદમાં બારોટ હરિસંગને ઘરે બાઈ સદુ માથું આપીને દેવલોક થયાં છે’ એવી વિગતો દર્શાવતી તખ્તી આજે પણ સદુમાતાજીના મંદિરે જોવા મળે છે. કેમ બારોટ સમાજના પુરુષો સ્ત્રીવેશ ધારણ કરીને સદુમાતાજીના ગરબા રમે છે, કેવી રીતે આ પ્રથા શરૂ થઈ એ વિશે અમદાવાદમાં સદુમાતાજીની પોળમાં આવેલા સદુમાતાજીના મંદિરનું સંચાલન કરતા નીલેશ બારોટ ‘મિડ ડે’ને કહે છે, ‘પોળમાં બસો વર્ષ કરતાં પહેલાંના સમયથી સદુમાતાજીનું મંદિર આવેલું છે. એવી લોકવાયકા છે કે પેશવાઈ વખતે પોળમાં કૂવા પર પાણી ભરતાં સદુમાતાની પગની પાની ઓત્તમચંદ જોઈ ગયા હતા. તેમણે કચેરીમાં જઈને આ વાત કરતાં સદુમાતાને કચેરીમાં મોકલવા તેડુ આવ્યું હતું કે સદુમાતાને કચેરીમાં પેશ કરો. પરંતુ ત્યારે બારોટ સમાજના આગેવાનોએ કહી દીધું હતું કે બારોટ સમાજની બહેન–દીકરીઓ કચેરીમાં ન આવે.આ વાતને લઈને નાનું યુદ્ધ થયું હતું એમાં ઘણા બારોટો અને સિપાઈઓ મરાયા હતા. યુદ્ધમાં બારોટ સમાજનું નિકંદન ન નીકળી જાય એ માટે સદુમાએ પોતાના પ્રાણ આપી દીધા હતા અને સદુમા ‘ફૂલ’ થઈ ગયાં હતાં. ત્યારથી બારોટ સમાજના પુરુષો સ્ત્રી વેશ ધારણ કરી નવરાત્રિની આઠમે સદુમાતાજીનાં ગરબા–ગરબી ગાઈને ગરબે ઘૂમે છે. એ જમાનામાં બારોટ સમાજ માતાજીની ભવાઈ રમતા હતા. પોળમાં સદુમાતાજીનું મંદિર છે ત્યાં ચોકમાં માતાજી પાસે બેઠા ગરબા ગાવાના અને આઠમે સ્ત્રીઓનાં કપડાં પહેરતા, વડીલો પગે ઘૂંઘરું બાંધતા અને ગરબે રમતા હતા. મહાકાળી માતાજીનો પતઈ રાજાનો ગરબો ગવાતો. બારોટ સમાજ માટે આ કરવઠુ છે એટલે વર્ષોથી બારોટ સમાજના પુરુષો આસો મહિનાની નવરાત્રિમાં આઠમે સ્ત્રીઓનાં કપડા પહેરીને ગરબા ગાય છે. પહેલાં આ પોળ ભાટવાડા તરીકે ઓળખાતી પરંતુ પાછળથી આ પોળનું નામ સદુમાતાની પોળ રાખવામાં આવ્યું છે.’
માત્ર બારોટ સમાજ નહીં પરંતુ અન્ય સમાજના પુરુષોને માતાજી પ્રત્યે શ્રદ્ધા હોવાથી માનતા- બાધા રાખે છે એની વાત કરતાં નીલેશ બારોટ કહે છે, ‘હવે બારોટ


સમાજ સિવાયના સમાજના પુરુષો તેમની મનોકામના પૂર્ણ કરવા માટે માતાજીના મંદિરે આવીને મનોમન પ્રાર્થના કરે છે કે મારી માનતા પૂરી થશે તો મા તારા પારે આવી સ્ત્રી લૂગડાં પહેરીશ. એટલે નવરાત્રિમાં આઠમની રાત્રે સદુમાતાની પોળમાં થતા ગરબામાં બારોટ સમાજ ઉપરાંત અન્ય સમાજના પુરુષો પણ સ્ત્રીઓનાં કપડાં પહેરીને સદુમાતાજીના ગરબા રમે છે. કોઈની મકાનની બાધા હોય કે પછી કોઈને શેર માટીની ખોટની બાધા હોય કે અન્ય કોઈ બાધા હોય એ બાધા માતાજીના આશીર્વાદથી પૂરી થતાં પુરુષો સદુમાતાજીના મંદિરે આવી દર્શન કરીને ગરબે રમે છે. બારોટ સમાજમાં પણ ઘણા શ્રદ્ધાળુઓ માતાજીની બાધા રાખે છે અને એ ફળીભૂત થાય છે.’
પુરુષો સાડી પહેરીને કે પછી ચણિયાચોળી પહેરીને ગરબે ઘૂમતા હોય એ જોવાનો એક લહાવો છે. જો તમે કોઈક વખત નવરાત્રિ દરમ્યાન અમદાવાદ આવો તો આઠમની રાત્રે સદુમાતાની પોળમાં જરૂર જજો, એક તો તમને સદુમાતાજીનાં દર્શન થશે અને માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા સાથે પુરુષોને સ્ત્રીઓના વેશમાં ગરબે ઘૂમતા જોઈ શકશો.

એવી લોકવાયકા છે કે પેશવાઇ જમાનામાં થયેલા નાના યુધ્ધમાં બારોટ સમાજનુ નિકંદન ના નિકળે એ માટે સદુમાએ પોતાના પ્રાણ આપી દિધા હતા અને ‘ફુલ’ થઇ ગયા હતા ત્યારથી બારોટ સમાજના પરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી સદુમાતાજીના ગરબા – ગરબી ગાય છે અને ગરબે ઘુમે છે,બારોટ સમાજ માટે આ કરવઠુ છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તકમાં પણ સદુમાતાજીની વાતનો ઉલ્લેખ હતો.

અમદાવાદમાં શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાજીની પોળમાં આવેલું સદુમાતાજીનું મંદિર અને સદુબાઈ દેવલોક થયાં એની વિગત દર્શાવતી તખ્તી.

shailesh nayak columnists