ઠંડા-ઠંડા કૂલ-કૂલ

18 May, 2020 11:00 PM IST  |  Mumbai Desk | Pooja Sangani

ઠંડા-ઠંડા કૂલ-કૂલ

મલાઇ ગોલા

ધોમધખતો ઉનાળો તો શરૂ થઈ જ ગયો છે પરંતુ લૉકડાઉનના કારણે પ્રદૂષણનો સ્તર નોંધપાત્ર રીતે ઘટી ગયો હોવાથી આપણે બહાર બહુ ફરતા નહીં હોવાથી અને હજી પણ પવનની ગતિ હોવાથી આપણને એટલીબધી ગરમીનો અહેસાસ થતો નથી. પરંતુ ઠંડી તો એવી પડતી જ નથી તો આપણા ગુજરાતીઓને તો ઠંડા-ઠંડા કૂલ-કૂલ ડ્રિન્ક્સ વગર કેમ ચાલે? તો આજે આપણે વાત કરીશું જાત-જાતના પણ હેલ્ધી કુલર્સ એટલે કે ઠંડાં પીણાં વિશે. 

ડિશ ગોળા અને પ્યાલી
આપણે ઠંડાં પીણાં કે એની બનાવવાની રીત વિશે તો જાણીશું જ પણ સાથે થોડી જાણવા જેવી વાત પણ કરીશું. ઠંડાં પીણાં અથવા પેટમાં ઠંડક પહોંચે એવી વાનગીઓની વાત કરીએ તો રાજકોટ અને ભાવનગરને તો ભૂલવા જ ન જોઈએ. જ્યાં આઇસક્રીમ અને બરફના ડિશ ગોળાનું જબરદસ્ત મહત્ત્વ છે. આ તો લૉકડાઉન છે બાકી આવા સમયમાં રાજકોટમાં રેસકોર્સ રોડ અને ભાવનગરમાં ઘોઘા સર્કલ પાસે તો લોકોનો જાણે મેળો જામ્યો હોય એવો માહોલ હોય. સંધ્યા ઢળતાં જ પહેલાં યુવાનો અને પછી રાત પડતાં-પડતાં તો પરિવાર સાથે લોકો ટોળે વળી જાય. ભાવનગરમાં બરફને આઇસક્રીમ, જાતજાતનાં શરબત, ડ્રાયફ્રૂટ, ટુટીફ્રૂટી, મલાઈ, કન્ડેન્સ્ડ મિલ્ક સહિતની ટેસ્ટી સામગ્રી નાખીને બનાવવામાં આવતા ગોળાને ‘પ્યાલી’ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં 20થી લઈને 200 રૂપિયાની એક એવી આઇસક્રીમ પ્યાલી મળે છે. ઘણા તો એવા જમ્બો સાઇઝના હોય છે કે એક પ્યાલી કે બાઉલમાંથી ચાર જણ તો આરામથી આરોગી શકે.
ગોટી સોડા
આ ઉપરાંત આખા સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં પણ સોડાનું ખૂબ ચલણ છે. વર્ષો પહેલાં તો ગોળીવાળી સોડા લોકપ્રિય હતી. સોડાવાળો સ્ટાઇલથી ગોળી ફોડીને અવાજ કાઢે અને ખાલી લીંબુ અને સંચળનો મસાલો નાખીને પીરસે એમાં બહુ મજા આવતી. હવે તો સોડાનાં મશીનો નીકળ્યાં છે. વેન્ડિંગ મશીનમાં ઓછામાં ઓછી એક ડઝન ફ્લેવરની સોડા મળે છે. આ મશીનો શોધવાનું શ્રેય રાજકોટને જાય છે એવું મેં જાણ્યુ છે. ભાવનગરમાં ઘોઘા સર્કલ પાસે આવેલા ‘કિશોર’ સોડાવાળાએ તો આમાં પણ સંશોધન કર્યું છે. તમે જે ફ્લેવરની સોડા માગો તો તે સોડાની અંદર ફ્રેશ ફ્રૂટ નાખીને પીરસે. પાઇનૅપલ, દાડમ, તરબૂચ, કિવી, ગ્રીન ઍપલ વેગરે સોડાની ચુસકી સાથે ફ્રૂટના નાના કટકા આવે એ આરોગવાની ખૂબ જ મજા આવે. કોઈક વાર જાઓ તો જરૂર ટ્રાય કરજો.
આઇસક્રીમની અનોખી દુનિયા
રાજકોટ પણ ભાવનગરથી જરાય કમ નથી. ત્યાં મોટા ભાગે બરફના ગોળા આધારિત ડિશને મુખ્યત્વે બાઉલ કહેવામાં આવે છે. ‘રામ ઓર શ્યામ’ આઇસક્રીમ બાઉલવાળાની શૉપ એટલી ફેમસ થઈ ગઈ છે કે એના અનેક નકલખોરોએ દુકાન શરૂ કરી દીધી છે એટલે તમને અંદાજ જ ન આવે કે ઓરિજિનલ કઈ છે. આઇસક્રીમ માટે પણ રાજકોટ સ્વર્ગ છે. જાતજાતની ફ્લેવર અને મરચાનો પણ આઇસક્રીમ બનાવવાનું શ્રેય રાજકોટને આપવું ઘટે.  રામ ઔર શ્યામનો આઇસક્રીમ બાઉલ અને રાજકોટની અનેક શૉપમાં ડિઝાઇનર આઇસક્રીમ ખાવાનો જબરદસ્ત ટ્રેન્ડ છે. જો ડિઝાઇનર આઇસક્રીમની જ વાત કરીએ તો ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે સેક્ટર-21માં આવેલા ‘તૃપ્તિ’ આઇસક્રીમનો ઉલ્લેખ કર્યા વગર ન ચાલે. ત્યાં વૅનિલા બેઝ્ડ આઇસક્રીમ પર એટલાં જાતજાતનાં ટૉપિંગ્સ નાખીને ડિઝાઇનર આઇસક્રીમ બનાવવામાં આવે છે કે તમને એ આઇસક્રીમનો બાઉલ જોવાની અને ખાવાની બન્ને મજા આવે.
ત્યાં એક ગોલ્ડ નામનો આઇસક્રીમનો જમ્બો કપ મળે છે, જેની કિંમત 500 રૂપિયા છે અને એના ઉપર સોનાનો વરખ મૂકેલો હોય છે. એ આઇસક્રીમ ખાવો હોય તો એક દિવસ પહેલાં ઑર્ડર આપવો પડે. અહીં એટલી બધી ભીડ હોય છે કે રવિવારે તો સાંજે આઠ વાગ્યે તો દુકાનનાં શટર પડી જાય છે.
સુરતી કોકો
સુરતી લાલાઓ તો ખાવા-પીવાના ગજબના શોખીન. ત્યાં ઠંડાં પીણાંમાં સૌથી વધુ કોલ્ડ કોકો ચાલે છે. દૂધમાં ચૉકલેટ પાઉડર અને બીજી સામગ્રી નાખીને મસ્ત મજાનું ચિલ્ડ ડ્રિન્ક બનાવે એને કોલ્ડ કોકો કહેવામાં આવે છે. એમાં આઇસક્રીમનો સ્કૂપ નાખીને ખાવાની પણ ખૂબ મજા આવે છે. સુરતમાં ઠેર-ઠેર મળે. ખાસ કરીને તીખી વાનગી ખાઈને ઉપર ઠંડું કોલ્ડ કોકો પીવાનો તેમને ખૂબ આનંદ આવે. બધાં શહેરોની વાત કરીને અમદાવાદ ભુલાય? અહીં ગિરીશ કોલ્ડ ડ્રિન્ક્સવાળાના જાતજાતના જૂસ ખૂબ વખણાય છે. મુખ્ય અને પહેલી શાખા માણેક ચોકમાં છે જ્યારે હવે તો પશ્ચિમ અમદાવાદમાં આશ્રમ રોડ, સી. જી. રોડ, આંબાવાડી સહિતનાં સ્થળોએ એની શાખા છે. જુહાપુરામાં એક જગ્યાએ દૂધીનો જૂસ અને લીલા નારિયેળનો જૂસ ખૂબ મસ્ત મળે છે. શહેરના રિલીફ રોડ વિસ્તારમાં ‘પ્રેમ મેવાડ’ નામની લારી શરૂ કરીને બદામ શેક વેચનાર એક ભાઈએ તો એવી ધૂમ મચાવી છે કે પાનના ગલ્લાની જેમ આ નામની લારીઓ શરૂ થઈ છે.
અમુક લારીઓ ઓરિજિનલની ફ્રૅન્ચાઇઝી છે (હા, લારીઓમાં પણ ફ્રૅન્ચાઇઝી હોં!), જ્યારે અમુક નકલી.
ઠંડક આપતી આ અનોખી દુનિયા ક્યારે ખૂલશે એ તો ખબર નથી, પણ ત્યાં સુધી ઘરે જાતે ચોક્કસ કંઈક હેલ્ધી ડ્રિન્ક્સ બનાવીને હૈયાને ટાઢક આપી શકાય.

હેલ્ધી ડ્રિન્ક્સ

ફાલૂદા
રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ફાલૂદાનું ખૂબ વેચાણ થાય છે. ફાલૂદામાં દૂધ, શરબત, આઇસક્રીમ, તકમરિયા અને નૂડલ્સ પ્રકારની સેવ આવે છે. પરંતુ એમાં જો સૌથી પૌષ્ટિક હોય તો એ કાળા રંગના અને રાઈથી થોડી મોટી સાઇઝના તકમરિયા હોય છે. એ શરીરને ઠંડક આપે છે અને તાપમાન જાળવવામાં મદદરૂપ થાય છે. તકમરિયા બજારમાં સરળતાથી મળે છે અને સાદા પાણીમાં પલાળીને એનો ઉપયોગ કરવાનો હોય છે. જો તમારે ફાલૂદાની અંદર ઉપયોગ ન કરવો હોય તો લીંબુના શરબતમાં એક ચમચી તકમરિયા નાખીને પીશો તો લીંબુ અને તકમરિયાના કારણે શરીરને ખૂબ સારું પોષણ મળશે.

આમલીનું ગોળવાળું શરબત
ઘણા લોકોને આમલી સદતી નથી પરંતુ એ વિટામિન સીનો ભંડાર, રોગપ્રતિકારક શક્તિ વધારતી, ગરમીમાં રક્ષણ આપતી અને દાળ તેમ જ શાકના સ્વાદમાં વધારો કરતી મસ્ત સામગ્રી છે. આમલીની ખટાશ જો થોડી ઓછી કરવી હોય તો એમાં ખજૂરને છૂંદીને નાખી શકાય છે. આમલી અને ખજૂરના ઠળિયા કાઢી એને મિક્સ કરીને પાણીમાં પલાળ્યા બાદ એને પાણીમાંથી કાઢી લેવું. એમાં સ્વાદ પ્રમાણે ગોળ, શેકેલું જીરુ, ચાટ મસાલો અને બરફ નાખીને ચિલ્ડ પીવાની મજા આવે છે.

વરિયાળીનું શરબત
એકદમ ઠંડક આપતું અને કોઈ પણ જાતનુ નુકસાન ન પહોંચાડે એવું આ શરબત છે. વરિયાળી લાવીને પાણીમાં પલાળી દેવાની હોય છે. પછી એમાં આખી સાકર અને પાણી નાખીને મિક્સરમાં પીસી લઈને એક પાતળા કપડામાં વરિયાળીનો ભૂકો નીકળી જાય એ રીતે પાણી કાઢી લેવાનું હોય છે. આ શરબત એટલું ટેસ્ટી હોય છે કે તમે બે ગ્લાસથી ઓછું તો નહીં જ પીઓ. વરિયાળીનો જે લચકો વધ્યો હોય એને સૂકવીને ફરીથી કોઈ વાનગી કે જેમાં વરિયાળીની જરૂર પડતી હોય છે એમાં ઉપયોગ કરી શકો છો.

કાળા-સફેદ જાંબુ, દાડમ, દ્રાક્ષ, પાઇનૅપલનું શરબત
કોઈ પણ ફ્રેશ ફ્રૂટ કે જેમાં પાણીનું પ્રમાણ વિશેષ હોય છે એનાં શરબત બનાવવાં ખૂબ જ ઈઝી હોય છે. કાળા અને સફેદ જાંબુ, દાડમ, પાઇનૅપલ, દ્રાક્ષ, તરબૂચ વગેરેના કટકા કરીને અથવા તો નાનાં ફળોના ઠળિયા કાઢીને સીધું મિક્સરમાં પીસી લઈને તેનો લચકો કાઢીને પીણું પીવાની અનોખી મજા આવે છે. એકદમ ફ્રેશ જૂસ શરીરને પોષણ, ગરમી સામે રક્ષણ અને એક આનંદની લાગણી આપે છે. આ ઉપરાંત બીલીનાં ફળ આવે છે એનું પણ શરબત બની શકે છે. આ બધાં શરબત તમે ઘરે જ બનાવી શકો છો અને લૉકડાઉન દરમિયાન ઇમ્યુનિટી વધારવામાં તમને મદદરૂપ થઈ શકે છે.

Gujarati food mumbai food indian food columnists