હેલ્થ ચેકઅપ કિયા ક્યા?

03 July, 2019 11:58 AM IST  |  મુંબઈ ડેસ્ક

હેલ્થ ચેકઅપ કિયા ક્યા?

પ્રતીકાત્મક તસવીર

પુરુષોએ કઈ ટેસ્ટ અચૂક કરાવવી?

આજકાલ યુવાન વયે જ સ્થૂળતા, હાઈ બ્લડ-પ્રેશર અને ડાયાબિટીઝ જેવા રોગના- લક્ષણો જોવા મળે છે. પાંત્રીસથી ચાળીસની યુવાન વયે દેખાતા આવા રોગ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઘણા જોખમી કહેવાય. સ્વાસ્થ્ય પ્રત્યે સામાન્ય બેદરકારીના કારણે કૅન્સર અને હાર્ટ-અટૅકના યંગ દરદીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આજની ફાસ્ટ લાઇફ-સ્ટાઇલમાં પાંત્રીસની વય વટાવતાં જ પુરુષોએ દર વર્ષે નીચે જણાવેલી કેટલીક ટેસ્ટ કરાવી લેવી જોઈએ એવું નિષ્ણાતોનું કહેવું છે.

બીએમઆઇ ટેસ્ટ : વ્યક્તિની લંબાઈ અને વજનને ધ્યાનમાં રાખી કરવામાં આવતું બીએમઆઇ (બૉડી માસ ઇન્ડેક્સ) એક સામાન્ય સ્વાસ્થ્ય પરીક્ષણ છે. આ ટેસ્ટથી સ્થૂળતાની ચકાસણી કરી શકાય છે. બીએમઆઇ ૧૮.૫થી ૨૪.૯ની વચ્ચે હોય એ તંદુરસ્તીની નિશાની કહેવાય. એનાથી વધુ આવે તો ખાવાપીવામાં કાળજી લેવાનું શરૂ કરી દેવું.

બ્લડ-શુગર : લોહીમાં શર્કરાની માત્રા વધી જાય તો ડાયાબિટીઝનો રોગ ભરડો લઈ શકે છે. વર્ષમાં એક વાર બ્લડ-શુગર ચેક કરાવી લેવું હિતાવહ છે. ડાયાબિટીઝનાં પ્રાથમિક લક્ષણો દેખાય તો લાઇફ-સ્ટાઇલમાં પરિવર્તન કરવાથી અને દવાની મદદથી એને ટાળી શકાય છે. એક વાર વધી ગયા પછી આજીવન દવા પર રહેવું પડશે.

કૉલેસ્ટરોલ : કૉલેસ્ટરોલના કારણે બ્લડ-સક્યુર્લેશનમાં અવરોધ ઊભો થાય છે. તેથી હાર્ટ-અટૅક, કાર્ડિઍક અરેસ્ટ અને હાર્ટ બ્લૉકની સંભાવના વધી જાય છે. પાંત્રીસની વય બાદ દર વર્ષે કૉલેસ્ટરોલ લેવલ ચેક કરાવવાથી હૃદય સંબંધિત રોગનું જોખમ ઓછું થઈ જાય છે. આપણા શરીરમાં ગુડ કૉલેસ્ટરોલની માત્રા ૪૦ મિલીગ્રામથી ઓછી, ટ્રાઇગ્લિસરાઇડ્સનો સ્તર ૧૫૦થી વધુ અને ફાસ્ટિંગ ગ્લુકોઝનો સ્તર ૧૦૦થી વધુ હોવો જોઈએ.

મેટાબોલિઝમ : આપણા સ્વાસ્થ્યને શરીરના મેટાબોલિઝમ સાથે સીધો સંબંધ છે. જો મેટાબોલિઝમ નબળું હોય તો ડાયાબિટીઝ અને સ્થૂળતાનું જોખમ વધી જાય છે. કમરનો ઘેરાવો ૪૦થી વધી જાય તો મેટાબોલિક સિન્ડ્રૉમનું પરીક્ષણ કરાવવું.

દાંતની તપાસ : દાંતને પણ તમારા હૃદય સાથે સંબંધ છે. દાંતના સામાન્ય રોગથી પણ હાર્ટ-અટૅક આવી શકે છે. વર્ષમાં એક વાર દાંતની તપાસ પણ કરાવી લો.

મહિલાઓએ કઈ ટેસ્ટ અચૂક કરાવવી?

મૉડર્ન લાઇફ-સ્ટાઇલના કારણે મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સર, કૉલેસ્ટરોલ અને બ્લડ-પ્રેશર જેવી બીમારીઓ સામાન્ય થતી જાય છે. રોગના સકંજામાં આવ્યા બાદ એના ઇલાજ પાછળ પૈસા, સમય અને શક્તિ વેડફાઈ જાય એ પહેલાં કેટલીક હેલ્થ ટેસ્ટ કરાવી લેવી હિતાવહ છે. નિયમિતપણે પરીક્ષણ કરાવવાના બે ફાયદા છે. એક, તમારું શરીર અંદરથી નીરોગી છે કે નહીં એની જાણ થઈ જાય અને બીજું, સમયસર રોગનું નિદાન થવાથી પ્રારંભિક તબક્કામાં સારવાર શરૂ કરી રોગને વકરતો ટાળી શકાય. નિષ્ણાતોનું કહેવું છે કે સ્વસ્થ જીવન માટે મહિલાઓએ નીચે આપેલી કૉમન હેલ્થ ટેસ્ટ કરાવી લેવી જોઈએ.

બ્રેસ્ટ ચેકઅપ : દરેક મહિલાને પોતાનાં સ્તન વિશે સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. દર મહિને માસિક સ્રાવના પંદર દિવસ બાદ મહિલાઓએ પોતાનાં સ્તનનું જાતે પરીક્ષણ કરી લેવું. બ્રેસ્ટ પર ક્લૉક ઍન્ડ ઍન્ટિક્લૉક ડિરેક્શનમાં હાથ ફેરવી તપાસી લેવું. ગાંઠ જેવું જણાય અથવા કોઈ પ્રકારના પરિવર્તનનો અનુભવ થાય તો ડૉક્ટરનો સંપર્ક કરવો. ૪૦ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે બ્રેસ્ટ-સ્ક્રીનિંગ કરાવવું. જો ફૅમિલીમાં કોઈને બ્રેસ્ટ-કૅન્સર હોય તો નિષ્ણાતની સલાહ લઈ સમયાંતરે મૅમોગ્રાફી કરાવતાં રહેવું.

પેલ્વિક એક્ઝામ : દરેક મહિલાએ વર્ષમાં એક વાર પેલ્વિક ટેસ્ટ કરાવવી જોઈએ. આ પરીક્ષણ કરાવી લેવાથી અનેક ગાયનેકોલૉજિકલ સમસ્યાઓનું નિદાન થઈ જાય છે. ફાઇબ્રૉઇડ, કૅન્સર, સિસ્ટ અને સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝથી બચવા તેમ જ પ્રજનન અવયવના સ્વાસ્થ્ય માટે આ પરીક્ષણ અત્યંત મહત્ત્વનું છે. ૨૧થી ૩૫ વર્ષની મહિલાઓએ દર બે વર્ષે અને ૩૫થી ૬૦ વર્ષની મહિલાઓએ દર ત્રણ વર્ષે પેપ સ્મીઅર ટેસ્ટ પણ કરાવવી.

બ્લડ-પ્રેશર અને કૉલેસ્ટરોલ : તમે સ્વસ્થ હો તો પણ દર વર્ષે બ્લડ-પ્રેશર ચેક કરાવતા રહો. હાઈ બ્લડ- પ્રેશર હાર્ટ-અટૅકનું કારણ બની શકે છે. હાર્ટ-ફેલ્યર, સ્ટ્રોક, કિડની સંબંધિત બીમારીમાં બ્લડ-પ્રેશર પ્રમુખ કારણ હોય છે. હૃદયના સ્વાસ્થ્ય માટે બ્લડ-પ્રેશરની જેમ જ એલડીએલ (લો ડેન્સિટી લિપોપ્રોટીન) અને એચડીએલ (હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન) સહિત ટોટલ કૉલેસ્ટરોલ અને ટ્રાયગ્લિસરાઇડ ટેસ્ટ પણ દર પાંચ વર્ષે કરાવી લેવી.

ડાયાબિટીઝ : તમને શુગરની સમસ્યા ન હોય તો પણ ૪૫ વર્ષની વય બાદ દર ત્રણ વર્ષે ડાયાબિટીઝનું પરીક્ષણ જરૂરી છે. કમ્પ્લીટ ટેસ્ટ માટે ફાસ્ટિંગ કરીને તેમ જ જમ્યા પછી બે કલાક બાદ એમ બન્ને ટેસ્ટ કરાવવી.

આઇ એક્ઝામ : સ્માર્ટ ફોન અને કમ્પ્યુટરના જમાનામાં આંખોના ચેકઅપને બિલકુલ નજરઅંદાજ ન કરી શકાય. નાનપણથી જ તમને ચશ્માંના નંબર ન હોય તો પણ ૨૦થી ૨૯ વર્ષની વયમાં વર્ષમાં ઓછામાં ઓછું એક વાર તેમ જ ૩૦થી ૩૯ વર્ષની વયમાં વર્ષમાં બે વાર આઇ ચેકઅપ કરાવવું. ૪૦ની ઉંમર પછી દર વર્ષે બેઝલાઇન આઇ ડિસીઝ સ્ક્રીનિંગ કરાવતા રહેવું જોઈએ.

આ પણ વાંચો : હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો

બોન ડેન્સિટી : ઑસ્ટિયોપોરોસિસ હાડકાને લગતી સામાન્ય બીમારી છે જે ઘણી સ્ત્રીઓને અસર કરે છે. આ સ્થિતિમાં હાડકાં નબળા પડી જતાં ફ્રૅક્ચર થવાની સંભાવના વધી જાય છે. મોટા ભાગે ૬૫ વર્ષની વય બાદ આ સમસ્યા ઊભી થાય છે, પરંતુ કેટલાક કેસમાં મેનોપૉઝના તબક્કામાં જ્યારે શરીરમાં કૅલ્શ્યિમ અને વિટામિન ડીની ઊણપ જોવા મળે ત્યારે પણ હાડકાં નબળાં પડી જાય છે. ૩૦ વર્ષની ઉંમર બાદ તમારાં હાડકાંની ડેન્સિટી જાણવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લઈ ટેસ્ટ કરાવી શકાય.

health tips columnists