શંખપ્રક્ષાલન: આંતરડાંની સાફસફાઈ કરવાનું કામ કરનારી યોગની આ શુદ્ધિક્રિયા

02 July, 2020 07:32 PM IST  |  Mumbai | Ruchita Shah

શંખપ્રક્ષાલન: આંતરડાંની સાફસફાઈ કરવાનું કામ કરનારી યોગની આ શુદ્ધિક્રિયા

યોગમાં છ પ્રકારનાં ષટ્કર્મ આપ્યાં છે, જેનો આશય હોય છે શુદ્ધિકરણનો.

યોગમાં છ પ્રકારનાં ષટ્કર્મ આપ્યાં છે, જેનો આશય હોય છે શુદ્ધિકરણનો. હઠયોગપ્રદીપિકા અને ઘેરણ્ડસંહિતા જેવા યોગિક ગ્રંથોમાં શુદ્ધિક્રિયા પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. યોગનાં પુસ્તકોમાં ડિસ્કસ થયેલી આ શુદ્ધિક્રિયાઓનો બહોળો ઉપયોગ આયુર્વેદમાં પંચકર્મની ટેક્નિકમાં પણ થાય છે. કોઈ પણ રોગ નિવારવા અથવા શરીરને પુષ્ટ કરતાં પહેલાં એ સ્વચ્છ હોય અને ટૉક્સિન્સની ઓછામાં ઓછી માત્રા હોય એ જરૂરી ગણાય છે. જો શરીર શુદ્ધ હશે તો આસન, પ્રાણાયામ અને ધ્યાનની અવસ્થા સુધી પહોંચવું વધુ સરળ બનશે. આ ષટ્કર્મ છે કપાલભાતિ, નેતિ, ધૌતિ, નૌલિ, બસ્તી અને ત્રાટક. ધૌતિ એટલે ધોવું. આ ધૌતિનો જ એક પ્રકાર છે શંખપ્રક્ષાલન. વિવિધ યોગનાં પ્રાચીન પુસ્તકોમાં એનો ઉલ્લેખ આવે છે. વારિસાર ક્રિયા તરીકે પણ કેટલાક ગ્રંથોમાં એ પ્રચલિત છે. શંખ અને પ્રક્ષાલન આ બે શબ્દોથી બનેલા આ શબ્દમાં શંખ એટલે તમારાં આંતરડાં. આંતરડાં પણ શંખના અંદરના ભાગની જેમ સહેજ જટિલ રીતે પેટની અંદર સ્થાન ધરાવે છે અને પ્રક્ષાલન એટલે સાફ કરવું, ધોવું. આ એવી પદ્ધતિ છે જેમાં તમે તમારાં આંતરડાંને ધોઈને સાફ કરો છો. ઘણાબધા રોગોને દૂર કરવામાં એ લાભકારી છે. બેશક, ઍડ્વાન્સ્ડ પ્રૅક્ટિસ છે અને ક્યારેય જાતે-જાતે કોઈની દેખરેખ વિના આ પ્રૅક્ટિસ ન કરવી જોઈએ. જોકે આજે શંખપ્રક્ષાલનમાં શું કરવાનું હોય છે અને એ કઈ રીતે શરીરને સાફ કરે છે, કયા રોગોમાં લાભ કરે છે અને કરતી વખતે કેવી સાવધાનીઓ રાખવી જોઈએ એ વિશે આયુર્વેદિક ડૉક્ટર, ન્યુટ્રિશનિસ્ટ, યોગઅભ્યાસુ અને મૅરથૉન કોચ ડૉ. ભાવના દિયોરા સાથે વાત કરીએ.
કરવાનું શું?
આપણાં બન્ને આંતરડાં મળીને લગભગ પચીસથી ત્રીસ ફીટ લાંબાં છે પણ ઍબ્ડોમિનલ કૅવિટીમાં ગૂંચળું વાળીને પડ્યાં છે. આ આંતરડાંને સાફ કરવાનું કામ સરળ નથી પણ અશક્ય પણ નથી. ડૉ. ભાવના કહે છે, ‘હું લગભગ ચારથી પાંચ દિવસના પ્રોગ્રામમાં આ ક્રિયા કરાવતી હોઉં છું જેમાં પહેલાં શરીરને તૈયાર કરીએ શંખપ્રક્ષાલન માટે અને પછી મીઠું અને લીંબુયુક્ત હૂંફાળું પાણી પીવાનું અને વિવિધ આસનો કરવાનાં. વધુપડતું સૉલ્ટ જો શરીરમાં જાય તો બૉડી એને બહાર ફેંકવાની કોશિશ કરે. એટલે આંતરડામાં તમે મીઠાવાળા પાણીથી એક પ્રકારનું પ્રેશર ક્રીએટ કર્યું અને એને દિશા આપવાનું કામ આપણે આસનોથી કરીએ છીએ. બધી જ ઇન્સ્ટિટ્યૂટ શંખપ્રક્ષાલન માટે જુદાં-જુદાં આસનો સજેસ્ટ કરે છે. અમે પાંચ પ્રકારનાં આસનો કરાવીએ છીએ જેમાં પહેલાં ત્રણ આસનો એટલે કે તાડાસન, તિર્યંક તાડાસન અને કટિચક્રાસન અપર ઍબ્ડોમિનલ ટ્રૅકને ક્લીન કરવાની દિશામાં તૈયાર કરે છે અને ભુજંગાસન તથા ઉદરાકર્ષણાસન લોઅર ઍબ્ડોમિનલ પર કામ કરે છે. અમુક પોઝિશનનાં આસન કરવાથી પેટના જે-તે હિસ્સાને જોઈતો સ્ટ્રેચ મળે અને પેટની અંદર રહેલાં અશુદ્ધ તત્ત્વો ગુદાદ્વાર દ્વારા બહાર ફેંકવામાં આસાની રહે. બેઝિકલી શંખપ્રક્ષાલનમાં તમે કંઈ નથી કરતા, કામ તો તમારું શરીર જ કરે છે પરંતુ તમે એને સાફ થવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરી આપો છો.’
પાણી કેવું?
શંખપ્રક્ષાલનમાં લગભગ એકથી પાંચ લિટર જેટલું પાણી ટુકડે-ટુકડે પીવાનું હોય છે. પહેલી વારમાં ગળા સુધી આવે એટલું પાણી પીને પછી આસનોનાં પાંચ-પાંચ રાઉન્ડ કરવાનાં હોય છે. આસન કર્યા પછી સામાન્ય રીતે વ્યક્તિને મોશન લાગે છે. પહેલી વાર ટૉઇલેટ જશો ત્યારે સૉલિડ મોશન થશે. એ પછી ફરી પાણી પીવાનું, આસનો કરવાનાં અને એ દરમ્યાન ફરી ટૉઇલેટ જવું પડે. પહેલાં સોલિડ, પછી સેમી સૉલિડ, પછી તદ્દન પાણી જેવા અને છેલ્લે તમે જે પાણી પીધું એ જ ગુદાદ્વારમાંથી બહાર નીકળે ત્યાં સુધી આખી પ્રોસેસ કરતા રહેવાની હોય છે. યાદ રહે શંખપ્રક્ષાલનમાં હૂંફાળું પાણી જ લેવાનું હોય છે. હઠરત્નાવલિ નામના પુસ્તકમાં અહીં મીઠાવાળા પાણીને બદલે ગોળવાળા પાણીનો પ્રયોગ કહ્યો છે. હાઈ બ્લડ-પ્રેશર અને હાર્ટના પ્રૉબ્લેમવાળી વ્યક્તિને મીઠાનું પાણી અવૉઇડ કરાવી લીંબુનું પાણી આપવામાં આવે છે, કેટલાક કેસમાં દૂધમાં પાણી નાખીને એ આપવામાં આવે છે. જોકે કયો પ્રવાહી પદાર્થ લેવો એ વ્યક્તિની કન્ડિશન અને પ્રકૃતિ પર નિર્ભર કરે છે. લગભગ બેથી અઢી કલાકમાં તમે પીધેલું બધું પાણી ગુદાદ્વારથી બહાર આવી જાય એ પછી ૪૫ મિનિટનું શવાસન કરવાનું હોય છે. શંખપ્રક્ષાલનમાં આંતરડાને સ્વચ્છ કર્યા પછી જીરું, હળદર અને ઘી નાખેલી ખીચડી ખાવાનું કહેવામાં આવે છે અને લગભગ સાત દિવસ સુધી સાદો અને સાત્ત્વિક આહાર લેવાનું કહેવામાં આવે છે.
કોણ ન કરી શકે?
આ ક્રિયા કોઈ પણ હેલ્ધી વ્યક્તિએ જ કરવી જોઈએ. ડૉ. ભાવના કહે છે, ‘અહીં અનુભવી પ્રશિક્ષક જ નક્કી કરી શકે કે કોણ આ ક્રિયા કરી શકે. વ્યક્તિની કન્ડિશન પ્રમાણે આસનો અને મેથડ બન્નેમાં બદલાવ અમે કરતા હોઈએ છીએ. એ પછી પણ રીસન્ટ સર્જરી કરાવી હોય,
હાર્ટ-ડિસીઝ, હાઈ બ્લડ-પ્રેશરવાળા હોય તો સાચવીને કરવું.’

મારી યોગ-યાત્રા - એટલાબધા ફાયદા થયા કે હવે આ ભાઈએ આખા પરિવારને કમ્પલ્સરી યોગમાં જોડી દીધો

નાલાસોપારામાં રહેતા અકાઉન્ટન્ટ સુનીલ શાહના આખા પરિવારના લગભગ તમામ સભ્યો યોગ કરે છે. ૨૦૦૩માં સુનીલભાઈને કમળો થયો. ૨૦૦૪માં ડેન્ગી. એ પહેલાં સુધી તેમની હેલ્થ હંમેશાં નાજુક રહેતી. વાયુપ્રકોપ એવો તેજ કે છાતીના દુખાવામાં એમ જ લાગે કે હવે તેઓ નહીં જીવે. સુનીલભાઈ કહે છે, ‘મારી ઑફિસમાંથી મને ઘરે મૂકવા આવવો પડે એવી તકલીફ હતી. નાનપણથી યોગ માટે આકર્ષણ હતું, પણ યોગ્ય ગુરુના અભાવે ક્યારેય કરી શક્યો નહોતો. જોકે આટલી તકલીફ વચ્ચે મને એક વાર ટ્રેનમાં જતો હતો ત્યારે ખબર પડી કે નાલાસોપારામાં મારા બિલ્ડિંગની સામે જ એક હૉલમાં યોગનું પ્રશિક્ષણ ચાલે છે અને હું પહોંચી ગયો ત્યાં. દર રવિવારે ક્લાસ હોય. અંબિકા યોગ કુટિરમાં નિઃશુલ્ક યોગના વર્ગ ચાલે છે. અહીં આવ્યા પછી બરાબર ટ્રેઇનિંગ શરૂ કર્યા પછી એટલાબધા ફાયદા થયા છે કે ન પૂછો વાત. જલનેતિ કરવાને કારણે ઘણાબધા સાઇનસને લગતા પ્રૉબ્લેમ દૂર થઈ ગયા. વાતપ્રકોપ એ દિવસ પછી થયો નથી. ૨૦૦૫થી હું છેલ્લે માંદો ક્યારે પડેલો એ પણ યાદ નથી. શ્વસનને લગતી સમસ્યા કપાલભાતિથી દૂર થઈ ગઈ. પાચનની સમસ્યા દૂર થઈ. ઊંઘ સારી આવે છે. મને અદ્ભુત પરિણામો યોગ દ્વારા મારી અંદર દેખાયાં છે. મારી હેલ્થ સુધી, માનસિક અને આધ્યાત્મિક રીતે પણ યોગને કારણે હું વિકસ્યો છું એવું મને લાગે છે.’

શું ફાયદા છે?
આપણા આખા શરીરની તંદુરસ્તીનો માપદંડ આપણા પેટની હેલ્થ પર ડિપેન્ડ કરે છે. ડૉ. ભાવના કહે છે, ‘આપણી બદલાયેલી જીવનશૈલીને કારણે પેટની હેલ્થમાં બહુ ગડમથલો ઊભી થઈ છે. એ સમયે કુદરતી રીતે પેટનું ક્લેન્ઝિંગ કરતી આ ટેક્નિક ગટની હેલ્થ માટે બહુ જ સારી પુરવાર થઈ છે. આંતરડામાં રહેલા સારા બૅક્ટેરિયાનું પ્રમાણ વધે છે, અપચો દૂર થાય છે. પેટમાં ભેગો થયેલો આમપદાર્થ બહાર નીકળી જાય છે. તમારાં આંતરડાં અને બ્રેઇન વચ્ચે ડાયરેક્ટ કનેક્શન છે. એટલે શંખપ્રક્ષાલનથી સાઇકોસમૅટિક ડિસઑર્ડર દૂર થાય છે. અલર્ટનેસ વધે છે. ડિપ્રેશન અને ઍન્ગ્ઝાયટી દૂર થાય છે. ડાયાબિટીઝમાં લાભ કરે છે. વજનમાં ઘટાડો થાય છે. કોઈ પણ જાતના સ્કિન ડિસઑર્ડરમાં ફરક પડે છે. તમે ખૂબ જ લાઇટ અને તાજગીનો અનુભવ કરો છો.’

health tips ruchita shah columnists