કસુવાવડનું કષ્ટ જ્યારે વેઠવું પડે...

17 March, 2020 04:45 PM IST  |  Mumbai | Varsha Chitaliya

કસુવાવડનું કષ્ટ જ્યારે વેઠવું પડે...

પ્રતીકાત્મક તસવીર

માતૃત્વ. સ્ત્રીના જીવનનો સૌથી શ્રેષ્ઠ તબક્કો. આ એવી અવસ્થા છે જેને વિશ્વની દરેક સ્ત્રી ઝંખે છે. ગર્ભધારણ કરતાં જ તેના ચહેરાની રંગત બદલાઈ જાય છે. આવનારા સંતાનને આવકારવા મન ઉતાવળિયું બને છે. સંતાનના આગમનની તૈયારીઓ ચાલતી હોય ત્યારે અચાનક તમામ સ્વપ્નોને તહસનહસ કરી નાખે છે મિસકૅરેજ. અજન્મેલા સંતાનને ગુમાવી દેવાની ઘટના કોઈ પણ સ્ત્રીને અંદરથી ઝંઝોડી નાખે છે. કસુવાવડ એવો શબ્દ છે જેનો શાબ્દિક અર્થ તો બધા જાણે છે, પરંતુ એનો સાચો અર્થ એ જ સમજી શકે જેણે આ કષ્ટને જીરવ્યું છે.

ગર્ભાવસ્થા જીવનનો સુંદર તબક્કો છે તો કસુવાવડ સ્ત્રીના જીવનનો સૌથી કપરો સમય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આપણા દેશમાં વીસ ટકા ગર્ભાવસ્થા કસુવાવડમાં પરિણમે છે. માતા બનવાની ખુશીને એકઝાટકે ખતમ કરી નાખતી આ ઘટનાની સ્ત્રીના મગજ પર વિપરીત અસર થાય છે. શારીરિક પીડા કરતાં મનની પીડા વધી જાય છે. આવું કેમ થયું? હું ફરી માતા બની શકીશ કે નહીં? એવા પ્રશ્નો ઊભા થાય છે. તો કેટલીક સ્ત્રીઓને ફરીથી ગર્ભધારણનો ભય પણ સતાવે છે. પોસ્ટ-મિસકૅરેજ ડિપ્રેશનમાંથી બહાર નીકળવા તેને મેડિકલ ઉપરાંત ઇમોશનલ સપોર્ટની ખૂબ જરૂર પડે છે. આજે આપણે આ વિષય પર વિસ્તારથી વાત કરીશું.

કસુવાવડનાં કારણો

માતાના ઉદરમાં જ બાળકનું મૃત્યુ થવું એટલે કસુવાવડ. વીસ ટકા ગર્ભાવસ્થા કસુવાવડમાં પરિણમે છે એવા આંકડા સાચા છે, પરંતુ ૧૮ ટકા જેટલા કેસમાં મહિલાને પોતાને જ ખબર નથી હોતી કે તેની કસુવાવડ થઈ ગઈ છે. જાણીને આશ્ચર્ય થશે પણ આ હકીકત છે એમ જણાવતાં ઐરોલી, નવી મુંબઈના ઇન્ફર્ટિલિટી ઍન્ડ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી એક્સપર્ટ ડૉ. વિશ્વાસ પરુલેકર કહે છે, ‘મિસકૅરેજનાં ત્રણ કારણો હોઈ શકે છે. પહેલાં ત્રણ મહિનાની અંદર બ્લીડિંગ શરૂ થઈ જવું, ઑટોઇમ્યુન ડિસઑર્ડરના લીધે જન્મતાં પહેલાં જ બાળકનું મૃત્યુ અને ત્રીજું પ્રોજેસ્ટરોન હૉર્મોન અથવા યુટ્રસને લગતી સમસ્યા. પહેલા ત્રિમાસિકમાં કસુવાવડ થવાનું જોખમ વધુ છે. ફર્ટિલિટીની એજમાં માસિક સ્કિપ થઈ જાય અથવા થોડા દિવસ પાછળ ઠેલાઈ જાય અને પછી વધુ પ્રમાણમાં રક્તસ્રાવ થાય એવા સામાન્ય કેસમાં કસુવાવડ થઈ ગઈ હોય છે. આ બાબતની મોટા ભાગની મહિલાઓને જાણકારી હોતી નથી.’

ઑટોઇમ્યુન ડિસઑર્ડરમાં માતાનું શરીર બાળકને સ્વીકારતું નથી એવી માહિતી આપતાં તેઓ કહે છે, ‘આ અસામાન્ય સ્થિતિ છે જેમાં મધરની બૉડી ભ્રૂણને પ્રોટેક્ટ કરવામાં ફેલ જાય છે. માતાના શરીરમાં ઍબ્નૉર્મલ ઍન્ટિબૉડીઝ તૈયાર થવા લાગે છે. આ કન્ડિશનમાં વારંવાર (ઉપરાઉપરી) કસુવાવડની શક્યતા વધી જાય છે. ગર્ભધારણ કરવા માતાના શરીરમાં પ્રોજેસ્ટરોન હૉર્મોનનો સપોર્ટ અત્યંત જરૂરી છે. આ હૉર્મોનની માત્રા ઓછી હોય ત્યારે કસુવાવડ થઈ જાય છે. આ ઉપરાંત યુટ્રસને લગતી કોઈ સમસ્યામાં પણ વારંવાર કસુવાવડ થવાનું જોખમ રહેલું છે. ત્રીજાથી છઠ્ઠા મહિનામાં કસુવાવડ થાય એને પ્રી-મૅચ્યોર ડિલિવરી કહેવાય. ફરક એટલો કે એમાં બાળક મૃત્યુ પામ્યું છે. આ ઉપરાંત મોટી ઉંમરે ગર્ભધારણ અને રોગ જેવાં કારણોસર પણ કસુવાવડ થઈ શકે છે.’

ગર્ભપાત અને કસુવાવડ

ગર્ભપાત અને કસુવાવડ વચ્ચે મહિલાઓમાં ગેરસમજણ પ્રવર્તે છે. એમાં શું તફાવત છે એવા પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. પરુલેકર કહે છે, ‘મેડિકલ ટર્મ્સમાં અબૉર્શન અને મિસકૅરેજ બન્નેનો અર્થ એક જ થાય છે. કોઈ પણ રીતે જન્મ પહેલાં બેબીનું ડેથ થવું. તફાવતની વાત કરીએ તો કસુવાવડ કુદરતી અને અચાનક બનતી ઘટના છે, જ્યારે ગર્ભપાતમાં ડૉક્ટરનો રોલ આવી જાય છે તેમ જ એ માટે માતાની માનસિક તૈયારી હોય છે. સાયન્સ બહુ આગળ વધી ગયું છે. આવનારા સંતાનમાં ખોડખાંપણ હોય, માતાના જીવને જોખમ હોય અથવા અન્ય કોઈ ગંભીર કારણસર કાયદેસર રીતે ગર્ભપાતની પ્રક્રિયાથી ભ્રૂણને દૂર કરવામાં આવે છે. જોકે બન્નેમાં છેવટે તો સ્ત્રી પોતાના ઉદરમાં ઊછરી રહેલા બાળકને ગુમાવી દે છે.’

ડિપ્રેશનનો તબક્કો

ઉદરમાં ઊછરી રહેલા સંતાનનું અચાનક મૃત્યુ માતાને હતાશ કરી નાખે છે એનું કારણ છે બાળક સાથે ભાવનાત્મક સંબંધ. પોસ્ટ-મિસકૅરેજ ડિપ્રેશન સંદર્ભે વાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ ડૉ. સંતોષ બાંગર કહે છે, ‘માતા બનવાની છું એવી ખબર પડે ત્યારથી સ્ત્રી સંતાનના આગમનની તૈયારીમાં જોતરાઈ જાય છે. સંતાન સાથે તેનું અટૅચમેન્ટ થઈ જાય છે. પ્રથમ સંતાન હોય ત્યારે કપલ શૉપિંગથી લઈ રૂમને ડેકોરેટ કરવાનું પ્લાનિંગ કરે છે. ઘરની દરેક વ્યક્તિ માતાની ખાસ સંભાળ રાખે છે. પતિ-પત્ની દીકરી આવશે તો આ નામ રાખીશું અને દીકરો હશે તો આ નામ રાખીશું જેવી ચર્ચા કરે છે. સોનોગ્રાફીમાં બેબીને જુએ. એવામાં મિસકૅરેજ થઈ જાય તો આઘાત લાગવો સ્વાભાવિક છે. કહે છેને કે ટાઇમ ઇઝ બેસ્ટ હીલર. સામાન્ય રીતે માનસિક હતાશાનો આ ગાળો ટૂંકો હોય છે. થોડો વખત માતા અપસેટ રહે છે, રડે છે પછી હસબન્ડ અને ફૅમિલીના સપોર્ટથી નૉર્મલ થઈ જાય છે.’

લગ્નજીવનનાં ઘણાં વર્ષે ગર્ભ રહ્યો હોય, મોટી ઉંમર હોય અથવા બે કે ત્રણ કસુવાવડ થઈ ગઈ હોય એવી સ્ત્રીમાં ઍન્ગ્ઝાયટીનું સ્ટેજ આવે છે એમ જણાવતાં ડૉ. બાંગર કહે છે, ‘વારંવાર સંતાનનો લૉસ થાય કે વર્ષો પછી માતા બનવાનું સુખ પ્રાપ્ત થવાનું હોય અને અચાનક લૉસ થાય તો મનમાં ભય પેસી જાય કે હવે બાળકનું સુખ પ્રાપ્ત થશે કે નહીં? કેટલાક કેસમાં ઍન્ગ્ઝાયટીનું લેવલ એટલું વધી જાય છે કે કન્સીવ કરવામાં મુશ્કેલી નડે છે. ઘણી વાર ડરના લીધે કસુવાવડ થઈ જાય છે. ડિપ્રેશનનો તબક્કો આ ડરમાંથી ઉદ્ભવે છે. કેટલીક સ્ત્રીઓ ખૂબ લાગણીશીલ હોય છે. તેને લાગે છે કે મારામાં કોઈ ખામી છે. અન્ય સ્ત્રીઓ ગરમ પડે એવી વસ્તુ ખાતી હોઈશ એટલે બાળક નથી રહેતું જેવી જાતજાતની સલાહ આપવા લાગે છે. વડીલો ટોણા મારે છે. સામાજિક પ્રેશર, ગિલ્ટની ભાવના અને ઍન્ગ્ઝાયટી આ બધું ભેગું થાય એટલે ડિપ્રેશન આવે. એકાદ કેસમાં એવું પણ બને કે નવ મહિના સુધી બાળકને ઉદરમાં ઉછેર્યા બાદ તેનું મૃત્યુ થઈ જાય. આ સ્થિતિમાં પણ ડિપ્રેશન આવી શકે છે.’

ઇલાજ શું?        

એક વાર કસુવાવડની પીડામાંથી પસાર થઈ ગઈ હોય એવી માતાએ બીજી વાર ગર્ભધારણ કરતાં પહેલાં ડૉક્ટર પાસે કેટલાંક પરીક્ષણ કરાવી લેવાં જરૂરી છે એમ જણાવતાં ડૉ. પરૂલેકર કહે છે, ‘પ્રોજેસ્ટરોન હૉર્મોનની સમસ્યા હોય તો ટૅબ્લેટ્સ અથવા ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે. હૉર્મોનના પાવરથી બેબી ડેવલપ થાય છે. વારંવાર કસુવાવડમાં માત્ર માતાની જ નહીં પિતાની સારવાર પણ કરવી પડે છે. ઍબ્નૉર્મલ ઍન્ટિબૉડીઝ અને યુટ્રસની સારવાર કરાવ્યા બાદ ફૅમિલી પ્લાન કરવું જોઈએ. શુગરની સમસ્યા હોય એવી મહિલાઓએ ગર્ભધારણ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું પડે. કેટલાક કેસમાં મેડિસિન કામ લાગતી નથી એવું પણ બને. કસુવાવડનો ભય સતાવતો હોય એવી સ્ત્રીઓને ગર્ભધારણ કરતાં પહેલાં કાઉન્સેલિંગની સલાહ આપવામાં આવે છે.’

સૌથી પહેલાં તો ગાયનેક પાસે જઈ તમામ પ્રકારનાં સ્ક્રીનિંગ કરાવી લેવાં જોઈએ એ પછી પણ કન્સીવ કરવાનો ભય સતાવે તો કાઉન્સેલિંગ ફરજિયાત બની જાય છે એમ જણાવતાં ડૉ. બાંગર કહે છે, ‘ગુસ્સો આવવો, નકારાત્મક વિચારો આવવા, મેન્ટલ ડિસઑર્ડર વગેરે સમસ્યા ઉદ્ભવે ત્યારે ફૅમિલીની સપોર્ટ સિસ્ટમ સૌથી વધુ જરૂરી છે. બાળક ગુમાવી દેવાની વાતો કર્યા કરવાથી તકલીફમાં વધારો થાય છે. બાળકની યાદ અપાવ્યા કરે એવી વસ્તુઓ સામે ન રાખવી. મેડિટેશન અને એક્સરસાઇઝ પણ હેલ્પ કરી શકે છે.’

પહેલા ત્રિમાસિકમાં કસુવાવડ થવાનું જોખમ સૌથી વધુ હોય છે. ગર્ભધારણ કર્યાના ત્રણ મહિનાની અંદર બ્લીડિંગ શરૂ થઈ જવું, ઑટોઇમ્યુન ડિસઑર્ડર, પ્રોજેસ્ટરોન હૉર્મોન અથવા યુટ્રસને લગતી સમસ્યા જેવા જુદા-જુદા કારણોસર કસુવાવડ થઈ શકે છે. બીજી વાર ગર્ભધારણ કરતાં પહેલાં જરૂરી તબીબી પરીક્ષણ કરાવી લેવાં જોઈએ. ઇન્જેક્શન અને ટૅબ્લેટ્સ દ્વારા સારવાર શક્ય છે

- ડૉ. વિશ્વાસ પરુલેકર

પ્રથમ કસુવાવડ બાદ ફરી ગર્ભધારણ કરતી વખતે બાળકને ગુમાવી દેવાનો ભય, સામાજિક પ્રેશર અને ગિલ્ટની ભાવના માતાને હતાશ કરી નાખે છે. એક કરતાં વધુ વખત કસુવાવડ થાય ત્યારે ઍન્ગ્ઝાયટીનું લેવલ વધી જાય અને એ ડિપ્રેશનમાં પરિણમે છે. ડિપ્રેશનમાંથી બહાર નીકળવા કાઉન્સેલિંગ, મેડિટેશન અને ફૅમિલીની સપોર્ટ સિસ્ટમની જરૂર પડે છે

- ડૉ. સંતોષ બાંગર

Varsha Chitaliya health tips columnists