સ્મોકિંગ સિવાય બીજાં કારણોને લીધે થઈ શકે છે ફેફસાંનું કૅન્સર

25 January, 2019 04:34 PM IST  |  | જિગીષા જૈન

સ્મોકિંગ સિવાય બીજાં કારણોને લીધે થઈ શકે છે ફેફસાંનું કૅન્સર

ફેફસાનું કેન્સર (પ્રતીકાત્મક તસવીર)

કોઈ પણ વ્યક્તિને ફેફસાંનું કૅન્સર આવે તો લોકો માનવા લાગે છે કે સ્મોકિંગને કારણે જ થયું હશે. પરંતુ આજકાલ એવા ઘણા કેસ સામે આવી રહ્યા છે જેમાં વ્યક્તિએ ક્યારેય સિગારેટને હાથ ન લગાવ્યો હોય છતાં તે ફેફસાંના કૅન્સરનો ભોગ બની હોય. આટલાં વર્ષોના રિસર્ચ પરથી વિજ્ઞાને અમુક કારણો તારવ્યાં છે જેની સામે આંગળી ચીંધીને કહી શકાય કે આ કારણે ફેફસાંનું કૅન્સર થાય છે. એ કારણો વિશે જાણીએ

કેસ-૧ : ૪૯ વર્ષનાં નીતાબહેનને હાલમાં ફેફસાંનું કૅન્સર આવ્યું છે. નીતાબહેને ક્યારેય સ્મોકિંગ કર્યું નથી, પરંતુ તેમના પતિ શરદભાઈને સ્મોકિંગની આદત હતી. નીતાબહેને હાથ-પગ જોડીને મહામહેનતે તેમની આદત છોડાવી. ૧૫ વર્ષે પણ શરદભાઈએ આ આદત છોડી અને હાલમાં તે એકદમ સ્વસ્થ છે, પરંતુ કુદરતે નીતાબહેનને ફેફસાંનું કૅન્સર અપાવ્યું. ડૉક્ટરનું કહેવું છે કે કદાચ પૅસિવ સ્મોકિંગને કારણે તેમને આ રોગ થયો હોય શકે છે.


કેસ-૨ : પંચાવન વર્ષના પ્રવીણભાઈ એક અત્યંત ધાર્મિક જીવ છે જેમણે ક્યારેય સિગારેટ-બીડી કે તમાકુને હાથ લગાડ્યો નથી. છેલ્લા કેટલાક વખતથી તેમને અત્યંત ખાંસી રહેતી અને શ્વાસમાં તકલીફ થવા માંડી હતી. ઇલાજ ઘણા કર્યા, પરંતુ ખાસ અસર થઈ નહીં. છેલ્લે વ્યવસ્થિત તપાસ કરાવી તો તેમને ત્રીજા સ્ટેજનું ફેફસાંનું કૅન્સર નીકળ્યું.


ફેફસાંના કૅન્સરની વાત આવે ત્યારે પહેલો તર્ક એ જ આવે છે કે વ્યક્તિ સ્મોકિંગ કરતું હશે. આજથી ૨૦-૨૫ વર્ષ પહેલા એવો સમય હતો કે લગભગ ૮૦ ટકા લંગ કૅન્સરના દરદીઓ સ્મોકર્સ જ હતા. પરંતુ આજે એવા દરદીઓની સંખ્યા પણ ઘણી વધારે જોવા મળે છે જેને સ્મોકિંગની આદત નથી, પરંતુ છતાં તેઓ લંગ કૅન્સરનો ભોગ બન્યા હોય. આ બાબત ખરેખર ચિંતાજનક છે. કૅન્સર વિશેના ઘણા જવાબો વિજ્ઞાન પાસે હજી નથી. એમાંથી આ એક વધુ મોટો કોયડો આવી ગયો છે. જે રોગનું કારણ જ ન ખબર હોય એનાથી બચવું મુશ્કેલ છે. જોકે આટલાં વર્ષોના રિસર્ચ પરથી અમુક કારણો મળ્યાં છે જેના તરફ આંગળી ચીંધીને કહી શકાય કે આ કારણોને લીધે કૅન્સર થઈ શકે છે. આ કારણો વિશે જાણીએ એશિયન કૅન્સર ઇન્સ્ટિટ્યુટના ઑન્કો સજ્ર્યન પદ્મશ્રી ડૉ. રમાકાન્ત દેશપાન્ડે પાસેથી.


પૅસિવ સ્મોકિંગ


સ્મોકિંગના બે પ્રકાર છે, જેમાંનો પહેલો ખુદ સિગારેટ સળગાવીને કશ અંદર લેવામાં આવે છે જે ખુદનાં ફેફસાંને નુકસાન પહોંચાડે છે અને બીજો બહાર ફેંકવામાં આવતો સફેદ ધુમાડો જે બીજી વ્યક્તિના શ્વાસમાં જાય અને તેને નુકસાન કરે છે. બન્ને પ્રકારનો ધુમાડો નુકસાનદાયક જ હોય છે. આમ જો તમે ક્યારેય સિગારેટ પીધી ન હોય છતાં તમને ફેફસાંનું કૅન્સર થવાની શક્યતા છે. જો તમે એવા લોકોની આસપાસ રહેતા હો જે ખુદ સિગારેટ પીએ છે. ઓપન સ્પેસમાં સિગારેટ પીવાની મનાઈ હોય છે છતાં રોડ પર તમે પસાર પણ થાઓ તો સિગારેટની ગંધથી નાક ભરાઈ જાય છે એટલી વાસ આવતી હોય છે. ટેરેસ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ કે ઓપન ઍર કૅફેમાં કૉફી પીવા જાઓ તો ત્યાં પણ લોકો ફૂંક્યા કરતા હોય છે. કૉલેજ કૅમ્પસમાં પણ આ જ હાલત છે. ઘણાં ઘરોમાં એવાં ઉદાહરણ જોવા મળે છે કે પતિ સ્મોકિંગ કરતો હોય, તેને આ ખરાબ આદત હોય; પરંતુ તેની પહેલાં પૅસિવ સ્મોકિંગને કારણે પત્નીને ફેફસાંનું કૅન્સર થઈ જાય છે. જે સ્ત્રીઓ ગર્ભવતી છે તેમણે તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું, કારણ કે પૅસિવ સ્મોકિંગની અસર તેના આવનારા બાળક પર થઈ શકે છે. સ્મોકિંગ જેવી કોઈ ખોટી આદતોનો શિકાર ખુદ થવું નહીં અને આસપાસની વ્યક્તિઓને થવા દેવા નહીં. જો તમે લોકોને ન રોકી શકો તો ખુદને પૅસિવ સ્મોકિંગથી બચાવવાની કોશિશ કરો. ખાસ કરીને ઘરને, ઑફિસને અને તમારી કારને સ્મોક-ફ્રી રાખો.


જિન્સ


જો આપણાં ફેફસાંના કોષોના DNAમાં કઈ બદલાવ આવે જેને આપણે મ્યુટેશન કહીએ છીએ તો એને કારણે કૅન્સર થઈ શકે છે. ઘણીબધી રીતે એ શક્ય બને છે. જો તમારા જન્મથી જ ૬ નંબરના ક્રોમોઝોમમાં કોઈ પ્રૉબ્લેમ હોય તો તમને ફેફસાંનું કૅન્સર થાય એવી શક્યતા ઘણી વધારે છે. ઘણા લોકો છે જે ગમે તેવા પૉલ્યુશન સામે પણ ટકી રહે છે અને ઘણા લોકો એવા છે જે નથી ટકી શકતા, કારણ કે તેમના શરીરની કૅપેસિટી નથી કે એ શરીરમાં રહેલાં કેમિકલ્સને બહાર ફેંકી શકે. આમ જો વ્યક્તિ બહારી પરિબળો સામે લડી શકતી નથી તો તેને રોગ થઈ શકે છે અને આ વસ્તુ જિનેટિક હોય છે. આ શક્તિ ડેવલપ કરી શકાય, પરંતુ મોટા ભાગે એ જન્મજાત હોય છે. અમુક શરીર એવાં પણ હોય છે જે DNAમાં થયેલા ડૅમેજને પહોંચી વળે છે અને અમુક શરીર એવાં છે જે પહોંચી નથી શકતાં તો એમના પર ફેફસાંના કૅન્સરનું રિસ્ક વધુ રહે છે. જોકે અફસોસની વાત એ છે કે આ બાબતે જોઈ જિનેટિક ટેસ્ટ ઉપલબ્ધ નથી જેનાથી પહેલાંથી જાણી શકાય કે વ્યક્તિ પર કેટલું રિસ્ક છે.


રેડન


આ એક પ્રકારનો ગૅસ છે જે જમીન કે પથ્થરમાંથી નૅચરલી બનતો હોય છે. એને આપણે જોઈ નથી શકતા, સૂંઘી નથી શકતા કે નથી ચાખી શકતા. સામાન્ય રીતે આ ગૅસ બહાર આઉટડોરમાં તો જોવા મળે જ છે, પરંતુ એમાં એનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. જ્યાં એનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે એ છે ઘર અને બિલ્ડિંગ. ઘરની દીવાલો અને ફ્લોરિંગમાં આવેલી તિરાડમાં આ ગૅસ છુપાયેલો હોય છે અને લાંબો સમય જો કોઈ વ્યક્તિ આ ગૅસને શ્વાસમાં લીધા કરે તો તેને ફેફસાંનું કૅન્સર થઈ શકે છે અને એ સેલ્સને ડૅમેજ કરી શકે છે. રિસર્ચ મુજબ સ્મોકિંગ પછી ફેફસાંનું કૅન્સર થવા માટેનું બીજું મુખ્ય કારણ આ ગૅસ છે. આ સમસ્યાથી બચવા માટે અમુક ખાસ સાધનો આવે છે, જેનાથી એ જાણી શકાય કે આપણા ઘરમાં રેડનનું પ્રમાણ કેટલું છે. જો વધુ હોય તો ઘરનું રિપેરકામ તરત કરાવી લેવું જેથી રિસ્ક ન રહે. આમ જોવા જઈએ તો ઘરમાં કોઈ પણ પ્રકારની તિરાડો કે ખરાબી હોય તો એમાં આ ગૅસ બને કે ન બને, એને દૂર કરી નાખવામાં જ સમજદારી છે. ઘણી વાર આપણે આ બાબતોને ગણકારતા નથી, પરંતુ એ મહત્ત્વની હોય છે.


ઍસ્બેસ્ટોસ


આ મિનરલ્સનું એક ગ્રુપ છે જે બિલ્ડિંગ બનાવવામાં પહેલાં ખૂબ વાપરવામાં આવતું. પછી ઘણાં રિસર્ચ થયાં અને ખબર પડી કે એ ઘણું ઘાતક સાબિત થઈ શકે છે એટલે એનો વપરાશ રોકવામાં આવ્યો. જ્યારે તમે શ્વાસ લો ત્યારે એના કણો ફેફસામાં ઊંડે ઊતરી જાય છે અને લાંબા ગાળે એ ફેફસાંના કૅન્સર માટે જવાબદાર સાબિત થાય છે. તમે જેટલા આ ઍસ્બેસ્ટોસના સંપર્કમાં રહેશો એટલું તમારા પર એનું રિસ્ક વધુ રહે છે. હજી પણ અમુક જૂના બાંધકામમાં એ જોવા મળી શકે છે. જોકે જ્યાં સુધી એનું મટીરિયલ તૂટે નહીં ત્યાં સુધી એમાંથી એના કણો છૂટા પડતા નથી.


ઍર-પૉલ્યુશન


ઇન્ડોર અને આઉટડોર જગ્યાઓમાં રહેલા હવાના પ્રદૂષણથી આપણે બધા માહિતગાર છીએ. દિલ્હીની હાલત આપણે બધાએ જોઈ છે અને ઘણાએ અનુભવી પણ હશે. જેમ-જેમ હવાનું પ્રદૂષણ વધતું જશે એ જ રીતે ફેફસાંની તકલીફો વધવાની જ છે. તકલીફોની સાથે રોગો વધશે અને રોગ સાથે કૅન્સરનું રિસ્ક પણ વધશે જ. અમેરિકાનો આંકડો કહે છે કે કુલ ફેફસાંના કૅન્સરમાંથી એક કે બે ટકા દરદીઓના કૅન્સર પાછળ હવાનું પ્રદૂષણ જવાબદાર છે. જોકે આ સંખ્યા ધીમે-ધીમે વધશે એમાં કોઈ શંકા છે નહીં. રિસર્ચ એવું જણાવી ચૂક્યાં છે કે હવામાંનું પ્રદૂષણ તમારા DNAમાં આવતા ફેરફાર માટે જવાબદાર હોઈ શકે છે. આ માટે આપણે આપણા તરફથી એ જ પ્રયાસ કરી શકીએ કે આપણે જેટલો હવાના પ્રદૂષણને વધવામાં સહકાર આપીએ છીએ એ બંધ કરીએ. વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સર્પોટ વાપરીએ અને પેટ્રોલના ધુમાડા ઓછા કરીએ. ઝેરી કચરાને બાળીએ નહીં. લાકડાને બાળીએ નહીં, કેમિકલયુક્ત પદાર્થો વાપરવાનું બંધ કરીએ. ખાસ કરીને ઇન્ડોર ઍર-પૉલ્યુશન પ્રત્યે જાગૃત બનીએ.

આ પણ વાંચો : ટીનેજમાં આવતા ડિપ્રેશનને એનાં લક્ષણો દ્વારા ઓળખી કાઢીએ

ટીબી

આપણો દેશ ટીબીનું કૅપિટલ છે. ફેફસાંની આ બીમારીના લાખો દરદીઓ ભારતમાં જોવા મળે છે. ટીબી એક વખત ઘર કરી જાય પછી એનો ઇલાજ લાંબો ચાલે છે એ આપણે જાણીએ છીએ. એના ઇલાજ દરમ્યાન ફેફસાંના કોષો પર એની અસર એવી થાય છે કે એ કોષો સંવેદનશીલ બની જાય છે અને ભવિષ્યમાં કૅન્સરના કારક બની શકે છે. ધ્યાન રહે ટીબીને કારણે કૅન્સર ક્યારેય આવતું નથી, પરંતુ જે દરદીઓને ટીબી થયો છે તેમના પર ફેફસાંના કૅન્સરનું રિસ્ક સામાન્ય લોકો કરતા વધી જાય છે. આથી આ દરદીઓએ થોડું સાવચેત રહેવાની જરૂર છે. કોઈ પણ પ્રકારનું ફેફસાંનું ઇન્ફેક્શન થયું હોય તો પણ એવી વ્યક્તિને ફેફસાનું કૅન્સર થવાની સંભાવના વધારે રહે છે. આ ઇન્ફેક્શન દરમ્યાન ફેફસાંના કોષો અસરગ્રસ્ત થયા હોવાના કારણે એમાં ભવિષ્યમાં કૅન્સર ડેવલપ થવાનું રિસ્ક રહે છે.

DNA = ડીઑક્સિરિબો ન્યુક્લેઇક ઍસિડ, ટીબી-TB= ટ્યુબરક્યુલોસિસ

columnists