ડનલોપિલોના ગાદલામાં અણગમતાં ગલગલિયાં કરતું હોય છે ડિપ્રેશન

05 February, 2020 03:58 PM IST  |  Mumbai | Sejal Ponda

ડનલોપિલોના ગાદલામાં અણગમતાં ગલગલિયાં કરતું હોય છે ડિપ્રેશન

ડિપ્રેશન

જીવન પ્રત્યેનો અભિગમ બદલવાથી ગમ ઓછા થઈ જશે એની ગૅરન્ટી. તમે કહેશો કોઈ પણ વસ્તુની ગૅરન્ટી ક્યારેય હોતી જ નથી. ચાલો માની લઈએ. ગૅરન્ટી ન હોય તો ઊભી કરવાની. મૃત્યુનો સમય ઈશ્વરે નક્કી કર્યો હોય ત્યારે મોત ગમે ત્યારે આવશે એમ વિચારી કબર ખોદવા ન બેસાય. પરિસ્થિતિને બહુ જ ગંભીરતાથી લઈને આપણે પોતાની કબર ખોદતા હોઈએ છીએ

નાનાથી લઈ મોટા દરેકને વિષમ અને વિકટ પરિસ્થિતિમાં ટેન્શન આવી જાય એ સ્વાભાવિક છે. ઘણા લોકો આ ટેન્શનને એટલુંબધું પચાવી લે કે ડિપ્રેશનનો ભોગ બને છે. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે કે ફેલ થઈએ કે પછી નોકરી ન મળવાની પળોજણ, પૈસાની તંગી જેવાં અનેક કારણો આપણું રૂટીન ખોરવી નાખે છે. ટેન્શન આવે અને ખંખેરી દઈએ ત્યાં સુધી ઠીક છે, પણ એનું પોસ્ટમૉર્ટમ થાય એટલે મગજની નસો તંગ બને.

એવી બહુ ઓછી વ્યક્તિ હશે જે ડિપ્રેશનનો ભોગ ન બની હોય. આવી ઓછી વ્યક્તિઓ તેમના સકારાત્મક અભિગમને લીધે વિકટ પરિસ્થિતિને ખંખેરી નાખવામાં સફળ બને છે. ખરાબ પરિસ્થિતિ બારણે ટકોરા મારી નથી આવતી. અચાનક આવી જાય છે અને આ જ લાઇફની મોટામાં મોટી ચૅલેન્જ છે. જીવનમાં બધું સરળ ચાલે એવો ભ્રમ રાખીને બેસવું સૌથી મોટી મૂર્ખાઈ છે. ધાર્યા પ્રમાણે ન બન્યું હોય તો એ જ સમયને વાગોળવા કરતાં બીજા વિકલ્પો શોધી લેવાથી આપણી આવડત અને શક્તિનો પરચો બીજાની સાથે ખુદને પણ મળે છે. દરેક પ્રશ્નનો જવાબ ગૂગલમાં ન મળે, અમુક પ્રશ્નોના જવાબ માટે જાતને ફંફોસવી પડે.

બાળપણમાં થપ્પાની રમતમાં દાવ આવે ત્યારે બીજા દસ જણને શોધવા કેવા ભાગમભાગી કરતા એ જ રીતે વિકલ્પો શોધવા થોડી દોડાદોડી કરી લેવાની, પણ દાવ છોડવાનો નહીં. બાળપણની દરેક રમતમાં મોટા થયા પછી જીવવાનો રસ્તો મળી આવે છે. સપનાં છાબ ભરીને હોય કે મોટાં તપેલાં ભરીને, એમાંથી બધાં જ પૂરાં થશે એવો આગ્રહ ન રખાય. તો સાથે નિરાશ પણ ન થવાય કે સપનાં જોવાં જ નહીં. સપનાંથી તો નવા-નવા પડકારો ઝીલવાની મજા આવે. પૂરાં ન થયેલાં સપનાંને કારણે જીવન જોખમમાં ન નખાય. જખમ અને જોખમથી તો જિંદગી સુંદર બને છે.

એવા ઘણા લોકો છે જે ધારેલું પરિણામ ન મળતાં નિરાશા, હતાશામાં ધકેલાઈ જાય છે અને વિકટ પરિસ્થિતિને એટલીબધી મન પર લઈ લે કે જીવ જોખમમાં મૂકી દે છે. જે મુશ્કેલી આવી છે એનો સ્વીકારભાવ આપણને નવા રસ્તા શોધવા તરફ લઈ જાય છે.

જ્યાં સ્વીકારભાવ છે ત્યાં વિકલ્પો મળતા જાય છે. જે દિવસથી પરિસ્થિતિનો સ્વીકાર કરતા થઈ જઈશું એ દિવસથી જીવનમાં હળવાશ પથરાઈ જશે. ઓકે. ઠીક છે. આવું જ છે હવે, શું કરવું ? એ વિચારવા લાગી જઈશું. જીવનમાં એવી કોઈ પરિસ્થિતિ નથી જે લાંબો સમય ટકી રહેવાની છે અને એવી કોઈ મુશ્કેલી નથી જેનો વિકલ્પ મળવાનો નથી. બધું જ અહીં છે. માત્ર સ્થિરતા સાથે એને ગોતવાનું છે. મગજ પર અસર થઈ જાય એટલું ટેન્શન લેવાથી આપણે ફ્રીઝ થઈ જઈએ છીએ અને એટલે જ કોઈ ઉપાય મળતા નથી. વિકલ્પો તરફ લક્ષ્ય જતું નથી અને સ્વીકારભાવ આવતો નથી.

એવું પણ નથી કે ડિપ્રેશન ન જ આવે. આવેય ખરું, પણ એ સમયે મનથી નક્કી કરવું પડે કે આ દિવસો પણ જતા રહેશે. ડિપ્રેશન આપણા મન-મગજમાં રેન્ટલ-ફ્રી સ્પેસ લઈ લે ત્યારે તકલીફ પડે. એકલા ભારતદેશમાં ડિપ્રેશનના ભોગ બનનારાના આંકડા ચોંકાવનારા છે. એનાં અનેક કારણો છે એમ એમાંથી બહાર નીકળવાના અનેક ઉપાયો પણ છે. સૌથી સરળ ઉપાય એટલે સ્વીકારભાવ. એક વખત અણગમતા સમયને સ્વીકારી લઈશું તો સમય બદલવાની તાકાત પણ મળી જશે. જ્યારે ખૂબ હતાશા લાગતી હોય ત્યારે નજીકની વ્યક્તિ પાસે બેસી રડી લેવું જોઈએ. રડવું બેસ્ટ સ્ટ્રેસ-બસ્ટર છે. વિચારોનો ભરાવો આપણને વધુ ને વધુ ટેન્સ બનાવે છે. જેમ હસવું હિતાવહ છે એમ રડવું પણ એટલું જ હિતાવહ છે. નજીકની વ્યક્તિ સાથે થોડાં વાતોનાં વડાં કરી લેવાં. એકલા-એકલા ગૂંગળાવાથી આપણી જ ગુગલી થઈ જશે. એ પછી જાતને જ પૂછવું હવે શું કરી શકાય. જવાબ ન મળે એવું પણ બને. ત્યારે જરા ધીરજ રાખવી અથવા પરિવાર અને મિત્રો તો છે જ. જ્યારે મન મૂંઝાતું હોય ત્યારે પરિવાર અને મિત્રોને ડિસ્ટર્બ કરી લેવામાં છોછ રાખવો નહીં, કારણ કે લોહી અને લાગણીના સંબંધો આપણને ફરી લીલાછમ કરી શકે છે.

ડ્રીમ ઇટ. બિલીવ ઇટ. અચીવ ઇટ. ટૂંકમાં કહું તો ઈંટ ન ચાલે તો પથ્થર જેવા બની જવું. થોડું ડિપમાં જઈ જાત સાથે ડપ-ડપ કરી ડિપ્રેશનની ઢાઈ-ઢાઈ કરી લેવાની.

જાતને સતત કહેતા રહેવું કે આ સમય પણ વીતી જશે.

health tips Sejal Ponda columnists