પ્રોસ્ટેટની સમસ્યાનો ઇલાજ યોગ દ્વારા કેવી રીતે શક્ય છે?

30 January, 2020 01:09 PM IST  |  Mumbai | Ruchita Shah

પ્રોસ્ટેટની સમસ્યાનો ઇલાજ યોગ દ્વારા કેવી રીતે શક્ય છે?

ફાઈલ ફોટો

અમેરિકાની હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકો કહે છે કે કસરત દ્વારા વધતી વયે આવતી પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યાને મૅનેજ કરી શકાય છે. જોકે યોગની કેટલીક ક્રિયાઓ બાહ્ય કસરત કરતાં એક વેંત આગળ છે એવું યોગ-નિષ્ણાતો માને છે. ઉડ્ડિયાન બંધ અને મૂલ બંધ દ્વારા મોટી વયે પુરુષોમાં સામાન્ય ગણાતા પ્રોસ્ટેટના પ્રૉબ્લેમ દૂર થયાના કિસ્સાઓ છે ત્યારે શું છે આ બન્ને બંધ એ જાણીએ.

વધતી ઉંમર સાથે જેમ ચામડી પર કરચલીઓ પડે, વાળ સફેદ થાય અને દાંત નબળા પડે એમ જ ઉંમર વધે એમ પુરુષોમાં પ્રોસ્ટેટ વધે. ૫૦ ટકા પુખ્ત વયના પુરુષોને પોતાના જીવનકાળમાં કોઈક ને કોઈક પ્રકારની પ્રોસ્ટેટની સમસ્યા આવતી હોય છે. ૬૦ વર્ષની ઉંમર પછી ૫૦ ટકા પુરુષોને બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લેસિયા એટલે કે પ્રોસ્ટેટ ગ્લૅન્ડ વધેલી હોય છે. ૮૫ વર્ષથી વધુ વયના ૯૦ ટકા પુરુષોને આ સમસ્યા હોય છે. આગળ કહ્યું એમ પ્રોસ્ટેટનું એન્લાર્જ થવું સામાન્ય છે, પરંતુ જરૂરી નથી કે પ્રોસ્ટેટ વધવાને કારણે દેખાતાં લક્ષણો દરેકને દેખાય. વારંવાર પેશાબ લાગવો, યુરિન પાસ કરવામાં તકલીફ પડવી, યુરિન પાસ કરતી વખતે બળતરા થવી, રાતના સમયે બાથરૂમ જવા માટે વારંવાર ઊઠવું પડે અને યુરિન પાસ કરવા માટે ખૂબ પ્રેશર લગાવવું પડતું હોય તો એ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટનાં લક્ષણો પણ હોઈ શકે છે. સામાન્ય રીતે આવાં લક્ષણો દેખાય એટલે એક વાર મેડિકલ ચેકઅપ કરાવીને સમસ્યાનું નિદાન કરાવી લેવું જોઈએ અને જો પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની જ સમસ્યા હોય તો વિવિધ કસરતો અને યોગાસનો દ્વારા એને કન્ટ્રોલમાં લાવી શકાય.

શું છે આ?

પ્રોસ્ટેટ ગ્લૅન્ડનું મુખ્ય કામ વીર્યમાં મહત્ત્વનાં હૉર્મોન્સનો સ્રાવ કરવાનું છે. યુરિનરી બ્લૅડરની ઉપર અખરોટની સાઇઝની પ્રોસ્ટેટ ગ્રંથિ આવેલી છે જેમાંથી યુરેથ્રા નામની નળી પાસ થાય છે જે બ્લૅડરમાંથી યુરિન લઈ જવાનું કામ કરે. હવે જ્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ એન્લાર્જ થાય એટલે સ્વાભાવિક રીતે જ યુરેથ્રા પર પણ એનું દબાણ વધે. પરિણામે યુરિન પાઇપ સહેજ દબાઈ જવાથી યુરિન અટકી પડે અથવા એનો ફ્લો ઘટે. એ દરમ્યાન વ્યક્તિ દબાણ કરે એટલે યુરિન થોડીક માત્રામાં પાસ થાય, પણ પાછું હતું એનું એ. આ સતત ચાલવાને કારણે યુરેથ્રા અને બ્લૅડરના સ્નાયુઓને ખૂબ મહેનત કરવી પડે અને ધીમે-ધીમે એ શિથિલ થવા માંડે. પરિણામે ઉંમર વધે એમ આ સમસ્યા વધુ ગંભીર રૂપ ધારણ કરે. મૉડર્ન મેડિકલ સાયન્સમાં આ સમસ્યાને હૅન્ડલ કરવા માટે કેટલીક ઍન્ટિઇન્ફ્લેમેટરી દવાઓ અને સર્જરી છે. જોકે કસરત અને યોગની કેટલીક ખાસ ટેક્નિક્સ દ્વારા પ્રોસ્ટેટ ગ્રંથિની વધતી સાઇઝને કન્ટ્રોલમાં રાખી શકાય છે એ સંદર્ભે કૈવલ્યધામ યોગ ઇન્સ્ટિટ્યૂટ ઍન્ડ રિસર્ચ સેન્ટરના કર્તાહર્તા અને યોગ ક્ષેત્રના અગ્રણી ઓમપ્રકાશ પી. તિવારીએ પોતાનો અનુભવ ‘મિડ-ડે’ સાથે શૅર કર્યો એ જાણીએ.

‘હું થાઇલૅન્ડ યોગને લગતાં જ કેટલાંક કામ માટે હતો અને મને અચાનક યુરિનેશન દરમ્યાન ભયંકર બળતરા શરૂ થઈ.

માંડ-માંડ મુંબઈ આવ્યો અને મને તાત્કાલિક બૉમ્બે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. બધા રિપોર્ટ્સ કાઢવામાં આવ્યા એમાં જાણવા મળ્યું કે પ્રોસ્ટેટ ગ્લૅન્ડની જ સમસ્યા છે અને સર્જરી સિવાય એનો ઇલાજ શક્ય નથી. ત્રણ દિવસ પછી સર્જરી કરશું એવું નક્કી કર્યું.’

૮૫ વર્ષના તિવારીજી ૭૦ વર્ષની ઉંમરે પોતાની સાથે બનેલા એક પ્રસંગ વિશે વાત કરતા આગળ કહે છે, ‘મનોમન મારી પાસે જે પણ સમજણ હતી એના પરથી આ સમસ્યા શું કામ આવી એનું ઍનૅલિસિસ કરવાનું શરૂ કર્યું. દુખાવો અને બળતરા શરીરમાં વાયુ તત્ત્વ અને પિત્ત તત્ત્વ વધે ત્યારે જ થાય. એટલે આયુર્વેદના એ સિદ્ધાંતને મનમાં રાખીને મેં ખોરાકમાં બદલાવ કર્યો અને વાતકારક વસ્તુઓ આહારમાંથી બંધ કરી દીધી. બીજી બાજું મેં ઉડ્ડિયાન બંધ અને મૂલ બંધ કરવાનું શરૂ કર્યું. એમાં મારી સમજણ એવી હતી કે જેવી હું પ્રાણ ઊર્જાને રોકીશ અને બંધ લગાવીશ એટલે નેગેટિવ પ્રેશર ક્રીએટ થશે જે કદાચ કંઈ લાભ કરે. પહેલી વાર તો આ પ્રયોગ ટૉઇલેટમાં જ કર્યો અને તાત્કાલિક થોડું સારું લાગ્યું એટલે પ્રૅક્ટિસ વધારી. સવાર-સાંજ પાંચ-સાત વાર ઉડ્ડિયાન બંધ-મૂલ બંધ સાથે લગાવતો, થોડીક વાર રોકી રાખતો અને પછી પાછો કામે લાગતો. ત્રણ દિવસ પછી સર્જરીના સમયે પાછા જ્યારે રિપોર્ટ કાઢ્યા તો પરિસ્થિતિ નૉર્મલ થઈ ગઈ હતી. સર્જરીની જરૂર જ રહી નહોતી. ડૉક્ટર તાજ્જુબમાં હતા. જોકે મેં તો માત્ર આહારમાં થોડો ચેન્જ અને સવાર-સાંજ ઉડ્ડિયાન-મૂલ બંધની પ્રૅક્ટિસ સિવાય કંઈ જ નહોતું કર્યું. આજે પણ એ રિપોર્ટ મારી પાસે છે. એ રિપોર્ટના આધારે જ ડૉક્ટર હવે બીજા પેશન્ટને પણ આ બંધની પ્રૅક્ટિસ રેકમન્ડ કરી રહ્યા છે.’

રિસર્ચ પણ થયાં છે

સ્ટૅન્ફોર્ડ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ યુરોલૉજીના ડૉક્ટરોએ પોતાના અભ્યાસ પરથી નિષ્કર્ષ આપ્યો કે પ્રોસ્ટેટાઇટિસ થવાનું એક કારણ પેલ્વિક (પેડુ અને નિતંબના સ્નાયુઓ) મસલ્સ પર અજાણતાં જ ક્રીએટ થતું ટેન્શન હોઈ શકે છે, જેના આધારે તેમણે સ્ટૅન્ફોર્ડ પ્રોટોકોલ બનાવ્યો જેમાં તેમણે કેટલીક રિલૅક્સેશન ટેક્નિક અને યોગની કસરતો સામેલ કરી છે જે વ્યક્તિને પેલ્વિક મસલ્સને રિલૅક્સ કેવી રીતે રાખવા એની શીખ આપે. ૧૧૬ પાર્ટિસિપન્ટ્સમાંથી ૮૦ ટકા પાર્ટિસિપન્ટ્સને એનાથી લાભ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું. મૂલ બંધ મુખ્ય પ્રૅક્ટિસ હતી. એ જ રીતે કૈવલ્ય ધામ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ૬૦ અને ૬૫ વર્ષના દરદીઓને યોગનાં આસનો, પ્રાણાયામ અને બંધ દ્વારા પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટની સમસ્યાને કન્ટ્રોલ કર્યાના કેટલાક કેસ-સ્ટડી રજૂ કર્યા છે.

બંધ એટલે શું?

બંધ એટલે બાંધવું, રોકવું અથવા સ્થગિત કરવું. હઠરત્નાવલી નામના ગ્રંથમાં ત્રણેય બંધ જેને ફાવી ગયા તેમને મૃત્યુનો ભય ક્યાંથી રહે એવા ઉલ્લેખ સાથેનું એક સૂત્ર છે. ઉપનિષદો અને યોગના મોટા ભાગના પ્રમાણિત ગ્રંથોમાં મુદ્રા સાથે બંધનું વર્ણન છે. બાહ્ય પ્રેશર દ્વારા આંતરિક પ્રાણિક ફ્લોને જે-તે દિશામાં સ્થગિત કરવો એ એનું મુખ્ય ધ્યેય કહી શકાય. મુખ્ય ચાર પ્રકારના બંધ છે. ૧ - જાલંધર બંધ, જેમાં હડપચીને કૉલરબોન પર લગાવવાની હોય છે. ૨ - ઉડ્ડિયાન બંધ, જેમાં શ્વાસને સંપૂર્ણ છોડીને પેટના સ્નાયુઓને બની શકે એટલા અંદર પીઠ તરફ ખેંચવાના હોય છે. ૩ - મૂલ બંધ, જેમાં શિશ્ન અને ગુદા વચ્ચેના સ્નાયુઓને ઉપરની તરફ ખેંચવાના હોય છે. ૪ - આ ત્રણેય બંધને સાથે લગાવી દેવામાં આવે છે, જેને મહાબંધ કહેવાય. પહેલા ત્રણેય બંધ એક-એક ગ્રંથિ સાથે સંકળાયેલા છે. આ ગ્રંથિ પ્રાણ ઊર્જાને ઉપરની દિશામાં લઈ જઈને આધ્યાત્મકિતાની દિશામાં આગળ વધારતી સુષુમ્ણા નાડીને સક્રિય કરે છે.

પ્રોસ્ટેટની હેલ્થ માટે ટટ્ટાર બેસીને શ્વાસને સંપૂર્ણ બહાર છોડીને પેટના સ્નાયુઓને અંદરની તરફ ખેંચીને ઉડ્ડિયાન બંધ લગાવો અને સાથે મૂલ બંધ પણ લગાવવો. મૂલ બંધમાં પેરેનિયમ એટલે કે શિશ્ન અને ગુદા વચ્ચેના મસલ્સનું અંદરની તરફ આકુંચન અને સંકુચન કરવું. આ કસરત પ્રોસ્ટેટ ગ્લૅન્ડ સાથે સંકળાયેલા મસલ્સને કસરત આપે છે તેમ જ એ હિસ્સામાં પ્રાણિક ઊર્જાનું વહન વધારે છે. ઉડ્ડિયાન અને મૂલ બંધની સાથે સવનાસન, સેતુબંધાસન, વીરાસન જેવાં આસનો સાથે પણ પ્રૅક્ટિસ કરી શકાય છે.

અન્ય ફાયદા

બિહાર સ્કૂલ ઑફ યોગના સ્વામી સત્યાનંદજી પોતાના એક પુસ્તકમાં લખે છે કે ‘મૂલ બંધ અને ઉડ્ડિયાન બંધથી પ્રોસ્ટેટ હેલ્થ ઉપરાંત પણ અનેક ફિઝિકલ, મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ લાભ થાય છે. મૂલ બંધ તમારી પેલ્વિક નર્વ્સને ઉત્તેજિત કરે છે અને ત્યાંના મસલ્સની સ્ટ્રેન્ગ્થ વધારે છે. કબજિયાત નિવારે છે. કેટલાક સાઇકોસમૅટિક એટલે કે માનસિક અસ્વસ્થતાને કારણે ઉદ્ભવેલા રોગો અને ડીજનરેટિવ રોગોમાં પણ એ કારગત પરિણામ આપે છે. આ બન્ને બંધની અસર મગજના જ્ઞાનતંતુઓ અને અંતઃસ્રાવી ગ્રંથિ સુધી પહોંચે છે. ઇન ફૅક્ટ આ બંધ અસ્થમા, બ્રોન્કાઇટિસ, ડિપ્રેશન અને આર્થ્રાઇટિસનાં લક્ષણોને હળવાં કરવામાં પણ મદદ કરે છે. મૂલ બંધ બ્રહ્મચર્યની ઇચ્છાવાળાને પણ હેલ્પ કરે છે તો સેક્સ્યુઅલ ડિસઑર્ડરમાં પણ રાહત આપે છે. પેટને લગતી મોટા ભાગની સમસ્યામાં ઉડ્ડિયાન બંધથી લાભ થાય છે.’

કોણ ન કરી શકે?

આ બન્ને બંધ ઍડ્વાન્સ પ્રૅક્ટિસ ગણાય છે એટલે કોઈ અનુભવી શિક્ષકની સલાહ અને અવલોકન હેઠળ જ કરવા. કેટલાક વિશેષ નિયમોનું ધ્યાન રાખવું અનિવાર્ય છે. બંધની પ્રૅક્ટિસ કરતાં પહેલાં એની પ્રિપેરેટરી પ્રૅક્ટિસ કરવી જરૂરી છે. પેટ અથવા આંતરડામાં અલ્સર હોય, કોલાઇટિસ હોય, હર્નિયા, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ-ડિસીઝ હોય તેમણે ઉડ્ડિયાન બંધ ન કરવા. પ્રેગ્નન્ટ મહિલાઓએ પણ ઉડ્ડિયાન બંધની પ્રૅક્ટિસ અવૉઇડ કરવી. ઍસિડિટી અને ગૅસની સમસ્યા હોય, કોઈ પણ પ્રકારની સર્જરી થઈ હોય તેમણે આ બંધની પ્રૅક્ટિસ ન કરવી.

સવાર-સાંજ પાંચ-સાત વાર ઉડ્ડિયાન બંધ-મૂલ બંધ સાથે લગાવતો, થોડીક વાર રોકી રાખતો અને પછી પાછો કામે લાગતો. ત્રણ દિવસ પછી સર્જરીના સમયે પાછા જ્યારે રિપોર્ટ કાઢ્યા તો પરિસ્થિતિ નૉર્મલ થઈ ગઈ હતી. સર્જરીની જરૂર જ રહી નહોતી.

- ઓ. પી. તિવારી, યોગનિષ્ણાત

health tips ruchita shah columnists