અજાણ્યા લોકો સાથે વાત કરવાથી આરોગ્ય સુધરી શકે છે

10 July, 2019 11:03 AM IST  |  મુંબઈ ડેસ્ક

અજાણ્યા લોકો સાથે વાત કરવાથી આરોગ્ય સુધરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

હેલ્થ બુલેટિન

આમ તો નાનપણથી જ અજાણી વ્યક્તિઓ સાથે વાત ન કરવાનું શીખવવામાં આવે છે, પણ યુનિવર્સિટી ઑફ શિકાગોના બિહેવ્યરલ સાયન્ટિસ્ટ્સ નિકોલસ ઇપ્લી અને જુલિયાના શ્રોડરે તેમના અભ્યાસના આધારે તારવ્યું છે કે બહાર નીકળીને મૂંગા બેસી રહેવા કરતાં લોકો સાથે વાતચીત કરવી બહેતર છે અને વાસ્તવમાં લોકો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવાના સકારાત્મક પ્રભાવને ઓછો આંકે છે.

આ માટે બન્ને સંશોધકોએ અભ્યાસમાં ભાગ લેનારા સહભાગીઓને સાથી મુસાફરો સાથે વાતચીત શરૂ કરવા માટે જણાવ્યું હતું. ઇપ્લી અને શ્રોડરે તેમના લેખમાં જણાવ્યા પ્રમાણે ‘અમે શિકાગોમાં બસ અને ટ્રેનના પ્રવાસીઓને જણાવ્યું કે તેમને એકલા બેસી રહેવા કરતાં અન્ય લોકો સાથે વાતચીત કરવાનું કેવું લાગશે, પણ મોટા ભાગના લોકોને એમાં રસ પડ્યો નહોતો.’

કેવળ ૪૦ ટકા સહભાગીઓને લાગતું હતું કે સાથી પ્રવાસીઓ પણ તેમની સાથે વાતચીત કરવાનું પસંદ કરશે. જોકે નવાઈની વાત એ રહી કે સંવાદ શરૂ કરનારા પૈકીના ૧૦૦ ટકા લોકોને હકારાત્મક પ્રતિભાવ મળ્યો અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો એટલું જ નહીં, આ સંશોધકોએ એ પણ તારવ્યું હતું કે અપરિચિત વ્યક્તિ સાથે વાત કરવાથી તમે તેમનામાં પણ ઉત્સાહનું સિંચન કરી શકો છો.

તો હવે અજાણ્યા લોકોથી મોં ફેરવ્યા વિના તેમની સાથે વાતચીત કરવાનું શરૂ કરી દો.

ઘરે બેસવું કે ઑફિસે બેસવું : હૃદય માટે શું હેલ્ધી?

નવા સંશોધનના આધારે માલૂમ પડ્યું છે કે હૃદયની તંદુરસ્તીની રીતે જોતાં તમામ પ્રકારનાં બેઠાડુ કાર્યો એકસમાન નથી હોતાં ડેસ્ક પર બેસીને ઑફિસ વર્ક કરવા કરતાં પલંગ પર બેસવાથી અને ટીવી જોવાથી હૃદય પરનું જોખમ વધી શકે છે. આપણે એ તો જાણતા જ હતા કે બેઠાડુ જીવનશૈલી કે જેમાં વ્યક્તિ રોજ લાંબા સમય સુધી બેઠી રહેતી હોય અને તેના શરીરને થોડી જ કસરત મળતી હોય એ સામાન્ય રીતે આરોગ્ય માટે એમાંયે ખાસ કરીને હૃદય માટે સારું નથી. જોકે ન્યુ યૉર્કસ્થિત કોલમ્બિયા યુનિવર્સિટીની વેજિલોસ કૉલેજ ઑફ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જ્યનના સંશોધકોએ હાથ ધરેલા સંશોધનમાં માલૂમ પડ્યું છે કે વ્યાવસાયિક બેઠાડુપણા (કામના સ્થળે બેસવું) અને આરામના સમયે બેસવું (ઘરે બેસવું, ટીવી જોવું) વચ્ચે ફરક છે. આ અભ્યાસનાં તારણો જણાવે છે કે વ્યક્તિ કાર્યસ્થળે બેસીને સમય પસાર કરે એની તુલનામાં ઘરે પલંગ પર બેસીને, ટીવી જોઈને સમય પસાર કરે છે ત્યારે હૃદય સંબંધિત સમસ્યાઓ સર્જાવાની શક્યતા વધી જાય છે. અભ્યાસના લેખક કિથ ડાયેઝના જણાવ્યા અનુસાર ‘અમારાં તારણો દર્શાવે છે કે હૃદયના સ્વાસ્થ્યની બાબતમાં તમે કાર્યસ્થળની બહાર તમારો સમય કેવી રીતે પસાર કરો છો એ બાબત નિર્ણાયક બની રહે છે.’

આ પણ વાંચો : હવે નવું સંશોધન કહે છે કે વૉટ્સઍપ તમારી હેલ્થ માટે સારું છે, બોલો

ડાયેઝના મતે આ સમસ્યાનો ઉપાય એ હોઈ શકે કે ‘તમે એવી નોકરી કરતા હો કે જેમાં તમારે લાંબા સમયગાળા સુધી બેસી રહેવું પડતું હોય તો ઘરે તમે જે સમય પસાર કરતા હો એ સમયમાં શ્રમ પડે એવી કસરત કરવાથી હૃદયની બીમારી અને મોતનું જોખમ ઘટી શકે છે.’

health tips columnists