પિરિયડ્સ દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

08 February, 2021 07:35 AM IST  |  Mumbai | Dr. Ravi Kothari

પિરિયડ્સ દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

પ્રતીકાત્મક તસવીર

સવાલ: લગ્નને હજી એક જ વર્ષ થયું છે અને લૉકડાઉનના સમયને કારણે અમે ખૂબ સારી રીતે સહજીવનની શરૂઆત કરી શક્યા છીએ. અમને બન્નેને ઇન્ટિમસી ગમે છે અને લગભગ એકાંતરે દિવસે સમાગમ પણ કરીએ છીએ. સમસ્યા ત્યારે આવે છે ત્યારે મારું માસિક ચાલતું હોય. મને આ સમયે ઇન્ટિમસી નથી જોઈતી, પણ જો એ વખતે હસબન્ડનો સાથ હોય તો સારું લાગે, પણ એ દરમ્યાન ચાર દિવસ મારાં સાસુ અમને એક રૂમમાં પણ સૂવા નથી દેતી. બીજી તરફ મારા હસબન્ડને એ જ વખતે ઇન્ટિમસીનું બહુ જ મન થયું હોય. ઘરમાં બીજે ક્યાંય અડવાની ના પાડી હોય ત્યારે જ કોઈ ન જોતું હોય એમ તે નજીક આવી જાય છે. મને તો ગમે છે, પણ મેડિકલ દૃષ્ટિકોણથી મારે જાણવું છે કે પિરિયડ્સ દરમ્યાન સમાગમ માણવાથી હેલ્થની કોઈ બીમારી થાય ખરી?

જવાબ: માસિક દરમ્યાન ઘરમાં ન અડવું કે કામ ન કરવું એનાં બીજાં અનેક કારણો હતાં. જેમ કે સ્ત્રીને આરામ મળે એ કારણોસર તેને ઘરનાં કામોમાંથી મુક્તિ મળે છે. જોકે નવાં-નવાં લગ્ન થયાં હોય ત્યારે સળંગ પાર્ટનરથી દૂર રહેવાનું થાય એ કઠે એ સ્વાભાવિક છે. તમારા ઘરમાં પ્રવર્તતા ધાર્મિક નીતિનિયમો પાળવા કે ન પાળવા એ તમારે જાતે જ નક્કી કરવું રહે. બાકી, હેલ્થના દૃષ્ટિકોણથી કહું તો માસિક દરમ્યાન સમાગમ કરવામાં કોઈ વાંધો નથી. ઇનફૅક્ટ મેડિકલ સાયન્સ તો કહે છે કે આ સમય દરમ્યાન સમાગમ કરવામાં આવે તો ઘણી સ્ત્રીઓને ઑર્ગેઝમના આનંદને કારણે માસિકની પીડામાંથી રાહત મળે છે અને મૂડ પણ સુધરે છે.

જો તમારી ઓવરઑલ તબિયત સારી હોય, હીમોગ્લોબિન પૂરતું હોય, વધુપડતું માસિક આવવાથી શરીર નબળું પડી ગયું ન હોય અને શરીરમાં ક્રેમ્પ્સ ન આવતા હોય તો તમે સુખેથી સંભોગમાં રાચી શકો છો. ધ્યાન ફક્ત એટલું જ રાખવાનું કે એ વખતે હંમેશાં હસબન્ડે કૉન્ડોમ પહેરવું. કૉન્ડોમ વગર ડાયરેક્ટ લોહીના સ્ત્રાવનો સંસર્ગ થાય તો હસબન્ડને ઇન્ફેક્શન લાગવાના ચાન્સિસ રહે છે. ક્યારેક સમાગમ દરમ્યાન થોડુંક વધુ લોહી નીકળે તો ગભરાવાની જરૂર નથી. કેમ કે એ પછી ઓવરઑલ બ્લીડિંગનો સમય ઘટી જતો હોય છે.

columnists dr ravi kothari sex and relationships