થૅલેસેમિયા પેશન્ટ્સની ફૅમિલીની હાલત તમે વિચારી છે ખરી?

25 July, 2022 01:56 PM IST  |  Mumbai | Sanjay Goradia

આ જ વાત પર અમે ‘ચીની મિની’ બનાવ્યું, જે ૨૦૦૯નું અમારું પહેલું પ્રોડક્શન બન્યું

હિન્દી નાટક ‘જંતરમંતર’નું પોસ્ટર.

૨૦૦૮ના વર્ષમાં અમે ‘પરણેલાં છો તો હિંમત રાખો’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘પ્રેમ કરતાં પંક્ચર પડ્યું’, ‘બાને ઘેર બાબો આવ્યો’ અને હિન્દી નાટક ‘જંતરમંતર’ કર્યું. મિત્રો, હું અહીં એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં. મેં તમને ગયા સોમવારે કહ્યું કે હિન્દી નાટક ‘જંતરમંતર’માં અમે પલ્લવી પ્રધાનની જગ્યાએ કૃતિકા દેસાઈને લીધાં અને સૌનિલ દરૂ ક્યાંક અટવાયેલો હતો એટલે વિપુલ મહેતાએ તેનો રોલ કર્યો હતો, પણ ના, એવું નહોતું. સૌનિલ અમારી પાસે હતો જ, પણ ગુજરાતી ‘જંતરમંતર’માં પલ્લવીના હસબન્ડનું કૅરૅક્ટર જે કરતો હતો એ અભય હરપળે અવેલેબલ નહોતો એટલે સૌનિલને અમે એ કૅરૅક્ટરમાં લીધો અને સૌનિલનું કૅરૅક્ટર વિપુલ મહેતાએ કર્યું હતું.
હવે આવીએ આપણે વર્ષ ૨૦૦૯ પર અને વર્ષના આરંભમાં જ અમારું નવું નાટક આવ્યું. તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે નવા નાટકની પ્રોસેસ અમે ગ્રૅન્ડ રિહર્સલ્સના સમયથી જ શરૂ કરી દીધી હતી. ‘બાને ઘેર બાબો આવ્યો’ નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ ચાલતાં હતાં એ જ વખતે વિપુલે થૅલેસેમિયાને કેન્દ્રમાં રાખીને આપણે નાટક કરવું જોઈએ એવી એક વાર્તા મને કરી હતી. આ નાટકમાં બે દીકરીઓને થૅલેસેમિયા છે. એ બન્ને માટે પેરન્ટ્સ કેવી રીતે ફાઇટ કરે છે એની વાત હતી.
વાર્તા મને ગમી એટલે મેં હામી ભણી, પણ પછી રાઇટર કોને લઈએ એની અવઢવ શરૂ થઈ. નાટકનો વિષય સેન્સિટિવ હતો એટલે મારી ઇચ્છા હતી કે આ નાટકના રાઇટર પણ આ વાતને બરાબર સમજીને લખે. મને યાદ આવ્યા નૌશિલ મહેતા. નૌશિલભાઈ સાથે કામ કરવું મને હંમેશાં ગમતું. અફકોર્સ, તેમની સાથે કરેલું અમારું નાટક ‘ચોકટ રાણી ચાર ગુલામ’ સુપરફ્લૉપ થયું હતું, પણ સફળતા અને નિષ્ફળતા કોઈની સાથે કાયમી હોતી નથી. અમારી પાસે નાટકના રાઇટરોમાં હવે ઑપ્શન હતા. ભાવેશ માંડલિયા, અંકિત ત્રિવેદી સહિત બીજા પણ રાઇટરો હતા; પણ મને હંમેશાં થતું કે સતત એકના એક લેખક ક્યારેય રિપીટ ન કરવા જોઈએ. એ વાત જુદી છે કે હમણાંનાં અમારાં નાટકો વિનોદ સરવૈયા જ લખે છે. જોકે એનાં કારણો જુદાં છે, જેની ચર્ચા આપણે સમયે આવ્યે કરીશું.
વાર્તા સાથે અમે ગયા નૌશિલભાઈ પાસે. નૌશિલભાઈને વાર્તા ગમી અને તેમણે એના પર કામ શરૂ કરી દીધું. જોકે આફ્ટર અ પૉઇન્ટ, નૌશિલભાઈએ નાટક લખવાની ના પાડી જેના માટે તેમનાં પોતાનાં કારણો હતાં. અમે ફરી રાઇટર વિનાના થયા એટલે બહુ વિચાર્યા પછી અમે ભાવેશ માંડલિયાને વાર્તા સંભળાવી અને ભાવેશે કામ શરૂ કર્યું. ડિરેક્ટર તરીકે વિપુલ મહેતાના ઇનપુટ્સ તો હોય જ અને હું પણ વચ્ચે-વચ્ચે મારા ઇનપુટ્સ આપતો રહું. અહીં મારે એક વાત ખાસ કહેવી છે. મારા પ્રોડક્શનમાં ફાઇનલ વર્ડ હંમેશાં ડિરેક્ટરનો જ હોય છે. નિર્માતા તરીકે ડિરેક્ટર કે રાઇટર પર હું ક્યારેય હાવી થતો નથી. હા, મને જે ઠીક લાગે એ હું જરૂર કહું. સારું હોય તો બિરદાવું પણ ખરો અને ખરાબ હોય તો દૃઢતા સાથે વખોડી પણ કાઢું, એ દૂર કરવા માટે મનાવું, સમજાવું અને બધું કરું; પણ ફાઇનલ વર્ડ તો ડિરેક્ટરનો જ હોય છે. વિપુલ મહેતા પણ મારા અપ્રૂવલ પર બહુ ડિપેન્ડેન્ટ રહેતો. હંમેશાં મને ગ્રૅન્ડ રિહર્સલ્સ જોવા બેસાડે. અરે, ઘણી વાર તો એવું બન્યું છે કે અમારા નવા નાટકનાં ગ્રૅન્ડ રિહર્સલ્સ હોય અને હું અમદાવાદમાં શો કરતો હોઉં તો સવારની ફ્લાઇટમાં આવી બપોરની ફ્લાઇટમાં પાછો જઈને અમદાવાદમાં મારા શો પર લાગી જઉં. જોકે વિપુલનો એવો આગ્રહ હોય કે હું ગ્રૅન્ડ રિહર્સલ્સમાં હાજર જ રહું.
મારી અને વિપુલની રિલેશનશિપની તમને વાત કરું, જેથી તમને મારી અને વિપુલની કામ કરવાની પ્રોસેસ સમજાશે. અમારે ત્યાં રિહર્સલ શરૂ થાય અને એ નાટકમાં હું ઍક્ટિંગ ન કરતો હોઉં તો હું રિહર્સલ્સમાં જવાનું ટાળું. ભૂલેચૂકે જવાનું થયું તો ત્યાં પણ અંદર રૂમમાં નહીં જવાનું. વિપુલનો હંમેશાં આગ્રહ હોય કે તમે રિહર્સલ્સમાં આવો અને જુઓ, પણ હું તેને કહું કે રિહર્સલ્સમાં હું કાચું-પાકું નાટક જોઈશ તો એક પૉઇન્ટ પછી આપણા બન્નેની ઑબ્જેક્ટિવિટી જતી રહેશે અને એને લીધે બનશે એવું કે ગ્રૅન્ડ રિહર્સલ્સમાં આપણે બન્ને આંધળા થઈને ફરતા હોઈશું કે શું વર્ક થાય છે, શું વર્ક નથી થતું. 
‘બહેતર છે કે તું મને આમાંથી બાકાત રાખ. હું ગ્રૅન્ડ રિહર્સલ્સમાં આવીશ અને ત્યાં જોઈને મને જે લાગશે એ તરત જ તારા ધ્યાન પર મૂકીશ.’
જ્યારે પણ હું વિપુલને સજેશન આપું, તે તરત જ એના પર વિચાર કરે અને મોટા ભાગે તે એના પર અમલ પણ કરે. જોકે હવેની વાત થોડી બદલાઈ છે. વિપુલ ફિલ્મનો ડિરેક્ટર બન્યો એનાં એકાદ-બે વર્ષ પહેલાંથી તેના સ્વભાવમાં જક્કીપણું ખૂબ આવી ગયું છે. હવે તે મારું માનતો કે સાંભળતો નથી. રફ શબ્દોમાં કહું તો છેલ્લાં ઘણાં વર્ષોથી વિપુલ મારાં સજેશન બહુ સિરિયસલી નથી લેતો. જોકે હશે, જેવું તેનું અને મારું નસીબ. આપણે ફરી આવી જઈએ આપણા નાટક ‘ચીની મિની’ની વાત પર. નાટકની વાર્તા સરસ હતી.
શ્રીમંત બાપની દીકરી ભાગીને લગ્ન કરી એક ગરીબ માસ્તરના ઘરમાં આવે છે અને અહીં તેમનો સંસાર શરૂ થાય છે. બન્નેના સંસારમાં પ્રેમ છે, પણ પ્રેમ કંઈ કુસ્તી કરતાં હાંડલાંને થોડો રોકી શકે. ઍનીવે, દીકરીનો અબજોપતિ બાપ આ લગ્નથી રાજી નથી એટલે તેણે હવે દીકરીને પોતાના જીવનની સાથોસાથ પોતાની સંપત્તિમાંથી પણ બાકાત કરી નાખી છે. પેલી તરફ પેલા કપલનો સંસાર આગળ વધે છે અને એ બન્નેને ત્યાં જોડિયાં બાળકોનો જન્મ થાય છે. બન્ને બાળકો દીકરી છે. એ માસ્તર ચાલીમાં રહેતો હોય છે જ્યાં બીજી ફૅમિલી પણ છે. ચાલીનું કલ્ચર મુંબઈકરને કહેવા કે સમજાવવાની જરૂર ન હોય. બધા સરસ હળી-મળીને રહે. 
દીકરીઓની વધામણીથી આખી ચાલીને ખુશી છે; પણ ખુશી લાંબો સમય ટકતી નથી, કારણ કે બન્ને દીકરીઓને થૅલેસેમિયા મેજર છે. થૅલેસેમિયા વિશે થોડું સમજાવું. આ લોહીની બીમારી છે. એ માઇનર અને મેજર એમ બે પ્રકારની હોય છે. થૅલેસેમિયા માઇનર હોય તો બહુ ચિંતાનો વિષય નથી, પણ થૅલેસેમિયા મેજર હોય તો પેશન્ટને નિયમિત અંતરે બહારથી બ્લડ આપતા રહેવું પડે અને એની ટ્રીટમેન્ટનો ખર્ચ બહુ આવે. મિડલ ક્લાસ ફૅમિલી માટે તો આ નિયમિત ખર્ચને સહેવો લગભગ અસંભવ જ છે. હા, એ સાચું કે આજના સમયમાં અનેક સંસ્થાઓ એવી છે જે થૅલેસેમિયા પેશન્ટ્સ માટે કામ કરે છે. આપણા ગઝલ-સિંગર પંકજ ઉધાસ પણ થૅલેસેમિયા પેશન્ટ્સના પેરન્ટ્સના એક અસોસિએશન સાથે જોડાયેલા છે જે એ પેરન્ટ્સને આર્થિક સહાય અને ટ્રીટમેન્ટમાં મદદરૂપ થવાનું કામ કરે છે.
નાટક ‘ચીની મિની’ પર આવીએ તો એમાં તો એક એવી સામાન્ય લોઅર મિડલ ક્લાસ ફૅમિલીની વાત છે જેના માટે આ ખર્ચ અતિશય કપરો છે. બન્ને દીકરીઓને થૅલેસેમિયા મેજર છે એ જાણ્યા પછી કેવા સંજોગો ઊભા થાય છે અને એમાંથી તે લોકો કેવી રીતે રસ્તો કાઢે છે એ આખા વિષયનું હાર્દ છે. નાટકની વાર્તા મને ગમી હતી અને નાટક ખૂબ જ સરસ હતું એમાં કોઈ બેમત નથી. હું કહીશ કે મેં બનાવેલાં નાટકોમાંથી મારાં મનગમતાં નાટકોમાં આ ‘ચીની મિની’નો સમાવેશ થાય છે.
‘ચીની મિની’ નાટક વિશે અને એના કાસ્ટિંગની વાતો આપણે કરીશું આવતા સોમવારે. જોકે તમારા માટે ઇન્ટરેસ્ટિંગ વાત એ રહેવાની છે કે આ નાટકથી અમે એક નવા મ્યુઝિક ડિરેક્ટરને ઇન્ટ્રોડ્યુસ કર્યો, જેનું નામ સાંભળીને તમને પણ આશ્ચર્ય થવાનું છે. જોકે એ અચરજને જરા કાબૂમાં રાખો. વાત કરીએ 

આવતા સોમવારે.

 
થૅલેસેમિયા લોહીની બીમારી છે. એ માઇનર અને મેજર એમ બે પ્રકારની હોય છે. થૅલેસેમિયા માઇનર હોય તો બહુ ચિંતાનો વિષય નથી, પણ થૅલેસેમિયા મેજર હોય તો પેશન્ટને નિયમિત અંતરે બહારથી બ્લડ આપતા રહેવું પડે અને એની ટ્રીટમેન્ટનો ખર્ચ બહુ આવે છે.

columnists Sanjay Goradia