તમે ગુજરાતનું કાશ્મીર જોયું છે?

13 November, 2022 12:35 PM IST  |  Mumbai | Alpa Nirmal

ગુજરાતનાં જંગલોની વાત આવે ત્યારે ડાંગ અને સાપુતારા જ યાદ આવે, પણ આજે આપણે ફરવા જઈશું પુરાણોમાં પણ જેનો ઉલ્લેખ છે એવા પોળો ફૉરેસ્ટમાં. આવું અદ્વિતીય જંગલ આપણા ગુજરાતમાં છે એની ખબર પડે ત્યારે ખરેખર બોલી ઉઠાશે દિલ હૈ કિ માનતા નહીં...

પોળો ફૉરેસ્ટ

પોળો ફૉરેસ્ટ બહોળો વિસ્તાર છે. અહીં હર્ણજ ડૅમ, ઇકો પૉઇન્ટ, મામરેચી ચેકડૅમ, વર્ણજ નદી અને ધાર્મિક સ્થાપત્યોની વિઝિટ કરવાનું ચૂકવા જેવું નથી

કોઈ એને ગુજરાતનું કાશ્મીર કહે છે તો કોઈ વળી કુર્ગની ઉપમા આપે છે. જોકે પોળોના જંગલ ગુજરાતનાં એવાં સ્થળમાંનું એક છે જે વિશે બહુધા મુંબઈગરાઓએ સાંભળ્યું પણ નથી. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ગામ વિજયનગરની પડખે આવેલો ૪૦૦ ચોરસ કિલોમીટરનો સાડાચારસોથી વધુ જાતિ-પ્રજાતિનાં વૃક્ષો ધરાવતો જંગલ વિસ્તાર એ પોળોનું જંગલ, જેનો ઉલ્લેખ પુરાણોમાં પણ છે. કહેવાય છે દસમી સદીમાં અહીં આવેલી હર્ણાવ નદીની આસપાસ ઈડરના પરિહાર વંશના રાજાઓએ નગર વસાવ્યું હતું.

આજુબાજુ અરવલ્લીની પહોળી-પહોળી હારમાળાઓ, ભરાવદાર છતાંય કમનીય હર્ણાવ નદી, ટિક-ટિક કરતાં લક્કડખોદો અને ફળોનાં અગણિત તરુવરો પરથી ઊછળતી-કૂદતી ખિસકોલીઓ જોઈને જો આજે પણ આ જગ્યાના પ્રેમમાં પડી જવાતું હોય તો ૧૨૦૦ વર્ષ પહેલાં તો આ સ્થળ કેવું મોહક હશે? ચોક્કસ ઇડરના રાજવીઓ પણ મંત્રમુગ્ધ થઈ ગયા હશે અને અહીં નગર વસાવ્યું હશે. ખેર, આ તો અમારું અનુમાન છે, બાકી એ વાત સત્ય છે કે રાજસ્થાનની સીમાથી નજીક આવેલું આ જંગલ રાજા-મહારાજાઓના કાળમાં યુદ્ધ સમયે છુપાવાની ખુફિયા જગ્યા હતી.

વેલ, ૧૫મી સદીમાં મારવાડના રાઠોડ રાજપૂતોએ આ સિટી પર કબજો કર્યો અને ત્યારથી એને નામ મળ્યું પોળ. ગુજરાતી ભાષામાં પોળ એટલે વસાહતોનો વિસ્તાર, જ્યારે મારવાડી બોલીમાં પોળ એટલે પ્રવેશદ્વાર. મારવાડ રાજ્યનું એન્ટ્રી પૉઇન્ટ હોવાથી એ જાણીતું થયું પોળના નામે. રાજા-રજવાડાં ગયા પછી આ એરિયાની ભવ્યતા થોડી ઝાંખી જરૂર પડી, પણ અહીં વસતા આદિવાસીઓએ એની સુંદરતા અકબંધ રહેવા દીધી. આજે તો હવે અહીં આદિવાસીઓય નથી કે કોઈ શહેર પણ નથી. બસ, રહ્યાં છે એ સમયની ભવ્યતાની સાબિતી પૂરતાં બે જૈન મંદિરો અને એક શિવાલય. જોકે એની હાલત ખખડી તો ગઈ છે છતાં ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કિતની બુલંદ હોગી. અને હા, પેલાં ફળોનાં વૃક્ષો, અઢીસો જેટલી સ્પીશીઝનાં પક્ષીઓ, પ્રાણીઓ, સરીસૃપો હજી અહીં છે ને એ આ સ્થળના મહેમાન બનનારાઓનું વૉર્મ વેલકમ કરે છે.

પોળો ફૉરેસ્ટની કોઈ એન્ટ્રી-ફી નથી પણ ગેટ જરૂર છે. એ જ રીતે ફિક્સ પાથવે નથી, પણ કાચી કેડીઓ જરૂર છે. મુંબઈ દિલ્હીના રાજમાર્ગથી થોડા જ સાઇડમાં આવેલા જંગલના દ્વારમાં પ્રવેશી કેડીઓ પર ચાલો કે તમારી પોતાની અલગ કેડી કંડારો, મરજી તમારી. અહીં ફિક્સ આઇટિનરરી નથી પાળવાની કે પહેલાં આ જુઓ, પછી બીજું પછી ત્રીજું સ્થાન. અહીં તમે તમારી મરજી પ્રમાણે હરીફરી શકો છો. ક્યાંયથી અંદર ઘૂસો, ક્યાંયથી પણ બહાર નીકળો તોય તમે નદી સુધી પહોંચવાના જ છો. એ જ રીતે શિવાલય અને જૈન દેરાં તમને ભેટવાનાં જ છે.

પાડોશી રાજ્ય રાજસ્થાનથી આવતી હર્ણાવ નદી બારમાસી નથી એટલે ઑગસ્ટથી ફેબ્રુઆરી સુધી અહીં છલોછલ પાણી મળે. વળી વરસાદી સીઝનમાં ડૅમ પણ છલકાતો જોવા મળે અને અનેક નાનકા-નાનકા ધોધ પણ દેખાઈ જાય છે, જે આપણને ચિત્રકુટની મિની આવૃત્તિ સમ ભાસે. ચોમાસામાં જંગલ આખું લીલુંછમ થઈ ગયું હોય, વાદળાંઓ અને સૂર્યદેવ વચ્ચે સંતાકૂકડી ચાલતી હોય અને પાણીને ભગવાન જાણે ક્યાંય પહોંચવું હોય એમ દડ-દડ વહેતું હોય ને આખાય પોળો ફૉરેસ્ટે જાડી લીલી રજાઈ ઓઢી હોય એ જોઈ આંખો જેટલી જ ટાઢક હૈયે થાય છે હોં

એમ તો ઑક્ટોબરથી ફેબ્રુઆરીમાં પણ પોળો જંગલ કાંઈ ઓછું અદ્ભુત નથી દેખાતું હોં! બસ, ત્યારે પીળાશ પડતો ચૉકલેટી અને બ્રાઉન રંગનો દબદબો વધી જાય છે. પાનખરમાં વૃક્ષોનાં પાંદડાંઓ ખરી પડ્યાં હોય ત્યારે એ પર્ણો પર ચાલવાથી થતો પગરવ તો કર્ણપ્રિય છે, એ સાથે અહીંનાં વૃક્ષો દુનિયાની જંજાળ અને ઉપાધિથી મુક્ત થઈ સાધનામાં ઊભેલા મુનિ જેવાં સ્થિર અને સમતાભર્યાં ભાસે છે. અને પેલી અરવલ્લીની નાની-મોટી ટેકરીઓ તો ચૉકલેટ ફ્લેવરના ડિશ ગોલા જેવી દેખાય છે બોલો! શિયાળાની આવી શાંતિને જીવંતતા બક્ષે છે ચહેકતાં દેશી-વિદેશી પક્ષીઓ. વાદળાંને પકડવા મથતા હોય કે હવાને, કોણ જાણે કેમ બસ, આ વિહંગો આમથી તેમ ઝુંડમાં ઊડ્યાં જ કરતાં હોય છે. પાણીનો પ્રવાહ ઓછો થવાથી નદીના તટમાંથી દેખાતા પેલા લીસા પથ્થરોથી તો ગજવાં ભરી લેવા મન લલચાય છે. ઉનાળો થોડો ગરમ લાગે, પણ તોય ગુજરાતની જેમ ભઠ્ઠી જેવો તપતો તો નથી જ.

હવે વાત કરીએ, લાખાના દેરાની. જૈન શ્રેષ્ઠી લાખાજીએ ૫૦૦-૬૦૦ વર્ષ પહેલાં અહીં જ્યારે નગરનું અસ્તિત્વ હતું ત્યારે બે જિનાલયો બનાવડાવ્યાં હતાં. કાળા પથ્થરોને કોતરીને અનોખી ડિઝાઇનો, મોટિફથી ઓપતાં આ દેરાસરોમાં જૈન ધર્મના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુ મૂળ નાયક સ્વરૂપે હતા. હવે તો અહીં ભગવાન નથી. એ પ્રતિમાઓ હવે જૈનોની વસ્તી છે એ શહેરોમાં શિફ્ટ કરાઈ છે. પણ એક વાત ચોક્કસ છે કે જ્યારે પરમાત્માને અહીંથી ઉપાડાયા હશે ત્યારે તેમનેય આ અદ્વિતીય દેવાલય અને અરણ્ય છોડીને જવાનું ગમ્યું નહીં જ હોય. હવે જોકે અહીં રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. એ જ રીતે ભોળિયા શંભુનું નિવાસસ્થાન પણ અનુપમ છે. મોટા ભાગે અપૂજ રહેતા અહીં લિંગ પર ક્યારેક કોઈ ભક્ત જળાભિષેક કરી જાય છે, પણ નીલકંઠ દરેક પરિસ્થિતિમાં ખુશ છે અને મહાદેવ ખુશ છે એટલે બહાર બેઠેલો પોઠિયો પણ હૅપી છે.

ભારતીયોને બાલી જવાનો બહુ અભરખો છે. ત્યાં જઈને કાળા પથ્થરોથી બનેલાં મંદિરોને પશ્ચાદ ભૂમિમાં રાખી ફોટાય બહુ પડાવે અને સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે. અરે, એવાં લોકેશન આ પોળોના જંગલમાં પણ છે. એક વાર અહીં આવી તો જુઓ!

સમ યુઝફુલ પૉઇન્ટ્સ

માઇન્ડ ઇટ

columnists alpa nirmal