માંગરોળનો ખાદિમપાક

02 November, 2020 10:23 PM IST  |  Mumbai | Pooja Sangani

માંગરોળનો ખાદિમપાક

ખાદિમ પાક

કોપરાપાક તો બધાએ ખાધો હશે, પણ સૌરાષ્ટ્રના આ નાનકડા ગામનો લીલા નારિયેળનો હલવો બહુ પ્રખ્યાત છે. બને એટલો  ફ્રેશ જ ખાવાનો હોવાથી પૌષ્ટિક પણ ખરો. જૂનાગઢથી મેંદરડા તરફ જાઓ તો રસ્તામાં આ નવીન મીઠાઈ વેચતા અઢળક સ્ટૉલ્સ મળી આવશે.

જ્યારે ભોજન, ફરસાણ, મીઠાઈની વાત આવે ત્યારે કોઈને કોઈ શહેર સાથે એનો નાતો જોડાયેલો જ રહે છે અને એ પછી તો એવું થઈ જાય છે કે શહેર અને એની વાનગી એકબીજાના પર્યાય બની જાય છે. ઉહાહરણ  તરીકે કહીએ તો મુંબઈનો આઇસ હલવો, પશ્ચિમ બંગાળના રસગુલ્લા, ખંભાતનાં હલવાસન અને સૂતરફેણી, આગ્રાના પેઠા વગેરે... વગેરે... આ યાદી તો બહુ લાંબી ચાલશે પરંતુ મારે આજે એક એવી મીઠાઈની વાત કરવી છે જે સૌરાષ્ટ્ર પૂરતી જ જાણીતી છે આ મીઠાઈ જો સૌરાષ્ટ્રની બહાર આવે તો સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતમાં છવાઈ જાય એમ છે. અને એ મીઠાઈ છે ખાદિમપાક.


આ તે વળી કેવી મીઠાઈ છે? થયુંને આશ્ચર્ય? હા, સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલા નાનકડા ગામ માંગરોળની પ્રખ્યાત મીઠાઈ એટલે ખાદિમપાક. હા ખાદિમ શબ્દ દરગાહની રખેવાળી અને સેવાકીય પ્રવૃતિ કરતા માણસ સાથે જોડાયેલો શબ્દ છે પરંતુ માંગરોળનો ખાદિમપાક એટલે એક એવી મીઠાઈ જે લીલા નારિયેળના છીણમાંથી બને છે. આજે જરા ખાદિમપાક વિશે અલકમલકની વાતો કરીશું.
દરિયાકાંઠાનો વિસ્તાર હોય એટલે તમે સમજી જ શકો છો કે હંમેશાં ભરપૂર પ્રમાણમાં નારિયેળીનાં વૃક્ષો હોય છે. તમને કલ્પના આવી જ ગઈ હશે કે દરિયાકાંઠાના કોઈ પણ પ્રવાસી સ્થળ કે શહેર તરફ જાઓ ત્યારે નારિયેળીની હારમાળા જોવાની એક અલગ જ મજા છે. આપણે વાહનમાં પસાર થતા હોઈએ અને રસ્તાની બન્ને બાજુ નારિયેળીનાં વૃક્ષોની હારમાળા હોય તો અને લીલાં નારિયેળ ઝૂલતાં હોય ત્યારે એ દૃશ્ય કેટલું સરસ લાગે છે. નારિયેળની સુંદરતા સાથે એનો ઉપયોગ એટલો બધો છે કે તમને જાણીને આશ્ચર્ય થશે.
લીલા નારિયેળનું પાણી તો સૌએ પીધું જ હશે પરંતુ નારિયેળના વૃક્ષ પરથી વહેલી સવારે તાડી નીકળે છે અને બપોર પહેલાં તાડી પીવાથી એનાથી શારીરિક ફાયદાઓ ખૂબ થાય છે. શરીરને સ્ફૂર્તિ, તાકાત મળે છે અને ખરાબ તત્ત્વો નીકળી જાય છે. તાડીમાં પાણી ભેળવીને શહેરોમાં મોકલવામાં આવે છે અને એને ‘નીરો’ કહેવામાં આવે છે. નારિયેળનું પાણી શક્તિવર્ધક હોય છે અને બીમાર માણસને હંમેશાં પીવાનું કહેવામાં આવે છે. નારિયેળના પાણીમાં ઘણી જગ્યાએ લીંબુ અને ચાટ મસાલો આપીને પીરસવામાં આવે છે. બહુ સરસ લાગે છે. પાણી પીધા બાદ નારિયેળમાંથી મલાઈ નીકળે છે એ પણ ખૂબ ટેસ્ટી લાગે છે. નારિયેળનાં છોડિયાંને તડકામાં સૂકવી દઈ એમાંથી જે રેસા નીકળે છે એમાંથી કાથીની દોરી બને છે અને દોરીનો ઉપયોગ નાની-મોટી વસ્તુઓ બાંધવા, પગલુછણિયાં બનાવવા અને દોરડા તરીકે થાય છે. પછી લીલું નારિયેળ સુકાઈ જાય એટલે એ શ્રીફળ કહેવાય છે. એ એક પવિત્ર ફળ ગણાય છે જેને હંમેશાં ભગવાનને અર્પણ કરવામાં અને પછી પ્રસાદ તરીકે સર્વત્ર માન્ય છે. નારિયેળની કાચલીમાંથી પણ રમકડાં કે બીજી વસ્તુઓ બનાવવામાં આવે છે. એટલે સમજો ને કે નારિયેળના ફળથી લઈને કાચલી સુધીની તમામ વસ્તુઓનો ઉપયોગ થાય એવું આ ફળ છે.
નારિયેળની વાત ઉપરથી આપણને હંમેશાં કોપરાપાક યાદ આવે છે. કોપરું એટલે શ્રીફળ પરંતુ કોપરાપાક મોટા ભાગે સૂકા નારિયેળના છીણમાંથી બને છે. પરંતુ જો ખાદિમપાકની વાત કરું તો એ લીલા નારિયેળના છીણમાંથી બનાવવામાં આવતી વાનગી છે જેની સાથે માવો, ખાંડ, બદામ અને બીજા સૂકા મેવા નાખીને તૈયાર કરવામાં આવે છે. એનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે ન પૂછો વાત અને બીજું કે બીજી દૂધની મીઠાઈની જેમ એની કોઇ સાઇડ ઇફેક્ટનો પણ ડર રાખવાનો નથી. એક સપ્તાહથી વધુ સાચવવાનો હોતો નથી અને જે ગુણ નારિયેળના છે એ તમામ ગુણ ખાદિમપાકના છે. હવે ખાદિમપાક ક્યાં મળે એની પણ વાત અનોખી છે.
સૌરાષ્ટ્રના પ્રખ્યાત સાસણ ગીર સિંહ અભયારણ્ય જવું હોય તો રાજકોટ વાયા જૂનાગઢ થઈને જવાનું રહે છે. જૂનાગઢની હદ પૂરી થાય અને હાઇવે શરૂ થાય એટલે રસ્તા ઉપર મીઠાઈનાં ખોખાં ઝુમ્મરની જેમ લટકાવેલાં જોવા મળશે. આ ખોખાંના ઝુમ્મરની નીચે કાં તો લારી અથવા તો લોડીંગ રિક્ષા ઊભી હોય છે અને ત્યાં લીલા નારિયેળ અને ખાદિમપાકના બૉક્સ ઉપરાછાપરી ગોઠવેલાં હોય છે. તમે છેક મેંદરડા સુધી જાઓ ત્યાં સુધી નિયમિત અંતરે ખાદિમપાક વેચવાવાળાઓ અને ત્યાં ખરીદવા આવેલા લોકોની ભીડ જોવા મળે છે. પરંતુ મૂળ આ વાનગી જૂનાગઢ જિલ્લાના નગર માંગરોળની છે જે દરિયાકિનારે આવેલું છે અને મુસ્લિમ બિરાદરોની નોંધપાત્ર વસ્તી છે. ત્યાં દરિયાકિનારે મોટા પ્રમાણમાં નારિયેળીનો પાક થતો હોવાથી ખાદિમપાક આ ભૂમિની તાજી પેદાશ છે. એવું કહેવાય છે કે આ નારિયળનો ઉપયોગ કરવા માટે ખાદિમપાકની શોધ કરવામાં આવી હતી અને આ મીઠાઈ એવી છે કે એના બારેમાસ ઉત્પાદન અને વપરાશ થાય છે.
માંગરોળ શહેરમાં જાઓ તો એક પણ મીઠાઈ કે ફરસાણની દુકાનો એવી નહીં હોય જ્યાં ખાદિમપાક બનતો કે વેચાતો નહીં હોય. બીજું, એ શહેરમાં કેટલાક મીઠાઈ ઉત્પાદકો એવા છે જે જથ્થાબંધ ખાદિમપાક બનાવે છે અને જૂનાગઢ અને એની આસપાસના વેપારીઓ, ફેરિયાઓ અને ફરસાણના દુકાનદારો વેચવા માટે લઈ જાય છે. લીલા નારિયેળનું છીણ, દૂધનો માવો, ખાંડ અને બદામનો છૂટથી ઉપયોગ થતો હોવા છતાં એની વધુમાં વધુ કિંમત ૩૬૦ પ્રતિ કિલોની હોય છે. આથી ગરીબ-તવંગર તમામ વર્ગના લોકોમાં એ પ્રિય છે.
જુનાગઢમાં ‘શ્રી હરિઓમ પેંડાવાળા’ નામે દુકાન ધરાવતા રાજુભાઈ જણાવે છે કે ‘ખાદિમપાક શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવે છે. અમે જૂનાગઢના વેપારીઓ શુદ્ધ ઘી તથા અન્ય સામાન માંગરોળ મોકલી દઈએ અને ત્યાંના નિષ્ણાત કારીગરો સ્થાનિક નારિયેળનો ઉપયોગ કરીને અમને બનાવીને મોકલી આપે છે એટલે અમે એનું વેચાણ કરીએ છીએ. એની કિંમત ૩૬૦ પ્રતિ કિલો હોય છે. માંગરોળ નગર ખૂબ નાનું છે અને ત્યાં પંદર જેટલી દુકાનો છે જ્યાં ખાદિમપાક એટલે કે લીલા નારિયળનો હલવો બને છે અને વેચાય પણ છે. ત્યાં ખાદિમ સ્વીટ્સ, આર. કે. સ્વીટ્સ નામની દુકાનો છે ત્યાંનો ખાદિમપાક ખૂબ વખણાય છે. અમે એને જરૂર પૂરતી માત્રામાં જ બનાવડાવીએ છીએ, કારણ કે લીલા નારિયળના આ હલવામાં પાણીની માત્રા સૂકા નારિયળ કરતાં વધારે હોય છે અને એ પોચો હોય છે જેથી એ પાંચ દિવસમાં બગડી જાય છે અને ફ્રિજમાં મૂકીએ તો કડક થઈ જવાથી સ્વાદિષ્ટ રહેતો નથી. જૂનાગઢમાં ખૂબ વખણાય છે, પરંતુ બહારના લોકો માટે આ એક નવીન મીઠાઈ છે.’
ઘણા સાસણ ગીર જતા પ્રવાસીઓ જંગલ સફારી કરવાની હોય ત્યારે આ ખાદિમપાક સાથે લઈ જાય છે. આ મીઠાઈનાં બે કે ત્રણ ચકતાં લઈ લો એટલે એક ટંકના ભોજન જેટલું પેટ ભરાઈ જાય છે અને સરળતાથી પચી પણ જાય છે. એની કોઈ મુખ્યત્વે આડઅસર નહીં હોવાથી તબિયતને પણ વાંધો આવતો નથી. અલબત્ત, ડાયાબિટીઝવાળા કે અન્ય ઍલર્જી ધરાવતા લોકોએ તો ધ્યાન રાખવાનું રહે જ છે. પરંતુ કમનસીબી એ વાતની છે કે માંગરોળની આટલી પ્રખ્યાત વાનગી હોવા છતાં ગુજરાતનાં બીજાં શહેરોમાં ઉપલબ્ધ નથી.

Gujarati food columnists